સરવટે, સી. ટી. (. 22 જુલાઈ 1920, સાગર મહાકોશલ (મધ્યપ્રદેશ); . 23 ડિસેમ્બર 2003, ઇંદોર-મધ્યપ્રદેશ) : ભારતની ટેસ્ટ ક્રિકેટ ટીમના પૂર્વ ઑલ રાઉન્ડર; સલામી બલ્લેબાજ; રાષ્ટ્રીય સ્તરની સિનિયર અને જુનિયર ટીમોની પસંદગી સમિતિના પૂર્વ સભ્ય; આકાશવાણી તથા દૂરદર્શન પર ટેસ્ટ શ્રેણીઓના પૂર્વ કૉમેન્ટેટર; ક્રિકટ-સમીક્ષક તથા જાણીતા હસ્તાક્ષર-નિષ્ણાત. આખું નામ ચંદ્રશેખર ત્ર્યંબક સરવટે, પરંતુ ક્રિકેટ-જગતમાં ટૂંકાક્ષરી ‘ચંદુ સરવટે’ નામથી વિશેષ જાણીતા. પિતા જબલપુર ખાતે ડૉક્ટરનો વ્યવસાય કરતા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતન સાગર ખાતે. ત્યારબાદ સ્નાતક અને અનુસ્નાતક ઉચ્ચશિક્ષણ નાગપુર તથા મુંબઈ યુનિવર્સિટીમાં  લીધું.

તેમણે પ્રથમ શ્રેણીની મૅચોમાં 1936-37માં પ્રવેશ કર્યો તથા ભારત વતી ટેસ્ટ શૃંખલાઓમાં ઇંગ્લૅન્ડની પ્રવાસી ટીમ સામે મદ્રાસ (હવે ચેન્નાઈ) ખાતેની ત્રીજી ટેસ્ટ દ્વારા પ્રવેશ કર્યો. આ ટેસ્ટ મૅચમાં તેમણે બંને ઇનિંગમાં મળીને કુલ આઠ વિકેટો ઝડપી હતી જેને કારણે ભારતે ટેસ્ટ શૃંખલામાં વિજય હાંસલ કર્યો હતો. પ્રથમ કક્ષાની મૅચોમાં તેમણે 33 વર્ષની પ્રદીર્ઘ કારકિર્દી નોંધાવી છે (1936-37થી 1968-69). રણજી ટ્રૉફી મૅચોમાં તેઓ સમગ્ર કારકિર્દી દરમિયાન પાંચ પ્રાદેશિક ટીમોમાં રમ્યા છે : સેન્ટ્રલ પ્રૉવિન્સિસ અને બેરાર, મહારાષ્ટ્ર, મુંબઈ, હોળકર તથા છેલ્લે મધ્યપ્રદેશની ટીમ. પ્રથમ શ્રેણીની મૅચોમાં તેમના 6,000થી પણ વધારે રન નોંધાયા હતા; જેમાં ત્રણ બેવડી સદીઓ તથા ચૌદ શતકોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે પ્રથમ શ્રેણીની મૅચોમાં તેમણે 4,00 કરતાં વધારે વિકેટો ઝડપી હતી. 1948ના ભારતીય ટીમના ઑસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન તેઓ સલામી બલ્લેબાજ તરીકે ખ્યાતિ પામ્યા હતા. મેલબૉર્ન ખાતે રમાયેલી ટેસ્ટ મૅચમાં તેમણે વિનુ માંકડની સાથે સલામી બલ્લેબાજ તરીકે 124 રનનો અંગત જુમલો ખડક્યો હતો અને તે પણ ઑસ્ટ્રેલિયાના વિખ્યાત દ્રુતગતિ ગોલંદાજ લિન્ડૅવાલ, મિલર, જ્હૉનસન અને જ્હૉનસ્ટન જેવા ગોલંદાજોની આક્રમક ગોલંદાજી સામે. 1946ના વર્ષમાં ભારતની ક્રિકેટ ટીમ ઇંગ્લૅન્ડના પ્રવાસે ગઈ. તે પ્રવાસ દરમિયાન તેમણે ઇંગ્લૅન્ડની ચૅમ્પિયન ટીમ સરે સામે ઓવલ ખાતે અણનમ 124 રન કર્યા હતા અને શુટે બૅનર્જી સાથે છેલ્લી વિકેટની ભાગીદારીમાં કુલ 249 રન કર્યા હતા. આ ઇનિંગમાં તેઓ દસમા ખેલાડી તરીકે મેદાનમાં ઊતર્યા હતા. છેલ્લી વિકેટની 249 રનની આ ભાગીદારી હજુ સુધી રૅકર્ડ-બુક પર અણનમ રહી છે. પ્રથમ શ્રેણીની કોઈ મૅચમાં 10મા અને 11મા બંને બૅટ્સમૅનોએ પોતપોતાની સદી ફટકારી હોય એવો ક્રિકેટના ઇતિહાસમાં આ એકમાત્ર બનાવ છે. સરવટે ઇંગ્લૅન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને ઑસ્ટ્રેલિયા સામે કુલ 11 ટેસ્ટમૅચો રમ્યા હતા.

