સિંદૂર : સીસા(લેડ)નો ચળકતા લાલ રંગનો પાઉડરરૂપ ઑક્સાઇડ. તે રેડ લેડ, લેડ ટેટ્રૉક્સાઇડ, મિનિયમ (minium) તેમજ ડાઇલેડ (II) લેડ (IV) ઑક્સાઇડ તરીકે પણ ઓળખાય છે. લિથાર્જ (litharge)[લેડ (II) ઑક્સાઇડ(PbO)]ને પરાવર્તની (reverberatory) ભઠ્ઠીમાં હવાના પ્રવાહમાં 450°થી 500° સે. તાપમાને ગરમ કરીને તે બનાવવામાં આવે છે. તેનો એક અસામાન્ય ગુણ એ છે કે તે ગરમ હોય ત્યારે કાળો અને ઠંડો હોય ત્યારે લાલ-નારંગી હોય છે.

તે પાણીમાં અદ્રાવ્ય પણ ઍસિડમાં સહેજ દ્રાવ્ય પદાર્થ છે. ઘનતા 8.924 ગ્રા./ઘ. સેમી. 500° સે.થી વધુ તાપમાને તે વિઘટન પામી લેડ (II) ઑક્સાઇડમાં ફેરવાય છે. તે એક અતત્ત્વપ્રમાણમિતીય (non-stoichiometric) સંયોજન છે અને તેના સૂત્રથી દર્શાવ્યા કરતાં તેમાં ઓછો ઑક્સિજન હોય છે. મહદ્અંશે તે સહસંયોજક-સંયોજન છે અને Pb (II) પરમાણુઓ વડે જોડાયેલાં અષ્ટફલકીય (octahedral) Pb(IV)O6 સમૂહો ધરાવે છે. તે ઉપચયનકર્તા તરીકે વર્તે છે.

તેનો ઉપયોગ સંગ્રાહક (storage) બૅટરી, કાચ, વાર્નિશ, આલ્કોહૉલનું શુદ્ધીકરણ, સિરેમિક ગ્લેઝ અને મીનાકારી(ena-melling)માં થાય છે. પ્રવાહક (flux) તેમજ સક્રિયકારક (activator) તરીકે પણ તે વપરાય છે. રબરના વલ્નીકરણ-(vulcanization)માં તેમજ કુદરતી અને કૃત્રિમ રબર તેમજ પ્લાસ્ટિકમાં વર્ણક (pigment) તરીકે પણ તે ઉપયોગમાં લેવાય છે. તેના કાટ-નિરોધક (rust inhibitive) ગુણને કારણે તે રંગ-ઉદ્યોગમાં પ્રાઇમર(primer)માં વર્ણક તરીકે વધુ વપરાતો હતો, પણ લેડની વિષાળુતાને કારણે તેનો ઉપયોગ હવે ઘટતો જાય છે.

જ. દા. તલાટી