સામાજિક આંદોલન

January, 2008

સામાજિક આંદોલન : મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ સમાજનાં માળખાં, રીતરિવાજો, પરંપરાઓ, સંસ્થાઓ કે મૂલ્યોને સામૂહિક રીતે પડકારે અને તેમાં પરિવર્તન લાવવા વ્યક્ત રીતે પ્રયત્ન કરે તે પ્રવૃત્તિ. અલબત્ત, સમાજપરિવર્તન માટેનાં પરિબળોની સામે પ્રચલિત સંસ્થાઓ કે મૂલ્યોને ટકાવવા જ્યારે સામૂહિક પ્રયત્ન થાય છે ત્યારે તેને પ્રતિ-આંદોલન કહી શકાય. હુલ્લડ કે જેમાં લોકોનું ટોળું તોફાન કે હિંસા આચરે છે, અથવા થોડીક વ્યક્તિઓ ભેગી થઈ આવેશમાં આવી કોઈ બાબત અંગે વિરોધ પ્રદર્શિત કરે તે પ્રવૃત્તિને આંદોલન કહેવાય નહિ. આંદોલનના ચાર મુખ્ય ઘટકો હોય છે : (1) વિચારસરણી આધારિત ઇચ્છિત ધ્યેય અથવા દિશા, (2) આંદોલનને નક્કર સ્વરૂપ આપવા માટેનો કાર્યક્રમ, (3) સક્રિય રીતે જોડાય તેવા કાર્યકરો અને (4) ઔપચારિક સંગઠન.

સામાજિક આંદોલનને ચોક્કસ દિશા હોય છે. પ્રવર્તમાન સ્થિતિ પ્રત્યેના અસંતોષની પરિસ્થિતિમાં ભવિષ્યમાં ઇચ્છિત સ્થિતિ પ્રાપ્ત કરવાનું એનું લક્ષ્ય હોય છે. આ લક્ષ્ય વિચારસરણી સાથે સંબંધ ધરાવે છે. લક્ષ્ય અને વિચારસરણીને ધ્યાનમાં રાખીને આંદોલન સમાજસુધારણા માટે કે ક્રાંતિ માટે છે એમ કહી શકાય. પ્રવર્તમાન સમાજવ્યવસ્થાની મર્યાદામાં રહી તેમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે તે સુધારાવાદી, જ્યારે જે આંદોલન સમાજવ્યવસ્થાને મૂળ પાયામાંથી બદલવાનો પ્રયત્ન કરે તે ક્રાંતિકારી. આંદોલન અલૌકિક કે ધાર્મિક હેતુ માટે કે ભૌતિક જરૂરિયાતો મેળવવા માટે પણ હોઈ શકે. દરેક આંદોલનમાં આ બધાં તત્ત્વો ઓછેવત્તે અંશે હોય છે. ક્રાંતિકારી આંદોલનમાં સુધારાનું તત્ત્વ હોઈ શકે અને સુધારાવાદી આંદોલનમાં ક્રાંતિનું. આંદોલનના ધ્યેયની પ્રાપ્તિ માટે અને આંદોલનને ગતિમાન રાખવા માટે નક્કર યોજના ઘડવામાં આવે છે અને તે માટે જુદા જુદા કાર્યક્રમોમાં લોકોને સાંકળવામાં આવે છે અને તે દ્વારા તેમની ભાગીદારી માટે પ્રયત્ન કરવામાં આવે છે. જેમ આંદોલનના કાર્યક્રમને વધુ ને વધુ લોકો સ્વીકારે અને તેમાં સક્રિય ભાગ લે તેમ આંદોલનનો વ્યાપ વધે. આ કાર્યક્રમોનું આયોજન કરવા અને ચલાવવા કાર્યકરો અને આગેવાનો જોઈએ. કાર્યકરોને સાંકળવાનું અને કાર્યક્રમો ગોઠવવાનું કામ ઔપચારિક સંગઠનથી સરળ બને. જુદાં જુદાં આંદોલનોમાં સંગઠનનું સ્વરૂપ જુદું જુદું હોઈ શકે. આ બધા ઘટકોના સમન્વયથી આંદોલન ઉદભવે છે.

ઘનશ્યામ શાહ