સાતવાહન વંશ

January, 2008

સાતવાહન વંશ : પ્રાચીન સમયમાં ઈ. પૂ. 235થી ઈ. સ. 225 સુધી આંધ્રપ્રદેશમાં શાસન કરતા રાજાઓનો વંશ. ‘કથાસરિત્સાગર’, જિનપ્રભસૂરિ રચિત ‘પ્રતિષ્ઠાનપુરકલ્પ’ વગેરેમાં સાતવાહનોની ઉત્પત્તિની કથાઓ આપેલી છે. વૈદિક સાહિત્ય અને પુરાણોમાં આંધ્ર તરીકે તેમના ઉલ્લેખો મળે છે, જ્યારે શિલાલેખોમાં તેમનો ઉલ્લેખ ‘સાતવાહનો’ તરીકે થયો છે. તેઓ આંધ્રના સાતવાહનો કહેવાતા અને બ્રાહ્મણ હતા. તેમના કુળમાં નાગ જાતિનું મિશ્રણ થયું હોવાથી પુરાણો, મનુસ્મૃતિ તથા મહાભારતમાં તેમને હલકી જાતિના વર્ણસંકરો કહ્યા છે. કેટલાક વિદ્વાનોના મતાનુસાર સાતવાહનો મૂળ આંધ્રપ્રદેશમાં રાજ્ય કરતા હતા અને પછી તેમણે મહારાષ્ટ્ર પર સત્તા વિસ્તારી હતી.

કેટલાંક પુરાણો સાતવાહન વંશની શરૂઆત ઈ. પૂ. ત્રીજી સદીથી ગણે છે. પુરાણોના મતે આ વંશમાં 19થી 30 રાજાઓ થઈ ગયા અને તેમણે 300થી 460 વર્ષ રાજ્ય કર્યું હતું. કેટલાક વિદ્વાનો માને છે કે સિમુક પ્રથમ અગાઉ આશરે 250 વર્ષથી સાતવાહન રાજ્ય અસ્તિત્વ ધરાવતું હતું. સાતવાહન વંશના બધા રાજાઓની સંપૂર્ણ વિગતો મળતી નથી. પુરાણો અને શિલાલેખોમાં આ રાજાઓનો સંવત આપેલ નથી, પરંતુ રાજાઓના શાસનકાળનાં વર્ષો આપ્યાં છે; તેથી આ વંશના મુખ્ય રાજાઓ વિશે અહીં નોંધ પ્રસ્તુત છે.

સિમુક સાતવાહન વંશનો સ્થાપક અને પ્રથમ રાજા હતો એમ કેટલાક વિદ્વાનો માને છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે તેણે 23 વર્ષ રાજ્ય કર્યું હતું. તેણે છેલ્લા કણ્વ રાજા સુશર્માને મારીને કણ્વ વંશનો અંત આણ્યો. તેનું રાજ્ય વિદર્ભ તથા મધ્યપ્રદેશ સુધી ફેલાયેલું હતું. તેણે કણ્વ રાજા અને શુંગોના ઘણા વિસ્તારો જીતી લઈને તેના નાના રાજ્યને મહારાજ્ય બનાવી દીધું. તે પરાક્રમી રાજા હોવાથી સાતવાહન રાજ્યની ગણના ભારતનાં શક્તિશાળી રાજ્યોમાં થવા લાગી. સિમુક પછી ગાદીએ બેસનાર તેના નાના ભાઈ કૃષ્ણે 18 વર્ષ રાજ્ય કર્યું. તેણે પશ્ચિમમાં નાશિક સુધી રાજ્યવિસ્તાર કર્યો હતો.

ઈ.સ.ની પ્રથમ સદીમાં કૃષ્ણ પછી તેનો પુત્ર શાતકર્ણી પહેલો ગાદીએ બેઠો. આ પ્રતાપી રાજાએ માહિષ્મતી અને પશ્ચિમ માળવાના પ્રદેશો પર વિજય મેળવ્યો હતો. તેણે ઘણાં દાન આપ્યાં હતાં તથા બે અશ્વમેધ અને એક રાજસૂય યજ્ઞ કર્યા હતા. તેનો ઉલ્લેખ સાહિત્યમાં શાલિવાહન તરીકે થયેલો છે. તેની રાણી નાયનિકાએ બાલાઘાટ ખાતે એક અભિલેખ કોતરાવ્યો છે, તેમાં તેણે કરેલા અશ્વમેધ, રાજસૂય, અજ્ઞાધેય, ગાર્ગત્રિરાત્ર, ત્રયોદશરાત્ર, દશરાત્ર વગેરે યજ્ઞોનાં નામ છે. તેણે 10 વર્ષ રાજ્ય કર્યું હતું.

