સિંદરી : ઝારખંડ રાજ્યના ધનબાદ જિલ્લામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 23° 45´ ઉ. અ. અને 86° 42´ પૂ. રે.. તે ધનબાદથી 24 કિમી. અગ્નિ દિશા તરફ દામોદર નદીના કાંઠે ઝરિયા કોલસા-ક્ષેત્ર નજીક આવેલું છે. તેની નજીકમાં થઈને રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 2 તથા રેલમાર્ગ પસાર થાય છે. આ સ્થળ રાસાયણિક ખાતરના કારખાના માટે ભારતભરમાં જાણીતું છે. આ કારખાનામાં રોજનું હજારો ટન એમોનિયમ સલ્ફેટ તથા યુરિયાનું ઉત્પાદન થાય છે. આ કારખાનું 1951થી ખાતરનું ઉત્પાદન કરી રહ્યું છે.

સિંદરી-સ્થિત આ કારખાનામાં અંદાજે દસ હજાર વ્યક્તિઓ કામ કરે છે. તેમની રહેવાની વ્યવસ્થા માટે જુદા જુદા પ્રકારનાં લગભગ પાંચ હજાર આવાસો તૈયાર કરાયેલા છે, જેના નિર્માણ વખતે પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલો. રાસાયણિક ખાતરના ઉત્પાદન માટે જરૂરી કાચો માલ બહારથી મંગાવાય છે, જે માટે માલગાડીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. જરૂરી કોલસો નજીકની કોલસાની ખાણોમાંથી તથા પાણી દામોદર નદીમાંથી મેળવાય છે. કારખાનામાં કામ કરતા શ્રમિકો માટે સુસજ્જ હૉસ્પિટલ તેમજ કલ્યાણકેન્દ્રની સુવિધા પણ ઉપલબ્ધ છે. બાળકોના શિક્ષણ માટે શાળાની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. કારખાનાની નજીકમાં આધુનિક નગર વસ્યું છે, તેનું પ્રાકૃતિક દૃશ્ય ખૂબ જ રમણીય છે. નગરની સુંદરતા વધારવા માટે ચારેય બાજુ વૃક્ષો વાવવામાં આવેલાં છે.

રાજ્યસરકાર તરફથી સિંદરી ખાતે એક ઇજનેરી અને ટૅક્નૉલૉજી કૉલેજ સ્થાપવામાં આવી છે; તેમાં ઉચ્ચસ્તરીય ઇજનેરી, ટૅક્નૉલૉજી, ખાણક્રિયા અને ધાતુવિદ્યાનું શિક્ષણ અપાય છે. અહીં રાજ્યસરકાર દ્વારા સ્થાપવામાં આવેલું ફૉસ્ફેટનું પણ એક કારખાનું છે. રાષ્ટ્રીય કોલસા-વિકાસ નિગમ(National Coal Development Corporation)ની પ્રયોગશાળા પણ અહીં કાર્યરત છે, તેમાં કોલસાનું પરીક્ષણ તેમજ તેના પર વિવિધ પ્રકારના પ્રયોગો કરવામાં આવે છે.

નીતિન કોઠારી