સાક્ષી ગોપાલ

May, 2023

સાક્ષી ગોપાલ  : જગન્નાથપુરીથી 20 કિમી. દૂર આ પ્રસિદ્ધ મંદિર આવેલું છે. મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં ગોપાલની મોટી મનોહર મૂર્તિ પ્રતિષ્ઠિત છે. નિકટમાં રાધિકાજીનું મંદિર છે. સાક્ષી ગોપાલ મંદિરને લગતી એક કથા પ્રચલિત છે. એક વૃદ્ધે યાત્રા પ્રસંગે એક યુવાનની સેવા લીધી અને યુવાનની સેવાથી પ્રસન્ન થઈ એને પોતાની દીકરી સાથે લગ્ન કરાવશે એવું આશ્વાસન આપ્યું. પણ પછી એ વૃદ્ધે એ વાયદાનો ઇનકાર કર્યો આથી અપમાનિત થયેલ યુવકે પંચાયત બોલાવી. પંચાયતે યુવકને કહ્યું કે તારી વાતના જે સાક્ષી હોય તેને બોલાવો. યુવકે મંદિરમાં જઈ ગોપાલને સાક્ષી આપવા વિનંતી કરી. ગોપાલ સાક્ષી આપવા એ યુવક સાથે ચાલી નિકળ્યા. ગોપાલે એ શરત કરી કે જો યુવક પાછું વાળીને જોશે કે ગોપાલ મારી પાછળ પાછળ આવે છે કે નહિ તો પછી ગોપાલ એ જ સ્થળે રોકાઈ જશે. યુવકને ગોપાલના પગનાં નૂપુરનો અવાજ સંભળાતો હતો. પરંતુ રેતીને કારણે અવાજ સંભળાતો બંધ થતાં તેણે પાછું વાળીને જોયું પરિણામે ગોપાલ ત્યાં જ ઊભા રહી ગયા. પરંતુ દરમિયાનમાં પંચાયત અને વૃદ્ધ બ્રાહ્મણને એ યુવકના સામર્થ્યની ખાતરી થતાં બ્રાહ્મણે પોતાની કન્યા એ યુવક સાથે પરણાવી. ત્યારથી એ સ્થાન સાક્ષી ગોપાલ તરીકે ઓળખાયું અને ત્યાં મોટું મંદિર બંધાયું.

પ્રવીણચંદ્ર પરીખ