સાબરમતી (સામયિક)

January, 2008

સાબરમતી (સામયિક) : વિદ્યાર્થીઓ દ્વારા ચાલેલું 1922થી 1929 દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠનું શરૂઆતનું સામયિક. એ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ 1920માં અસહકારના આંદોલન સમયે કરી. 1922માં હિંસાને કારણે આ આંદોલન ગાંધીજીએ પાછું ખેંચ્યું અને અંગ્રેજ સરકારે એ જ વર્ષે ‘નવજીવન’ સાપ્તાહિકના લેખો બદલ એમને છ વર્ષની જેલ કરવામાં આવી. તે સમયે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ ‘સાબરમતી’ નામનું દ્વૈમાસિક કાઢવાનો નિર્ણય કર્યો અને 1922ના જુલાઈ માસમાં એનો પ્રથમ અંક પ્રગટ થયો. એ વખતે તિથિ અને સંવત વધારે ચાલતાં અને આ સામયિકના પણ વર્ષની 6 નાની ઋતુઓ પ્રમાણે અંકો કઢાતા અને પ્રથમ અંક સં. 1978ની વર્ષાઋતુમાં કાઢવામાં આવ્યો.

પ્રથમ વર્ષના તંત્રી છે શ્રી ચૂનીલાલ પ્ર. બારોટ, જેઓ પાછળથી ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયના ગ્રંથપાલ તરીકે નિમાયા હતા. આ સામયિકનું વાર્ષિક લવાજમ રૂ. 2 રાખવામાં આવ્યું હતું. એના પૂંઠા ઉપર સંસ્કૃત સૂત્ર લખાયું છે : नदीमुखेनैव समुद्रमाविशेत् । કાકાસાહેબ કાલેલકરનો આ સૂત્ર ઉપરનો લેખ પ્રથમ અંકમાં આપ્યો છે. પૂંઠા પાછળ ગૂજરાત મહાવિદ્યાલય પંચાયતનું બંધારણ છાપવામાં આવ્યું છે. પ્રથમ અંકમાં શરૂઆતમાં જ આગળ-પાછળ બે ફોટા અધ્યાપકોના અપાયા છે, પણ બંને જેલમાં એમ સાથે લખ્યું છે. એક છે અધ્યાપક વાલજી ગોવિંદજી દેસાઈ અને બીજા જયકૃષ્ણ ભણસાળી. આ પ્રથમ અંક 32 પાનાંનો કાઢવામાં આવ્યો છે.

પ્રથમ અંકમાં પ્રથમ લેખ ‘વંદે માતરમ્’ એ નામથી અધ્યાપક નરહરિભાઈ પરીખનો છે. એ જ અંકમાં ગૂજરાત વિદ્યાપીઠમાં પધારેલા શ્રી પૉલ રિશારનું વ્યાખ્યાન ‘નૂતન ધ્યેય’ નામથી અપાયું છે. લગભગ દરેક અંકમાં છેલ્લે નોંધ અને સમાચાર આપવામાં આવ્યાં છે. પ્રથમ અંકની નોંધમાં ‘સરકારની પરોણાગત’ એ નામથી ગાંધીજીની જેલયાત્રાની વાત છે. આ જ અંકમાં છેલ્લે સાતેક ભૂલોનું ‘શુદ્ધિપત્ર’ પણ અપાયું છે.

