સિંધ : પાકિસ્તાનના દક્ષિણ ભાગમાં આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે 25° 30´ ઉ. અ. અને 69° 00´ પૂ. રે.ની આજુબાજુનો 1,40,914 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને પશ્ચિમે બલૂચિસ્તાન, પૂર્વ તરફ રાજસ્થાન તથા દક્ષિણે ગુજરાત અને અરબી સમુદ્ર આવેલાં છે.

સિંધ

ભૂપૃષ્ઠ : સિંધ પ્રાંતનો સમગ્ર ઉત્તર-દક્ષિણ વિભાગ સિંધુ નદીએ પાથરેલા કાંપના મેદાની પ્રદેશથી બનેલો છે. પશ્ચિમે બલૂચિસ્તાનની સીમા સુધી કિરથાર હારમાળા અને પૂર્વ તરફ રણપ્રદેશ છે. હૈદરાબાદ નજીક ચૂનાખડકથી બનેલી ટેકરીઓ આવેલી છે. સિંધુ નદીના કાંઠાની આજુબાજુ દક્ષિણતરફી આછા ઢોળાવવાળો કાંપનો સમતળ મેદાની પ્રદેશ છે, તે ત્રણ ભાગમાં વહેંચાયેલો છે : ઉત્તર તરફ સીરો, મધ્યમાં વિચોલ અને દક્ષિણે લાર. પશ્ચિમે આવેલી કિરથાર હારમાળા ત્રણ સમાંતર વિભાગો રચે છે. તે મોટેભાગે ઉજ્જડ અને વેરાન છે. પૂર્વ ભાગમાં આવેલો રણપ્રદેશ તેના ઉત્તર ભાગમાં ઓછી ઊંચાઈવાળા રેતીના ઢૂવાથી અને દક્ષિણ ભાગમાં મેદાની પ્રદેશથી બનેલો છે. દક્ષિણ ભાગ અચરો થર કહેવાય છે, તેનો રણભાગ શ્ર્વેત રેતીથી બનેલો છે. અગ્નિભાગમાં થરનું રણ છે. દરિયાકિનારાનો ભાગ કળણવાળો છે.

જળપરિવાહ : સિંધુ નદી અહીંની એકમાત્ર મહત્ત્વની મોટી નદી છે, આ પ્રદેશમાં તેને બીજી કોઈ સહાયક નદી મળતી નથી. સિંધના દક્ષિણ ભાગમાં અસંખ્ય સરોવરો અને તળાવો આવેલાં છે, આ સરોવરો/તળાવો ‘ધાન્ડ’ નામથી ઓળખાય છે.

આબોહવા : સિંધની આબોહવા ઉષ્ણકટિબંધીય પ્રકારની હોવાથી ઉનાળા ગરમ અને શિયાળા ઠંડા રહે છે. ઉનાળાનું સરેરાશ તાપમાન 35° સે. જેટલું રહે છે. જેકોબાબાદની ઉત્તરે તાપમાન 49° સે. સુધી પહોંચી જાય છે. શિયાળાનું સરેરાશ તાપમાન 16° સે. જેટલું રહે છે, જ્યારે જેકોબાબાદથી દક્ષિણે આવેલા શિકારપુર ખાતે તાપમાન 0° સે.થી પણ નીચે ચાલ્યું જાય છે. વરસાદ ખૂબ જ અનિયમિત રહે છે, અહીંનો સરેરાશ વરસાદ 200 મિમી. જેટલો પડે છે.

વનસ્પતિજીવન-પ્રાણીજીવન : અરબી સમુદ્રના કંઠાર-વિભાગમાં, ખાડીમાં તેમજ નાના ટાપુઓમાં ચેર(મેંગ્રૉવ)નાં વૃક્ષોનું પ્રમાણ અધિક છે. કિનારા નજીકના પ્રદેશમાં થોડાંઘણાં જંગલો આવેલાં છે. રણપ્રદેશની આબોહવા, રેતાળ જમીન અને ઓછા વરસાદને કારણે અહીં બાવળ, બોરડી અને થોર જેવી કાંટાળી વનસ્પતિનું પ્રમાણ વિશેષ છે.

પશ્ચિમના પહાડી પ્રદેશ કિરથારમાં જંગલી ઘેટાં-બકરાં, કાળાં રીંછ તથા તદ્દન ઓછી સંખ્યામાં ચિત્તા જોવા મળે છે. પૂર્વ તરફના રણપ્રદેશમાં અગાઉ પિરાંગ (large tiger cat) જોવા મળતી હતી; પરંતુ હવે તેનું અસ્તિત્વ રહ્યું નથી. પહાડોના તળેટીભાગોમાં હરણ, શિયાળ, જરખ અને વરુ નજરે પડે છે. વિવિધ પ્રકારનાં કાચિંડા, ગરોળીઓ અને સાપ/નાગ(કોબ્રા, લુન્ડી અને પિયન)નું પ્રમાણ વધુ છે. નજીકના સમુદ્રજળમાં તેમજ નદીનાળાંમાં મગર, ડૉલ્ફિન, બ્લૂ વહેલ અને માછલાં જોવા મળે છે. સિંધુ નદીના વિપુલ જળપુરવઠામાંથી મીઠા પાણીની માછલીઓ, જ્યારે દરિયાકિનારાના ભાગોમાંથી ખારા પાણીની માછલીઓ મેળવાય છે. તેમાં પ્રૉન, શ્રીંપ, પ્રૉમ્ફ્રેટ, પાલા, ખાગ્ગા જેવી માછલીઓનો સમાવેશ થાય છે.

અર્થતંત્ર : સિંધનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર આધારિત છે. અહીં ઊભી કરાયેલી સિંચાઈ-યોજનાઓની મદદથી કૃષિપાકો લેવાય છે. અહીંની મુખ્ય સિંચાઈ-યોજનાઓમાં સક્કર બૅરેજ, કોટરી-બંધ અને ગુડુ-બંધનો સમાવેશ થાય છે. શિકારપુર અને લારખાના અહીંના સૌથી વધુ ફળદ્રૂપ પ્રદેશો ગણાય છે.

જ્યાં સિંચાઈ ઉપલબ્ધ છે ત્યાં અનાજ, શેરડી, કપાસ, તમાકુ અને તેલીબિયાંનું ઉત્પાદન લેવાય છે. નદીકાંઠાની ફળદ્રૂપ જમીનોમાં કેરી, કેળ, ચીકુ, સંતરાં અને જામફળની વાડીઓ આવેલી છે. ખેતીની સાથે પશુપાલન પણ થાય છે. ગાય, ભેંસ, ઘેટાં-બકરાં અને ઊંટ અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. રાતી સિંધી ગાય અને થરી જાતિની ગાય વધુ દૂધ આપે છે. સકરાઈ તેમજ દિયાઈ ઊંટો ઉત્તમ ઓલાદનાં ગણાય છે.

કરાંચી અને હૈદરાબાદ અહીંનાં મહત્ત્વનાં ઔદ્યોગિક શહેરો છે. અહીં સુતરાઉ કાપડ, સિમેન્ટ, ખાંડ, ખાદ્યપદાર્થો, રસાયણો, ઇજનેરી માલસામગ્રી, સિગારેટ, દીવાસળી અને કાચના એકમો આવેલા છે. આ પ્રાંતમાં માટીનાં પાત્રો, ટાઇલ્સ, ચામડાની બનાવટો, જાજમ, ભરતગૂંથણની વસ્તુઓ બનાવતા ગૃહઉદ્યોગો પણ વિકસેલા છે.

સિંધના જુદા જુદા ભાગોમાંથી કૅલ્શાઇટ, બૉક્સાઇટ, મૃદ, ચિરોડી, ચૂનાખડકો, ચૉક, ડોલોમાઇટ, બેન્ટોનાઇટ, ગંધક, સિલિકા-રેતી, ચકમક અને ખનિજતેલ મળે છે. આ ઉપરાંત કોલસો, ચિનાઈ માટી, સિંધવ, મીઠું તથા સૂઈ ક્ષેત્રમાંથી કુદરતી વાયુ પણ મેળવાય છે.

કરાંચી સિંધ પ્રાંતનું મુખ્ય શહેર છે, તે લાહોર સાથે રેલ અને સડકમાર્ગથી જોડાયેલું છે; વળી તે કુદરતી બારાની સુવિધાવાળું હોવાથી પાકિસ્તાન માટે મહત્ત્વનું બંદર બની રહેલું છે. કરાંચી ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ છે. સિંધુ નદી આ પ્રાંતમાંથી પસાર થતી હોવાથી તે જળમાર્ગવ્યવહાર માટે પણ ઉપયોગી નીવડે છે.

વસ્તી લોકો : 1998 મુજબ સિંધ પ્રાંતની વસ્તી અંદાજે 2,99,91,000 (આશરે 3 કરોડ) જેટલી છે. સિંધમાં રણપ્રકારની આબોહવાની અસર રહેતી હોવાથી અહીંના લોકો અગાઉ ભટકતું જીવન ગાળતા હતા, તેથી અહીં વસતા લોકો મોટેભાગે મિશ્રજાતિના છે. અહીંનાં મૂળ જાતિ-જૂથોમાં મુહાનાસ, મેડસ, સંમાસ, લાપાસ, રહાસ, સહતાસ, લોરાસ, લોહાણા, નિગામેરાસ, ચન્નાસ, ભટ્ટી, રાજપૂત, ઠાકુર, જાટ, બલૂચ, જોખિયા અને બુરફત લોકોનો સમાવેશ થાય છે. મુસ્લિમોના આગમન પછી અહીં આરબ, ઈરાની અને તુર્કી પ્રજાનાં વિવિધ જૂથો પણ સ્થાયી થયાં છે. તેરમી સદીમાં બલૂચ લોકોએ પણ અહીં સ્થળાંતર કર્યું છે.

અહીંની મુખ્ય ભાષાઓ સિંધી, સેરાઈકી અને બલૂચી છે. ઉત્તર વાયવ્ય પ્રાંતના સરહદી ભાગમાં બ્રાહુઈ ભાષા, થરપારકરના વિસ્તારમાં સિંધી અને રાજસ્થાની મિશ્ર ભાષા તથા શહેરી વિસ્તારોમાં ઉર્દૂ, પંજાબી, ગુજરાતી, રાજસ્થાની અને પુશ્તુ ભાષાઓ બોલાય છે. અહીં શિક્ષણનું માધ્યમ મોટેભાગે સિંધી અને અંગ્રેજી છે.

કરાંચી ખાતે કરાંચી યુનિવર્સિટી અને સરકારી મુદ્રણાલય તથા હૈદરાબાદ ખાતે સિંધ યુનિવર્સિટી આવેલાં છે. સિંધી અદાબી સંસ્થા દ્વારા સિંધી સંસ્કૃતિ વિશે અનેક પ્રકાશનો બહાર પડ્યાં છે. હૈદરાબાદ ખાતે મ્યુઝિયમ અને પુસ્તકાલય પણ છે.

