શેખ, અહમદ ખટ્ટુ ગંજબક્ષ

January, 2006

શેખ, અહમદ ખટ્ટુ ગંજબક્ષ (. 1338, દિલ્હી; . 1446, સરખેજ, અમદાવાદ) : ગુજરાતના સુલતાન અહમદશાહ સાથે અમદાવાદની સ્થાપનામાં ભાગ લેનાર ચાર ઓલિયા અહમદોમાંના એક અને ભારતના પ્રસિદ્ધ છ મુસ્લિમ સંતોમાંના એક. તેમના પિતા મલિક ઇખ્તિખારુદ્દીન સુલતાન ફિરોજશાહના દૂરના સગા થતા હતા. તેમનું નામ વજીહુદ્દીન હતું. પિતાના અવસાન બાદ મોટી મિલકત મળી, તે તેમણે વિલાસમાં વાપરી; પરન્તુ વૈરાગ્ય ઉત્પન્ન થતાં, અજમેર પાસે આવેલા ખટ્ટુ ગામના શેખ બાબા ઇશાક પાસે સિદ્ધિ વાસ્તે જઈને, એમના મુરીદ (શિષ્ય) બન્યા. એમણે સિદ્ધિ મેળવી અને લોકો તેમને ‘પ્રકાશ’ અથવા ‘દીપક’ તરીકે ઓળખવા લાગ્યા. એમના ગુરુ મગ્રિબી (મઘરબી) ફિરકાના સૂફી હતા. એ ઉપરથી તે માગ્રેબી કહેવાતા. તે સ્વભાવે ઘણા ઉદાર હતા. તેથી ગંજબક્ષ એટલે કે ભંડારની બક્ષિસ આપનાર કહેવાતા હતા.

તેમના ગુરુના અવસાન (ઈ. સ. 1374) બાદ, તેઓ મક્કાની યાત્રા કરવા ગયા. ત્યાંથી પાછા ફરીને તેમણે ગુજરાતમાં સરખેજ ગામમાં નિવાસ કર્યો. તે આજીવન બ્રહ્મચારી રહ્યા હતા. સુલતાન મુહમ્મદશાહ 2જાએ બંધાવેલ તેમનો રોજો તથા આસપાસનાં મકાનો સ્થાપત્યકળાના ઉત્તમ નમૂના મનાય છે.

શેખ અહમદ સુલતાન અહમદશાહના મજહબી બાબતોના સલાહકાર તથા મશહૂર શાયર હતા. અબુલ કાસિમ ઉર્ફે મુહમ્મદ કાસિમ નામના લેખકે ‘મિર્કાતુલ્ વુસુલ’ નામના ગ્રંથમાં આ મહાન સૂફી સંતનું જીવનચરિત લખ્યું છે. તે મુજબ સંત અન્ય શાયરોના સુંદર શેરો ગાતા હતા. તેઓ પોતે પણ અરબી, ફારસી તેમજ ગુજરાતીમાં શેરો રચતા હતા. મજકૂર ગ્રંથમાં તેમના અરબી શેરો, ફારસી રુબાઈઓ તથા ગુજરાતી દોહા છે.

શેખ અહમદ ખટ્ટુના ભાવિક મુરીદ (શિષ્ય) શેખ મહમૂદ ઇરજી (અ. ઈ. સ. 1459) હતા. તેમણે તેમના ‘તૌહ્ફતુલ્મજાલિસ’ (મજલિસોને ભેટ) ગ્રંથમાં, તેમના પીર હજરત શેખના અવસાન પર્યન્તનાં દરરોજનાં કથનો તથા તેમના જીવનનાં છેલ્લાં વરસોમાં થયેલા તેમના ચમત્કારો, સાદી તથા સરળ ભાષામાં નોંધ્યાં છે.

તેમણે લખેલા ‘ઈર્શાદુલ તાલીબીન’ (શોધકોને સૂચના) નામના ફારસી ગ્રંથમાં શેખ અહમદે 14 સૂફી ફિરકાઓનો ઇતિહાસ આપ્યો છે અને ‘રિસાલ-એ-અહમદિયા’ નામના ગ્રંથમાં તેમણે મગ્રિબી ફિરકાના મુખ્ય સંતો વિશે ચર્ચા કરી છે. આ બીજું પુસ્તક તેમણે સુલતાન અહમદશાહને અર્પણ કર્યું હતું. સરખેજના આ સૂફીના રોજામાં પાક કુરાનના તરજૂમા તથા કેટલીક જગ્યાએ ભાષ્ય સાથેની નકલ છે. તે એમના પોતાના હસ્તાક્ષરની છે એમ કહેવાય છે.

જયકુમાર ર. શુક્લ