સંરક્ષણ (conservation) વન્યજીવ

January, 2007

સંરક્ષણ (conservation) વન્યજીવ : જનીનિક વિભિન્નતાઓ (variations), જાતિ (species) અને વસ્તીની વિવિધતાઓ, તેમજ જાતિ અને નિવસનતંત્રમાં થતી પ્રક્રિયાઓ વચ્ચેની આંતરક્રિયાઓનું સંરક્ષણ. નિવસનતંત્રમાં થતી પ્રક્રિયાઓમાં આબોહવા અને જલનિકાસ(drainage)ની અસરો જેવા જીવનને આધાર આપતા નિવસનતંત્રના ગુણધર્મોનો સમાવેશ થાય છે.

જૈવ વિવિધતા(biodiversity)ના સંરક્ષણના હેતુઓ આ પ્રમાણે છે :

(1) નિવસનતંત્રના જૈવ અને અજૈવ ઘટકો વચ્ચેના પરિસ્થિતિવિદ્યાકીય (ecological) સંતુલનની જાળવણી.

(2) વૈશ્ર્વિક સ્તરે વિવિધ જાતિઓના કુલ જનીનિક સ્રોતોનું (Genetic pool) પરિરક્ષણ (preservation).

(3) હયાત પ્રાણી અને વનસ્પતિ જાતિઓના ઇષ્ટતમ લાભોનું રક્ષણ.

ઉપર્યુક્ત હેતુઓ પૂર્ણ કરવા માટે સૂચવવામાં આવેલાં મહત્ત્વનાં પગલાં આ પ્રમાણે છે :

(i) શહેરની અને અન્ય વિકાસકીય પ્રવૃત્તિઓના કાળજીપૂર્વકના આયોજન દ્વારા આવાસ(habitat)-વિનાશને ટાળવામાં આવે છે.

(ii) ભયગ્રસ્ત (endangered), નિર્બળ (vulnerable) કે દુર્લભ (rare) કક્ષામાં આવતી જાતિઓના સંરક્ષણ માટે ખાસ ધ્યાન આપવું જોઈએ.

(iii) ધરતી પરના પાકો, ચારાની વનસ્પતિઓ અને પાલતુ પ્રાણીઓના વન્ય સંબંધીઓનું રક્ષણ કરવું જોઈએ, જેથી વૈશ્ર્વિક અને રાષ્ટ્રીય કક્ષાએ પ્રજનન દરમિયાન ઇચ્છિત લક્ષણોનો પ્રવેશ કરાવી શકાય.

(iv) વિશિષ્ટ જૈવ વિવિધતાના પરિરક્ષણ માટે રાષ્ટ્રીય કક્ષાએ નૈસર્ગિક આવાસો ઓળખવા માટેના પ્રયત્નો થવા જોઈએ.

(v) નૈસર્ગિક આવાસો અને માનવસર્જિત આવાસોને રક્ષણ આપવા ભૂમિ અને જલ-ઉપયોજન(water utilization)નું યોગ્ય આયોજન થવું જોઈએ.

(vi) બે દેશો વચ્ચે થતા જાતિપ્રવેશ બાબતે જાતિની જરૂરિયાતના સંદર્ભે દ્વિપાર્શ્ર્વીય (bilateral) કરાર કરી તેનું જરૂરી માળખું રચવું જોઈએ.

(vii) ભયગ્રસ્ત કે નિર્બળ જાતિઓ ધરાવતા નિવસનતંત્રમાં તેમના રક્ષણ માટે અગ્રિમતા આપવી જોઈએ. આવી જાતિઓનો ઉપયોગ એવી રીતે થવો જોઈએ કે જેથી નિવસનતંત્રનું સંતુલન ખોરવાય નહિ.

(viii) આંતરરાષ્ટ્રીય સંરક્ષણ-કાર્યક્રમોને ધ્યાનમાં લઈ જનીનિક વિભિન્નતાઓને સલામત રાખવી જોઈએ; દા.ત., ‘UNESCO’-(United Nations Education, Scientific and Culture Organization)ની MAB (Man and Bio-sphere programme) પરિયોજના, અને IUCN (International Union for Conservation of Nature and Natural Resources) દ્વારા પ્રસ્તાવિત રાષ્ટ્રીય ઉદ્યાનો અને આરક્ષિત વિસ્તારોનું આયોજન.

