શિયા : ઇસ્લામ ધર્મનો સંપ્રદાય. મુસલમાનોમાં એક પેટાવિભાગ (ફિરકો) શિયા નામથી ઓળખાય છે અને શિયા ફિરકાના પણ બીજા અનેક પેટાવિભાગો છે. આ પેટાવિભાગોમાં બાર ઇમામોને માનનારો ઇસ્ના અશરિયા ફિરકો સૌથી મોટો છે. બીજો મહત્વનો પેટાવિભાગ ઇસ્માઇલી શિયાઓનો છે જે સાત ઇમામોને માને છે.

અરબી ભાષામાં ‘શિયા’નો અર્થ ‘ટેકેદાર’, ‘પક્ષકાર’ (supporter) અથવા ‘પક્ષ’ (group) થાય છે. પયગંબરસાહેબ પછીના મુસલમાનોના ચોથા ખલીફા હજરત અલીને તેમના પ્રતિસ્પર્ધીઓ વિરુદ્ધ, ટેકો આપનાર લોકોને સૌપ્રથમ ‘શિયઆને અલી’ નામ આપવામાં આવ્યું હતું. આ રીતે રાજકીય સત્તા માટેની  ખેંચતાણમાંથી શિયાઓનો એક પક્ષ ઊભો થયો. ઉમૈયા અને અબ્બાસી વંશના ખલીફાઓના રાજઅમલ દરમિયાન હજરત અલીના વંશજો તથા તેમના ટેકેદારો જે ‘અલવી’ કહેવાતા હતા તેમને રાજકીય ત્રાસ આપવામાં આવતો હતો. પરિણામે આ લોકોએ એક જુદું ધાર્મિક સંગઠન ઊભું કર્યું અને એ માન્યતા પ્રચલિત બનાવી કે (1) પયગંબરસાહેબ પછી મુસલમાનોની દોરવણી માટે દરેક સમયે એક ઇમામ હોવો જોઈએ અને (2) પયગંબરસાહેબના અવસાન પછી જે ત્રણ ખલીફાઓ  હ. અબૂબક્ર, હ. ઉમર તથા હ. ઉસ્માન થયા, તેમના બદલે હ. અલીનો ઇમામ બનવાનો અધિકાર હતો. આમ શિયા પંથના લોકોની પાયાની માન્યતા ‘ઇમામત’નો ઉદ્ભવ થયો અને એક પછી એક હ. અલીના વંશજોમાં ઇમામ બનતા ગયા. ઇમામતની માન્યતાના આધારે શિયાઓને ‘ઇમામિયા’ પણ કહેવામાં આવે છે.

શિયા-ઇમામિયાઓના સાતમા ક્રમના ઇમામ હ. ઇસ્માઇલના અવસાન વખતે, શિયા ફિરકામાં મોટો વિવાદ ઊભો થયો. એક પક્ષનું માનવું હતું કે હ. ઇસ્માઇલના અવસાન સાથે ઇમામતનું પ્રકરણ બંધ થઈ જાય છે. આ લોકો ઇસ્માઇલી-શિયા તરીકે ઓળખાય છે. ભારતમાં વસતા આગાખાની ખોજા તથા દાઉદી, સુલેમાની, અલવી વહોરાઓ ઇસ્માઇલી શિયા પંથના છે. શિયાઓના બીજા પક્ષના લોકોએ હ. ઇસ્માઇલની ઇમામતને બદલે હ. મૂસા કાઝિમની ઇમામત અને તેમના પછી બીજા પાંચ ઇમામોનો સ્વીકાર કર્યો. આ રીતે તેમના કુલ બાર ઇમામો થયા. બારની સંખ્યાને અરબીમાં ઇસ્ના અશર કહેવામાં આવે છે તેથી બાર ઇમામોને માનનારા ફિરકાના લોકો ઇસ્ના અશરી શિયા કહેવાય છે.

બધા શિયાઓની પાયાની માન્યતાઓમાં હ. અલી અને તેમના વંશજોની ઇમામત તથા ઇમામ અને/અથવા તેના પ્રતિનિધિના અસ્તિત્વની આવશ્યકતાનો સમાવેશ થાય છે.

સુન્ની ફિરકાના મુસલમાનોનો એવો મત છે કે ત્રીજા ખલીફા હ. ઉસ્માનની ખિલાફતના સમયમાં મિસરમાં અબ્દુલ્લાહ બિન સબા નામનો એક યહૂદી ઇસ્લામ ધર્મમાં દાખલ થયો અને ઇસ્લામને કમજોર બનાવવા તથા મુસલમાનોમાં ફાટફૂટના ઇરાદાથી તેણે હ. અલીના ગુણગાન ગાવાનું શરૂ કર્યું તથા હ. ઉસ્માન બિન-કાર્યદક્ષ છે તેમ કહીને લોકોને તેમની વિરુદ્ધ ઉશ્કેર્યા. તેના કપટને લઈને હ. ઉસ્માનને શહીદ કરવામાં અને હ. અલીને ખલીફા બનાવવામાં આવ્યા. આ રીતે મુસલમાનોમાં ફાટફૂટ પડી જે રાજકીય કારણોસર વધતી ગઈ.

સોળમા સૈકામાં ઈરાનમાં શિયાપંથી સફવી વંશની રાજસત્તા સ્થપાતાં ઇમામિયા ફિરકાને રાજકીય બળ પ્રાપ્ત થયું અને તે ફિરકાનો એશિયા-આફ્રિકામાં ફેલાવો થયો તથા તેમનાં ધાર્મિક વલણો  કાયદાઓએ સ્પષ્ટ સ્વરૂપ પ્રાપ્ત કર્યું. શિયા-ધર્મગુરુઓએ કુરાન સિવાય માત્ર ‘એહલે બૈત’(પયગંબર સાહેબ તથા હ. અલીના કુટુંબીજનો)એ વર્ણન કરેલ હદીસોનો આધાર લઈને ઇમામિયા-કાયદો ઘડ્યો. બીજા બધા મુસલમાનો પયગંબરસાહેબના સર્વ સહાબીઓએ વર્ણન કરેલી હદીસોનો સ્વીકાર કરે છે. આ રીતે શિયા અને સુન્ની ફિરકાઓના કાયદાઓના ઘડતરમાં મૂળ સ્રોતનો તફાવત અસ્તિત્વમાં આવ્યો. પરિણામે સમય જતાં બંનેના કાયદાઓમાં અંતર વધતું ગયું.

જેમ કોઈ પણ વિચારસરણીમાં બગાડ – અધ:પતન પેદા થતું હોય છે તેમ શિયા-વિચારસરણીમાં પણ બગાડ  અધ:પતન (degeneration) થયેલું જોઈ શકાય છે. તેમણે ઇમામને, અલ્લાહ અને પયગંબરોથી પણ ઉચ્ચ દરજ્જો આપ્યો; ઇમામ પોતાની મરજીથી કાયદાઓમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકે છે; પ્રથમ ત્રણ ખલીફાઓ સત્તા પડાવનાર (usurper) હતા તેથી તેમને ભાંડવા જોઈએ (આ ક્રિયાને શિયાઓમાં તર્બરા કહેવામાં આવે છે); અને પોતાની માન્યતાને લોકોથી છુપી રાખવી જોઈએ (આ ક્રિયાને તકિય્યા કહેવામાં આવે છે.).

આધુનિક યુગમાં શિયા-પંથીઓએ કેટલાક સુધારા કર્યા છે અને ખાસ કરીને ભારતમાં તેની અસર વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ઉત્તર ભારતમાં ઇસ્ના અશરી અને ગુજરાત-મુંબઈમાં ઇસ્માઇલી શિયાઓ મહદ્અંશે વસે છે. ગુજરાતના ઇસ્ના અશરી શિયાઓ મોમિન નામે ઓળખાય છે. તેમની વસ્તી મહદ્અંશે મહુવા, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા તથા અમદાવાદ શહેર-જિલ્લામાં જોવા મળે છે.

શિયાઓના બાર ઇમામોનાં નામ નીચે પ્રમાણે છે : (1) હ. અલી મુર્તઝા, (2) હ. હસન, (3) હ. હુસૈન, (4) હ. ઝૈનુલ આબિદીન, (5) હ. ઇમામ બાકર, (6) હ. જાફર સાદિક, (7) હ. મૂસા કાઝિમ, (8) હ. અલી બિન મૂસા રઝા, (9) હ. મુહમ્મદ બિન અલી તકી, (10) હ. અલી બિન મુહમ્મદ નકી, (11) હ. હસન બિન અલી અસ્કરી, (12) મુહમ્મદ બિન અલ-હસન (ઇમામ મેહદી).

શિયાઓના પવિત્ર અને યાત્રાનાં સ્થળોમાં ઇરાકમાં આવેલ નજફ તથા કર્બલા અને ઈરાનમાં મશહદ તથા કુમ છે.

શિયાઓના પ્રતિષ્ઠિત ગ્રંથોમાં (1) અલ-જામેઉલ કાફી (લેખક : અબૂ જાફર યાકૂબ કલીની રાઝી, મૃત્યુ 940); (2) હકકુલ યકીન અને હયાતુલ કુલૂબ (લેખક : અલ્લામા બાકર મજલિસી, મૃત્યુ 1698); (3) નિહજુલ બલાધા (લે. સૈયદ રઝી) વગેરેનો સમાવેશ થાય છે.

ઇસ્ના અશરી શિયાઓએ બાર ઇમામોનાં વચનોને પણ હદીસનું નામ આપ્યું છે અને તેમનો આધાર લઈને કાયદાઓ બનાવ્યા છે. આવા મહત્વના હદીસ-સંગ્રહો નીચે પ્રમાણે છે : (1) તેહઝીબુલ એહકામ અને અલ-ઇસ્તિબ્સાર (લે. અબૂ જાફર તૂસી, મૃ. 1067), (2) અલ-વાફી (સંપાદક : મુલ્લા ફૈઝ કાશાની, મૃ. 1680), (3) વસાઇલ-અલ-શિયા (લે. શેખ મુહમ્મદ આમુલી, મૃ. 1692), (4) બિહારુલ અનવાર (લે. મુલ્લા મુહમ્મદ બાકર મજલિસી, મૃ. 1698).

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી