સરવાન્તિસ, સારેન્દ્રા મિગેલ દ

January, 2007

સરવાન્તિસ, સારેન્દ્રા મિગેલ (. 29 સપ્ટેમ્બર 1547, અલ્કેલા હેનાર્સ, સ્પેન; . 23 એપ્રિલ 1616, મૅડ્રિડ) : સ્પેનના નવલકથાકાર, કવિ અને નાટ્યકાર. તેમની જગપ્રસિદ્ધ નવલકથા ‘દૉન કિહોતે’ મધ્યકાલીન યુગના જમીનદારના સાહસિક જીવનને નિરૂપે છે. બખ્તર પહેરીને જગતમાં પ્રવર્તમાન અન્યાય સામે તે બળવો પોકારે છે. જગતના નવલકથાસાહિત્ય પર તેની પ્રબળ અસર થઈ છે. તેમનું વાચન વિશાળ હતું. તેમના સર્જન ઉપર અનેક સાહિત્યકૃતિઓ અને સાહિત્યસિદ્ધાંતોની અસર છે. ગોપબાલના પ્રેમ અને સૈનિકના સાહસની અને સ્ત્રીસન્માનની અદ્ભુત ગાથા તેમના લખાણમાં છતી થાય છે.

1568માં સરવાન્તિસ લશ્કરમાં ભરતી થાય છે. તુર્કો સામેના લેપાન્તૉના દરિયાઈ યુદ્ધમાં 1571માં તે લડે છે. લડાઈમાં છાતી અને ડાબે હાથે તેમને ગંભીર ઈજા થયેલી. ‘લેપાન્તૉના ઘાયલ સૈનિક’ તરીકે તે ઓળખાતા. ઉત્તર આફ્રિકા અને અન્ય ભૂમધ્ય સમુદ્રના દેશોમાં સૈનિક તરીકે સેવાઓ આપેલી. 1575માં સ્પેન ગયા. પરંતુ તેમના વહાણને દરિયાઈ ચાંચિયાઓએ કબજે લઈ લીધેલું. સરવાન્તિસને અલ્જિરિયામાં ગુલામ તરીકે લઈ ગયા. પાંચ વર્ષ ત્યાં ગુલામ તરીકે રહેલા. ત્યાંથી કેટલીક વાર ભાગી છૂટવાનો પ્રયત્ન કરેલો. ધર્મમઠ દ્વારા મુક્તિદંડ લઈને તેમને બંદીપણામાંથી છૂટા કરેલા. ‘દૉન કિહોતે’માં આ કાળના સ્વાનુભવવાળા પ્રસંગો વણાયા છે. મુક્તિ મળ્યા પછી સરવાન્તિસ 1580માં મૅડ્રિડ પહોંચ્યા. પોતાની મુક્તિ માટેના દંડની રકમનું લેણું ભરપાઈ કરવા નોકરીની શોધમાં હતા. તેમને સંદેશવાહકની નોકરી મળી. આ પછી તો તેમણે લગ્ન કર્યું. કવિતાની રચના કરવા લાગ્યા. ગદ્ય પણ લખ્યું. પાછળથી અનાજ ભેગું કરવાની નોકરી પણ મળી. આ અનુભવમાંથી તેમને જાતજાતના લોકોને મળવાનું થયું. આ ધંધામાં સ્પેનના દક્ષિણ-પશ્ચિમના ધોરી માર્ગો પર વારંવાર જવા-આવવાનું થતું. મનુષ્ય-સ્વભાવને ઓળખવાનું શીખ્યા. ‘દૉન કિહોતે’માં આ વિશે ઊંડું ચિંતન છે. તેમની અન્ય સાહિત્યકૃતિઓમાં પણ આશા-નિરાશા અને સ્વપ્ન તથા વાસ્તવિકતા વચ્ચેના સંઘર્ષનાં જે ચિત્રો જોવા મળે છે તે આ અનુભવનો જ નિચોડ છે.