શાતકર્ણી 2જો આ વંશનો છઠ્ઠો રાજા હતો. તેણે 56 વર્ષ શાસન કર્યું હતું. તેના અનેક સિક્કા પશ્ચિમ ભારતમાંથી મળ્યા છે. આઠમા રાજા અપીલકના સમયમાં સાતવાહનોનું રાજ્ય મધ્યપ્રદેશના પશ્ચિમના પ્રદેશો અને વરાડ સુધી વિસ્તર્યું હતું. નવમાંથી સોળમા રાજા સુધીની માહિતી મળતી નથી. નવમા રાજાથી સાતવાહનોની પ્રતિષ્ઠા ઘટવા લાગી. તે વખતે સાતવાહન વંશની અલગ અલગ શાખાઓ શાસન કરવા લાગી. સાતવાહનોએ ઉત્તર પ્રદેશો પરનો અંકુશ ગુમાવ્યો તેથી તેના સામ્રાજ્યનો વિસ્તાર ઘટી ગયો. 17મો રાજા હાલ સાહિત્યપ્રેમી હતો. તેણે પ્રાકૃત ગાથાઓનો સંગ્રહ કર્યો હતો. તેણે ‘ગાથાસપ્તસતી’ની રચના કરી હતી.

ગૌતમીપુત્ર શાતકર્ણી સાતવાહન વંશનો 23મો રાજા હતો. તેને એક લેખમાં ‘સાતવાહનકુલ યશપ્રતિષ્ઠાપન’ કહ્યો છે. તેણે અનેક વિજયો મેળવ્યા હોવાથી આ પ્રશસ્તિ માટે તે લાયક હતો. તેની માતાનું નામ ગૌતમી બલશ્રી હતું; પરાક્રમી ગૌતમીપુત્રે ક્ષહરાત વંશની સત્તાનો અંત આણ્યો. તેણે મહારાષ્ટ્ર, માળવા, સુરાષ્ટ્ર અને રાજસ્થાનના પ્રદેશો જીતી લીધા. આ ઉપરાંત તેણે પશ્ચિમ ભારતમાંથી શકો, પહલવો તથા યવનોની સત્તા દૂર કરી. આમ, પરદેશી શાસકોના ભયથી પોતાના રાજ્યને તેણે મુક્ત કર્યું. તેના સમયમાં સાતવાહનોની સત્તા ઉત્તરમાં વિંધ્યથી દક્ષિણમાં ત્રાવણકોર તથા પૂર્વઘાટથી પશ્ચિમઘાટ સુધી વિસ્તાર પામી. તેના સમયમાં સાતવાહનોનાં યશ તથા પ્રતિષ્ઠામાં વધારો થયો. ગૌતમીપુત્ર મહાન વિજેતા ઉપરાંત કાર્યદક્ષ, શૂરવીર, દાનવીર અને લોકકલ્યાણ કરનાર રાજા હતો. નાસિકના ગુફાલેખમાં તેને રાજાઓનો રાજા કહ્યો છે. તેનું રાજ્ય સમુદ્રો સુધી વિસ્તરેલું હતું. તે ધર્મસહિષ્ણુ બ્રાહ્મણ હતો. તેણે બૌદ્ધ સાધુઓને ઉદારતાથી દાન આપ્યાં હતાં. તેનો શાસનકાળ લગભગ ઈ. સ. 106થી 130નો ગણાય છે.

ગૌતમીપુત્ર શાતકર્ણી પછી તેનો પુત્ર વાશિષ્ઠી પુલુમાવિ ગાદીએ બેઠો. તેનો શાસનકાળ આશરે ઈ. સ. 130થી 158 સુધીનો ગણાય છે. તેના શાસનકાળ દરમિયાન કાર્દમક ક્ષત્રપો તાકાતવાન બન્યા અને તેમણે સાતવાહનોના ઘણા પ્રદેશો કબજે કર્યા. ક્ષત્રપોમાં પ્રતાપી મહાક્ષત્રપ રુદ્રદામન 1લાએ સિંધુ નદીથી નર્મદા નદી સુધીના પ્રદેશમાં વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું. તેના પછી સાતવાહન રાજ્ય નિર્બળ બન્યું.

વાશિષ્ટીપુત્ર પુલુમાવિ પછી થઈ ગયેલા રાજાઓમાં યજ્ઞશ્રી શાતકર્ણી મહત્ત્વનો ગણાય છે. સાતવાહનોએ ગુમાવેલા કેટલાક પ્રદેશો તેણે પાછા મેળવ્યા. તેના સિક્કા મહારાષ્ટ્ર, કોંકણ તથા આંધ્રમાંથી મળ્યા છે. તેથી તે પ્રદેશો ઉપર તેની સત્તા હતી એમ માની શકાય. તેના પછી સાતવાહન સત્તાની પડતી થઈ; રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું. સૂબાઓ સ્વતંત્ર થઈ ગયા. માત્ર વિદર્ભમાં કર્ણ, કુંભ તથા રુદ્ર નામના ત્રણ સાતવાહન રાજાઓનાં રાજ્યો સ્થપાયાં. ઇક્ષ્વાકુ, પલ્લવો, વાકાટકો વગેરેની સત્તાઓનો ઉદય થયો અને સાતવાહન સત્તા નબળી પડી ગઈ તેમજ ઈસવી સનની ત્રીજી સદીના પૂર્વાર્ધ સુધીમાં તે સત્તા નાશ પામી.

