શેખ, અહમદ જહૉ : ચૌલુક્ય શાસક સિદ્ધરાજના શાસનકાળ દરમિયાન અણહિલપુર પાટણમાં સ્થાયી થયેલ સૂફી સંત. ગુજરાતમાં ઇસ્લામના આદ્યપ્રચારક. તેમનો મકબરો અત્યારના પાટણના કનસડા દરવાજા બહાર બતાવવામાં આવે છે. સ્થાનિક અનુશ્રુતિ અનુસાર શેખ અહમદ જહાઁ બ્રાહ્મણોના જેવો વેશ ધારણ કરીને સિદ્ધરાજ જયસિંહની સેવામાં રહ્યા હતા. વીસ વર્ષ સુધી તેમણે શાહી રસોડામાં રસોઇયા તરીકે કામગીરી બજાવી, પરંતુ પાછળથી વાત ખુલ્લી થઈ જતાં સિદ્ધરાજે તેમને જીવતા ચિતામાં ફેંકી દીધેલા અને તેમની રાખને એક ચાદરમાં ભેગી કરીને સહસ્રલિંગ સરોવરના કિનારા પર દફનાવી દીધેલી. અત્યારે સહસ્રલિંગ સરોવરની વચ્ચે આવેલો શેખ ફરીદનો રોજો તેમની આખરી આરામગાહ માનવામાં આવે છે.

ઈશ્વરલાલ ઓઝા