સગર્ભતા, અતિજોખમી (high risk pregnancy) : માતા, ગર્ભશિશુ (foetus) કે નવજાત શિશુ(neonate)ને જન્મ પહેલાં કે પછી માંદગી કે મૃત્યુનો ભય હોય અથવા તેવું જોખમ થવાની સંભાવના હોય તેવી સગર્ભતા (pregnancy). દરેક સગર્ભતા તથા પ્રસવ સમયે જોખમ રહેલું હોય છે; પરંતુ કેટલીક સ્થિતિઓમાં તેની સંભાવના વધે છે. આવું આશરે 20 %થી 30 % સગર્ભાવસ્થાઓમાં જોવા મળે છે. માતાની પૂરતી જન્મપૂર્વ (antenatal) અને જન્મકાલીન (intranatal) સંભાળ લેવામાં આવે તેમ છતાં થોડાક અંશે માંદગી કે મૃત્યુ સંભવે છે અને તે પરિજન્મ (perinatal) વિષમતાઓ અને મૃત્યુના 70 % થી 80 % જેટલા પ્રમાણમાં કારણરૂપ રહે છે. વિકસિત દેશોમાં આવી વિષમતા કે મૃત્યુ લઘુતમ દરે લાવી શકાયું છે, જ્યારે વિકાસશીલ દેશોમાં માતાઓની પૂર્વકાલીન વિષમતાઓ અને વિકારોને કારણે તથા પ્રસવ (delivery) સમયે ઉદ્ભવતી વિષમતાઓને કારણે આ દર ઊંચો રહેલો છે. સગર્ભતામાં જોવા મળતી માતાઓમાં ઉદ્ભવતી આનુષંગિક તકલીફોમાં 5 % દરે અને સિઝરિયન સેક્શન નામના શસ્ત્રક્રિયા વડે કરાતા ઉદરીય પ્રસવના 60 % કિસ્સામાં અતિજોખમી સગર્ભતા કરતાં કારણો સક્રિય હોય છે.

નિદાન : સગર્ભતાના પ્રથમ 3 મહિનાના ગાળા દરમિયાન જ જન્મપૂર્વ તપાસ (antenatal examination) શરૂ કરાય છે. ત્યારથી શરૂ કરીને પ્રસવકાલીન તથા પ્રસવોત્તર (postpartum) સમય દરમિયાન સતત તપાસ કરીને સગર્ભતાને અતિજોખમી બનાવતા પરિબળને શોધી કાઢવામાં આવે છે અને તેની સારવાર કરાય છે.

(ક) પ્રારંભિક તપાસમાં સગર્ભા સ્ત્રીનું આયુર્વિજ્ઞાનલક્ષી વૃત્તાંત (medical history) જાણવામાં આવે છે. તેમાં મુખ્ય બાબતો છે  માતાની ઉંમર, અગાઉની સગર્ભાવસ્થાઓ અંગેની માહિતી, માતાને થયેલા રોગો કે તેના પર કરાયેલી શસ્ત્રક્રિયાઓ, માતાના કુટુંબમાં થયેલા રોગો અંગેની માહિતી વગેરે.

20 વર્ષથી નાની વયે અને 35 વર્ષથી મોટી વયે થતી સગર્ભતા, 30 વર્ષથી વધુ વયે થતી પ્રથમ સગર્ભતા, લાંબા સમયની અફલિતતા (infertility) પછી (એટલે કે પ્રથમ બાળકના જન્મ પછી લાંબા ગાળા પછી થયેલી બીજી સગર્ભતા) તથા જે સ્ત્રીમાં અંડકોષનું વિમોચન (ovulation) કૃત્રિમ પ્રેરણથી થયેલું હોય તેઓની સગર્ભતા અતિજોખમી હોવાની સંભાવના રહે છે. જો અગાઉની સગર્ભાવસ્થાઓ સામાન્ય રહેલી હોય તો ત્યારપછીની સગર્ભતામાં જોખમ ઓછું રહે છે.

પ્રજનનલક્ષી વૃત્તાંત(reproductive history)માં અહીં દર્શાવેલી બાબતોમાંથી કોઈ એક પરિસ્થિતિ હોય તો તેવી સગર્ભતા અતિજોખમી થઈ શકે છે : (અ) 2 કે વધુ ગર્ભપાત અથવા કૃત્રિમ રીતે કરાવેલો ગર્ભપાત. આવા સંજોગોમાં ગર્ભપાત કે કાલપૂર્વ (preterm) પ્રસવ થવાનો ભય રહેલો છે. (આ) અગાઉ મૃતશિશુજન્મ (still birth) એટલે કે મરેલું બાળક જન્મવું. તેવી સ્થિતિમાં અથવા અગાઉ નવજાતશિશુનું મૃત્યુ થયેલું હોય કે નવજાત શિશુ શારીરિક કે માનસિક અપંગતા કે ઊણપ સાથે અવતરેલું હોય. (ઇ) અગાઉ કાલપૂર્વ પ્રસવ એટલે સમય કરતાં વહેલી સુવાવડ થવી, જન્મસમયે શિશુનું વજન ઓછું હોવું અથવા 3.5 કિગ્રા.થી વધુ હોવું. (ઈ) અગાઉ વધુ સજીવ જન્મોવાળી સગર્ભાવસ્થાઓ (અત્યધિક સગર્ભિતા, grand multiparity) થઈ હોય. (ઉ) અગાઉની સગર્ભાવસ્થામાં ઉદરપ્રસવીય શસ્ત્રક્રિયા (caesarean section) અથવા ગર્ભાશયછિદ્રણ-(hysterotomy)ની શસ્ત્રક્રિયા થયેલી હોય. (ઊ) મધ્યચીપિયા (midforceps) વડે કરાતો મુશ્કેલ પ્રસવ અથવા નિતંબદર્શી (breech) પ્રસવ; જેમાં બાળક ઊંધું હોય અને તે પહેલાં માથાથી નહિ પણ નિતંબવિસ્તારથી અવતરતું હોય છે. (ઋ) પૂર્વસગર્ભવિષતા-

(pre-eclampsia)નો વિકાર થયેલો હોય. (એ) જન્મપૂર્વ રુધિરસ્રાવ (antenatal haemorrhage) થયેલો હોય. (ઐ) લોહીમાં હીમોગ્લોબિન ઘટવાથી થયેલી પાંડુતા (anaemia). (ઓ) ત્રીજા તબક્કાની વિષમતાઓ. (ઔ) અગાઉના જન્મેલાં બાળકોમાં લોહીના Rh કે ABO જૂથોની અસંગતતા. આ સર્વે બાબતોવાળી સ્થિતિમાં અતિજોખમી સગર્ભતા હોવાની સંભાવના રહે છે.

કેટલાક શારીરિક રોગો અને વિકારોમાં પણ અતિજોખમી સગર્ભતા થાય છે. તેમાં સમાવિષ્ટ મુખ્ય રોગો છે લાંબા સમયથી લોહીનું દબાણ વધુ રહેવું (અતિરુધિરદાબ, hypertension), મૂત્રપિંડનો ચેપજન્ય રોગ (મૂત્રપિંડશ્રોણીશોથ, pyelonephritis), મધુપ્રમેહ, હૃદયના રોગો, ગલગ્રંથિ(thyroid gland)ના રોગો, પાંડુતા, વિષાણુજન્ય યકૃતશોથ (viral hepatitis) અથવા ચેપી કમળો, ફેફસાંના રોગો, ફેફસાં કે અન્યત્રનો ક્ષયરોગ, કેડના મણકા અથવા શ્રોણીનાં કેે પગનાં હાડકાંમાં ઈજા, અપસ્માર (epilepsy) એટલે કે આંચકી (ખેંચ, convulsion) આવવાનો વિકાર, કોર્ટિકોસ્ટીરૉઇડ કે અન્ય દવાઓનું સેવન, માનસિક વિકારો વગેરે.

કેટલાક પ્રકારની શસ્ત્રક્રિયાને કારણે પણ સગર્ભતામાં અતિજોખમ રહે છે. ગર્ભાશયની સૌમ્ય પ્રકારની તંત્વાભ (fibroid) અથવા ગર્ભાશયસ્નાયુઅર્બુદ(myoma)ને કાપીને દૂર કરવાની શસ્ત્રક્રિયા કરેલી હોય, ગર્ભાશય નીચે તરફ ખસી ગયું હોય (ગર્ભાશય-ભ્રંશ, uterine prolapse) અને તેને માટે ફોધરગીલની કે મેન્ચેસ્ટની શસ્ત્રક્રિયા કરેલી હોય, ગર્ભાશય-ગ્રીવા(મુખ)ની શંકુ-આકારી ઉચ્છેદનીય શસ્ત્રક્રિયા (conisation) કરેલી હોય, પ્રજનનમાર્ગ અને મૂત્રમાર્ગમાં સંયોગનળી (fistula) થઈ હોય કે ઈજા થઈ હોય અથવા ગર્ભવતી દર્દી સ્ત્રી પેશાબને રોકી ન શકતી હોય તેવી સ્થિતિનું સમારકામ કરતી શસ્ત્રક્રિયા થઈ હોય તો ક્યારેક અતિજોખમી સગર્ભતાની સંભાવના રહે છે.

કુટુંબનું સામાજિક અને આર્થિક સ્તર નીચું હોય તેવી સ્થિતિ અથવા કુટુંબમાં અતિરુધિરદાબ, મધુપ્રમેહ કે માતાના પક્ષે બહુગર્ભવાળી સગર્ભતાઓ થયેલી હોય તોપણ અતિજોખમી સગર્ભતા થવાની સંભાવના રહે છે.

આવી સ્થિતિમાં માતાની જન્મપૂર્વની તપાસમાં સગર્ભા સ્ત્રીની ઊંચાઈ જો 145 સેમી.થી ઓછી હોય, તેનું વજન વધુ પડતું કે ઓછું હોય, તેને લોહીનું ઊંચું દબાણ હોય, પાંડુતા (ઓછું હીમોગ્લોબિન) હોય, હૃદય કે ફેફસાંનો રોગ હોય, કમર કે કેડનાં હાડકાંમાં રોગ હોય તો તે અંગે નોંધ મેળવાય છે. આવી જ રીતે શ્રોણીય તપાસમાં ગર્ભાશયનું કદ (વધુ પડતું કે ઓછું), પ્રજનનમાર્ગના અવયવો નીચે તરફ ખસેલા છે કે નહિ (અપભ્રંશ, prolapse), ગર્ભાશયગ્રીવા (uterine cervix) પર ચીરા છે કે નહિ અથવા તે પહોળી થયેલી છે કે નહિ, અન્ય ગાંઠો છે કે નહિ તથા શ્રોણી (pelvic) માર્ગની પહોળાઈ કેટલી છે તે પણ નોંધી લેવાય છે.

(ખ) માતાની જન્મપૂર્વની નિયમિત રીતે કરાતી તપાસમાં પૂર્વ-સગર્ભવિષતા, પાંડુતા, રુધિરજૂથ, તીવ્રજ્વર (તાવ આવવો), મૂત્રપિંડને ચેપ લાગવો, લોહી વહી જવું (રુધિરસ્રાવ), મધુપ્રમેહ, માતાએ ઔષધો લીધાં હોય કે તેની જરૂર હોય, તેની વિકિરણ-ચિકિત્સા કરાઈ હોય અથવા તેને તાત્કાલિક કોઈ શસ્ત્રક્રિયાની જરૂર હોય વગેરે જેવા શારીરિક વિકારો અંગે તથા ગર્ભ અને ગર્ભાશયની વિવિધ વિષમતાઓ અંગે સતત તપાસ કરાય છે. તે સમયે ગર્ભાશયનું કદ, ગર્ભશિશુની વિષમદર્શિતા અથવા મૂઢગર્ભિતા (abnormal presentation) (જેમ કે, તે ઊંધું કે આડું ગોઠવાયેલું હોય, જોડકાં બાળકો હોય વગેરે) અંગે નોંધ લઈને જરૂરી સારવાર અપાય છે.

(ગ) સગર્ભતા પાછલા 3 મહિનામાં અને પ્રસવસમયે પણ અતિજોખમી સગર્ભતાના સંબંધે અને પ્રસવ સમયે ઉદ્ભવી શકે તેવી સંભવિત વિષમતાઓને નિવારવા કે તેનો ઉપચાર કરવા સતત સાવધાની રાખવામાં આવે છે. તેમાં અહીં જણાવેલી કેટલીક પરિસ્થિતિઓ તથા વિવિધ આનુષંગિક સ્થિતિઓ- (complications)ને ધ્યાનમાં લેવામાં આવે છે : (1) માતાએ ક્યારેય તેની સગર્ભાવસ્થામાં જન્મપૂર્વની તપાસ કરાવી ન હોય, (2) પાંડુતા, પૂર્વસગર્ભવિષતા (preclampsia), સગર્ભવિષતા (eclampsia અથવા toxaemia of pregnancy), (3) ગર્ભાવરણો(foetal membranes)નું વહેવું (કાલપૂર્વ, premature) અથવા પ્રલંબિત (prolonged) ફાટવું, (4) ગર્ભની આસપાસના પ્રવાહીમાં મેકોનિયમ હોવું, (5) પરિગર્ભકોષ્ઠિકા(amnion)માં ચેપ લાગવો, જેને પરિગર્ભકોષ્ઠિકાશોથ (amnionitis) કહે છે, (6) ગર્ભશિશુની વિષમ અંગસ્થિતિ (position) અથવા મૂઢગર્ભિતા (abnormal presentation) એટલે કે ઊંધું કે આડું બાળક હોવું તે, (7) બહુસગર્ભિતા (multiple pregnancy) એટલે કે બે કે વધુ ગર્ભશિશુ હોવાં, (8) કાલપૂર્વ પ્રસવ (premature labour) થવો, (9) ગર્ભશિશુના હૃદયના ધબકારાનો દર વિષમ હોવો, (10) પ્રલંબિત અધિરોધિત પ્રસવ (prolonged obstructed labour), (11) ગર્ભાશય ફાટી જવું, (12) સંપ્રેરિત (induced) અથવા પ્રવેગિત (accelerated) પ્રસવ વગેરે.

(ઘ) ક્યારેક પ્રસવક્રિયા-સમયે કેટલીક આનુષંગિક તકલીફો ઉદ્ભવે છે જે માતા તથા શિશુને જોખમમાં મૂકે છે; જેમ કે, માતાને બેભાન કરીને પ્રસવ કરાવવો, નિતંબદર્શી મૂઢગર્ભિતા (breech presentation) અથવા ઊંધું શિશુ હોવું, પ્રસવચીપિયા(forceps)નો મુશ્કેલ ઉપયોગ અથવા તેમાં મળેલી નિષ્ફળતા, ગર્ભને સંકટની જાણકારી પછી 30 મિનિટ કે વધુ સમય પછી પ્રસવ કરાવવો, પ્રસવોત્તર રુધિરસ્રાવ (પ્રસવ પછી લોહી પડવું) તથા ઓર (placenta) કે તેના અંશો ગર્ભાશયમાં રહી જવા વગેરે.

