શિબિ : વેદોના સમયની એક જાતિ અને તે નામનું પ્રાચીન ગણરાજ્ય. ઘણુંખરું ઋગ્વેદના શિવ જાતિના લોકો, તે જ શિબિ હતા. તેમનું પાટનગર શિબિપુર પંજાબના ઝંગ (Jhang) જિલ્લામાં આધુનિક શોરકોટ હતું. શિબિઓ ઉશિનર લોકો સાથે ઘણો સંબંધ ધરાવતા હતા. ‘ઐતરેય બ્રાહ્મણ’માં શિબિઓના રાજા અમૃતતાપણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિવપુરને શિબિપુર તરીકે શોરકોટના શિલાલેખમાં ઓળખવામાં આવ્યું છે. પતંજલિએ તેને ઉત્તરના દેશમાં આવેલું હતું એમ જણાવ્યું છે.

પંજાબની પૂર્વ સરહદે ઉશિનરે એક રાજ્ય સ્થાપ્યું હતું. તેના પાંચ પુત્રો વચ્ચે તેનું વિભાજન કરવામાં આવ્યું. તેમાં મુલતાનની ગાદી શિબિને મળી હતી. શિબિએ વાયવ્ય ખૂણા સિવાય ઘણુંખરું પંજાબ જીતી લીધું હતું.

ઈ. પૂ. 1400ના અરસામાં મહાભારતનું યુદ્ધ થયું. તેમાં શિબિઓ કૌરવોના લશ્કરમાં જોડાઈને લડ્યા હતા.

ઈ. પૂ. ચોથી સદીમાં શિબિઓના 40,000ના પાયદળે સિકંદરનો સામનો કર્યો હતો. તેઓ જંગલી પશુઓનાં ચામડાંનાં વસ્ત્રો પહેરતા અને હથિયાર તરીકે ગદાનો ઉપયોગ કરતા હતા.

તેમના વતન પંજાબ પર વિદેશીઓના હુમલા થવા માંડ્યા એટલે તેમણે રાજસ્થાન તરફ સ્થળાંતર કર્યું અને માધ્યમિકાની આસપાસ (હાલના ચિતોડ પાસેનો પ્રદેશ) વસવાટ કર્યો. શિબિ લોકોના સિક્કા આ વિસ્તારમાંથી મળ્યા છે. તેના ઉપર ‘માધ્યમિકામાં બનાવેલા શિબિ રાજ્યના સિક્કા’ એમ લખેલું છે. તેની લિપિ ઈ. પૂ. પહેલી સદીના ઉત્તરાર્ધ પહેલાંની હોઈ શકે નહિ. શિબિ લોકોની બીજી શાખાએ ઘણુંખરું સિંધમાં વસવાટ કર્યો હતો.

‘દશકુમારચરિત’માં જણાવ્યા પ્રમાણે શિબિ દેશ કાવેરી નદીના કિનારે આવેલો હતો. આ ઉલ્લેખ ચોલ વંશના પ્રદેશનો હોઈ શકે, જે ચોલ કુળ પોતાનો પ્રાચીન જાતિ સાથેનો સંબંધ હોવાનો દાવો કરે છે.

જયકુમાર ર. શુક્લ