સંયોજનપથ (Assembly line) : સાધન, કારીગર અને યંત્રની ઔદ્યોગિક ગોઠવણી (arrangement) એટલે સંયોજન-પથ. આ ગોઠવણી જથ્થાબંધ (mass) ઉત્પાદનમાં અને દાગીનાઓ-(workpieces)ના નિરંતર પ્રવાહમાં ઉપયોગી છે.

દરેક પેદાશ(product)ના ઘટકો નક્કી કરી તે મુજબ સંયોજન-પથનો અભિકલ્પ (design) કરવામાં આવે છે. આને માટે અંતિમ પેદાશ પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. સામગ્રી(material)ની દરેક હલચલ (movement) શક્ય હોય તેટલી સરળ અને ટૂંકી રાખવામાં આવે છે. તે હલચલમાં પ્રતિપ્રવાહ (cross-flow) પ્રતિપથન (back tracking) ન થાય તેનો ખ્યાલ રાખવામાં આવે છે. કાર્ય માટેનાં કામ (work assignment), યંત્રોની સંખ્યા અને ઉત્પાદનના દર(production rate)નો ક્રમ (programme) એવી રીતે નક્કી કરવામાં આવે છે કે જેથી દરેક ક્રિયા(operation)નો અમલ રૈખિક લીટીમાં સુસંગત (compatible) હોય.

મોટરગાડી (automobile) માટેનો સંયોજન-પથ ગાડીની ખુલ્લી સાટી(bare-chassis)થી શરૂ થાય છે. વાહક(conveyor)માં જેમ જેમ ભાગ આગળ વધતા જાય તેમ તેમ જુદા જુદા ભાગ તેમાં જોડવામાં આવે છે. ચાલક (feeder) પથ ઉપર ઉપજોડાણો(subassemblies)ની સાથે ભાગોનો સુમેળ સાધવામાં આવે છે. આ ચાલકપથ અને મૂળપથ અરસપરસ છેદે છે; જેથી સંયોજનના જુદા જુદા ભાગ જોડી શકાય. જ્યારે એકમ, દરેક કામ કરનારની પાસે આવે છે ત્યારે તે તેનું નિર્ધારિત કાર્ય કરે છે. દરેક ભાગ અને ઓજાર તેની જગ્યાએ આપવામાં આવે છે કે જેથી તે પથ સાથે સમકાલિક (synchronize) કરી શકાય. એકસાથે ઘણાં જુદાં જુદાં જોડાણો પથ ઉપર હોય છે; પણ ગૂંચવણભરેલાં સમયપત્રક(intricate scheduling)ની પદ્ધતિની મદદથી તેમજ યોગ્ય નિયંત્રણની મદદથી એ ધ્યાનમાં રખાય છે કે યોગ્ય ભાગની વસ્તુ, રંગ, સ્વચ્છતા, એન્જિન અને વૈકલ્પિક સાધન પ્રાપ્ત થાય કે જેથી ઇચ્છિત સંગઠન મેળવી શકાય.

સ્વયંચાલિત સંયોજન-પથ એક યંત્રથી ચાલતાં બીજાં યંત્રો ધરાવે છે. નિરંતર ઉત્પાદન કરતા ઉદ્યોગો જેવા કે પેટ્રોલિયમ-શુદ્ધીકરણ, રાસાયણિક ઉદ્યોગો અને આધુનિક કાર-ઉત્પાદનનાં સંયંત્રો (plants) માટે સંયોજન-પથ પૂર્ણપણે સ્વયંચાલિત હોય છે. આ ઉદ્યોગોનાં યંત્રો સંપૂર્ણપણે સ્વયંચાલિત સ્વનિયંત્રિત હોય છે.

આમ છતાં, ઘણા દાગીના (products) હજુ પણ હાથની મદદથી જોડવામાં આવે છે; કેમ કે, ઘણા બધા ભાગ, સાદી યંત્રરચનાથી જોડવા મુશ્કેલ હોય છે. આમ છતાં, સ્વયંચાલિત ઉત્પાદિત ભાગની સંખ્યા ધીમે ધીમે વધતી જાય છે, પણ તેના વિકાસનો દર ધીમો છે; કેમ કે, સ્વયંચાલિત યંત્રો વડે ઉત્પન્ન કરાતા ભાગની તે યંત્રોને અનુરૂપ ડિઝાઇન કરવી પડે છે. આ ઉપરાંત તે બધા જ ભાગ ખૂબ જ ચોકસાઈપૂર્વક અને એકધારા બનાવવા જરૂરી હોય છે. જો ઉત્પાદનનો દર ઘણો વધુ હોય તો જ આવા કીમતી અને કંઈક અંશે અક્કડ (inflexible) સ્વયંચાલિત જોડાણો વપરાય છે, જે લાંબે ગાળે કરકસરવાળાં બની શકે.

પ્રદીપ સુ. દેસાઈ