શ્રીધરાણી, કૃષ્ણલાલ

January, 2006

શ્રીધરાણી, કૃષ્ણલાલ [. 16 સપ્ટેમ્બર 1911ઉમરાળા (ભાવનગર); . 23 જુલાઈ 1960, દિલ્હી] : ગાંધીયુગના કવિ, નાટ્યકાર, વાર્તાકાર. પિતાનું નામ જેઠાલાલ. માતા લહેરીબહેન. જન્મ મોસાળમાં. પ્રાથમિક શિક્ષણ ઉમરાળાની ધૂળી નિશાળમાં. માધ્યમિક શિક્ષણ ભાવનગરની પ્રખ્યાત દક્ષિણામૂર્તિમાં. ઈ. સ. 1929માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ત્યાંથી સ્નાતક થયા. ઈ. સ. 1934માં વધુ અભ્યાસાર્થે રવીન્દ્રનાથ ટાગોરની તેમજ એક અમેરિકન શિક્ષકની સલાહથી અમેરિકા ગયા. તે પૂર્વે શાંતિનિકેતનમાં થોડો અભ્યાસ કરેલો. ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી ઈ. સ. 1935માં સમાજશાસ્ત્ર-અર્થશાસ્ત્રના વિષય સાથે એમ.એ. થયા. સાથે કોલંબિયા યુનિવર્સિટીની ‘ગ્રેજ્યુએટ સ્કૂલ ઑવ્ જર્નાલિઝમ’માંથી 1936માં એમ.એસ. થયા. એ જ યુનિવર્સિટીમાં ચાર વર્ષ અભ્યાસ કરીને સમાજશાસ્ત્ર અને રાજકીય તત્વજ્ઞાનના વિષયોમાં પીએચ.ડી. કર્યું. 1945 પછી ‘અમૃત બાઝાર પત્રિકા’ માટે લખવાનું શરૂ કર્યું. ઈ. સ. 1946માં ભારત પાછા ફર્યા અને જવાહરલાલ નેહરુના મંત્રાલયમાં ખાસ ઑફિસર તરીકે નિયુક્ત થયા. ત્યાં થોડા સમય માટે કામ કરીને પ્રખ્યાત અંગ્રેજી અખબાર ‘અમૃત બાઝાર પત્રિકા’માં જોડાયા, તે છેક મૃત્યુ લગી ત્યાં રહ્યા. ત્યારે એ અખબારમાં ‘Inside India’ નામક કોલમ લખતા. તે ખૂબ લોકપ્રિય બની હતી. નેહરુના ‘Discovery of India’ પર આધારિત એક નૃત્યનાટિકાના મંચન ટાણે દયારામ ગીદુમલનાં પુત્રી સુંદરીબહેન સાથે પરિચય થયો હતો; જે પાછળથી ગાઢ બનતાં બંને લગ્નગ્રંથિથી જોડાયાં. એમનાં બે સંતાનો પુત્ર અમર અને પુત્રી કવિતા.

કૃષ્ણલાલ શ્રીધરાણી

શ્રીધરાણીની કિશોરાવસ્થા એ સ્વાતંત્ર્યની લડતની ગતિનો કાળ હતો. કુટુંબ રાષ્ટ્રીય ભાવનાથી રંગાયેલું હોઈ એ સંસ્કારોથી એમનું કિશોરમાનસ ઝંકૃત થયેલું, અને કિશોર શ્રીધરાણીએ યૌવનના આંગણે ડગ મૂક્યા ત્યારે ગાંધીજીના વ્યક્તિત્વની છાયામાં મન સ્વાતંત્ર્યની ભાવનાથી ભર્યું ભર્યું થઈ ગયું હતું. વળી વિદ્યાપીઠમાં અભ્યાસથી એ ભાવનાને બળ મળ્યું હતું. આથી ગાંધીજીની અહિંસક લડતમાં સામેલ થવાનું સહજ બન્યું. 1930ની દાંડીકૂચની પહેલી ટુકડીમાં જે સૈનિકોની પસંદગી થઈ તેમાં શ્રીધરાણી હતા. ધરાસણા જતાં એ પહેલી ટુકડી પકડાઈ. આથી શ્રીધરાણીએ સાબરમતી અને નાસિકની જેલયાત્રા કરી. એ જેલવાસમાં ‘વડલો’ જેવી સરસ નાટ્યકૃતિનું સર્જન થયું. દક્ષિણામૂર્તિમાં અભ્યાસટાણે જ ચિત્રકળા સાથે કાવ્યલેખનની લગની લાગી હતી; જેમાં પ્રેરક હતા એમના ગુજરાતી ભાષાના શિક્ષક. ત્યારે ‘હાલ્યા તલકચંદ સાસરે રે લોલ’ જેવો સામાન્ય કક્ષાનો રાસડો લખાયો હતો; પરંતુ ઈ. સ. 1927માં લખાયેલું ‘હું જો પંખી હોત’ એ એમની પ્રથમ પ્રકાશિત કૃતિ. દક્ષિણામૂર્તિમાં હસ્તલિખિત પત્રો કાઢવાની પ્રવૃત્તિથી સર્જનવૃત્તિને વેગ મળ્યો. એમનો પહેલો કાવ્યસંગ્રહ ‘કોડિયાં’ ઈ. સ. 1934માં પ્રસિદ્ધ થયો; જ્યારે ‘પુનરપિ’ મરણોત્તર બીજો કાવ્યસંગ્રહ ઈ. સ. 1961માં.

