સગપણસંબંધ (Kinship) : વ્યક્તિઓ વચ્ચેના કૌટુંબિક સંબંધ કે સંબંધોને ઘનિષ્ઠ બનાવતી મજબૂત ગાંઠ. આવા સંબંધો બે રીતે પ્રસ્થાપિત થાય છે. એક તો લોહીના જોડાણથી અને બીજું લગ્ન કે અન્ય જોડાણથી. બંને સ્વરૂપના સંબંધો ધરાવનારા સભ્યોમાં સ્પષ્ટ તફાવત હોય છે. અર્થાત્ લોહીના સંબંધોનું માધ્યમ જૈવકીય (biological) છે; દા.ત., પિતા-પુત્ર. તેઓ વચ્ચે લોહીનું એકત્વ છે. આથી આવા સંબંધને જન્મ કે રક્ત પર આધારિત સંબંધ (consanguined relationship) કહે છે. એ અપેક્ષાએ સંબંધ કે સંબંધોનું માધ્યમ કોઈક વ્યક્તિનું જોડાણ કે લગ્ન બને છે ત્યારે તેને જોડાણવાળા સંબંધો (affinal relationship) કહે છે.

સામાન્ય રીતે સંતાન વગરનાં પરિણીત યુગલોને બાદ કરતાં દરેક સમૂહમાં કોઈ ને કોઈ સ્વરૂપના રક્ત-સંબંધીઓ કે સગપણ-સંબંધીઓ હોય છે. કેટલાંક લગ્નના જોડાણથી ઉદ્ભવતાં જૂથોમાં; નર્યા રક્ત-સંબંધીઓ પણ જોવા મળે છે; કેમ કે, આવાં જૂથોમાં નજીકનાં સગાંઓ વચ્ચેના લગ્ન-સંબંધ માન્ય ગણવામાં આવે છે. જોકે આવા સમૂહો પણ પતિ-પત્નીને તો જોડાણવાળા સંબંધી જ ગણાવે છે. આ સિવાય કેટલીક માતૃમૂલક કુટુંબ-વ્યવસ્થામાં; પતિ મુલાકાતી તરીકે આવતો-જતો હોય છે. આવાં જૂથોમાં બધાં સગપણ-સંબંધીઓ રક્ત-સંબંધીઓ જ સાથે રહે છે.

સગપણ-સંબંધોમાં જૈવિક તત્ત્વો મહત્ત્વનાં છે; છતાં આગળ જોયું તે મુજબ તેમાં જોડાણવાળા સંબંધો એટલે કે લગ્ન-સંબંધોને પણ સમાવવામાં આવે છે. આ ઉપરાંત દત્તક લેવા જેવી સામાજિક રીતોને આધારે પણ સગપણ-સંબંધ સંભવી શકે છે; જેમ કે, કોઈ પુરુષ બાળકોનો સામાજિક પિતા હોઈ શકે છે અને જો એ પિતા બાળકના કલ્યાણની જવાબદારી અદા કરે તો જરૂર પડ્યે તે સામાજિક પિતાને પણ એ બાળક કે સંતાનની સેવા અને કમાણી ભોગવવાનો હક્ક રહે છે. જોકે સામાજિક પિતૃત્વને પ્રસ્થાપિત કરવું પડે.

સગપણ-સંબંધ કેટલીક લાક્ષણિકતાઓ ધરાવે છે. સગપણ-સંબંધ સાર્વત્રિક ઢબ છે. વિકસતા સમાજોમાં સગપણ-સંબંધો વ્યવસ્થાના કેન્દ્રમાં હોય છે, જ્યારે વિકસિત સમાજોમાં તેની અસર મર્યાદિત બનતી જાય છે. માતૃમૂલક સમાજ-વ્યવસ્થા અને પિતૃમૂલક સમાજ-વ્યવસ્થામાં પણ સગપણ-સંબંધની ઘરેડમાં તફાવત જોવા મળે છે. આવા સંબંધોની ઘરેડ પ્રત્યેક સમાજમાં તેના સભ્યો માટે કેટલાક નિષેધો મૂકે છે, તે સાથે કેટલાક વિશેષાધિકારો આપે છે. આવા સંબંધોમાં રક્ત-સંબંધીઓ અને લગ્ન-જોડાણથી ઉદ્ભવેલા સંબંધીઓ ઉપરાંત ‘દત્તક’ લેવાને કારણે ઉદ્ભવતા સંબંધોની ગણના પણ કરવામાં આવે છે. એ રીતે સામાજિક પિતૃત્વ પણ સગપણ-સંબંધ જન્માવે છે.

એક જ માતા-પિતાનાં સંતાનો વચ્ચેના નિકટના સંબંધો સ્પષ્ટ છે; વળી સાથે રહેતા હોવાથી વધારે મજબૂત પણ હોય છે. સંબંધની ગણતરી અને વર્તનમાં લિંગ (sex) અને વય (age) લક્ષમાં લેવામાં આવે છે. તે જ રીતે વ્યક્તિના રક્ત-સંબંધીઓ જેના દ્વારા નક્કી થાય છે તે વંશ કહેવાય. સામાન્ય રીતે માતૃવંશી અને પિતૃવંશી (matrilineal and patrilineal) પ્રકાર પડે છે; પરંતુ કેટલાક અભ્યાસુઓ તેમાં ત્રીજું સ્વરૂપ દ્વિવંશી ઉમેરે છે; જેમાં માતા અને પિતા બંને તરફના સંબંધીઓ(bilateral relatives)નો સમાવેશ થાય છે. વંશજો વચ્ચેના સંબંધોમાં ભિન્નતા હોય છે; પરંતુ આ સંબંધો સરળ, ભાવના-સભર, ગાઢ અને અનૌપચારિક હોય છે. વિશ્વના મોટાભાગના સમાજોમાં રક્ત-સગપણ-સંબંધીઓ વચ્ચે લગ્ન-નિષેધ પ્રવર્તે છે. વિકસતા દેશોમાં આ નિષેધો વધારે કડક હોય છે.