(ix) દેશ, સમાજ કે ઉદ્યોગ દ્વારા ઉપયોગમાં લેવાતી જાતિનું અસ્તિત્વ ટકાવવા વૈકલ્પિક ઉપાયો યોજવા જોઈએ.

(x) બંદી-અવસ્થામાં રહેલી ભયગ્રસ્ત જાતિઓના પ્રજનન કાર્યક્રમોનો પ્રારંભ કરવો જોઈએ.

(xi) પરભક્ષી (predator) અને કીટનિયંત્રણના પ્રબંધના કાર્યક્રમો એવી રીતે યોજવા જોઈએ, જેથી અ-લક્ષ્ય (non-target) જાતિઓનો અમર્યાદ વિનાશ થતો અટકે.

(xii) જૈવ વિવિધતાઓનું મૂલ્ય અને તેમના વિલોપન(extinction) માટે જવાબદાર પરિબળોથી પ્રજાને પરિચિત કરવી જોઈએ.

(xiii) જૈવ વિવિધતાઓના બિનજરૂરી અને દુર્વ્યયી વિનાશને અટકાવવા કાયદાઓનું કડક પાલન કરવું જોઈએ.

કોઈ પણ સંરક્ષણના વ્યૂહને સફળ બનાવવા નીચે પ્રમાણેના પ્રબંધાત્મક ઉપાયો કરવામાં આવે છે :

(i) જાતિના નિયંત્રિત ઉપયોગ દ્વારા નૈસર્ગિક આવાસોનું રક્ષણ કરવામાં આવે છે.

(ii) રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો (sanctuaries), આરક્ષિત ક્રીડાંગણો (game reserves), વનસ્પતિ-ઉદ્યાનો, વૃક્ષવાટિકાઓ (arboreta) વગેરેમાં સજીવની જાતિઓને ઉછેરી શકાય તેટલી સંખ્યા જાળવવામાં આવે છે.

(iii) પ્રાણી-ઉદ્યાનો(zoological parks)માં સૌથી ભયગ્રસ્ત જાતિઓનું પ્રજનન દ્વારા અસ્તિત્વ જાળવવામાં આવે છે.

(iv) દેશમાં આરક્ષિત વનસ્પતિ-સમૂહો અને આરક્ષિત નિવસનતંત્ર વિકસાવવામાં આવે છે.

(v) સંકલિત ધારાકીય જોગવાઈઓ દ્વારા રક્ષણ આપવામાં આવે છે.

(vi) હયાત અભયારણ્યોની સુધારણા કરવામાં આવે છે.

(vii) અભયારણ્યોની ફરતે બફર-પટ્ટા-(buffer belts)નું નિર્માણ કરવામાં આવે છે.

(viii) દુર્લભ પ્રાણીઓ અને મહત્ત્વની વનસ્પતિજાતિઓની નિકાસ પર કડક નિયંત્રણ લાદવામાં આવે છે.

(ix) વસ્તીના કદમાં વધારો થાય તે માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.

(x) જૈવ વિવિધતાઓનું સંરક્ષણ અને તેનાથી સમાજને થતા લાભ વિશેનો અભ્યાસક્રમ શાળા અને કૉલેજ/યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવે છે.

જૈવ વિવિધતાઓની કુદરતી વસ્તી સફળતાપૂર્વક જાળવવા ખોરાકની પદ્ધતિઓ, પ્રજનન, આવાસની આવશ્યકતાઓ, વસ્તીના કદમાં થતા ફેરફારો અને અન્ય જાતિઓ સાથેના સંબંધોની પરિસ્થિતિવિદ્યાકીય માહિતી એકત્રિત કરવી જોઈએ.

રિયો શિખર પરિષદ(1992)માં 160 જેટલા દેશોના અધ્યક્ષો દ્વારા વિશ્વની નીચે મુજબની સૌથી અગ્રિમ સમસ્યાઓની ચર્ચા થઈ હતી :

– વાતાવરણનું સંરક્ષણ

– ભૂમિસંપદાઓનું સંરક્ષણ

– જૈવ વિવિધતાઓનું સંરક્ષણ

– મીઠા પાણીની સંપદાઓનું સંરક્ષણ

– દરિયાઈ જીવોનું સંરક્ષણ

– MIC (મિથાઇલ આઇસોસાઇનેટ) જેવા વિષાળુ રસાયણોની વિનાશકતાનું નિયંત્રણ કરવા સલામત પર્યાવરણીય પ્રબંધ.

ભારતમાં વન્યજીવ(wild life)નું સંરક્ષણ : ભારતમાં વન્યજીવના સંરક્ષણ માટે નીચેનાં પગલાં લેવામાં આવ્યાં છે : (1) BNHS (Bombay Natural History Society, 1883)ની સ્થાપના; (2) WWF – India (World Wildlife Fund, 1969)ની સ્થાપના; (3) TRAFFIC – India (Trade Record Analysis of Flora and Fauna in Commerce)ની સ્થાપના; (4) વિવિધ વન્ય જીવોના સંરક્ષણ માટેની કાયદાકીય જોગવાઈઓ; (5) UNESCOના MABનું એક રાષ્ટ્રીય ઘટક તરીકે નવપ્રસ્થાન (1971); (6) CITES (Convention on International Trade in Endangered Species of Wild fauna and flora(1976)ના સભ્ય; (7) હંગલ (1970), સિંહ (1972), વાઘ (1973), મગર (1974) અને બદામી-શિંગડાંવાળાં હરણ (1981) જેવી ભયગ્રસ્ત જાતિઓ માટે સંરક્ષણ-પરિયોજનાઓનો પ્રારંભ; (8) રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવોનાં અભયારણ્યો અને આરક્ષિત જીવાવરણ-(biosphere reserves)નું નિર્માણ. WF, IUCN, UNEP (United Nations Environ-mental Programme), ICBP (International Council for Bird Protection) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વૈશ્ર્વિક સ્તરે વન્યજીવોના સંરક્ષણની સમસ્યાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલ છે.

વન્યજીવોના સંરક્ષણ માટે ધારાકીય જોગવાઈઓ : વન્યજીવોમાં થતો ઘટાડો અટકાવવા સમયાંતરે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક કાયદાઓ ઘડવામાં આવ્યા છે; જે પૈકી મહત્ત્વના કાયદાઓ આ પ્રમાણે છે :

(1) મદ્રાસ વાઇલ્ડ લાઇફ ઍક્ટ, 1873; (2) ઑલ ઇન્ડિયા એલિફન્ટ પ્રિઝર્વેશન ઍક્ટ, 1879; (3) વાઇલ્ડ બર્ડ ઍન્ડ ઍનિમલ પ્રોટેક્શન ઍક્ટ, 1912; (4) બંગાલ ર્હાઇનૉસિરૉસ પ્રિઝર્વેશન ઍક્ટ, 1932; (5) આસામ ર્હાઇનૉસિરૉસ પ્રિઝર્વેશન ઍક્ટ, 1954; (6) ઑલ ઇન્ડિયા વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ઍક્ટ, 1972, જેને 1983, 1986 અને 1991માં સુધારવામાં આવ્યો.

IBWLની ભલામણો અનુસાર લોકસભામાં 1972માં ‘ધી ઇન્ડિયન વાઇલ્ડ લાઇફ (પ્રોટેક્શન) ઍક્ટ’ પસાર કરવામાં આવ્યો. જમ્મુ અને કાશ્મીર સિવાયનાં બધાં રાજ્યોએ આ કાયદો સ્વીકાર્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં આ અંગેની સ્વતંત્ર કાયદાકીય જોગવાઈ છે. આ કાયદામાં નષ્ટપ્રાય વન્યજીવોની સૌપ્રથમ વાર વિસ્તીર્ણ સૂચિ તૈયાર કરી તેનું કાયદામાં સંકલન કરવામાં આવ્યું છે. આ કાયદામાં ભયગ્રસ્ત જાતિઓને વિવેકહીન શિકાર સામે રક્ષણ આપવામાં આવ્યું છે. દુર્લભ અને ભયગ્રસ્ત જાતિઓના વ્યાપાર માટે આ કાયદામાં નિષેધ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને નીચેની બાબતો માટે નાણાકીય સહાય આપે છે :

(i) પ્રબંધ વધારે સક્ષમ બનાવવા અને રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોના માળખાના રક્ષણ માટે;

(ii) વન્યજીવોનાં રક્ષણ, શિકાર પર નિયત્રંણ અને વન્ય જીવોની નીપજોનો બિનકાયદેસર વ્યાપાર અટકાવવા માટે;

(iii) વન્યજીવોની ભયગ્રસ્ત જાતિઓના પ્રજનનના કાર્યક્રમો માટે;

(iv) પસંદ કરાયેલ પ્રાણીસંગ્રહાલયોના વિકાસ માટે;

(v) વન્યજીવ-શિક્ષણ.