સાત વર્ષ આ ‘સાબરમતી’ સામયિક ચાલ્યું. એમાં દર વર્ષે છેલ્લો અંક 5-6 વસંત-ગ્રીષ્મનો ભેગો જ નીકળ્યો છે. એ પહેલાં અંક બીજામાં, 1922માં ગાંધીજી જેલમાં હોવાથી શ્રી વલ્લભભાઈ પટેલના પ્રમુખપદે પ્રથમ પદવીદાન સમારંભ યોજાયો હતો, એ પદવીધારકોનો ફોટો શરૂમાં આપ્યો છે. વિદ્યાપીઠ પણ આશ્રમની જેમ ભાડાના મકાનમાં જ શરૂ થયેલી. અત્યારની આ જગ્યા સરદાર પટેલે જોઈ અને રાખી તથા ‘પ્રાણજીવન વિદ્યાર્થીભવન’ મકાનનું ખાતમુહૂર્ત ગાંધીજી જેલમાં હોવાથી 1923માં ડૉ. પ્રફુલ્લચંદ્ર રૉયના હસ્તે થયેલું. તેની નોંધ વિગતે અંક 4માં અપાઈ છે. આ નોંધ ‘વિદ્યાપીઠ’ નામની પૂર્તિ આ અંકથી શરૂ થઈ, તેમાં છેલ્લે આપી છે. વિદ્યાપીઠની કાર્યવાહક સભાએ ‘વિદ્યાપીઠ’ નામથી સામયિક ‘સાબરમતી’ સાથે જોડીને ચલાવવું, એમ નક્કી કર્યું હતું. આવી પૂર્તિ માત્ર પ્રથમ વર્ષના છેલ્લા બે અંકોમાં આવી છે.

એ જ રીતે પ્રથમ વર્ષના છેલ્લા અંકમાં સત્રને અંતે એક વ્યાખ્યાનમાળા વિદ્યાપીઠમાં યોજવામાં આવતી, તેની જાહેરાત આપી છે, જેમાંનું એક વ્યાખ્યાન કાર્લ માર્ક્સ ઉપર આચાર્ય ગિદવાણીજીનું હતું. આ પ્રાસંગિક નોંધમાં જાહેરાત અપાઈ છે અને ‘વિદ્યાપીઠ’ની પૂર્તિના સંપાદક અધ્યાપક હરિનારાયણ આચાર્ય હતા. તેમણે છેલ્લે ‘સમાલોચના’ વિભાગમાં પુસ્તકોની સમીક્ષા અને વિદ્યાપીઠનાં ગુજરાતી પ્રકાશનોની યાદી પણ મૂકી છે.

1923-24ના બીજા વર્ષમાં તંત્રી શ્રી જોશી હતા. આ વર્ષમાં ત્રીજા અંકથી ‘વંદે માતરમ્’ શબ્દો પૂંઠા ઉપર મુકાયા. આના છેલ્લા અંકમાં 1924માં ગાંધીજી જેલમાંથી ઍપેન્ડિક્સના ઑપરેશનને કારણે છૂટી ગયા હોવાથી તેમનો ફોટો તથા આચાર્ય ગિદવાણીજીનો ‘નાભા જેલમાં’ એમ કરીને ફોટો આપ્યો છે. આ વર્ષે વ્યાખ્યાનમાળામાં પાંચ વ્યાખ્યાનો અપાયાં, તેની ‘પ્રાસંગિક નોંધ’માં જાહેરાત છે.

વર્ષ 3 એટલે 1924-25ના સંપાદક શ્રી નગીનદાસ ના. પારેખ છે. આ વર્ષમાં મહત્ત્વની વાત એ છે કે ત્રીજો પદવીદાન સમારંભ કુલપતિ ગાંધીજીની હાજરીમાં યોજાયો. પ્રથમ અંકમાં શરૂમાં અધ્યાપક જેઠાલાલ સ્વામીનારાયણનો ફોટો છે. છેલ્લા અંકના પ્રારંભમાં ‘તત્ત્વજ્ઞાન એટલે શું ?’ એ વિશે શ્રી કિશોરલાલ મશરૂવાળાનો લેખ ધ્યાન ખેંચે એવો છે.

હવે પછીના વર્ષ 4ના એટલે કે 1925-26ના સંપાદક શ્રી શંકરભાઈ પટેલ છે. છ અંકોમાં કુલ 324 પૃષ્ઠ છે. આ વર્ષમાં દેશબંધુ ચિત્તરંજનદાસનું અવસાન થયું હોવાથી શરૂમાં એમનો સુંદર ફોટો આપ્યો છે. 1925માં જ વિદ્યાપીઠના મૂળ મકાનનો ઉદ્ઘાટનવિધિ પણ ગાંધીજીના હસ્તે થયો. તેનો પણ ફોટો પાછળ આપ્યો છે. પ્રથમ અંકમાં જ છેલ્લે ગુજરાતી ભાષાની ‘જોડણીના નિયમો’ છાપવામાં આવ્યા છે. કોશ તૈયાર કરવાનું કામ વિદ્યાપીઠે શરૂ કરી દીધું હતું. એ અંગેના નિયમો સરસ રીતે આ અંકમાં છપાયા છે. 1925માં ‘વિદ્યાપીઠ સુધારણા સમિતિ’ નિમાઈ, જેના પ્રમુખ આચાર્ય આનંદશંકર ધ્રુવ હતા, એ નોંધ પણ આ જ વર્ષના ચોથા અંકમાં અપાઈ છે. ઉપરાંત ‘સાબરમતી’માં ઉત્તમ લેખ લખવા બદલ શ્રી ગોપાળદાસ જી. પટેલને તારાગૌરી ચંદ્રક અપાયો છે, એની પણ ‘નોંધ’માં વિગત છે. આ જ વર્ષે 1925માં ‘સ્નાતક સંઘ’ની રચના થઈ. એનો વિભાગ ‘સ્નાતક સંઘ વિભાગ’ આ વર્ષના છેલ્લા અંકથી શરૂ થયો, તે છેક સુધી ચાલતો રહ્યો છે, જેના સંપાદક નગીનદાસ પારેખ હતા.

વર્ષ 5 એટલે 1926-27ના પ્રથમ અંકની શરૂઆતમાં વિદ્યાપીઠના અધ્યાપકોના ફોટા અપાયા છે. સ્નાતક વિભાગમાં સ્નાતક-પરિચય શરૂ કરવામાં આવ્યો છે અને સાથે સાથે સ્નાતક સંઘનો વાર્ષિક હેવાલ તથા હિસાબ પણ અપાયાં છે. વર્ષ 6ના તંત્રી શિવશંકર પ્રા. શુક્લ છે. આ 1927-28ના વર્ષમાં બારડોલીનો સત્યાગ્રહ ચાલ્યો. એને ધ્યાનમાં રાખીને છેલ્લા અંકમાં પ્રારંભમાં ‘બારડોલીને’ કાવ્ય સુન્દરમનું મુકાયું છે.

છેલ્લા વર્ષ 7માં એટલે કે 1928-29માં છેલ્લા અંકમાં ચિત્રકાર કનુભાઈ દેસાઈનું સુંદર ચિત્ર ‘જીવન-ઓવારો’ મુકાયું છે. આમ આ સાતેય વર્ષોમાં ગાંધીજી ઉપરાંત કાકાસાહેબ, કિશોરલાલભાઈ અને અન્ય લેખકોના લેખો ધ્યાન ખેંચે છે. ‘વિદ્યાપીઠ’ અને ‘સ્નાતક સંઘ વિભાગ’ની પૂર્તિ પણ અત્યંત મહત્ત્વની છે.

આ પછી ત્રણેક અંકો ‘સાબરમતી’ નામથી ‘હસ્તલિખિત’ પ્રગટ થયા છે. તે કદમાં પ્રમાણમાં છાપેલા કરતાં મોટા છે. આ ત્રણેય અંકો હાથકાગળ પર એક બાજુ લખાયેલા છે, એટલે દળદાર છે. લગભગ એકેક અંક 150 પાનાંની આસપાસ છે. મુદ્રિત ‘સાબરમતી’ના સાત વર્ષના મહત્ત્વના લેખોનું પુસ્તક પણ ‘સાબરમતી’ નામે પ્રગટ થયું છે.

દશરથલાલ શાહ