સર્વેશ્વરવાદ : જે છે તે બધું જ ઈશ્વર છે  એવો એક દાર્શનિક મત. સર્વ એટલે જગત. અર્થાત્ જગત એ જ ઈશ્વર છે અને ઈશ્વર એ જ જગત છે. આ મતે જગત અને ઈશ્વર વચ્ચે અભેદ છે.

આ મત પ્રમાણે ઈશ્વરે જગતનું નિર્માણ કર્યું છે, અને તેથી તે ઈશ્વરમય છે. ગૌડપાદાચાર્યે તેમના અજાતિવાદ દ્વારા આનું વિધાન કર્યું છે.

સર્વેશ્વરવાદ એ અદ્વૈતવાદ માનવામાં આવે છે. આ સર્વેશ્વરવાદ એકેશ્વરવાદ અને બહુદેવવાદ – બંનેથી ભિન્ન છે.

કેટલાક લોકો સર્વેશ્વરવાદમાં નિરીશ્વરવાદ હોવાનું માને છે; કારણ કે, સર્વેશ્વરવાદમાં વિશિષ્ટ ધર્મનો ઈશ્વર માનવામાં આવતો નથી. તેમના મતે પણ જગત એ જ ઈશ્વર છે.

આ વાદમાં સર્વવ્યાપી ઈશ્વરનું તત્ત્વ જ બ્રહ્મ છે. શાંડિલ્યે છાંદોગ્યોપનિષદમાં ‘सर्वं खल्विदं ब्रह्म​’ દ્વારા ઈશ્વરને બ્રહ્મની સંજ્ઞા આપી છે. ‘खं ब्रह्म​’ દ્વારા જ આ વાત કરી છે. કેટલાક તેને અનિર્વચનીય તત્ત્વ તરીકે વર્ણવે છે. સર્વેશ્વરવાદમાં ઈશ્વરની કલ્પના સામાન્ય કલ્પનાથી ભિન્ન છે. જે કંઈ બધું છે તે જ ઈશ્વર કે પરમ સત્યરૂપ છે. આમ બ્રહ્મવાદ સર્વેશ્વરવાદની આધારશિલા બન્યો છે.

આ વાદમાં પાંચ પ્રકારના ભેદોનું નિરાકરણ શોધવામાં આવે છે. આ પાંચ ભેદો આ પ્રમાણે  છે : (1) જીવ અને ઈશ્વર ભિન્ન છે. (2) જીવો પરસ્પર ભિન્ન છે. (3) જડ વસ્તુ અને જીવ ભિન્ન છે. (4) જડ વસ્તુઓ પણ પરસ્પર જુદી છે. (5) જડ વસ્તુ અને ઈશ્વર ભિન્ન છે. સર્વેશ્વરવાદમાં આ પાંચેય વિશે અભેદ પ્રસ્થાપિત કરવામાં આવે છે. વસ્તુત: આ પાંચેય ભેદ મિથ્યા કે માયા છે. તે બધા જ ઈશ્વરના આભાસરૂપ છે. તે બધા જ ઈશ્વરનાં નામરૂપ છે.

કબીરથી રામતીર્થ પર્યંત નિર્ગુણની ઉપાસના કરનારા સંતોએ સર્વેશ્વરવાદનું નિરૂપણ કર્યું છે. ઈશ્વર બધે જ છે. તે મંદિર અને મસ્જિદમાં રહેલો છે. તીર્થાટન, મૂર્તિપૂજા, ગોષ્ઠિ (સભા) કરવી વગેરે તેની આરાધનાના ઉપચારો નિરર્થક છે. તેનું મનન-ચિંતન-પૂજા એ જ સાચી આરાધના છે. મુસ્લિમ સૂફી સંતોએ આ સર્વેશ્વરવાદને સ્વીકાર્યો છે.

સર્વેશ્વરવાદ ઉપર એવો આક્ષેપ કરવામાં આવે છે કે તેમાં વ્યક્તિવાદને કોઈ સ્થાન નથી. વૈયક્તિક માનવી અસત્ છે, જીવ અસત્ છે. ફક્ત ઈશ્વર જ સત્ છે, તે જ સર્વત્ર છે. આ બધી બાબતો અનુભવથી વિરુદ્ધ છે. જગતનું અસ્તિત્વ નથી. જગત મિથ્યા છે. માયા છે. આ જગતની કોઈ વૈજ્ઞાનિક વ્યાખ્યા નથી.  આ બાબત વિજ્ઞાન અને વિકાસવાદની વિરુદ્ધ છે. નૈતિક દૃષ્ટિએ સર્વેશ્વરવાદ નૈતિકતા, માનવસ્વાતંત્ર્ય અને કર્મવિપાકની વિરુદ્ધ છે. ધર્માધર્મ, શુભાશુભ, કર્માકર્મ – આ બધું જ ઈશ્વર હોવાની માન્યતા આ વાદમાં પ્રવર્તે છે.

આ આક્ષેપોનું ખંડન કરવાનો પણ પ્રયત્ન થયો છે. ‘વ્યક્તિ કે માનવનું સ્વાતંત્ર્ય નથી’ એમ કહેવાને બદલે ‘વ્યક્તિ જ ઈશ્વર છે’ એમ માનીએ તો વ્યક્તિ-માનવનો દરજ્જો કે ગૌરવ વધી જાય છે. પરિણામે જગતને ઈશ્વર કે બ્રહ્મ માનવામાં કોઈ મુશ્કેલી રહેતી નથી. અલ્પ ચિંતનને લીધે જગત મિથ્યા લાગે પણ અનંતની કલ્પના કરતાં તે બ્રહ્મ લાગે. ‘સર્વત્ર ઈશ્વર છે’ એમ માનતાં કર્મ કરવાની, સેવા કરવાની અને સૌને પ્રેમ કરવાની ઇચ્છા થાય. ‘શુભ-અશુભ, કર્મ-અકર્મ, ધર્મ-અધર્મ વગેરે બધું જ ઈશ્વર છે’ એમ માનતાં અનૈતિકતાને કોઈ સ્થાન નહિ રહે. તેને પ્રોત્સાહન પણ નહિ મળે. અનુયાયીઓમાં અનૈતિકતા અને ભ્રષ્ટાચાર રહે કે વધે તો તેમાં સર્વેશ્વરવાદનો દોષ નથી પણ વ્યક્તિગત નબળાઈ જ કારણભૂત ગણાય.

દશરથલાલ વેદિયા