વન્યજીવોના રક્ષણ માટે એક કેન્દ્રસ્થ માળખું રચવામાં આવ્યું છે; તેના અધ્યક્ષ તરીકે નિયામક, વન્યજીવ-સંરક્ષણ, ભારત સરકાર, નવી દિલ્હી હોય છે. વન્યજીવ-સંરક્ષણ કાયદાના અમલીકરણમાં નિયામકને મદદ કરવા ચાર પ્રાદેશિક ઉપનિયામકો (નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ) હોય છે. તેઓ CITESના અમલીકરણ માટે જવાબદાર હોય છે અને તેઓ વન્યજીવ-સંરક્ષણ માટેના સ્થાનિક અમલદારોને સહાય કરે છે, કાયદાઓનું પાલન કરાવે છે.

ભારતની કેટલીક સંરક્ષણ-પરિયોજનાઓ આ પ્રમાણે છે : (i) ‘બારસિંગા બચાવો’ – અભિયાન; (ii) ગીર સિંહ-પરિયોજના; (iii) વાઘ-પરિયોજના; (iv) મગર-પ્રજનન-પરિયોજના; (v) ગેંડા-પરિયોજના; (vi) હાથી-પરિયોજના.

રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત જીવાવરણોનું નિર્માણ નિશ્ચિત રક્ષિત વિસ્તારમાં વન્યજીવોના પ્રબંધ માટેનો પુરુષાર્થ છે; જ્યાં વન્યજીવોનાં પ્રજનન અને પરિરક્ષણ માટે નિયમિતપણે સમાલોચન-વિશ્લેષણ થાય છે. તેમના પ્રબંધ માટે જરૂરી વ્યૂહ ઘડાય છે અને તેનું અમલીકરણ થાય છે. એક રીતે જોતાં વન્યજીવોનું સંરક્ષણ સમગ્ર નિવસનતંત્રનું સંરક્ષણ છે. આજે ભારતમાં 75 જેટલાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને 421 વન્યજીવ-અભયારણ્યો છે, જે 1.4 લાખ કિમી.2નો અને સમગ્ર ભારતના ભૌગોલિક વિસ્તારનો 4 % વધારે વિસ્તાર રોકે છે.

ભારતનાં કેટલાંક મહત્ત્વનાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્યો સારણી 1માં આપેલ છે.

સારણી 1 : ભારતનાં મહત્ત્વનાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવઅભયારણ્ય

