શ્રીધરન્, ઈ. (ઈલાટ્ટુવલાપિલ)

January, 2006

શ્રીધરન્, . (ઈલાટ્ટુવલાપિલ) (. 12 જુલાઈ 1932, છટ્ટનુર, પાલઘાટ જિલ્લો, કેરળ) : ઉચ્ચકક્ષાના ભારતીય ટેક્નોક્રૅટ અને કોલકાતા મેટ્રો રેલ, કોંકણ રેલવે તથા દિલ્હી મેટ્રો રેલવેના મુખ્ય ઇજનેર. તેજસ્વી શૈક્ષણિક કારર્કિદી. મુખ્ય ચૂંટણી કમિશનર ટી. એન. શેષાન તેમના સહાધ્યાયી હતા. એન્જિનિયરિંગના સ્નાતક બની ટૂંકી મુદત માટે સિવિલ એન્જિનિયરિંગના વ્યાખ્યાતા બન્યા પછી થોડો સમય બૉમ્બે પૉર્ટ ટ્રસ્ટમાં સેવાઓ આપી હતી.

ભારતીય રેલવેની રાષ્ટ્રવ્યાપી ભરતી-પદ્ધતિમાં તેઓ પસંદગી પામ્યા અને રેલવેમાં ઇજનેર તરીકે જોડાઈ સરકારી સેવાનો તેમણે આરંભ કર્યો. ડિસેમ્બર 1954માં દક્ષિણ રેલવેમાં તેમણે કામની શરૂઆત કરી. દક્ષિણ રેલવેના હિસ્સામાં તામિલનાડુ રાજ્યનું રેલ-માળખું છે. ત્યાં રામેશ્વરમ્ અને તામિલનાડુને જોડતો પમ્બન પુલ 1963માં દરિયામાં આવેલી ભારે ભરતીને કારણે ધોવાઈ ગયો. આ પુલના પુનર્નિર્માણનું કામ તે સમયના દક્ષિણ રેલવેના જનરલ મૅનેજર બી. સી. ગાંગુલીને સોંપાયું, જે તેમણે શ્રીધરનને સોંપ્યું. એ સાથે ગાંગુલીએ ત્રણ મહિનાની સમયમર્યાદાની તાકીદ કરી આ કામ પૂરું કરવા જણાવ્યું. આ કામ શ્રીધરને માત્ર 46 દિવસમાં પૂરું કરી શિસ્ત, કાર્યનિષ્ઠા અને ચુસ્ત સમયમર્યાદાનો પરિચય કરાવ્યો. આ સિદ્ધિ બદલ તેમને રેલવે-મંત્રીનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો. તેઓ કોચીન શિપયાર્ડના અધ્યક્ષ અને મૅનેજિંગ ડિરેક્ટર હતા, ત્યારે તે શિપયાર્ડનું પ્રથમ જહાજ રાણી પદ્મિની તૈયાર કરવામાં આવ્યું હતું. ફરી રેલ મંત્રાલય પાછા ફર્યા ત્યારે તેમને નાયબ મુખ્ય ઇજનેર તરીકે 1970માં કોલકાતા મેટ્રો રેલના અમલ, આયોજન અને ડિઝાઇનના જવાબદારીભર્યા કામની સોંપણી કરવામાં આવી, જે ભારતની સૌપ્રથમ મેટ્રો રેલવે-યોજના હતી. અલબત્ત, જમીનસંપાદનની મુશ્કેલીઓને કારણે આ યોજના પરિપૂર્ણ થતાં લાંબો સમય લાગ્યો; પરંતુ આ મેટ્રો રેલની કામગીરી પ્રશંસનીય નીવડી. દમદમથી ટોલીગંજ સુધીનું 163 કિમી.નું અંતર આ મેટ્રો રેલ આવરી લે છે. એથી કોલકાતાવાસીઓને આવનજાવનની પારાવાર સુવિધા સાંપડી છે.

આ યોજના બાદ તેમણે 1990માં ભારતીય રેલવેમાંથી નિવૃત્તિ મેળવી, પરંતુ સરકારને તેમની સેવાઓની આવદૃશ્યકતા હોવાથી કરારના ધોરણે તેમની સેવાઓ લેવામાં આવી. એક અદ્વિતીય પરિયોજનાની કામગીરી તેમને સોંપવામાં આવી. Build-Operate-Transfer(BOT)ના વિશિષ્ટ ધોરણે આ પરિયોજના ઘડાઈ. તેનું સમગ્ર વ્યવસ્થાતંત્ર ભારતીય રેલવેથી જુદું અને અલગ તરી આવે તેમ હતું. આ પરિયોજના એટલે કોંકણ રેલવે. 760 કિમી.ની બ્રૉડગેજ લાઇન ધરાવતી કોંકણ રેલવે રોહાથી મૅંગલોર સુધીની છે, જેની પરિપૂર્ણતા અદ્ભુત ઇજનેરી કૌશલનો બોલતો પુરાવો છે. એશિયાભરના લાંબામાં લાંબા બોગદાનો અને ઊંચામાં ઊંચા વાયડક્ટનો સમાવેશ આ રેલમાર્ગમાં થયેલો છે. 92 બોગદાં તે માર્ગ પર કોતરાયાં છે, જેની કુલ લંબાઈ 93 કિમી. છે. બોગદાં કોતરવાની આ પ્રક્રિયા ખુદ એક કીર્તિમાન છે. રત્નાગિરિ પાસેનું કારબુડેનું બોગદું સાડા છ કિમી.ની લંબાઈ ધરાવતું એશિયા માંહેનું લાંબામાં લાંબું બોગદું છે. એ જ રીતે ભટકલ નજીક શરાવતી નદી પરનો સૌથી લાંબો પુલ 2065 મી.ની લંબાઈ ધરાવે છે. પનવેલની ખીણ પર તૈયાર થયેલા વાયડક્ટ(ખીણમાં થાંભલા મૂકી બંધાતો માર્ગ)માં 165 મી.ની (કુતુબ મિનારની) ઊંચાઈના થાંભલાઓ પર રેલના પાટા બિછાવવામાં આવ્યા છે. એશિયાભરનો આ ઊંચામાં ઊંચો વાયડક્ટ છે. અદ્ભુત કાર્યક્ષમતા અને જૂથભાવનાને કારણે આ ઇજનેરી કૌશલની અપ્રતિમ સિદ્ધિ હાંસલ થઈ જેનું નેતૃત્વ શ્રીધરન્ હસ્તક હતું. આ પ્રચંડ યોજના માત્ર આઠ વર્ષના ગાળામાં પૂર્ણ થઈ હતી. રાષ્ટ્રનિર્માણની આ અનોખી સિદ્ધિ માટે તેમને 2001માં ‘પદ્મશ્રી’નો ખિતાબ એનાયત કરી ભારત સરકારે તેમના પ્રયાસોને સાચી રીતે બિરદાવ્યા.

શ્રીધરનના બહોળા અનુભવને ધ્યાને લઈ, તેમની વરણી મુખ્ય સલાહકાર તરીકે લખનઉ મેટ્રો, જયપુર મેટ્રો, વિશાખાપટ્ટનમ્, વિજયવાડા અને કોઈમ્બતુર મેટ્રોમાં કરવામાં આવી હતી.

શ્રીધરનના મત મુજબ મુંબઈ-અમદાવાદનો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ એ ધનિક મુસાફરોને ધ્યાનમાં રાખી કરેલો છે, કારણ કે તે પ્રોજેક્ટની કિંમત ઘણી વધુ છે.

તે પછી તેમને દિલ્હી મેટ્રો રેલ પરિયોજના સોંપવામાં આવી. આ યોજના પણ તેમણે નિશ્ચિત સમયમર્યાદા સાથે નિશ્ચિત લંબાઈ સુધી સફળતાપૂર્વક પાર પાડી. ઉપર્યુક્ત મહત્વનું આયોજન નોંધપાત્ર સફળતા સાથે પરિપૂર્ણ કરનાર શ્રીધરન્ ‘મેટ્રો મૅન’ તરીકે દેશમાં જાણીતા બની ગયા. અમદાવાદ-મુંબઈ વચ્ચે અતિશય ઝડપી બુલેટ ટ્રેનની યોજના ઘડાઈ છે જે ભારતની આ પ્રકારની સૌપ્રથમ ટ્રેન હશે. એ માટે રેલવેના પાટા અંગેના નકશા તૈયાર કરવાનું તેમજ બિછાવવાનું કામ ઈ. શ્રીધરનને સોંપવામાં આવેલું. 2011 સુધીમાં આ ટ્રેન ચાલુ કરવાનો કાચો મુસદ્દો પણ તૈયાર કરાયો છે. ફ્રાંસની સરકારે 2005માં તેમને ‘નાઇટ ઑવ્ ધ લેજિયન ઑવ્ ઓનર’ના પારિતોષિકની નવાજેશ કરી છે. 2002માં ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા દ્વારા ‘મૅન ઑવ્ ધ યર’, 2003માં ‘ટાઇમ’ સામયિક દ્વારા ‘વન ઑવ્ એશિયાઝ હીરોઝ’ જેવાં ઘણાં ઉપનામો તેમણે સિદ્ધ કર્યાં છે.