ઇતિહાસ : ઈ. પૂ. 3000 વર્ષ અગાઉના સિંધના લારખાના જિલ્લામાં આવેલા મોહેં-જો-દડો(મરેલાનો ટેકરો)માંથી હડપ્પીય સંસ્કૃતિ(સિંધુ ખીણની સંસ્કૃતિ)ના અવશેષો મળી આવ્યા છે. સિંધમાં ઝાંગાર, ઝૂકરજો દડો, ચાન્હુ દડો, અમરી સહિત બીજાં ઘણાં સ્થળોએથી હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. ઈ. સ. 1922માં રાખાલદાસ બેનર્જીએ અને તે પછી માધો સરૂપ વત્સ, કે. એન. દીક્ષિત વગેરે પુરાતત્ત્વવિદોએ આ અવશેષો શોધી કાઢ્યા છે. ત્યાંના લોકોની નગરરચના શ્રેષ્ઠ હતી. વૈજ્ઞાનિક પદ્ધતિથી કરેલી નગરરચના તે લોકોના ઇજનેરી કૌશલ્યનો પરિચય કરાવે છે. એના જેવી ભૂગર્ભ ગટર-યોજના પ્રાચીન સમયની દુનિયાની બીજા કોઈ પણ દેશની સંસ્કૃતિમાં ન હતી. નગરના દરેક મકાનમાં એક સ્નાનાગાર હતું. તે આપણા પૂર્વજોની સ્વચ્છતાની સાખ પૂરે છે. ઈ. પૂ. ચોથી સદીમાં મેસિડોનિયાના સિકંદરે આ પ્રદેશ પર આક્રમણ કરી, કેટલાક પ્રદેશો કબજે કર્યા હતા. ત્યારબાદ સ્થાનિક રાજાઓ ત્યાંનો વહીવટ સંભાળતા હતા. ચીની યાત્રી યુઆન શ્વાંગે ઈ. સ.ની 7મી સદીમાં ભારતની મુલાકાત લીધી હતી. તેના જણાવવા મુજબ તે સમયે સિંધ એક સ્વતંત્ર રાજ્ય હતું. તે વખતે ત્યાં કોઈ શૂદ્ર રાજા શાસન કરતો હતો. તે વંશના છેલ્લા રાજા સહસીના અવસાન બાદ તેના બ્રાહ્મણ મંત્રી ચચે તેની વિધવા સાથે લગ્ન કર્યું અને સિંધની રાજગાદી હસ્તગત કરી. ચાલીસ વર્ષના તેના દીર્ઘ શાસન દરમિયાન તેના રાજ્યનો વિસ્તાર વધ્યો અને તેની સીમા કાશ્મીર સુધી પહોંચી. ચચ તેની પ્રજામાં અપ્રિય બન્યો હતો. ચચના ભાઈ ચંદ્ર પછી તેનો પુત્ર દાહિર ગાદીએ બેઠો. ભૂતપૂર્વ રાજવંશના સામંતો તેના વિરોધી હતા. દક્ષિણ સિંધ પર તેનો પ્રભાવ રહ્યો ન હતો. રાજ્યની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ હતી. વહીવટી તંત્ર નબળું અને અપ્રિય હતું. આ પરિસ્થિતિમાં ઇરાકી સૂબા હજ્જાજે ઈ. સ. 712માં મોહમ્મદ-બિન-કાસિમને (ક) પોતાની પ્રદેશ-લાલસા સંતોષવા, (ખ) અઢળક ધન લૂંટી લાવવા અને (ગ) ઇસ્લામનો પ્રચાર કરવા વાસ્તે સિંધ પર આક્રમણ કરવા મોકલ્યો. તેણે દેવલ બંદરનો કિલ્લો તોડ્યો. તેના મંદિરનું રક્ષણ કરતાં આશરે 4000 હિંદુઓ મરાયા. ત્યાંથી આગળ રાવાર મુકામે સિંધના રાજા દાહિરે આરબ લશ્કરનો સખત સામનો કર્યો. દાહિર ઘવાયો અને મરણ પામ્યો. પછી રાણીની આગેવાની હેઠળ કિલ્લામાંની બધી સ્ત્રીઓએ ‘જૌહર’ કર્યાં. મોહમ્મદ-બિન-કાસિમે દાહિરનો અમૂલ્ય ખજાનો લૂંટી લીધો. સિંધમાં આરબોનું શાસન સ્થપાયું (ઈ. સ. 713). ત્યારથી આશરે 150 વરસ સુધી સિંધ ખલીફાના શાસન હેઠળ રહ્યું. તે દરમિયાન આરબ શાસકો હિંદુઓ પ્રત્યે સહિષ્ણુ બન્યા. આરબ શાસકોની વ્યવહારુ રાજનીતિ અને ધાર્મિક ઉદારતાને કારણે આરબ અને હિંદુ સંસ્કૃતિના સમન્વયની શરૂઆત થઈ. ભારતના ઇતિહાસમાં સિંધ પર આરબવિજય એક સાધારણ ઘટના હતી. ભારતના રાજકીય ઇતિહાસ પર તેનો કોઈ ઉલ્લેખનીય પ્રભાવ પડ્યો ન હતો.

સિંધના દક્ષિણના પ્રદેશમાં સૂમરા જાતિના આહીર લોકો રહેતા હતા. તેમણે દક્ષિણ સિંધમાં પોતાની સત્તા સ્થાપી હતી. ઈ. સ. 1010માં મહમૂદ ગઝનવીએ મુલતાન તથા તળ સિંધમાં આવેલા મનસૂરા ઉપર તેનો કબજો જમાવ્યો. મહમૂદ ગઝનવીના પુત્ર મસઊદના શાસન દરમિયાન સૂમરાઓએ બળવો કરી પોતાની જાતિના એક શખસને પોતાનો શાસક નીમ્યો. સૂમરાઓ મૂળ પરમાર જાતિમાંના હિંદુ હતા અને પાછળથી ઇસ્લામ અંગીકાર કર્યો હતો. તેમણે પાંચસો જેટલાં વરસ સુધી શાસન કર્યું હોવાનું જણાય છે. ઈ. સ. 1351માં દિલ્હીનો સુલતાન મોહમ્મદ તુગલુક બળવાખોર તગીનો પીછો કરવા સિંધમાં ગયો ત્યારે ત્યાં સમ્મા વંશ સત્તા ઉપર હતો. સમ્માઓ મૂળ યાદવ-વંશના હતા એમ મનાય છે. તેઓએ ઇસ્લામ અંગીકાર કરી, તે પ્રદેશમાં એ મજહબનો પ્રચાર પણ કર્યો હતો. તેમના શાસકોએ ‘જામ’ ખિતાબ અપનાવ્યો હતો. તેમાંના પ્રથમ ત્રણે ખંડણી ભરીને સુલતાન મોહમ્મદ તુગલુકનું આધિપત્ય સ્વીકાર્યું હતું; પરંતુ પાછળથી ત્રીજાએ બંડખોર તગીને આશ્રય આપી દિલ્હીના સુલતાન પ્રત્યેની પોતાની વફાદારી ફગાવી દીધી હતી. તેના ઉત્તરાધિકારી તિમાજીએ દિલ્હીના સુલતાન ફીરોઝશાહ તુગલુકને તાબે રહેવાનું સ્વીકાર્યું હતું. તીમૂરના આક્રમણ (1398-99) બાદ દિલ્હી સલ્તનતનો વિસ્તાર ઘટી જવાથી, સિંધના જામ શાસકો સ્વતંત્ર થઈ ગયા હતા. તે પછીના ત્યાંના શાસકોનો પૂરો ઇતિહાસ અપ્રાપ્ય છે. ઈ. સ. 1461માં નિઝામુદ્દીન નામનો જામ શાસક નંદા નામથી જાણીતો હતો. તેણે ઈ. સ. 1508 સુધી રાજ કર્યું. નંદાનો પુત્ર જામ ફીરોઝ 1508માં સિંધની ગાદીએ બેઠો. કંદહારના શાસક શાહ બેગ અર્ગૂને દક્ષિણ સિંધનો પ્રદેશ જીતી ત્યાંનો સુલતાન થયો. શાહ બેગ અર્ગૂન ઈ. સ. 1522માં મરણ પામ્યો. પછી તેનો પુત્ર શાહ હુસેન તેનો ઉત્તરાધિકારી બન્યો. તેના વારસોનું શાસન 1592 સુધી ચાલ્યું. તે પછી તે મુઘલ સામ્રાજ્યમાં ભળી ગયું.

મુઘલ સમ્રાટ હુમાયૂંના સમયથી ઈ. સ. 1749 સુધી એટલે કે આશરે 200 વર્ષ સુધી સિંધ મુઘલ સામ્રાજ્યનો એક પ્રાંત હતો. ઈ. સ. 1740માં નાદીરશાહે સિંધ ઉપર હુમલો કર્યો. ઈ. સ. 1749થી સિંધના અમીરો દિલ્હીના બાદશાહને બદલે અફઘાનિસ્તાનના શાસકને ખંડણી મોકલવા લાગ્યા. તેઓ નામમાત્રના જ અફઘાનિસ્તાનના ખંડિયા હતા. ત્યારબાદ આશરે 90 વર્ષ સુધી સિંધના અમીરો પોતાના દેશના સ્વતંત્ર શાસકો હતા. સમગ્ર સિંધ ઉપર બલૂચિસ્તાનની તાલપુરા જાતિના અમીરોનું શાસન હતું. તેમાં ખૈરપુર, મીરપુર અને હૈદરાબાદ તેનાં મુખ્ય મથકો હતાં. ખૈરપુરના અમીરનું આધિપત્ય અન્ય અમીરો સ્વીકારતા હતા.