રાજ્ય રાષ્ટ્રીય ઉદ્યાન/વન્યજીવ-અભયારણ્યનું નામ
આંધ્રપ્રદેશ માખલ વાઇલ્ડ લાઇફ સેન્ક્ચ્યુઅરી, પોચારામ વાઇલ્ડ લાઇફ સેન્ક્ચ્યુઅરી, કાવલ વાઇલ્ડ લાઇફ સેન્ક્ચ્યુઅરી, કોલ્લેરુ પૅલિકનરી
અરુણાચલ પ્રદેશ નામ્દાફા વાઇલ્ડ સેન્ક્ચ્યુઅરી*
આસામ કાઝીરંગા નૅશનલ પાર્ક*, માનસ વાઇલ્ડ લાઇફ સેન્ક્ચ્યુઅરી*
બિહાર હજારીબાગ નૅશનલ પાર્ક, બેટ્લા નૅશનલ પાર્ક
ગોવા મોલેન વાઇલ્ડ લાઇફ સેન્ક્ચ્યુઅરી
ગુજરાત ગીર નૅશનલ પાર્ક, વેળાવદર નૅશનલ પાર્ક, વાઇલ્ડ એસ સેન્ક્ચ્યુઅરી, નળ સરોવર બર્ડ સેન્ક્ચ્યુઅરી
હરિયાણા સુલતાનપુર લેક બર્ડ સેન્ક્ચ્યુઅરી
હિમાચલ પ્રદેશ સેચુ-તુન-નલાહ સેન્ક્ચ્યુઅરી
કાશ્મીર દેચીગામ વાઇલ્ડ લાઇફ સેન્ક્ચ્યુઅરી
કર્ણાટક બાંદીપુર નૅશનલ પાર્ક*, નાગારુહોલ નૅશનલ પાર્ક, રંગનથીટ્ટો  બર્ડ સેન્ક્ચ્યુઅરી, સાયલેન્ટ વેલી નૅશનલ પાર્ક
કેરળ પેરિયાર વાઇલ્ડ લાઇફ સેન્ક્ચ્યુઅરી*, વ્ય્નાદ વાઇલ્ડ લાઇફ સેન્ક્ચ્યુઅરી
મધ્યપ્રદેશ કાન્હા નૅશનલ પાર્ક*, શિવપુરી નૅશનલ પાર્ક, બાંધવગઢ નૅશનલ પાર્ક*, પન્ના નૅશનલ પાર્ક
મહારાષ્ટ્ર તાડોબા નૅશનલ પાર્ક, યાવલ વાઇલ્ડ લાઇફ સેન્ક્ચ્યુઅરી
મણિપુર કેઇબુલ લામ્જાવ નૅશનલ પાર્ક
મેઘાલય બાલ્પાક્રમ સેન્ક્ચ્યુઅરી
મીઝોરમ ડમ્પા વાઇલ્ડ લાઇફ સેન્ક્ચ્યુઅરી
નાગાલૅન્ડ ઇન્તાન્ગ્કિી વાઇલ્ડ લાઇફ સેન્ક્ચ્યુઅરી
ઓરિસા સીમલીપાલ નૅશનલ પાર્ક*, ચિલ્કા લેક બર્ડ સેન્ક્ચ્યુઅરી
પંજાબ અદોહર વાઇલ્ડ લાઇફ સેન્ક્ચ્યુઅરી
રાજસ્થાન રણથંભોર નૅશનલ પાર્ક*, સારિસ્કા વાઇલ્ડ લાઇફ સેન્ક્ચ્યુઅરી*, ઘાના બર્ડ સેન્ક્ચ્યુઅરી
સિક્કીમ કાંચનજંઘા નૅશનલ પાર્ક
તામિલનાડુ મુદુમલાઇ વાઇલ્ડ લાઇફ સેન્ક્ચ્યુઅરી, વેદાન્થંગલ વૉટર બર્ડ સેન્ક્ચ્યુઅરી
ઉત્તરપ્રદેશ કોર્બેટ નૅશનલ પાર્ક*, રાજાજી નૅશનલ પાર્ક, દૂધવા નૅશનલ પાર્ક*
પશ્ચિમ બંગાળ જલ્દાપારા વાઇલ્ડ લાઇફ સેન્ક્ચ્યુઅરી
* વાઘ-પરિયોજના હેઠળ આવરી લેવાયેલ છે.

આરક્ષિત જીવાવરણો વૈજ્ઞાનિક અભ્યાસ માટે ખલેલરહિત કુદરતી વિસ્તારો છે અથવા જ્યાં ખલેલની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોય છે તેમને પરિસ્થિતિવિદ્યાકીય સંશોધનો માટે અને આવાસના પરિરક્ષણ માટે અલગ રાખવામાં આવે છે. 1989 સુધીમાં વિશ્વના 68 દેશોમાં 274 આરક્ષિત જીવાવરણોનું નિર્માણ થયું છે. સારણી 2માં ભારતમાં સૂચિત આરક્ષિત જીવાવરણો દર્શાવવામાં આવ્યાં છે. ભારતનું સૌપ્રથમ આરક્ષિત જીવાવરણ નીલગિરિમાં રચાયું છે; જે તામિલનાડુ, કેરળ અને કર્ણાટકનો 5,520 કિમી.2 વિસ્તાર આવરે છે.

સારણી 2 : ભારતમાં આરક્ષિત જીવાવરણો

નીલગિરિ તામિલનાડુ, કેરળ, કર્ણાટક
નામ્દાફા અરુણાચલ પ્રદેશ
નંદાદેવી ઉત્તરપ્રદેશ
ઉત્તરખંડ(valley of flowers) ઉત્તરપ્રદેશ
આંદામાનના ઉત્તરીય દ્વીપકલ્પ આંદામાન અને નિકોબાર
મન્નારનો અખાત તામિલનાડુ
કાઝીરંગા આસામ
સુંદરવન પશ્ચિમબંગાળ
થરનું રણ રાજસ્થાન
માન્નસ આસામ
કાન્હા મધ્યપ્રદેશ
નોક્રેક મેઘાલય
કચ્છનું નાનું રણ ગુજરાત
ગ્રેટ નિકોબારનો દ્વીપકલ્પ આંદામાન અને નિકોબાર

બળદેવભાઈ પટેલ