શેખ, અલી હિસામુદ્દીન મુત્તકી

January, 2006

શેખ, અલી હિસામુદ્દીન મુત્તકી : (જ. 1480, બુરહાનપુર; અ. 1567) હિંદુસ્તાનના ઉચ્ચ કક્ષાના હદીસ તફસીરના જાણકાર અને સૂફી સંત. 1527માં તેઓ ગુજરાતમાં આવ્યા અને સાત વર્ષ રોકાયા હતા. તેઓ લોકોને હદીસશાસ્ત્રનું શિક્ષણ અને આધ્યાત્મિક માર્ગદર્શન આપતા. તેથી ગુજરાતના સુલતાનો બહાદુરશાહ તથા મેહમૂદ ત્રીજા તરફથી ઘણું સન્માન પામ્યા હતા. તેમના  શિષ્યોમાં ગુજરાતના પ્રથમ પંક્તિના હદીસશાસ્ત્રી અને લેખક મૌલાના મુહમ્મદ તાહિર પટની (અ. 1578) અને સમગ્ર ભારતીય ઉપખંડમાં પ્રખ્યાત એવા શેખ અબ્દુલહક મુહદ્દીસ દહેલવી(અ. 1642)નો સમાવેશ થાય છે.

તેઓ બાળપણમાં શાહ બહાઉદ્દીન બાજનના શિષ્ય બન્યા અને તેમના દીકરા શેખ અબ્દુલહકીમ પાસેથી ચિશ્તી પંથની ખિલાફત પ્રાપ્ત કરી. તેમણે મુલતાન (પંજાબ, પાકિસ્તાન)નો પ્રવાસ ખેડ્યો અને ત્યાંના શેખ હિસાયુદ્દીન મુત્તકી પાસેથી સાંસારિક તેમજ આધ્યાત્મિક વિદ્યાઓ શીખ્યા. 1534માં ગુજરાત પર મુઘલ બાદશાહ હુમાયૂંની ચઢાઈ પછી મક્કા-મદીનામાં કાયમી નિવાસ કર્યો. ત્યાં તેમણે શેખ અબુલ હસન બકરી અને હાફિઝ સખાવી જેવા પ્રખર ઇસ્લામી વિદ્વાનો પાસેથી શિક્ષણ મેળવ્યું અને કાદરિપ્યા તથા શાઝલિયા સૂફી પંથોની ખિલાફત પ્રાપ્ત કરી. તેમણે આધ્યાત્મિક પ્રગતિ સાધીને અસંખ્ય લોકોને પોતાના જ્ઞાનનો લાભ આપ્યો. ધીમે ધીમે તેમની ખ્યાતિ યમનથી સીરિયા સુધી પહોંચી.

તેમના હદીસશાસ્ત્ર પરનું પુસ્તક ‘કન્ઝુલ ઉમ્માલ’ અને તફસીર-શાસ્ત્ર વિશેનો ગ્રંથ ‘શુઉનુલ મુનઝ ઝિલાત’ ખાસ ઉલ્લેખનીય છે. આ બંને અરબી કૃતિઓ ઉપરાંત તેમણે સૂફીવાદ વિશે પણ ગ્રંથો આપ્યા છે.

શેખ અબ્દુલ વહ્હાબ મુત્તકીએ ‘ઇત્તિહાફ અલ-તકી’ નામક અને શેખ અબુ અલ-સઆદાત અલ-ફાકિહીએ ‘અલ-કૌલ અલ-તકી’ શીર્ષક હેઠળ તેમનાં બે જીવનચરિત્રો લખ્યાં છે. આ ઉપરાંત મુહદ્દીસ દહેલવીએ તેમના ફારસી પુસ્તક ‘અખ્બાર-અલ-અખ્યાર’માં તેમનું જીવનચરિત્ર સવિસ્તર લખ્યું છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી