સર્વસત્તાવાદ : રાજ્યને સર્વેસર્વા માનતી અને તેના કાર્યક્ષેત્રમાં અન્ય તમામ બાબતોને સમાવી લેતી વિચારધારા. ચિંતનની દૃષ્ટિએ સર્વસત્તાવાદ આદર્શવાદનો એક ફાંટો છે. ફ્રેંચ ક્રાંતિ પછી યુરોપમાં તાકાતની આરાધનાને મહત્ત્વનું સ્થાન મળ્યું. જર્મની જેવો વેરવિખેર દેશ મજબૂત અને શક્તિશાળી બનવા ઉત્સુક હતો. ત્યારે ઇમૅન્યુઅલ કાંટ જેવા વિચારકોએ સર્વસત્તાવાદને પોષક વિચારો પૂરા પાડ્યા અને તે અજાણપણે સર્વસત્તાવાદી સાર્વભૌમ રાજ્યનો પુરસ્કર્તા બન્યો.

ફિખ્તે જર્મન રંગદર્શી રાષ્ટ્રવાદનો ઉદ્ગાતા બન્યો. તેણે સર્વસત્તાવાદી રાષ્ટ્રની, મહત્તમ સત્તાની હિમાયત કરી. હેગલના વિચારો દ્વારા પણ શક્તિશાળી રાજ્યના વિચારો સમર્થન પામ્યા. દ્વન્દ્વવાદ દ્વારા તે રાજ્યને સર્વોચ્ચ સ્થાને સ્થાપીને તેમાં વ્યક્તિનું, કુટુંબનું અને સમાજનું હિત સમાયેલું છે તેમ સ્થાપિત કરે છે. તે રાજ્યને સર્વોચ્ચ સ્વરૂપ પૂરું પાડીને વ્યક્તિના ભોગે પણ રાજ્યને એક પરમ સંસ્થા તરીકે સ્થાપે છે. ત્યારપછી ટ્રિટશ્કે તેના ચિંતનમાં રાજ્યને બળ, યુદ્ધ અને સર્વોપરિતાને ચરમ ધ્યેય તરીકે સ્વીકારે છે. રાજ્યને પરમ શક્તિશાળી બનાવવા વ્યક્તિની સ્વતંત્રતાનો છેદ ઉડાડી દેવાનું આ વિચારકોએ મુનાસિબ માન્યું. આંગિક સિદ્ધાંત લાગુ પાડીને રાજ્યની તુલના માનવશરીર સાથે કરવામાં આવી. શરીરના કોઈ એક અવયવને શરીરથી અલગ પોતાની કોઈ ઇચ્છા હોતી નથી તેમ વ્યક્તિને સમાજથી અલગ એવી કોઈ ઇચ્છા ન હોય, ન હોવી જોઈએ એમ ઠેરવીને તેમણે વૈયક્તિક ઇચ્છા, સ્વતંત્રતા કે અધિકારોની વાતને અર્થહીન ઠેરવી. તે સાથે રાજ્યના હિતમાં કે વિકાસમાં વ્યક્તિનું હિત કે ભલું સમાયેલું છે તેમ પુરવાર કરવાનો પ્રયાસ થયો. એથી રાજ્યમાં સમાયેલી સર્વસત્તાથી વ્યક્તિઓનું પણ ભલું થવાનું છે તે વિચાર દૃઢતાથી રજૂ થતો રહ્યો. રાજ્ય મજબૂત અને શક્તિશાળી બને એટલે, વ્યક્તિઓ પણ મજબૂત અને શક્તિશાળી બનશે જ એવો તાર્કિક ભ્રમ વ્યાપક રીતે ફેલાવવામાં આવ્યો. વાસ્તવમાં અહીં ખોટા તર્કનો પ્રસાર થયો. શરીરનાં અવયવો-અંગો પરાવલંબી છે; પરંતુ વ્યક્તિઓ સમાજ પર આવું  આ પ્રકારનું કોઈ પરાવલંબન ધરાવતી નથી. વ્યક્તિઓ સમાજનો ભાગ હોવા છતાં તેમને સ્વતંત્ર ઇચ્છા, કાર્યશક્તિ વગેરે હોય છે. આથી રાજ્ય વિના પણ વ્યક્તિનું અસ્તિત્વ શક્ય હોય છે, જે આંગિક સિદ્ધાંતમાં શરીરના અવયવો માટે સાચું નથી. આ સંદર્ભમાં સર્વસત્તાવાદ સર્વવ્યાપી, સર્વ ક્ષેત્રોને તેનામાં સમાવી લેતા રાજ્યની વાત કરે છે, જેમાં વ્યક્તિને કોઈ સ્વાતંત્ર્ય કે અધિકાર હોતાં નથી.

‘સર્વસત્તાવાદ’ શબ્દ ‘સર્વ’ અને ‘સત્તા’ એ બંને શબ્દોમાંથી બન્યો છે; જ્યારે રાજ્ય અમુક શરતોને અનુસરે ત્યારે તેવા રાજ્યને સર્વસત્તાવાદી રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના રાજ્યમાં સરકારના સત્તાધારીની સત્તા તથા તેનો વ્યાપ સંપૂર્ણ હોય છે. સર્વસત્તાવાદી રાજ્ય કુટુમ્બ, ધર્મ, સંસ્કાર વગેરે જેવી વ્યક્તિના જીવનની અંગત બાબતોમાં હસ્તક્ષેપ કરે છે; એટલું જ નહિ, તેના પર ભારે અંકુશ રાખે છે. સર્વસત્તાવાદ એ લોકશાહી વિચારધારાની તદ્દન વિરુદ્ધની વિચારધારા કે વાદ છે. લોકશાહીમાં લોકોની સહભાગીદારી-સામેલગીરી અને મૂળભૂત સ્વાતંત્ર્યો પાયામાં હોય છે, જ્યારે સર્વસત્તાવાદમાં લોકો-વ્યક્તિનું કોઈ જ મૂલ્ય હોતું નથી તેમજ મૂળભૂત સ્વાતંત્ર્યોને પણ કોઈ સ્થાન હોતું નથી.

સર્વસત્તાવાદનાં મુખ્ય લક્ષણો : (1) સર્વસત્તાવાદી રાજ્યમાં સરકારની સત્તા અમર્યાદ હોય છે, સર્વવ્યાપી હોય છે, અને તેમાં બધું જ સમાયેલું હોય છે. બીજી રીતે કહીએ તો પ્રત્યેક વ્યક્તિ-વસ્તુ રાજ્ય માટે હોય છે, રાજ્યની વિરુદ્ધ કંઈ જ હોઈ શકે નહિ. કોઈ પણ વસ્તુ રાજ્યની મર્યાદાની બહાર હોઈ શકે નહિ; (2) આ પ્રકારના રાજ્યમાં સત્તાધારી સર્વોચ્ચ, સંપૂર્ણ અને અગાધ સત્તા ધરાવે છે. મનુષ્યો પરની તેની સત્તા આખરી અને અંતિમ હોય છે તેને કોઈ પણ રીતે પડકારી શકાય નહિ; (3) આ પ્રકારના રાજ્યમાં ઉપર જણાવ્યા પ્રમાણેની રાજ્યની સત્તા હોવાથી આવા વાતાવરણમાં વ્યક્તિ-સમાજ તેનું વ્યક્તિત્વ, ઓળખ, લાક્ષણિકતા ગુમાવી બેસે છે; (4) સર્વસત્તાવાદ એટલે આપખુદશાહી-આપખુદ શાસન. જ્યારે લોકોના સ્વાતંત્ર્યને, મૂળભૂત હક્કોને દબાવી દેવા માટે સત્તાનો ઉપયોગ કરાતો હોય ત્યારે રાજ્યકર્તા-શાસક આપખુદ બને છે; (5) સર્વસત્તાવાદી રાજ્યમાં રાજકીય આપખુદી, અત્યાચાર અને અસહિષ્ણુતા રહેલાં હોય છે. તદુપરાંત સર્વસત્તાવાદી રાજ્યની તમામ સત્તા કાં તો એક વ્યક્તિના હાથમાં હોય છે અથવા તો એક પક્ષના. એ રીતે તપાસતાં સરમુખત્યારશાહી, રાજાશાહી, સામ્યવાદ, નાઝીવાદ, ફાસીવાદ વગેરે સર્વસત્તાવાદી વ્યવસ્થાના પેટાપ્રકારો છે. આ વ્યવસ્થામાં ઉચ્ચ સ્થાન મેળવનાર આગેવાન સરમુખત્યાર આપખુદ અને સર્વસત્તાધારી વ્યક્તિ બને છે. પક્ષના કે રાજ્યના માળખાના તમામ સ્તરોએ તે તેના પસંદ કરેલા ટેકેદારો-જીહજૂરિયાઓની નિમણૂક કરે છે. પક્ષ તેના નેતાની મોહકતા તથા તેની પૂજાની ભાવના જગાડે છે. તેના વ્યક્તિત્વને કરિશ્માતી (charismatic) બનાવવામાં આવે છે અને છેવટે તેને ઈશ્વર રૂપે ગણવામાં આવે છે. દા.ત., જર્મનીમાં જ્યારે નાઝીવાદ પૂર્ણપણે અસ્તિત્વમાં હતો ત્યારે એડૉલ્ફ હિટલરને ઈશ્વરીય સ્વરૂપ બક્ષવામાં આવેલ અને શાળાઓમાં જતાં બાળકોને એવું બોલાવવામાં આવતું કે ‘હિટલર અમારો દેવ છે તેનો જય થાઓ, જય થાઓ, જય થાઓ.’

સર્વસત્તાવાદી શાસનવ્યવસ્થામાં શાસકથી ભિન્ન મત ધરાવનાર લોકો ઉપર ત્રાસ ગુજારવામાં આવે છે અને એવા વિરોધી લોકોની સાફસૂફી કરી દેવામાં આવે છે. સર્વસત્તાવાદી સરકારનું અસ્તિત્વ ત્રાસ-દમનની પદ્ધતિ પર આધારિત છે; દા.ત., નાઝીઓએ યહૂદીઓ, સામ્યવાદીઓ અને રાજ્યના કહેવાતા દુશ્મનોની સામે ત્રાસનું સામ્રાજ્ય ઊભું કર્યું. એડૉલ્ફ હિટલરે નોર્ડિક જર્મનોની જાતીય સર્વોપરિતાના બહાના હેઠળ યહૂદીઓના નિકંદનને વાજબી ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. સર્વસત્તાવાદી રાજ્યમાં વ્યક્તિની સ્વતંત્રતા, અવાજ, વિચારો, મતભેદો, ફરિયાદો, મુશ્કેલીઓ વગેરેને યેનકેન પ્રકારેણ શાસક દ્વારા દબાવી દેવામાં આવે છે અને તેમ કરવામાં તે ત્રાસ અને દમન ગુજારે છે. વળી આ પ્રકારના રાજ્યમાં વર્તમાનપત્રો, સંવહનનાં સાધનો, સંચાર-માધ્યમો પર શાસનકર્તાનો એકહથ્થુ અંકુશ હોય છે. જેનાથી બંધિયાર સમાજનું નિર્માણ થાય છે. સર્વસત્તાવાદ, ઉપર જણાવ્યું તેમ, વ્યક્તિની સ્વતંત્રતા અને સમાનતાનો વિરોધી છે. આ પ્રકારના રાજ્યમાં બીજાં કોઈ પક્ષો-જૂથોને સ્થાન હોતું નથી.

સર્વસત્તાવાદી રાજ્યો એકાધિકારવાદી હોય છે, છતાં બધાં જ એકાધિકારવાદી રાજ્યો અનિવાર્યપણે સર્વસત્તાવાદી હોતાં નથી તે નોંધવું જરૂરી છે. જ્યારે એકાધિકારવાદ અનિયંત્રિત, ખૂબ ઉગ્ર અને સર્વવ્યાપી સ્વરૂપ ધારણ કરે છે અને વ્યક્તિગત તથા સામાજિક જીવનમાં હસ્તક્ષેપ કરે છે ત્યારે તે સર્વસત્તાવાદી રાજ્ય બની જાય છે. સર્વસત્તાવાદમાં જનમતનો આદર કરાતો નથી; એટલું જ નહીં, જનમત જેવું કશું હોતું નથી; ઊલટાનું સર્વસત્તાવાદી રાજ્ય વ્યક્તિના જીવનનાં તમામ ક્ષેત્રોમાં દખલગીરી કરે છે અને વ્યક્તિના જીવન પર નિયંત્રણો મૂકે છે. સર્વસત્તાવાદી રાજ્ય શાંતિ, માનવતાવાદ, આંતરરાષ્ટ્રીય કાયદો અને વ્યવસ્થા વગેરેને નકારે છે. સામાજિક-આર્થિક અવ્યવસ્થા અને રાજકીય અંધાધૂંધીનો લાભ લઈ સર્વસત્તાવાદી શાસક પોતાના હાથમાં રાજ્યની તમામ સત્તા હસ્તગત કરે છે. આવા શાસક અધિકારો, ન્યાય, શાંતિ, કાયદાનું શાસન, સામાન્ય રાજકીય વ્યવસ્થા, વ્યક્તિનું ગૌરવ વગેરેનો ઇન્કાર કરે છે. અગાઉ જણાવ્યું તેમ, સર્વસત્તાવાદી રાજ્ય લોકશાહી રાજ્યવ્યવસ્થાની તદ્દન વિપરીત વ્યવસ્થા છે. જ્યારે રાજ્યકર્તા પક્ષશાસક પક્ષલઘુમતીના દૃષ્ટિબિંદુને કુંઠિત કરે છે, મચડી નાખે છે અથવા તો તેની ઉપેક્ષા કરે છે અને નીતિઓ અને કાર્યક્રમોના અમલને માટે બહુમતીની સત્તાનો દુરુપયોગ કરે છે ત્યારે સર્વસત્તાવાદી રાજ્યવ્યવસ્થા આકાર પામે છે.

સર્વસત્તાવાદી રાજ્યવ્યવસ્થામાં શાસકપક્ષ વ્યક્તિના જીવનના દરેકેદરેક પાસા પર સંપૂર્ણ નિયંત્રણ ઠોકી બેસાડે છે. આ રીતે તે કેન્દ્રીકૃત, અબાધિત અને એકાધિકારવાદી શાસનતંત્ર છે. આ પ્રકારના શાસનતંત્રમાં શાસક સત્તાનો મનવસ્વીપણે અમલ કરે છે અને શાસકની સત્તા સામે કોઈ પણ પ્રકારે વિરોધ થઈ શકતો નથી. ફ્રાન્સના પ્રખ્યાત આપખુદ શાસક લૂઈ 14માએ એક વખત એકાધિકારવાદી એવા પોતાના શાસન માટે જે વાક્યો કહ્યાં હતાં તે અદ્દલ સર્વસત્તાવાદી રાજ્યને લાગુ પાડી શકાય તેવાં છે. તેણે કહ્યું હતું કે ‘હું જ રાજ્ય છું, બધું રાજ્યમાં સમાયેલું છે, રાજ્ય બહાર કશું હોઈ શકે નહિ.’ આમ સર્વસત્તાવાદ એક પક્ષ અથવા તો એક નેતામાં માને છે. સર્વસત્તાવાદી રાજ્ય ત્રાસવાદી સામ્રાજ્ય વરતાવે છે અને તે લોકો પાસેથી બિનશરતી આજ્ઞાધીનતાની અપેક્ષા રાખે છે, વ્યક્તિઓના વિવિધ વિચારોને કચડી નાખે છે. હિટલરનો નાઝીવાદ, ઇટાલીના મુસોલીનીનો ફાસીવાદ સર્વસત્તાવાદી રાજ્યનાં ઉદાહરણો છે.

ધર્મેન્દ્રસિંહ દિલાવરસિંહ ઝાલા

રક્ષા મ. વ્યાસ