વિશ્વના પ્રત્યેક સમાજમાં સગપણ-સંબંધની ચોક્કસ ઘરેડ જોવા મળે છે; કેમ કે, તેનું કાર્યાત્મક મહત્ત્વ છે; જેમ કે સગપણ-સંબંધ નજીકનાં સગાંઓ વચ્ચેનો સંબંધ નક્કી કરે છે, જેને આધારે ભાવિ સંબંધોનું નિર્માણ થાય છે. તેને આધારે લગ્નનાં ધોરણો બનાવવામાં આવે છે; તે જાતીય જીવનનું ક્ષેત્ર નિશ્ચિત કરે છે. લગ્ન અંગેના સરકારી કાનૂનો પણ સગપણ-સંબંધોને મહત્ત્વ આપે છે.

આ ઉપરાંત સ્ત્રી અને અન્ય સંતાનોની સેવા મેળવવા અંગેનાં ધોરણો પણ સગપણ-સંબંધોને આધારે નક્કી થાય છે. જોકે માતૃમૂલક કુટુંબ-વ્યવસ્થા અને પિતૃમૂલક કુટુંબ-વ્યવસ્થામાં આ ધોરણો જુદી જુદી રીતે પ્રવર્તે છે.

સગપણ-સંબંધોની ઢબો મિલકત અને વારસાની વ્યવસ્થામાં ખૂબ મહત્ત્વની પુરવાર થઈ છે. વિકસતા અને વિકસિત કોઈ પણ સમાજમાં મિલકત અને વારસો સગપણ-સંબંધોને આધારે જ ગોઠવાય છે; એટલું જ નહિ, મિલકતની ફેરબદલીમાં પણ રક્ત-સંબંધ મહત્ત્વના બને છે.

જુદા જુદા સામાજિક, ધાર્મિક, કૌટુંબિક પ્રસંગોમાં સગપણ-સંબંધોને સાંકળીને તેના મહત્ત્વને સ્વીકારવામાં આવ્યું છે; જેમ કે જન્મ-મરણ, લગ્ન-જનોઈ, સીમંત, વાસ્તુ જેવા પ્રસંગોમાં જુદાં જુદાં સગાંઓ  દાદા-દાદી, મામા-માસી, કાકા-કાકી, ફોઈબા-ફુઆ, ભાઈ-બહેન વગેરે સગાંઓને સાંકળવામાં આવે છે; જે વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક જીવનમાં સગપણ-સંબંધોના મહત્ત્વને સ્પષ્ટ કરે છે.

સર્વગ્રાહી રીતે કહેતા સગપણ-સંબંધોની ઘરેડ ઘણા મહત્ત્વના ગણાતા નિર્ણયોમાં સમાજ-વ્યવસ્થાને માર્ગદર્શન પૂરું પાડે છે. વિશ્વના બધા જ દેશોમાં સંબંધોની આ ઘરેડ એકસરખી નથી; છતાં બધે જ વધતે-ઓછે અંશે પ્રચલિત છે. વિકસિત, ખાસ કરીને પશ્ચિમના સમાજોમાં અત્યંત ઝડપી અને પરિણામલક્ષી વિકાસને લીધે નિકટના સંબંધોમાં પણ નૈકટ્ય ઓછું થવા લાગ્યું છે; આથી સગપણ-સંબંધીઓનાં જોડાણવાળાં જૂથમાં નજીકના સંબંધીઓ તરીકે ઘણી ઓછી વ્યક્તિઓને સમાવવામાં આવે છે. મોટાભાગના લોકોને પહેલી કે બીજી કક્ષાના પિતરાઈથી આગળ ભાગ્યે જ કોઈ ઓળખાણ રહી હોય છે. આથી ત્યાં આવા સંબંધો જાળવીને નજીકનાં સગાંઓને એકબીજાં સાથે જોડાયેલાં રાખવાનો આશય છે; પછી ભલે તેઓ સાદા વ્યાવહારિક હેતુઓને અનુલક્ષીને જોડાયેલાં રહે.

એ અપેક્ષાએ ત્યાં પરંપરા અને રૂઢિઓ બળવત્તર છે; ત્યાં રક્ત-સંબંધોને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. વિકસતા સમાજોમાં વ્યક્તિના જીવનનાં બધાં જ પાસાંઓ રક્ત-સંબંધ અને સગપણ-સંબંધીઓથી પ્રભાવિત થતાં હોય છે. આથી જ પશ્ચિમના દેશોમાં થતી સગપણ-સંબંધની વિભાવના અન્ય દેશોના આ સ્વરૂપના સંબંધો સાથે બંધ બેસતી નથી હોતી; છતાં તેની સાર્વત્રિકતા સર્વવિદિત છે.

નલિની કિશોર ત્રિવેદી