સાક્ષાત્કાર

January, 2007

સાક્ષાત્કાર : ઇષ્ટ/આધ્યાત્મિક તત્ત્વની અપરોક્ષ અનુભૂતિ. માનવ પોતાના જીવનમાં કશુંક ઇષ્ટ પામવા ઇચ્છે છે. નિજ સ્વરૂપનું પરિવર્તન ઇચ્છે છે. તે માટે તે વિવિધ સાધનો અપનાવે છે. જીવનમાં ખરેખર પ્રાપ્ત કરવા જેવો જો કોઈ પરમ ઉદ્દેશ હોય તો તે છે પરમ તત્ત્વના સાક્ષાત્કારનો – આધ્યાત્મિક અનુભવના તત્ત્વદર્શનનો. કોઈ પણ સાધનની કૃતાર્થતા એ છે કે તે સાધન આખરે સાધ્યને સિદ્ધ કરે એ રીતે અધ્યાત્મ-સાધન સિદ્ધરૂપે પરિણમવું જોઈએ. સાધન, સાધક અને સાધ્યનો ભેદ ભૂંસાઈ જાય તે છે સાક્ષાત્કાર-અપરોક્ષ અનુભૂતિ. તેમાં તત્ત્વપ્રતીતિ (realization) છે તો રહસ્યાત્મક અનુભૂતિ (mystical experience) પણ છે.

સામાન્ય રીતે વિશ્વ-વિષયક જ્ઞાન બે રીતે મેળવાય છે : (1) જ્ઞાનેન્દ્રિયો દ્વારા – પ્રત્યક્ષ જ્ઞાનથી. (2) બૌદ્ધિક વિચારણા દ્વારા  પરોક્ષ જ્ઞાનથી.

પરમ સત્યને જ્ઞાનેન્દ્રિયો કે બુદ્ધિથી પામી શકાય તેમ નથી. શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે કે ઇન્દ્રિયોથી પર મન છે; મનથી પર બુદ્ધિ છે અને તે (આત્મા) તો બુદ્ધિથી પણ પર છે. જ્ઞાનેન્દ્રિયો અને બુદ્ધિથી પ્રકૃતિનું જ્ઞાન પામી શકાય છે; પરંતુ અધ્યાત્મ જ્ઞાન તો આત્મા કે ચૈતન્યનું જ્ઞાન છે. તેથી તે મન અને બુદ્ધિની પહોંચની બહાર છે. અધ્યાત્મ જ્ઞાન ઇન્દ્રિયગમ્ય (પ્રત્યક્ષ) જ્ઞાન નથી તેમ તે બુદ્ધિગમ્ય (પરોક્ષ) જ્ઞાન પણ નથી; પરંતુ તે અનુભવગમ્ય જ્ઞાન અર્થાત્ અપરોક્ષાનુભૂતિ છે. ઉપનિષદોના મતે મનુષ્ય પાસે એક શક્તિ છે, જેના વડે તે પરબ્રહ્મનું દર્શન કરી શકે છે. આત્માને લગતી વસ્તુઓને તો આત્મચક્ષુ વડે જ જોઈ શકાય. યોગસાધન એ આ સાક્ષાત્કારનો રસ્તો બતાવનારી સાધના છે. મનુષ્ય તર્કની પાર જઈ આત્મપરાયણ જીવન ગાળવા માંડે એટલે બુદ્ધિએ ઊભા કરેલા કોયડા આપોઆપ ઊકલી જાય છે; સંશય રહેતો નથી (મુંડક ઉપ. 2-2-8). સર્વોચ્ચ સત્યો બુદ્ધિની પટાબાજી(તર્ક)થી સિદ્ધ થતાં નથી, પણ નિર્દોષ અને વિશુદ્ધ સત્ત્વ આત્માઓને દેખાય છે, ને તેઓ તેની અનુભૂતિ કરી શકે છે. (બૃહદા. ઉપ. 3-5-1; 4-5-21). આ અનુભૂતિ તે આત્મસાક્ષાત્કાર કે આત્મદર્શન યા બ્રહ્મસાક્ષાત્કાર છે. તે માનવીને રાગદ્વેષ અને દુ:ખ માત્રમાંથી છોડાવે છે. માનવીના મનની આકાંક્ષાઓ, તેની બુદ્ધિની માગણીઓ, તેની ભાવનાઓ ને તેના આદર્શો  આ બધાંની ત્યાં પરિપૂર્તિ થાય છે. મનુષ્યના પુરુષાર્થનો એ પરમ આદર્શ છે; તેના વૈયક્તિક જીવનની વૈશ્ર્વિક અનુભૂતિમાં પરિસમાપ્તિ છે. આ એનું પરમ નિવારકસ્થાન છે. આ એનો પરમ આનંદ છે (કઠ. ઉપ. 1-2-11; બૃહદા. ઉપ. 4-3-32). એ સાક્ષાત્કાર કે પરમતત્ત્વની અનુભૂતિ વાણીથી વ્યક્ત થાય એવી નથી. જેણે એ અનુભવ ક્યારેય કર્યો નથી તેની આગળ એ અનુભવ વર્ણવી શકાતો નથી. આ અનુભવનો સંકેત માનવી રૂપકો વડે કાંઈક આપી શકે. આ અનુભૂતિ વાગામ્ભૃણિએ ઋગ્વેદના વાક્ સૂક્તમાં વ્યક્ત કરી છે. ઋગ્વેદના ચોથા મંડલના ઋષિ વામદેવ સૂર્ય, ચંદ્ર, મનુ વગેરે સાથે વૈશ્ર્વિક સ્તરે તાદાત્મ્ય અનુભવે છે. આ અનુભૂતિ વખતે મનુષ્યની વાણી વિરમી જાય છે. બુદ્ધિ એની કાંઈક વ્યાખ્યા સૂચવે તો તુરત કહેવાનું કે ‘આ નહિ, આ નહિ’ (नेति नेति). બ્રહ્મના સાક્ષાત્કાર વિશે કેટલાંક ભાવાત્મક વિધાનો પણ ઉપનિષદોમાં મળે છે; જેમ કે, ‘તે અણુથી પણ સૂક્ષ્મ છે અને મહાનથી પણ મહાન છે’. ‘તે દૂર છે છતાં નજદીક છે’. ‘તે અંદર પણ છે અને બહાર પણ છે’. આ વિચારોમાં ક્યાંય સંભ્રમનાં ચિહ્નો નથી (કઠઉપ. 1-2-20, ઈશ. 355). જીવનનો ઊંડામાં ઊંડો, સૂક્ષ્માતિસૂક્ષ્મ, ગુહ્યાતિગુહ્ય અને વૈશ્ર્વિક અનુભવ શબ્દાતીત અનિર્વચનીય છે. ‘જેઓ એને જાણે છે તેઓ એને વિશે બોલતા નથી; જેઓ એને વિશે બોલે છે તેઓ તેને જાણતા નથી.’ આ જ અંત:સ્ફુરણા (intuition) કે દિવ્ય દર્શન છે. આ દર્શન ચર્મચક્ષુથી નહિ પણ દિવ્ય ચક્ષુથી થાય છે. શ્રીકૃષ્ણે અર્જુનને દિવ્ય ચક્ષુ આપી વિશ્વરૂપનું દર્શન કરાવ્યું હતું. (શ્રીમદ્ભગવદ્ગીતા, 11-18 : ‘दिव्यं ददामि ते चक्षु:।’) આ સંદર્ભમાં શ્રી શંકરાચાર્યે ‘અવગતિ’ (अव + गम् જાણવું ઉપરથી) તેમજ ‘આત્મપ્રત્યક્ષ’ શબ્દો પ્રયોજ્યા છે. મધુસૂદને તેને જ ‘યોગજ પ્રત્યક્ષ’ કહ્યું છે. ડૉ. રાધાકૃષ્ણન્ કહે છે કે ‘વિજ્ઞાનની શોધક બુદ્ધિ, કવિતાની પ્રતિભા, ધર્મશાસ્ત્રનો અંતરાત્મા ને તત્ત્વજ્ઞાનનો સાક્ષાત્કાર – એ બધાંને માટે અંગ્રેજીમાં ‘Intuition’ એ એક જ શબ્દ વપરાય છે. યોગભાષ્યમાં એને ‘परं प्रत्यक्ष’ કહ્યું છે. હિન્દુ તત્ત્વજ્ઞાનમાં કવિ કે શોધકની સર્જનશક્તિને ‘પ્રતિભા’ કહે છે અને ઋષિઓએ કરેલા બ્રહ્મસાક્ષાત્કારને આર્ષજ્ઞાન કહે છે.