સમયપાલનની ચુસ્તતા, શિસ્ત અને પ્રામાણિકતાનાં મૂલ્યો થકી કાર્યાભિમુખ શૈલી દ્વારા તેમણે અસાધારણ યોજનાઓ પાર પાડી છે. અલબત્ત, સમયપાલનના આ અત્યાગ્રહને કારણે તેમને 20 વાર બદલીઓ પણ વેઠવાની આવેલી. આ બધું છતાં કામમાં ખૂંપી જવાની તેમની તત્પરતા કાબિલેદાદ છે. પોતાને ધાર્મિક વ્યક્તિ તરીકે ઓળખાવનાર આ અધિકારી ‘ગુણોથી ભરપૂર જીવન જીવવાની ચાહત’ ધરાવે છે. સમયપાલન તેમનું વળગણ મનાય છે. નીચલા વર્ગમાં મુસાફરી કરવાનું તેઓ પસંદ કરે છે અને કોંકણ રેલવેનો પ્રવાસ તેમનો પ્રિય શોખ છે, કદાચ તે તેમને માટે ગૌરવપ્રદ અને આનંદદાયી હશે. પત્ની રાધાએ ગૃહસ્થ જીવનનો ભાર ઉઠાવી સામાજિક જવાબદારીઓથી મુક્ત રાખ્યા છે. તેને પણ તે જીવનની મોટી સુવિધા માને છે. પરોઢિયે 4 વાગ્યે ઊઠી યોગ, પ્રાર્થના અને રોજિંદો ક્રમ પતાવી 8-30 કલાકે તેઓ અચૂક તેમના કાર્યાલયમાં મળે છે. એ જ રીતે 6-30 પછી તેમને ફોન લાગે તો અચૂક જવાબ મળે કે તેઓ ઘેર જવા નીકળી ગયા છે. પ્રશ્નો સપાટી પર આવે તે અગાઉ તેનું આકલન કરી તેને ઉકેલી લેવાની તત્પરતા કામને વેગ આપનારી નીવડતી હોવાનું તેમનું મંતવ્ય છે. આમ જનતાનાં હિતોને સર્વોચ્ચ સ્થાન આપવાનો એક માત્ર માપદંડ તેઓ લક્ષમાં રાખે છે. એથી નિર્ણયો આસાન બને છે તેવી તેમની સમજ છે. બીજી તરફ ટૅરિફ અંગેના નિર્ણયો જેવી બાબતમાં શ્રીધરન્ પરમ મક્કમ આદમી બની જાય છે. જાહેર ફરિયાદ નિવારણ પંચના અધ્યક્ષ અને દિલ્હીના પૂર્વ મુખ્ય સચિવ શૈલજા ચંદ્ર નોંધે છે કે આ પ્રકારની લવચીકતા અન્ય અધિકારીઓને આપવામાં આવે તો ભારત અનેક સમર્થ વહીવટદારો ઊભા કરી શકે તેમ છે.

ફેબ્રુઆરી, 2021માં શ્રીધરને તેઓની 87 વર્ષની વયે, રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો. તેઓ કેરાલા રાજ્યમાં વિધાનસભાની બેઠક પર ચૂંટણી લડ્યા, પરંતુ કમનસીબે તેમની આ ચૂંટણીમાં હાર થઈ. આ પછી તેઓએ રાજકારણ કાયમ માટે છોડી દીધું.

રક્ષા મ. વ્યાસ

પ્રકાશ ભગવતી