મૌર્ય સામ્રાજ્યનો નાશ થયા પછી સાતવાહન રાજાઓએ વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું હતું અને તેમણે ત્રણ શતાબ્દીથી વધારે સમય પર્યન્ત સત્તા ભોગવી હતી. આ દરમિયાન તે રાજ્યમાં થયેલ પ્રગતિની માહિતી પુરાણો, શિલાલેખો, તત્કાલીન સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્ય તથા સિક્કાઓમાંથી મળે છે. વહીવટીતંત્રની બાબતમાં તેમણે ઘણુંખરું મૌર્યોનું અનુકરણ કર્યું હતું. રાજા સર્વસત્તાધીશ હોવા છતાં તેઓ આપખુદ ન હતા. રાજાનું પદ વારસાગત હતું. વહીવટમાં રાજાને સહાય કરવા મંત્રીઓ નીમવામાં આવતા હતા. શિલાલેખોમાં ‘મહામાત્ય’, ‘મહામદ્’, ‘રાજામાત્ય’, ‘મહાસેનાપતિ’ વગેરેના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. યુદ્ધમાં રાજા લશ્કરની આગેવાની કરતો. રાજા પરંપરા અને ધર્મસૂત્રોના કાયદા પ્રમાણે રાજ્ય કરતો. રાજકુંવરોને સૂબાના પદે નીમવામાં આવતા. રાજ્યની આવક જમીન-મહેસૂલ, રાજ્યની મિલકત, કોર્ટ-ફી, મીઠાનો ઇજારો વગેરેમાંથી થતી. રાજ્યમાં વિવિધ ઉદ્યોગોનો વિકાસ થયો હતો. ઉદ્યોગપતિઓ, કારીગરો, અનાજના વેપારીઓ વગેરેએ પોતાના સંઘો સ્થાપ્યા હતા. સોનું, ચાંદી, લોખંડ, તાંબું, કાંસું વગેરે ધાતુઓના ઉદ્યોગો વિકસ્યા હતા. સુતરાઉ તથા ઊનનું કાપડ, સુગંધી પદાર્થો, કીમતી પથ્થરો, હાથીદાંતની બનાવટો વગેરેની વિદેશોમાં નિકાસ કરવામાં આવતી હતી. રેશમી કાપડ, ચાંદીનાં વાસણો, દારૂ વગેરેની આયાત થતી હતી. ચીન, અગ્નિ એશિયાના દેશો, મ્યાનમાર (બર્મા), ઇજિપ્ત, રોમ, અરબસ્તાન વગેરે દેશો સાથે દક્ષિણ ભારતનો વેપાર ચાલતો હતો. આંતરિક વેપાર પણ ઘણો સારો ચાલતો હતો. સાતવાહનોના પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થયેલા સિક્કા તેમની સમૃદ્ધિની સાક્ષી પૂરે છે. લોકોની આર્થિક સ્થિતિ સારી હતી. ધનિકો સારી પેઠે દાન આપતા હતા.

સાતવાહન રાજાઓ બ્રાહ્મણ હોવા છતાં તેમણે બૌદ્ધ સાધુઓને દાન કર્યાં હતાં. લોકો તથા રાજાઓ ઘણુંખરું સૂર્ય, ચંદ્ર, પશુપતિ, વિષ્ણુ, કૃષ્ણ, નાગ વગેરેની પૂજા કરતા. સાતવાહનોના સમયમાં ભારતમાં કાયમી રહેતા વિદેશીઓમાં શકો, પહ્લવો, યવનો તથા આભીરોએ હિંદુ કે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.

સાતવાહનોના સમયમાં સંસ્કૃત અને પ્રાકૃત – એમ બંને ભાષાઓનો વિકાસ થયો હતો. સાહિત્યકાર રાજા હાલ ઉપરાંત, તેનો સમકાલીન ગુણાઢ્ય ‘બૃહત્કથા’નો રચનાર હતો. ‘કથાતરંગવતી’નો લેખક પાલિત પણ રાજા હાલનો આશ્રિત હતો. સાતવાહનોના સમય દરમિયાન ભરતમુનિએ ‘નાટ્યશાસ્ત્ર’ની રચના કરી હતી. બૌદ્ધ દાર્શનિક નાગાર્જુને ‘યુક્તિશતિકા’, ‘ધર્મસંગ્રહ’, ‘સુહૃદ્લેખ’ વગેરે ગ્રંથો લખ્યા હતા.

જયકુમાર ર. શુક્લ