આ માટે બૌદ્ધિક કે નૈતિક સાધનાની ત્રણ જુદી જુદી અવસ્થાઓ છે : (1) શ્રવણ, (2) મનન અને (3) નિદિધ્યાસન. શ્રવણ એટલે પરાપૂર્વથી ચાલી આવેલી પ્રણાલિકાનો અભ્યાસ. એ પ્રણાલિકા મનુષ્યે પેદા કરી નથી. આ માટે શાસ્ત્રનું પ્રમાણ સ્વીકારવું જ પડે. મનન એટલે મનુષ્યે સ્વપ્રયત્ન વડે પોતાની બુદ્ધિને આપવાની તાલીમ, યા તર્કના નિયમોને અનુસરીને કરેલું ચિંતન અને નિદિધ્યાસન એટલે કે સદાચારના નિયમોનું પાલન યા ઊંડું ચિંતન અને ધ્યાન તેમજ સદાચારના માર્ગે ચાલવાનો પ્રયત્ન.

આધ્યાત્મિક સાક્ષાત્કાર એ અંતરંગ અનુભૂતિ છે. સાધકના જીવનની તે આંતરિક ઘટના છે. તે ચેતનાગત અનુભવ છે. એ લૌકિક કે દુન્યવી અનુભવ નથી, પરંતુ તે અ-લૌકિક કે દિવ્ય અનુભવ છે. તેમાં શાંતિ, આનંદ, પ્રેમ આદિ તત્ત્વો અનુભવાય છે. એ જ્ઞાતાજ્ઞેયજ્ઞાનના ભેદરહિત હોય છે. એનાથી સાધકના જીવનમાં આમૂલાગ્ર રૂપાંતર થાય છે. મનુષ્યના અતિમનસ અનુભવોને કોઈ સીમા નથી. આજનું પરામનોવિજ્ઞાન મનુષ્યના આવા મનનું વિશ્લેષણ કરવામાં પ્રવૃત્ત છે.

વેદ, ઉપનિષદો, પુરાણો વગેરેમાં મળતા વિચારો અને કથાનકો ઉપરથી આવી અનુભૂતિ માટે વિવિધ તબક્કા કે માર્ગો વિભિન્ન સ્તરના લોકોને મળી રહે છે : (1) દરેક વ્યક્તિમાં આત્મા છે. તે જ પરમાત્મા છે. तत्वमसि, सोऽहम्, हंस: વગેરેમાં આ ભાવ જોવા મળે છે. (2) પરસ્પર દેવભાવ કેળવવો. ઇતર ઇતર (દરેક બીજાને) પરમાત્મા ગણવા. આને ઐતરેયવાદ કહી શકાય. મહર્ષિ ઐતરેય નામ ‘ઇતરાના પુત્ર’ ઉપરાંત આ અર્થનો ભાવ પણ વ્યક્ત કરે છે. (3) ગીતામાં વિભૂતિ તત્ત્વના દર્શનનો માર્ગ સૂચવ્યો છે. સર્વ પશુ, પ્રાણી, માનવ વગેરે વર્ગોમાં શ્રીમદ્ અને ઊર્જિત તત્ત્વનું દર્શન કરવું. (4) ઉપર્યુક્ત ત્રણ માર્ગો પસાર કરી પરમાત્માનું સર્વવ્યાપી દર્શન કે વિશ્વરૂપનું દર્શન કરવું. (5) ઉપર્યુક્ત દરેક તબક્કે સ્વ-પરમાં અભેદદર્શન કરતાં કરતાં વૈયક્તિક દર્શન વૈશ્ર્વિક દર્શન થાય છે. આ અભેદ દર્શન તે જ છે આત્મસાક્ષાત્કાર.

ચિમનલાલ વલ્લભરામ રાવલ

દશરથલાલ વેદિયા