શિયાળ : કૂતરાને મળતું આવતું વન્ય નિશાચર સસ્તન પ્રાણી. તેનું વર્ગીકરણમાં સ્થાન આ મુજબ છે  વર્ગ : સસ્તન (mammalia), શ્રેણી : માંસાહારી (carnivora), ઉપશ્રેણી : ફિસિપેડિયા, કુળ : શ્વાન (canidae). આ કુળમાં અન્ય પ્રાણીઓમાં, પાળેલાં અને જંગલી કૂતરાં, વરુ, ઝરખ અને લોંકડી(fox)નો સમાવેશ થાય છે. આપણે ત્યાં ‘શિયાળ’ શબ્દ અંગ્રેજી શબ્દ Jackal  જૅકલ અને Fox  ફૉક્સ બંને માટે વપરાય છે; પરંતુ શિયાળ માટે ‘જૅકલ’ અને લોંકડી માટે ‘ફૉક્સ’ શબ્દ વાપરવો યોગ્ય છે. શિયાળનું શાસ્ત્રીય નામ કેનિસ ઑરિયસ, લિનિયસ (Canis aurius, Linnaeus); જ્યારે લોંકડીનું શાસ્ત્રીય નામ વલ્પસ બેંગાલેન્સિસ (Vulpes bengalensis) છે.

શિયાળ

શિયાળ (Jackal) ભારતમાં લગભગ બધે જ જોવા મળે છે : ગામના પાધરે, શહેર વિસ્તારમાં, નિર્જન ઝાડી કે નાળાંમાં અને ગીચ જંગલની બહારના વિસ્તારોમાં. લોંકડી વિશેષત: ઠંડા સમશીતોષ્ણ પ્રદેશનું પ્રાણી છે; પરંતુ તેની કેટલીક જાતો રણપ્રદેશમાં પણ જોવા મળે છે; ઉદા., રણલોંકડી. શ્વાનકુળનાં પ્રાણીઓ ભારત ઇથિયોપિયન વિસ્તારનાં છે અને તેથી યુરોપ, આફ્રિકા, ઇજિપ્ત, સુદાન, ઇથિયોપિયા, ઇરાક, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત વગેરે દેશોમાં તેની અનેક જાતિ અને પ્રજાતિઓ જોવા મળે છે.

શિયાળ અને અન્ય શ્વાનકુળનાં પ્રાણીઓમાં ઘણું સામ્ય હોવાથી શિયાળ અને કેટલાંક શ્વાનકુળનાં પ્રાણીઓનો શારીરિક બાબતોનો તુલનાત્મક અહેવાલ અત્રે આપ્યો છે :

શારીરિક વિગત શાસ્ત્રીય નામ વરુ / નાર
wolf Canis, lupus, Pallipus, sykes
જંગલી કૂતરાં / ધોલ Cuon, alpinus, Pallas શિયાળ/ફ્રાઉડી
Jackal, Canis, aurius, Linnaeus
લોંકડી/રણલોંકડી
Fox, Vulpes
bengalensis
Shaw / V.
valpas, pusila
લંબાઈ : 100-140 સેમી. 90 સેમી. 100 સેમી. 70-80 સેમી.
વજન : 18-27 કિગ્રા. 20 કિગ્રા. 10 કિગ્રા. 4-6 કિગ્રા.
ઊંચાઈ : 65 સેમી. 50 સેમી. 40 સેમી. 30-40 સેમી.
આયુષ્ય : 10-15 વર્ષ 12 વર્ષ 6 વર્ષ
ગર્ભધાન-કાળ : 61-63 દિવસ 90 દિવસ 63 દિવસ 50 દિવસ
ગુજરાતમાં રહેઠાણ : સૂકાં પાનખર જંગલ
નાર – સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉ. ગુજરાત
જંગલવિસ્તાર,
દ. ગુજરાત
બધે જ. ઘાસિયા/ ખેતરાઉ વિસ્તારોમાં મેદાની વિસ્તાર / કાંટાવાળો રણ- વિસ્તાર, કચ્છમાં
રંગસૂત્રોની સંખ્યા (2x) 78 78

શિયાળ, વરુ અને કૂતરા કરતાં કદમાં પ્રમાણમાં નાનું પ્રાણી છે. તેની શરીર ઉપરની રુવાંટી ભૂખરા અને બદામી/સોનેરી રંગની હોય છે. પેટ, કાન અને પગના ભાગ બદામી; જ્યારે ગળાનો, પીઠનો અને કાનનો બહારનો ભાગ કાળાશ પડતા સફેદ રંગનો હોય છે. શિયાળનું મોઢું કૂતરાં કરતાં નાનું પણ અણીદાર અને સાંકડું હોય છે. શાકાહારી તેમજ માંસાહારી હોવાથી તેના દાંત કાપવા અને ચાવવા માટે વિકસેલા છે. સામાન્ય શ્વાનવંશના દંતસૂત્ર મુજબ તેનું દંતસૂત્ર આ મુજબ છે :

[i = Incisors (છેદક), c = Canines (રાક્ષી), p = Premolar (અગ્રદાઢ) અને m = Molars = દાઢ]

શિયાળના પગ પાતળા અને સીધા હોય છે. તેના આગલા પગમાં પાંચ અને પાછલા પગમાં ચાર આંગળીઓ હોય છે. નહોર નાના અને અંદર ન ખેંચી શકાય (Non-retractable) તેવા હોય છે. શિયાળની પૂંછડી 20-27 સેમી. જેટલી લાંબી, આકર્ષક અને ગુચ્છાદાર હોય છે. દેશના વિવિધ ભાગોમાં તેના શરીર પરની રુવાંટી અને કદમાં ફેરફાર જોવા મળે છે.

શિયાળનો મુખ્ય ખોરાક ફળફળાદિ, કંદમૂળ, કીટકો, નાનાં પ્રાણી કે પક્ષીઓ છે. મોટાં પ્રાણીઓએ કરેલા શિકારમાંથી બચેલાં પ્રાણીઓનાં હાડકાં/માંસને તે આરોગે છે અને ક્યારેક તેને દાટીને સાચવી રાખે છે અને સમય આવે ત્યારે ખોદી કાઢી આરોગે છે.

શિયાળ લગભગ બધા જ પ્રકારના પર્યાવરણમાં જોવા મળે છે. દક્ષિણ-પૂર્વ યુરોપ, દક્ષિણ-પૂર્વ એશિયા, ભારતમાં બધે જ તથા શ્રીલંકાના અનેક વિસ્તારોમાં તેની વિવિધ જાતિ અને પેટાજાતિઓ જોવા મળે છે. ડુંગરાળ પ્રદેશોમાં 4,000થી 7,000 ફૂટ અને હિમાલયમાં 12,000 ફૂટની ઊંચાઈ સુધી શિયાળનો વસવાટ જોવા મળે છે. ભરતીઓટના પ્રદેશમાં અને દરિયાઈ બેટો ઉપરનાં શિયાળ મોટેભાગે માછલી, જિંગા, કરચલા વગેરે ખાય છે. શિયાળ કેટલીક વાર 4થી 6ની સંખ્યામાં ભેગાં મળી શિકારની શોધ કરે છે. ગામના ગોંદરે સમીસાંજના તેમની લારીઓ સામાન્યપણે સંભળાય છે. ક્યારેક વાડીઓમાં પ્રવેશી શેરડી, તરબૂચ, ચીભડાં કે કાકડીના પાકને નુકસાન કરે છે. રાત્રે વગડામાં ભ્રમણ કરી સવાર સુધીમાં તો તેઓ મૂળ સ્થાન(બોડ)માં પાછાં આવે છે. મોટાં વૃક્ષોની બખોલમાં તેઓ મોટેભાગે દિવસે સૂઈ રહે છે.

સામાન્ય રીતે શિયાળનો પ્રજનનકાળ શિયાળાની ઋતુ છે. ઠંડા મુલકના શિયાળનો પ્રજનનકાળ માર્ચ-એપ્રિલનો હોય છે. માદા 3થી 4 બચ્ચાંને જન્મ આપે છે. બચ્ચાંનો ઉછેર બખોલ(બોડ)ની અંદર થાય છે. નર અને માદા એમ બંને સંયુક્ત રીતે બચ્ચાંની સંભાળ રાખે છે. શિયાળની પૂંછડીના નીચલા ભાગમાં એક ગ્રંથિ આવેલી હોય છે, તેનો સ્રાવ ઉગ્ર વાસ ધરાવે છે.

ભારતમાં શિયાળની ત્રણેક જાતિઓ જોવા મળે છે; જેમકે, Canis aureus aureus, C. indicus અને C. neria.

ધીરુભાઈ મ. કોરાટ

પરબતભાઈ ખી. બોરડ

રા. ય. ગુપ્તે