(ઙ) પ્રસવોત્તર આનુષંગિક તકલીફો પણ પરિજન્મ મૃત્યુદર વધારે છે. આ જૂથમાં થતી તકલીફો માતામાં અથવા નવજાત શિશુમાં જોવા મળે છે. માતાને પ્રસવોત્તર રુધિરસ્રાવ થાય, ઓર કે ઓર-અંશો ગર્ભાશયમાં રહી ગયા હોય, માતાનું લોહીનું દબાણ ઘટી જાય અને રુધિરાઘાત(shock)ની સ્થિતિ ઉદ્ભવે, ગર્ભાશય ઊંધું (અવળું) થાય (inversion), પ્રજનનમાર્ગમાં ચેપ લાગે વગેરે આનુષંગિક તકલીફો થઈ શકે છે.

જો નવજાત શિશુમાં કેટલીક વિષમતાઓ હોય તો તેને પણ સંકટ ઉદ્ભવે છે. જો તેનો એપ્ગાર પ્રાપ્તાંક (Apgar score) 7થી ઓછો હોય, તેનું જન્મસમયે વજન 2,500 ગ્રામથી ઓછું અથવા 4 કિગ્રા.થી વધુ હોય, તેનામાં મહત્ત્વની જન્મજાત કુરચનાઓ હોય, પાંડુતા થયેલી હોય, તેને ચેપ લાગેલો હોય, તેને કમળો થયેલો હોય, તેના લોહીમાં મધુશર્કરા(glucose)નું પ્રમાણ ઘટેલું હોય, તેને સતત નીલિમા (cyanosis) રહેતી હોય એટલે કે તે ભૂરું પડી ગયેલું હોય, તેને ખેંચ અથવા આંચકી (convulsion) આવતી હોય, તેને લોહી વહેવાનો વિકાર હોય, તેને શ્વસનીય દુસ્ત્રસ્તતા સંલક્ષણ (respiratory distress syndrome) થયો હોય એટલે કે તેને શ્વાસોચ્છ્વાસની સખત તકલીફ પડતી હોય અથવા તેના કેન્દ્રીય ચેતાતંત્ર(મગજ વગેરે અવયવો)નું 24 કલાકથી વધુ સમય માટે નિગ્રહણ (inhibition) થયેલું હોય તો નવજાત શિશુને ગંભીર માંદગી કે મૃત્યુનું જોખમ રહે છે.

ઉપચાર : અતિજોખમી સગર્ભતાથી ઉદ્ભવતાં માંદગી અને મૃત્યુના દરને ઘટાડવા સૌપ્રથમ તેવું સર્જતા પરિબળની હાજરી હોય તો તેને જાણી લેવું જરૂરી ગણાય છે. તેથી માતાની જન્મપૂર્વની સંભાળ (antenatal care) તથા માતા તથા શિશુની જન્મકાલીન (પ્રસવકાલીન) સંભાળ (intranatal care) તથા નવજાત શિશુની સંભાળ યોગ્ય હોય એ બાબત ઘણી મહત્ત્વની ગણાય છે. અતિજોખમી સ્થિતિ ગમે તે સમયે ઉદ્ભવી શકતી હોવાથી સામાન્ય સ્થિતિ તથા આનુષંગિક તકલીફયુક્ત સ્થિતિવાળી બધી જ માતાઓની જન્મપૂર્વ તથા પ્રસવકાલીન સંભાળ રાખવી જરૂરી ગણાય છે.

બધી જ આકાંક્ષી માતાઓ(expectant mothers)ની સગર્ભાવસ્થામાં જન્મપૂર્વ સંભાળ લેવાતી હોવાથી અતિજોખમી આનુષંગિક તકલીફોનાં ચિહ્નો કે પૂર્વચિહ્નોને શોધી કાઢવા માટે ચકાસણી-સૂચિ (checklist) બનાવાય છે અને તેની મદદથી જરૂરી માહિતી મેળવીને યોગ્ય ઉપચાર કરાય છે. આ ઉપરાંત તબીબો, પરિચારિકાઓ તથા આરોગ્યકર્મીઓને સમયાંતરે યોગ્ય પ્રશિક્ષણ આપવું, તેની પરિચર્ચાઓ (seminars) યોજવી, યોગ્ય સારવાર મળે તે માટે આવી તકલીફવાળી સ્ત્રીઓને કોઈ એક વધુ વિકસિત કેન્દ્રમાં સારવાર આપવાની વ્યવસ્થા કરવી, યોગ્ય પ્રકારની નિદાન માટેની પરીક્ષણશાળા(laboratory)ની સગવડ રાખવી તથા આરોગ્ય- શિક્ષણ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી વગેરે વિવિધ વહીવટી વ્યવસ્થાઓ યોજવામાં આવે છે.

જે સ્ત્રીને આગળની સગર્ભતામાં કોઈ તકલીફ થયેલી હોય તેની બીજી સગર્ભતા પહેલાં જરૂરી તપાસ અને ઉપચાર કરવાની જરૂરિયાત રહે છે. શરૂઆતની સગર્ભતામાં ખોરાક, આરામ અને ઔષધો અંગે જરૂરી સૂચનાઓ અપાય છે. સામાન્ય રીતે આ સમયે અતિઆવશ્યક ઔષધો જ અપાય છે. જો અગાઉ પ્રથમ ત્રિમાસિકી(trimester)માં ગર્ભપાત થયેલો હોય તો તેને આરામ કરવાનું સૂચવાય છે અને મુસાફરી ન કરવાનું કહેવાય છે. તેવા સમયે જાતીય સમાગમ પણ ન કરવા સૂચવાય છે. આવા કિસ્સામાં યોનિમાર્ગી તપાસ પણ શક્ય હોય ત્યાં સુધી કરાતી નથી. જેમનામાં અંદરનું ગ્રીવામુખ (cervical os) અલ્પક્ષમ (incompetent) હોય તેમને બીજી ત્રિમાસિકીની શરૂઆતમાં તેની આસપાસ બંધન બાંધીને બહારથી આધાર અપાય છે. આ પ્રક્રિયાને ગ્રીવાકીય પરિબંધન (cervical encirclage) કહે છે. ક્યારે હૉસ્પિટલમાં લાંબા સમયનો આરામ આપવાથી કાલપૂર્વ પ્રસવ, મૃતજન્મશિશુ, ગર્ભાશયમાં શિશુનું અલ્પવર્ધન (intrauterine growth retardation) વગેરેને ઘણી વખત નિવારી શકાય છે. નબળી આર્થિક સ્થિતિ હોય ત્યારે ઘરે પૂરતો આરામ અને આહાર ન મળી શકતો હોવાથી હૉસ્પિટલમાં આરામ આપવાથી ફાયદો રહે છે.

જ્યારે અતિશય જોખમ હોય ત્યારે ઉદરમાર્ગી પ્રસવ માટેની સિઝરિયન સેક્શનની શસ્ત્રક્રિયા કરવાનું સૂચવાય છે. કેટલાક કિસ્સામાં 37થી 38 અઠવાડિયે પ્રસવક્રિયાનું સંપ્રેરણ (induction) કરાય છે. જોકે તેવે સમયે સમગ્ર પ્રસવક્રિયા તથા જન્મતા શિશુનું સતત નિરીક્ષણ કરતાં રહેવાય છે. ગર્ભશિશુના હૃદયના ધબકારાની ગતિ સંશ્રવક (stethoscope) અથવા ગર્ભશ્રવક (foetoscope) વડે અથવા વીજાણ્વી યંત્ર વડે સતત માપતાં રહેવાય છે. આ ઉપરાંત ગર્ભશિશુ પર અન્ય પરીક્ષણો પણ કરી શકાય છે. જો ગર્ભને સંકટ છે એવું કોઈ પણ ચિહ્ન હોય કે પ્રસવક્રિયા અધિરોધિત (obstructed) થયેલી હોય તો શસ્ત્રક્રિયા કરી ઉદરમાર્ગી પ્રસવ કરાવાય છે. નવજાત શિશુને સઘન સારવાર આપવા માટેના કક્ષમાં રાખીને નિષ્ણાતોની મદદ લેવાય છે.

શિલીન નં. શુક્લ