સાબળે, શાહીર (જ. 1925, મુંબઈ) : મરાઠી લોકસંગીતના અગ્રણી ગાયક, મરાઠી લોકનાટ્યના પ્રવર્તક અને તેના વિખ્યાત કલાકાર. તેમનું આખું નામ કૃષ્ણરાવ ગણપત સાબળે, પરંતુ મરાઠી ભાષકોમાં તેઓ ‘શાહીર સાબળે’ આ ટૂંકાક્ષરી નામથી જ ઓળખાતા હોય છે. ઈશ્વરદત્ત દમદાર અને કસદાર અવાજ ધરાવતા આ ગાયક કલાકારે સાને ગુરુજીની પ્રેરણાથી 1945માં મુંબઈના કુર્લા પરાવિસ્તારમાં ‘શાહીર સાબળે આણિ પાર્ટી’ની સ્થાપના કરી હતી. તે પૂર્વે તેમને રંગમંચ પર લાવવા માટે થયેલા અનેક પ્રયાસો તેમની દાદીમાના વિરોધને કારણે સફળ  થયા ન હતા; દા.ત., સ્વાતંત્ર્ય પૂર્વેના કાળમાં રાષ્ટ્રીય સેવા દળના નેજા હેઠળ સાને ગુરુજી દ્વારા લિખિત ‘આપણ સાક્ષર ઝાલે પાહિજે’ શીર્ષક હેઠળના એક પ્રહસનમાં, તે સમયે કાચી ઉંમર ધરાવતા અને શાળામાં ભણતા કૃષ્ણાએ અભિનય કરવો જોઈએ એવો સાને ગુરુજી સહિત ઘણાંબધાંનો આગ્રહ હોવા છતાં તેમની દાદીમાએ તે અંગેનો પ્રસ્તાવ મક્કમતાથી નકારી કાઢેલો અને કૃષ્ણાને પ્રહસનના સમય દરમિયાન ઘરની એક ઓરડીમાં પૂરી રાખેલો.

શાહીર સાબળે

 ત્યારબાદ મહારાષ્ટ્રમાં થઈ ગયેલા આધુનિક સંત ગાડગે મહારાજે જાતે રજૂ કરેલો તે બાબતનો એક પ્રસ્તાવ પણ તેમનાં દાદીમાએ નામંજૂર કરેલો. તેમ છતાં મરાઠી લોકનાટ્યના રંગમંચ પર પદાર્પણ કરવાની કૃષ્ણા સાબળેમાં રહેલી જીદ સમયના વહેણ સાથે વધુ ને વધુ મજબૂત બનતી ગઈ, જેના પરિણામે 1945માં તેમણે ‘શાહીર સાબળે આણિ પાર્ટી’ની સ્થાપના કરી હતી અને આ શોખિયા (ઍમચુઅર)  અવેતન કલાકારોની મંડળી મારફત લોકસંગીત અને લોકનાટ્યના કાર્યક્રમો પ્રસંગોપાત્ત, જાહેરમાં અપાતા રહ્યા; પરંતુ વ્યાવસાયિક ધોરણે તેમણે લોકસંગીત અને લોકનાટ્યના કાર્યક્રમો આપવાનો પ્રારંભ પંદર વર્ષ પછી 16 જાન્યુઆરી, 1960થી ‘યમરાજ્યાંત એક રાત્ર’ શીર્ષક હેઠળના એક લોકનાટ્ય દ્વારા કર્યો હતો. જે ખુલ્લા મેદાનમાં બાંધેલા મંચ પર રજૂ કરવાને બદલે સર્વપ્રથમ વાર બાંધેલા થીએટરમાં પ્રસ્તુત કરવામાં આવેલું. આ લોકનાટ્યને મહારાષ્ટ્ર રાજ્યદ્વારા આયોજિત સ્પર્ધાઓમાં પટકથા (સ્ક્રિપ્ટ) માટેનું પ્રથમ પારિતોષિક એનાયત થયું હતું. તે જ અરસામાં 1959-60 વર્ષ દરમિયાન હિઝ માસ્ટર્સ વૉઇસ કંપની(HMV)એ તેમનું એક ગીત ‘ગર્જા મહારાષ્ટ્ર માઝા’ ધ્વનિમુદ્રિત કર્યું હતું, જે તત્કાલ લોકપ્રિયતાના શિખરે પહોંચી ગયું હતું. ત્યારબાદ શાહીર સાબળેએ ઘણાં લોકનાટ્યો રજૂ કર્યાં; જેમાં વગ, ગવળણ, પવાડા અને મુક્તનાટ્ય વગેરેનો સમાવેશ થયો છે. મરાઠી લોકનાટ્ય અને લોકસંગીત હેઠળના આ બધા પ્રકારોના હજારો પ્રયોગો ગામેગામ થવા લાગ્યા. સંયુક્ત મહારાષ્ટ્રની સ્થાપના (1960) પછી યોજાયેલ વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન તેમણે તેમની મંડળી મારફત કૉગ્રેસ પક્ષના ઉમેદવારોનો પ્રચાર-પ્રસાર પણ કર્યો હતો. 1966માં શિવસેનાની સ્થાપના થતાં શાહીર સાબળે અને મંડળી તે પક્ષમાં ભળી ગયાં હતાં. શિવસેનાના નેજા હેઠળ તેમણે રજૂ કરેલ ‘આંધળં દળતંય’ લોકનાટ્ય મરાઠીભાષી આમવર્ગમાં ખૂબ લોકપ્રિય નીવડ્યું હતું. તેમની લોકનાટ્ય કૃતિઓમાં તમાશા અને નાટકનો સુભગ સમન્વય થયેલો હોય છે.

વર્ષ 2005માં ‘મહારાષ્ટ્રભૂષણ’ ઍવૉર્ડથી તેમને નવાજવામાં આવેલા. વિખ્યાત ચલચિત્ર-સંગીત નિયોજક વસંત દેસાઈએ ‘જનતેચા શાહીર’ બિરુદ આપીને તેમને સન્માન્યા છે.

સપ્ટેમ્બર 2007માં ‘માઞ્ડા પવાડા’ શીર્ષક હેઠળ તેમની આત્મકથા પ્રકાશિત થઈ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે