સર્વસામાન્ય આગ્નેય ખડકો (ભારત) : ભારતના સંદર્ભમાં જોતાં, નીચેના ખડકપ્રકારો વિશેષ પ્રમાણમાં મળે છે :

(1) ગ્રૅનાઇટ : હિમાલય હારમાળા, અરવલ્લી હારમાળા (માઉન્ટ આબુ) તથા પૂર્વઘાટના વિસ્તારોમાં આ ખડકપ્રકાર વિપુલ પ્રમાણમાં મળે છે. તેમના બંધારણમાં ઑર્થોક્લેઝ ફેલ્સ્પાર, ક્વાટર્ઝ, મસ્કોવાઇટ અને થોડા પ્રમાણમાં હૉર્નબ્લેન્ડ હોય છે. બાંધકામમાં તે સુશોભન હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે.

(2) બેસાલ્ટ : ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં તે ડેક્કન ટ્રૅપ રચનામાં વિપુલ પ્રમાણમાં મળે છે. તેનું ખનિજ-બંધારણ મુખ્યત્વે પ્લેજિયૉક્લેઝ અને ઑગાઇટનું હોય છે. વળી થોડા પ્રમાણમાં તેમાં ઑલિવિન હોય છે. આ ખડકો સિમેન્ટ કૉંક્રીટમાં કપચી તરીકે, માર્ગબાંધકામમાં તથા જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં ઇમારતી બાંધકામખડક તરીકે ઉપયોગમાં લેવાય છે.

(3) પેગ્મેટાઇટ : બિહાર, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં તે અબરખધારક પટ્ટામાં પુષ્કળ પ્રમાણમાં મળે છે. તે ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર અને અબરખથી બનેલા હોય છે. આ પટ્ટાઓમાંથી શ્રેષ્ઠ પ્રકારનું અબરખ મળે છે, જે ભારતને સારા પ્રમાણમાં હૂંડિયામણ કમાવી આપે છે. અબરખના ઉત્પાદનમાં દુનિયાભરમાં ભારત ઇજારાશાહી ભોગવે છે.

(4) લૅમ્પ્રોફાયર : આ ખડકોનો ભૂમધ્યકૃત આગ્નેય પ્રકારોમાં સમાવેશ થાય છે. તે મુખ્યત્વે ડાઇક જેવાં અંતર્ભેદના સ્વરૂપે મળે છે. તે મૅગ્માજન્ય દ્રવ્યમાંથી પોપડાની છીછરી ઊંડાઈમાં તૈયાર થાય છે. તે મુખ્યત્વે ભારતનાં કોલસાક્ષેત્રોમાં મળે છે. માઇકા (બાયૉટાઇટ) લૅમ્પ્રોફાયર, હૉર્નબ્લેન્ડ લૅમ્પ્રોફાયર તથા ઑગાઇટ લૅમ્પ્રોફાયર તેના મુખ્ય પ્રકારો છે. અન્ય ખડકોની સરખામણીમાં આ પ્રકારના ખડકો ઓછા પ્રમાણમાં મળે છે. તે કોઈ ખાસ ઉપયોગમાં લેવાતા નથી.

(5) એનૉર્થોસાઇટ : માત્ર પ્લેજિયૉક્લેઝ(લેબ્રેડોરાઇટ)થી બનેલો આ પારબેઝિક આગ્નેય ખડક છે. તે પૂર્વઘાટની ટેકરીઓમાં, પશ્ચિમ બંગાળના બાંકુરા વિસ્તારમાં, તામિલનાડુના સીતામ્પુડી સંકુલમાં તથા ઓરિસાના અંગૂલ વિસ્તારમાં વિશેષપણે જોવા મળે છે. તેનો કોઈ વિશિષ્ટ ઉપયોગ નથી.

ગિરીશભાઈ પંડ્યા