સી. ટી. સરવટે

તેઓ જમણેરી બૅટધર તથા જમણેરી ગોલંદાજ હતા. તેઓ ઑફ સ્પિન અને લેગ સ્પિન બંને પ્રકારની ખતરનાક ગોલંદાજી કરી શકતા હતા. આકાશવાણી અને દૂરદર્શન પર એક્સપર્ટ કૉમેન્ટેટર તરીકે પણ તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.

હોળકરની ક્રિકેટ ટીમમાં તેઓ આધારસ્તંભ ઑલ રાઉન્ડર ગણાતા હતા. આ ટીમ તરફથી તેઓ રમતા હતા ત્યારે હોળકરની ટીમે ચાર વાર રણજી ટ્રૉફીની ફાઇનલમાં ચૅમ્પિયનશિપ મેળવી હતી. આ ચારેય વખતના વિજયમાં બૅટિંગ અને બૉલિંગ બંનેમાં ચંદુ સરવટેનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો.

ક્રિકેટની રમતમાંથી 1969માં નિવૃત્ત થયા બાદ તેમણે ભારત અને ઇંગ્લૅન્ડ બંને દેશોમાં ભારત-ઇંગ્લૅન્ડ મૅચો દરમિયાન ટેસ્ટ-મૅચો તથા એક-દિવસીય મૅચોમાં આકાશવાણી તથા દૂરદર્શન પર કૉમેન્ટેટર તરીકે સેવાઓ આપી હતી. આંખે દેખ્યો અહેવાલ રજૂ કરવાની તેમની શૈલી અનોખી અને તેથી શ્રોતાઓમાં પ્રિય હતી.

1983માં ઇંગ્લૅન્ડના લૉર્ડ્ઝ મેદાન પર ભારતની જે ટીમે વેસ્ટ ઇન્ડિઝ સામે અંતિમ મૅચમાં વિજય મેળવી વિશ્વકપ જીત્યો હતો તે ટીમની પસંદગી સમિતિના સભ્યોમાં સરવટે પણ એક સભ્ય હતા. ભારતની અન્ડર નાઇનટીન જુનિયર ટીમની પસંદગી સમિતિના ચૅરમૅનપદે પણ તેમણે કામ કર્યું હતું.

1987માં જ્યારે ભારતની ટીમે ચાર એક-દિવસીય મૅચો રમવા માટે પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો હતો ત્યારે રિલાયન્સ વર્લ્ડ કપ ઑર્ગેનાઇઝિંગ કમિટીએ ચંદુ સરવટેને મૅચ રેફરી તરીકે પાકિસ્તાન મોકલ્યા હતા. પાકિસ્તાન-ભારત વચ્ચે રમાયેલી તે ચારેય મૅચોમાં રેફરી તરીકે તેમણે સેવાઓ આપી હતી.

મધ્યપ્રદેશ રણજી ટ્રૉફી પસંદગી સમિતિના ચૅરમૅનપદે તથા મધ્યપ્રદેશ ક્રિકેટ ઍસોસિયેશનના માનાર્હ મંત્રી તથા માનાર્હ કોષાધ્યક્ષ તરીકે તેમણે વર્ષો સુધી કામ કર્યું હતું. અવસાનસમયે તેઓ આ સંસ્થાના ઉપાધ્યક્ષપદે વિરાજમાન હતા.

વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ક્રિકેટ ખેલાડીઓ વિવિયન રિચાર્ડ્ઝ અને માઇકેલ હોલ્ડિંગની સાથે ચંદુ સરવટેને પણ ક્રિકેટ ક્લબ ઑવ્ ઇન્ડિયાની માનદસદસ્યતા (ઑનરરી મેમ્બરશિપ) એનાયત કરવામાં આવી હતી. હોળકર રિયાસતની ફોજમાં તેઓ કૅપ્ટનનો હોદ્દો (rank) ધરાવતા હતા.

કારકિર્દીનો આલેખ : 11 ટેસ્ટ મૅચ રમ્યા જેમાંથી 9 અધિકૃત ટેસ્ટ મૅચો હતી. કુલ રન 208. સરેરાશ 13. વધુમાં વધુ જુમલો 37.

પ્રથમ શ્રેણીની મૅચો : 171 મૅચો રમ્યા. કુલ રન 7,430. સરેરાશ 32.73. સર્વાધિક રન 246, 14 સદીઓ તથા 38 અર્ધ સદીઓ. 91 કૅચ ઝડપ્યા.

ગોલંદાજી : 494 વિકેટો, સરેરાશ 23.54. સર્વોત્તમ બૉલિંગ 61 રને 9 વિકેટ. 26 વખત ઇનિંગદીઠ પાંચ વિકેટો ઝડપી. ત્રણ વાર એક જ મૅચમાં 10 વિકેટો ઝડપી.

ક્રિકેટ ઉપરાંત હસ્તાક્ષર તજ્જ્ઞ તરીકે પણ તેઓ દેશભરમાં ખ્યાતિ ધરાવતા હતા. આ અંગેની વિશિષ્ટ તાલીમ તેમણે ઇંગ્લૅન્ડ ખાતે લીધી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે