સર્વેયરઅંતરીક્ષયાન શ્રેણી : ચંદ્રની ધરતી પર હળવેથી ઉતરાણ કરી શકે તે પ્રકારનાં અમેરિકાનાં માનવ-વિહીન અંતરીક્ષયાનોની શ્રેણી. આ શ્રેણીમાં કુલ સાત અંતરીક્ષયાનો હતાં. દરેક યાન ધીમી ગતિથી ઉતરાણ કરી શકે તે માટે તેમાં ઊર્ધ્વ-રૉકેટોનો ઉપયોગ કરવામાં આવતો હતો તથા યાન સ્થિરતાથી ધરતી પર રહી શકે તે માટે તેમાં પાયા અને foot-pad રાખવામાં આવ્યાં હતાં. ઉતરાણ બાદ ‘સર્વેયર’ના ટેલિવિઝન કૅમેરાની મદદથી ચંદ્રની ધરતીની તસવીરો મળતી હતી તથા તેનાં ઉપકરણોની મદદથી ચંદ્રની ધરતીની ચકાસણી થતી હતી. 1966થી 1968 દરમિયાન ‘સર્વેયર’ શ્રેણીનાં કુલ સાત અંતરીક્ષયાનો ચંદ્ર પર મોકલવામાં આવ્યાં હતાં, જેમાંનાં પાંચ યાનો સફળતાપૂર્વક ઉતરાણ કરી શક્યાં હતાં.

અમેરિકાના ‘એપૉલો’ કાર્યક્રમ માટે ચંદ્રની ધરતી પરના સમતલ વિસ્તારો તથા તેની જમીનની મજબૂતાઈ નક્કી કરવા માટે ‘સર્વેયર’ અંતરીક્ષયાનો ખાસ રીતે ઉપયોગી થયાં હતાં. એની મદદથી જાણવા મળ્યું હતું કે ચંદ્રની ધૂળવાળી જમીન પૂરતા પ્રમાણમાં મજબૂત હોવાથી ‘એપૉલો’ અંતરીક્ષયાન સુરક્ષિત રીતે ઊતરી શકે તેમ છે તથા માનવી તેની ઉપર ઊંડે ઊતરી ગયા વગર, સફળતાથી ચાલી શકે તેમ છે. તેની ધૂળની ઘનતા 1.5 ગ્રામ/ઘનસેમી. જેટલી છે, જ્યારે ધૂળના કણ પૃથ્વી પરની માટીના કણ (clay particle) જેવાં 2-60 માઇક્રોન કદના છે.

પરંતપ પાઠક