સિંધી નસ્ર જી તારીખ (1968) : મંઘારામ ઉધારામ મલકાણી(1896)નો સિંધી ગદ્યનો ઇતિહાસ. 1853થી 20મી સદીમાં 1947ના ભારતના વિભાજન સુધીના સિંધી ગદ્યસાહિત્યની પ્રગતિ અને પ્રવૃત્તિઓનો સવિસ્તર અહેવાલ તેમાં સંગૃહીત છે. તે ગ્રંથને 1969ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો હતો.

તેમાં પ્રકાશિત નવલિકા, નવલકથા, નાટક, એકાંકી, વિવેચન, નિબંધ, સાહિત્યિક પત્રકારત્વ વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે 1853થી 1947 સુધીમાં સિંધી ભાષામાં પ્રકાશિત સમગ્ર ગદ્ય-સાહિત્યનું વિહંગાવલોકન આ ગ્રંથમાં છે. સિંધી ભાષાનો પ્રાકૃત અને સંસ્કૃત સાથેનો સંબંધ અને લિપિની સમસ્યા થતાં માત્રાઓનો વિવાદ વગેરે વિષયની છણાવટ તેમાં જોવા મળે છે. વળી તે સામાજિક પરિવર્તન, નવચેતના, સ્વતંત્રતા-આંદોલન અને વિભાજનની વિભીષિકાનો ગ્રંથ બની રહે છે.

તે 7 પ્રકરણનો બનેલો છે. પ્રથમ પ્રકરણ પૂર્વ-બ્રિટિશકાળના સિંધી ગદ્ય વિશે અને બાકીનાં 6 પ્રકરણોમાં ઇતિહાસ, ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ, વિવેચન, નાટક, એકાંકી વગેરેની ચર્ચાનો સમાવેશ થાય છે. તેમણે સિંધી ભાષાની લિપિની ચર્ચા કરીને નવી અરબી-સિંધી લિપિમાં પ્રાચીન ગદ્ય લખાણો ધરાવતો સિંધી ગદ્યનો પ્રથમ ગ્રંથ રચ્યો છે. તેમાં યુરોપિયન તેમજ ભારતના વિદ્વાનોએ સિન્ધી વ્યાકરણ તેમજ શબ્દકોશ વિશે જે ચર્ચાવિચારણા કરી છે તેની અતિઉપયોગી માહિતી મળી રહે છે. બાકીનાં પ્રકરણોમાં ગ્રંથો અને લેખકોની વિગતો દર્શાવતા ગદ્યની વિવિધ શાખાઓમાં મૂળમાંથી ઉદાહરણાત્મક ફકરાઓનો તથા વસ્તુ અને શૈલી પરનો લેખકના વિવેચનાત્મક અભિપ્રાયનો સમાવેશ કરાયો છે. સિંધી નાટક અને એકાંકીનું પ્રકરણ સૌથી મહત્ત્વનું છે. તે વાસ્તવમાં સિંધી નાટકનો ટૂંકો ઇતિહાસ બની રહે છે. સિંધી ગદ્યનો ઇતિહાસ લખવાનો આ તેમનો પ્રથમ પ્રયત્ન છે, જે સિંધીમાં ગદ્યસાહિત્યના ભાવિ ઇતિહાસકારોને માટે અગત્યનો સંદર્ભગ્રંથ બની રહે એવો છે.

આમ ‘સિંધી નસ્ર જી તારીખ’ સિંધી ગદ્ય-ઇતિહાસનો પાયાનો ગ્રંથ બને છે. સ્વાધ્યાયયુક્ત સંશોધન અને મૂલ્યાંકનની પરિપક્વતાને કારણે આ કૃતિ સિંધી સાહિત્યમાં અનોખું સ્થાન ધરાવે છે.

જયન્ત રેલવાણી

બળદેવભાઈ કનીજિયા