‘લા ગેલેટિયા’ (1585) ગદ્યમાં ગોપજીવનની દીર્ઘ પ્રેમકથા છે. તેમણે 20 વર્ષ સુધી નાટકો પણ લખ્યાં. જોકે રંગમંચ પર તે ખાસ ભજવાયાં નહિ. તેમનાં ‘એલ ટ્રેટો દ આર્જેલ’ અને ‘લા નુમેન્શિયા’ – આ બે નાટકો જ ઉપલબ્ધ છે. જોકે 1605માં ‘દૉન કિહોતે’ના પ્રકાશને તેમને કીર્તિ અપાવી. ત્યારપછી આઠ વર્ષ સુધી તેમણે કોઈ અન્ય કૃતિ પ્રસિદ્ધ કરી નહિ.

‘દૉન કિહોતે’ નવલકથા બે ભાગ(ભા. 1 1605; ભા. 2 1615)માં પ્રસિદ્ધ થઈ હતી. 60 ભાષાઓમાં તેનો પૂરો કે અંશત: અનુવાદ થયેલો છે. તે સમયે પ્રચલિત સ્ત્રીદાક્ષિણ્યના ‘રોમાન્સ’ની સામે કટાક્ષ તરીકે તેમાં આધેડ વયના ઉમરાવ દૉન કિહોતેએ રોમાન્સ કથાઓના વાચન બાદ તેના મન પર થયેલી ઘેરી અસરથી તેના ઘરડા ટટ્ટુ રોઝીનાન્ટ પર પોતાના અનુયાયી સાન્કો પાન્ઝા સાથે સાહસની શોધમાં કેવી મુસાફરી કરી તેનું રોમાંચક વર્ણન છે. સાહિત્યની સૃદૃષ્ટિમાં અપૂર્વ ખ્યાતિ મેળવનારાઓ પાત્રોની પ્રબળ અસર ગુજરાતીમાં રમણભાઈ નીલકંઠની ‘ભદ્રંભદ્ર’ નવલકથામાં ભદ્રંભદ્ર અને અંબાલાલનાં પાત્રોના સર્જન પર વરતાય છે. ચન્દ્રવદન મહેતાએ ‘દૉન કિહોતે’ શીર્ષકથી સર્વાન્તિસની આ નવલકથાનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે, જે સાહિત્ય અકાદમી, દિલ્હીએ 1964માં પ્રસિદ્ધ કરેલ છે.

‘નૉવેલાસ એજેમ્પ્લેર્સ’ (‘એક્ઝમ્પ્લરી નૉવેલ્સ’, 1613) પ્રસિદ્ધ થઈ. આમાંની કેટલીક વાર્તાઓ વરસો પહેલાં રચાઈ હતી. શૈલી અને વિષયના સંદર્ભમાં તે ‘દૉન કિહોતે’થી ખૂબ જુદી પડે છે. તે જેટલી વાસ્તવિક છે તેટલી ‘રોમૅન્ટિક’ પણ છે. તેમાં કટાક્ષની ધાર પણ છે.

‘જર્ની ટુ પાર્નેસસ’ (1614) દીર્ઘ કાવ્યરચના છે. સ્પૅનિશ કવિઓનું તેમાં ગુણમાપન છે. 1615માં ‘દૉન કિહોતે’ (ભાગ 2) અને ‘એઇટ કૉમેડીઝ ઍન્ડ એઇટ એન્દ્રિમિઝિસ’ પ્રકાશિત થયાં. આમાં એન્દ્રિમિઝિસ એકાકી કૉમેડી નોંધપાત્ર છે.

‘પર્સિલિસ ઍન્ડ સિજિસ્મુન્ડા’ (1617) કૌતુકપ્રિય સાહસિક નવલકથા તેમના મૃત્યુ બાદ પ્રસિદ્ધ થઈ હતી. લેખકના અવસાન પહેલાં માત્ર ચાર દિવસ પહેલાં લખાયેલી તેની પ્રસ્તાવના છટાદાર અને હૃદયસ્પર્શી છે. પોતાના અવસાનનો અણસાર આવી ગયો હોય તેમ લાગતાં તેમણે જિંદગીને લિખિત રીતે અલવિદા કરી છે.

વિ. પ્ર. ત્રિવેદી