સામાજિક અન્વેષણ

January, 2008

સામાજિક અન્વેષણ : મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ખાનગી નફાના ધ્યેયથી ચાલતી પેઢીઓ દ્વારા વ્યાપક સમાજ માટે જે પરિણામો સર્જાય છે તેનું મૂલ્યાંકન.

કોઈ પણ પેઢીની/સંસ્થાની પ્રવૃત્તિથી થતા સામાજિક લાભ-વ્યયનાં વિશ્લેષણ કરી તે પ્રવૃત્તિ કરવી/ચાલુ રાખવી કે નહિ તેનો નિર્ણય સામાજિક અન્વેષણ કરીને લઈ શકાય છે. મહદ્ અંશે પેઢી/સંસ્થા જે પ્રવૃત્તિઓ કરવાનો/ચાલુ રાખવાનો નિર્ણય લે છે તેના મૂળમાં તેની કોઈ ને કોઈ નીતિ હોય છે. પેઢી/સંસ્થા પહેલાં નીતિઘડતર કરે છે અને પછી પ્રવૃત્તિઓ કરે છે. મોટી પેઢીઓ/સંસ્થાઓ તંત્રની ટોચની સપાટીએ નીતિઘડતર કરે છે. એ નીતિના આધારે મધ્ય અને તળસપાટીએ પેઢી/સંસ્થાના કર્મચારીઓ અસંખ્ય પ્રવૃત્તિઓ કરે છે. પ્રવૃત્તિઓનાં કદ અને સંખ્યા એટલાં બધાં વધારે હોય છે કે દરેકના સામાજિક લાભ-વ્યયનાં પરિણામોનું વિશ્લેષણ શક્ય નથી. વિશ્લેષણ ખૂબ ખર્ચાળ હોય છે અને કેટલીક વાર તો પ્રવૃત્તિ શરૂ થાય તે પહેલાં વિશ્લેષણ પૂરું થતું નથી. કદાચ એ શક્ય બને તોપણ પ્રવૃત્તિને શરૂ થતી/ચાલુ થતી અટકાવવી શક્ય હોતી નથી, કારણ કે ટોચની સપાટીએ નીતિ ઘડી દીધા બાદ તે અનુસારની પ્રવૃત્તિઓ કરવા મધ્ય અને તળ-સપાટીના કર્મચારીઓ બંધાયેલા હોય છે. પરિણામે વિશ્લેષણમાં વ્યય વધારે પુરવાર થાય તોપણ સરકાર હસ્તક્ષેપ ન કરે તો પ્રવૃત્તિઓ ચાલ્યાં કરે છે. આ પરિસ્થિતિમાં ઘડાયેલી અને ઘડાનારી પેઢી, સંસ્થા અથવા સરકારની નીતિને કારણે થયેલા અને થનાર સંભવિત ફેરફારની એકંદર અસર સમાજ પર કેવી પડી અને પડવાની સંભાવના છે તે તપાસવું પડે છે. એવી તપાસના અંતે જો નીતિ સમાજ માટે એકંદરે લાભપ્રદ માલૂમ પડે તો તે શરૂ કરવા ચાલુ રાખવા અને જો નુકસાનકારક માલૂમ પડે તો તે શરૂ નહિ કરવા – રદ કરવા – અટકાવવા અંગેનો નિર્ણય લેવામાં આવે છે. કેટલીક વાર પ્રવૃત્તિઓને વધારે લાભપ્રદ બનાવવા અથવા નુકસાનકારકને લાભપ્રદમાં ફેરવવા અથવા ઓછી નુકસાનકારક કરવા માટે નીતિમાં સુધારા-વધારાના નિર્ણય પણ લઈ શકાય છે. આમ, સામાજિક અન્વેષણ એટલે પેઢી/સંસ્થા અથવા સરકારની નીતિની સમાજ પર પડતી અસરોની તપાસ – તે પ્રકારની તેની વિભાવના છે. સમાજની જે આશા-અપેક્ષાઓ હોય છે તેના માપદંડે આ અસરોને માપવામાં આવે છે. વળી ચોક્કસ નીતિ સમાજની આશા-અપેક્ષાઓ પર કેટલી અને કેવી અસર કરે છે તેની માપણી પણ કરવામાં આવે છે. આમ, સામાજિક અન્વેષણમાં એક બાજુ પેઢી/સંસ્થા અથવા સરકારની નીતિ અને બીજી બાજુ સમાજ વચ્ચેનાં આદાન-પ્રદાન તપાસીને તેમાંથી નીપજતી કુલ અસરોને તપાસવામાં આવે છે. સામાજિક અન્વેષણ આથી નિરપેક્ષ રીતે નહિ પણ સાપેક્ષ રીતે કરવામાં આવે છે. આવી વિભાવના પશ્ચિમના કેટલાક ઔદ્યોગિક દેશોમાં વિકસી રહી છે.

સામાજિક અન્વેષણોમાં પેઢી/સંસ્થા કે સરકારની નીતિની સમગ્રતયા અસરો તપાસવાની હોય છે તેથી તેની તપાસણીનું ફલક ખૂબ વિસ્તૃત થઈ જાય છે. સમાજ પર અનેક પરિબળો અસર કરે છે. તેથી નીતિને કારણે કયાં પરિબળ પર કેટલી અને કેવી અસર પડી અને તે અસર પામેલા પરિબળે સમાજ પર શી સીધી અને આડકતરી અસર પાડી તે તપાસવાનું હોય છે. આ પ્રકારની તપાસમાં પ્રદૂષણ, સલામતી, સાધનોના વિવેકપુર:સરના ઉપયોગ જેવા અનેક મુદ્દાઓ આવરી લેવામાં આવે છે.

ભારતમાં તાતા સ્ટીલ લિમિટેડે સામાજિક અન્વેષણની ભાવના સ્વીકારીને પોતે સામાજિક અને નૈતિક જવાબદારીઓ કેટલી અદા કરી છે તેનું મૂલ્યાંકન કરવા માટે ન્યાયમૂર્તિ એસ. પી. કોટવાલ, પ્રોફેસર રજની કોઠારી અને પ્રોફેસર પી. જી. માવલંકરનો સમાવેશ કરીને ઑક્ટોબર, 1979માં એક સમિતિ રચી હતી. તેનાં તારણો ખૂબ રસપ્રદ હતાં : (1) માત્ર બે નાનાં ગામોના બનેલા સમૂહને પાંચ લાખથી અધિક વસ્તીવાળા આધુનિક નગરમાં વિકસાવ્યું તેમજ વસવાટ માટેનાં મકાનો, દુકાનો, રસ્તાઓ, શાળાઓ, હૉસ્પિટલો, રમતનાં મેદાનો, પાણી-પુરવઠા અને ગંદકી-નિકાલની સવલતો તથા જ્યુબિલીપાર્કની સેવાઓ માટે દર વર્ષે 9 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો; (2) ભારતમાં મૃત્યુ દર 15 અને બાળમૃત્યુ દર 122ની સરખામણીમાં જમશેદપુરમાં મૃત્યુ દર 6 અને બાળમૃત્યુ દર 22 જેટલો ઘટાડીને જાહેર આરોગ્ય અને તબીબી સારવારની દૃષ્ટિએ નગરને નમૂનારૂપ બનાવ્યું; (3) ખાણો અને કારખાનાના લગભગ 59,000 કામદારો સાથે તથા તેમના સંઘના હોદ્દેદારો સાથે વાતચીત કરીને તેમની લાગણીઓ અને માગણીઓ સમજવાનો પ્રયાસ કર્યો, પરિણામે છેલ્લાં 50 વર્ષોમાં ઔદ્યોગિક ઝઘડાને કારણે તાતા સ્ટીલ લિમિટેડમાં હડતાળ પડી નથી તેમજ 1978માં કંપનીનું રાષ્ટ્રીયકરણ કરવાની કેટલાંક વર્તુળોમાંથી દરખાસ્ત કરવામાં આવી ત્યારે તાતા વર્કર્સ યુનિયને ભારતના તત્કાલીન વડાપ્રધાન સમક્ષ જોરદાર રજૂઆત કરીને દરખાસ્તનો વિરોધ કર્યો; (4) ગ્રાહકોની ફરિયાદ સાંભળીને ઘટતું કરવા માટે લાયકાત ધરાવતા ઇજનેરોની નિમણૂક કરીને 13 જગ્યાએ કેન્દ્રો સ્થાપ્યાં; (5) કંપની મજૂરકલ્યાણ અને સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓ શેરહૉલ્ડરોનાં હિતોનો ભોગ ન લેવાય તેમ ધ્યાન રાખીને હાથ ધરે છે; (6) આદિવાસીઓ સહિત 150 ગામોના સામૂહિક વિકાસ માટે મુખ્ય મૅનેજર અને 86 કર્મચારીઓવાળું એક જુદું ખાતું નિભાવે છે તથા તેમણે ખેતી-વિકાસ, ડેરી-વ્યવસાયની તાલીમ અને ગ્રામોદ્યોગ-સ્થાપનાના કાર્યક્રમો હાથ ધર્યા હતા; (7) બિહાર, આંધ્ર અને ઓરિસામાં દુકાળ, રેલ અને વાવાઝોડાના પ્રસંગોએ તેમણે મોટા પ્રમાણમાં રાહતકાર્યો હાથ ધર્યાં હતાં.

ભારત જેવા વિકાસશીલ દેશમાં ઔદ્યોગિક કંપનીઓ તાતા સ્ટીલ લિમિટેડનું અનુકરણ કરીને પોતાની સામાજિક જવાબદારીઓ પ્રત્યે સભાન રહીને પોતાની આવકનો થોડો હિસ્સો આ દિશામાં ખર્ચે તો દેશના અનેક પ્રશ્ર્નોના ઉકેલમાં તેઓ મહત્ત્વનો ફાળો આપી શકે.

સૂર્યકાંત શાહ