ભારતના બ્રિટિશ ગવર્નર-જનરલ લૉર્ડ ઑકલેન્ડે સિંધના અમીરોને અપમાનજનક સંધિ કરવાની ફરજ પાડી હતી. તેના પછી આવેલા ગવર્નર-જનરલ એલનબરોએ બ્રિટિશ લશ્કર મોકલી સિંધનો ઇમાનગઢનો કિલ્લો જીતી લીધો. બ્રિટિશ રેસિડેન્ટ સર ચાર્લ્સ નેપિયરનાં અત્યાચારી કાર્યોથી ત્રાસીને સિંધના અમીરોએ હૈદરાબાદમાં (સિંધના) બ્રિટિશ રેસિડેન્સી પર હુમલો કર્યો. મિયાણી ખાતે થયેલા યુદ્ધમાં સિંધના અમીરોનો અંગ્રેજો સામે પરાજય થયો. ઑગસ્ટ, 1843માં સિંધને બ્રિટિશ સામ્રાજ્યમાં ખાલસા કરવામાં આવ્યું. સિંધની સ્વતંત્રતાનો અંત આવ્યો અને અંગ્રેજોને તેમનો માલ વેચવાનું વિશાળ બજાર મળી ગયું. અંગ્રેજોએ સિંધના અમીરોનું સોનું, ચાંદી, કીમતી ઝવેરાત વગેરે લૂંટી લીધું. સિંધ ઉપર આક્રમણ કરવાનું કારણ અંગ્રેજોએ ઇરાદાપૂર્વક ઊભું કર્યું હતું અને અંગ્રેજોની સિંધ પ્રત્યેની નીતિ નૈતિક રીતે અક્ષમ્ય હતી. અંગ્રેજોએ સિંધને મુંબઈ ઇલાકામાં ભેળવી દીધું. 1935ના હિંદ સરકારના ધારાનો અમલ થયો ત્યારે સિંધની વસ્તી માત્ર 45 લાખ હતી. તેમાંના 71 ટકા મુસ્લિમ અને 27 ટકા હિંદુ હતા. બ્રિટિશ શાસકોએ માત્ર કોમી કારણો હેઠળ મુંબઈ ઇલાકામાંથી તેને છૂટો કરીને અલગ સિંધ પ્રાંત બનાવ્યો હતો. ત્યાં સિંધ આઝાદ પક્ષ, સિંધ હિંદુ સભા, સિંધ મુસ્લિમ પક્ષ અને સિંધ યુનાઇટેડ પક્ષ 1937ની ચૂંટણી વખતે સક્રિય હતા. સર ગુલામ હુસેન હિદાયતુલ્લા, ખાન બહાદુર અલ્લાબક્ષ અને મીર બંદે અલિખાને એક પછી એક પ્રાંતિક સરકારની રચના કરી હતી. 1942ની ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન કરાંચીમાં શાળા, કૉલેજો બંધ કરાવવા પિકેટિંગ અને દેખાવો કરવામાં આવ્યા હતા. વિદેશી કાપડની હોળી કરવી તથા તાર-ટેલિફોનનાં દોરડાં કાપવામાં આવ્યાં હતાં. શિકારપુર અને ગરિયાસીનની પોસ્ટ ઑફિસો બાળવામાં આવી હતી. ઑગસ્ટ, 1947માં દેશનું વિભાજન થયું ત્યારે સિંધ પ્રાંત પાકિસ્તાનના કબજામાં ગયો. ઈ. સ. 1955માં સિંધ પાકિસ્તાનનો અલગ પ્રાંત બન્યો.

નીતિન કોઠારી

જયકુમાર ર. શુક્લ