શ્રીધરાણીની સાહિત્યિક પ્રવૃત્તિને યોગ્ય વાતાવરણ મળ્યું હતું અને એમની સર્જનપ્રવૃત્તિ આગળ ધપત, પરંતુ એમનું વિદેશગમન બાધક નીવડ્યું. દોઢ દાયકા લગી સર્જન સ્થગિત રહ્યું. સ્વદેશાગમને વળી કાવ્યગતિ ચાલી. થોડી કાવ્યકૃતિઓ રચાઈ જે ‘કોડિયાં’ની બીજી આવૃત્તિમાં સમાવેશ પામી છે; પણ ઉત્તર કાવ્યોની એમની કવિછબિ અલગ તરી આવે છે.

ઈ. સ. 1934માં પ્રસિદ્ધ થયેલ ‘કોડિયાં’નાં કાવ્યોમાં કવિનો આગવો નૂતન ઉન્મેષ અછાનો રહેતો નથી. છંદ અને વિષયનું વૈવિધ્ય એમનો વિશેષ છે, જે કાવ્યસૂઝવાળી અભિવ્યક્તિથી પુષ્ટ થયેલો છે. સૌંદર્યનિષ્ઠ દૃષ્ટિ સાથે કાવ્યસૂઝ, લોકઢાળનો સુયોગ્ય વિનિયોગ, લયની સુઘડતા શ્રીધરાણીની કવિપ્રતિભાની દ્યોતક છે. રાષ્ટ્રપ્રીતિ, દલિત-પીડિત પ્રત્યે અનુકંપા સાથે શાંતિનિકેતનના સંપર્કે બંગાળની છાયાથી એમની કાવ્યછાબ ભરેલી છે. ગાંધીયુગની વિભાવના આત્મસાત્ કરીને કાવ્યબદ્ધ કરતાં શ્રીધરાણીનું વાસ્તવિકતાનું સુચારુ નિરૂપણ એમની કાવ્યસૂઝથી બોલકું બનતાં અટક્યું છે. ‘મંદિર’, ‘અવલોકિતેશ્વર’, ‘ભરતી’, ‘સર્જકશ્રેષ્ઠ આંગળાં’, ‘આઠમું દિલ્હી’ જેવાં કાવ્યો દીર્ઘકાળ લગી કવિ શ્રીધરાણીને યાદ કરાવતાં રહેશે. એમની ઉત્તર-કવિતામાં વેધક કટાક્ષ વ્યક્ત થયેલ છે.

શ્રીધરાણીએ કાવ્યલેખન સાથે નાટ્યલેખન પણ કર્યું છે. એમણે નાનાંમોટાં મળી સોળ નાટકો લખ્યાં છે. ‘વડલો’ (1931) એમની સશક્ત નાટ્યકૃતિ છે. વડલાનું રૂપક અને ભવાઈના તત્વ થકી નાટક સત્વવાળું બન્યું છે. ‘પદ્મિની’ (1934) ઇતિહાસપ્રસિદ્ધ કથાવસ્તુથી રચાયેલી સબળ કૃતિ છે. ‘પીળાં પલાશ’ (1933) અને ‘સોનપરી’ બાળનાટકો છે. ‘પિયાગોરી’(1946)માં એકાંકીઓ સમાવેશ પામ્યાં છે. ત્યાં એમની પ્રયોગશીલ શૈલી નજરે પડે છે. સામાજિક નાટક ‘મોરનાં ઈંડાં’ (1934) ખાસ્સું પ્રચલિત બન્યું છે. પ્રોફેસર અભિજિતનું સુંદર પાત્ર એ નાટકનો પ્રાણ છે. ‘ઇન્સાફ મિટા દૂંગા’ (1932) વાર્તાસંગ્રહ છે. તેમણે ગુજરાતીમાં ‘આપણી પરદેશનીતિ’ (1948) ઉપરાંત અંગ્રેજીમાં પણ કેટલાક ગ્રંથો આપ્યા છે; તેમાં ‘માય ઇન્ડિયા, માય અમેરિકા’ (1941), ‘ધ બિગ ફોર ઑવ્ ઇન્ડિયા’ (1941), ‘વૉર્નિંગ ટુ ધ વેસ્ટ’ (1943), ‘ધ મહાત્મા ઍન્ડ ધ વર્લ્ડ’ (1946), ‘જનરલ નૉલેજ એન્સાઇક્લોપીડિયા’ (1949), ‘સ્ટૉરી ઑવ્ ધ ઇન્ડિયન ટેલિગ્રાફ’ (1953), ‘ધ જર્નાલિસ્ટ ઇન ઇન્ડિયા’ (1956), ‘ધી એડવેન્ચર્સ ઑવ્ અપસાઇડ ડાઉન ટ્રી’ (1956) અને ‘સ્પાય્ક્સ ફ્રૉમ કશ્મીર’ (1959) – એ ગ્રંથોનો સમાવેશ થાય છે.

શ્રીધરાણી 1946માં રાજકોટમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ તેમજ અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ હતા. તેમને 1958નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક મરણોત્તર એનાયત થયો હતો.

એમનો આયુષ્યકાળ લાંબો હોત તો સાહિત્યમાં વિશેષ પ્રદાન કરી શક્યા હોત. કવિ નાટ્યકાર શ્રીધરાણી ગાંધીયુગના સમર્થ સર્જક હતા.

પ્રફુલ્લ રાવલ