શાહી રાજ્ય : ઈ.સ.ની નવમી સદીના ઉત્તરાર્ધમાં, કાબુલની ખીણ અને ગંધાર પ્રદેશમાં કલ્લર નામના બ્રાહ્મણ મંત્રીએ સ્થાપેલું રાજ્ય. તુર્કી શાહી (અથવા શાહીય) વંશના રાજા લગતુરમાનને ગાદી ઉપરથી ઉઠાડી મૂકી, તેના બ્રાહ્મણ મંત્રી કલ્લરે હિંદુ શાહી રાજવંશ સ્થાપ્યો. કલ્હણે ‘રાજતરંગિણી’માં લલ્લિય શાહીનો ઉલ્લેખ કર્યો છે. તેની સાથે કલ્લરને સમાન ગણી શકાય. લલ્લિય લાંબા સમય સુધી તેના કબજા હેઠળ કાબુલ રાખી શક્યો નહિ. ઈરાનના સફારી વંશના યાકુબ બિન લેથે ઈ.સ. 870માં કાબુલ જીતી લીધું. લલ્લિયે ત્યારબાદ તેનું પાટનગર ઉદભાંડ(આધુનિક ઉંદ ગામ)માં રાખ્યું. તે રાવલપિંડી જિલ્લામાં, અટકથી 24 કિમી.ના અંતરે સિંધુ નદીના જમણા કાંઠે આવેલ હતું.

કાશ્મીરના રાજાએ લલ્લિયના પ્રદેશ પર આક્રમણ કર્યું, પરંતુ તેને કોઈ લાભ થયો નહિ. કલ્હણે લલ્લિયના સામર્થ્ય અને સિદ્ધિઓનાં ખૂબ વખાણ કર્યાં છે અને ઉત્તર ભારતના બધા રાજાઓને તે ઝાંખા પાડતો અને ઘણા રાજાઓ તેના પાટનગરમાં સલામતી મેળવતા. લલ્લિયને તોરમાણ નામનો પુત્ર હતો. લલ્લિયના મૃત્યુ બાદ સામંત નામના તેના કુટુંબીએ ગાદી આંચકી લીધી. તેના નામના કેટલાક સિક્કા અફઘાનિસ્તાનમાંથી મળ્યા છે. શંકર વર્માના પુત્ર અને વારસ ગોપાલ વર્માના મંત્રી પ્રભાકરે ઉદભાંડમાં લૂંટ કરીને બળવાખોર શાહી રાજાને પદભ્રષ્ટ કરી, તોરમાણને તે રાજ્યની ગાદીએ બેસાડ્યો. તેણે તોરમાણને ‘કમલુક’ નામ આપ્યું. અલ્-બિરૂનીએ તેનો ‘કમલુ’ તરીકે ઉલ્લેખ કર્યો છે; અને તેના એક વારસના અભિલેખમાં તેને ‘કાલા (કમલા) વર્મા’ કહ્યો છે.

કમલુકના મૃત્યુ પછી તેનો પુત્ર ભીમ ગાદીએ બેઠો. મહારાજાધિરાજ પરમેશ્વર શાહી શ્રી ભીમદેવના શાસનકાળનો શિલાલેખ ગદુન પ્રદેશના દેવાઈ ગામેથી મળ્યો છે. રાજા ભીમે તેની પુત્રી લોહારાના રાજા સિંહરાજ સાથે પરણાવી હતી. લોહારા પુંચના રાજ્યમાં આવેલું હતું. કાશ્મીરના રાજા ક્ષેમગુપ્ત(ઈ.સ. 9509-58)ની રાણી દિદ્દા, સિંહરાજની દીકરી અને ભીમની દૌહિત્રી થતી હતી. ભીમે કાશ્મીરમાં ભીમકેશવ નામનું વિષ્ણુ ભગવાનનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું. ભીમના શાસનકાળનો ચોક્કસ સમય મળતો નથી.

તેના પછી જયપાલ નામનો શાહી રાજા થયો. એક શિલાલેખમાં પરમભટ્ટારક મહારાજાધિરાજ શ્રી જયપાલદેવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જયપાલનું રાજ્ય વિશાળ હતું. તેના રાજ્યમાં પશ્ચિમ પંજાબ, વાયવ્ય સરહદનો પ્રાંત અને પૂર્વીય અફઘાનિસ્તાનનો સમાવેશ થતો હતો. તેના સમયથી તુર્કોના હુમલા શરૂ થઈ ગયા હતા. મહમૂદ ગઝનીએ કરેલા હુમલા બાદ તેણે નામોશીભરી સંધિ કરી. તે પછી પણ તે તુર્કોના હાથે હાર્યો હતો. તેથી તેણે રાજ્ય તેના પુત્ર આનંદપાલને સોંપીને પોતે અગ્નિપ્રવેશ કર્યો. આનંદપાલે પણ તુર્કોનો સતત સામનો કરવો પડ્યો હતો. તેણે બુંદેલખંડ, ઉજ્જૈન, ગ્વાલિયર, કાલિંજર, કનોજ, દિલ્હી તથા અજમેરના રાજાઓનો સંઘ સ્થાપી, વિશાળ લશ્કર ભેગું કર્યું. પરદેશી આક્રમકોનો સામનો કરવા પ્રજામાં દેશભક્તિનું પૂર ફરી વળ્યું. શ્રીમંતોની પત્નીઓએ પોતાનાં આભૂષણો દેશના રક્ષણ વાસ્તે આપ્યાં. આનંદપાલની આગેવાની હેઠળ ભારતની સરહદે ખૂનખાર જંગ ખેલાયો (ઈ.સ. 1009). મહમૂદ ગઝનીના લશ્કરે પીછેહઠ કરવી પડી. પરંતુ કમનસીબે આનંદપાલનો હાથી ભડકીને યુદ્ધભૂમિમાંથી ભાગવા લાગ્યો. તેથી હિન્દુ સેનાઓએ અવ્યવસ્થિત રીતે પીછેહઠ કરી અને મહમૂદ ગઝની જીત્યો. તે પછી ઈ.સ. 1012માં આનંદપાલ મરણ પામ્યો અને તેનો પુત્ર ત્રિલોચનપાલ ગાદીએ બેઠો. તેણે પંજાબના પૂર્વભાગમાં શિવાલિક ટેકરીઓના પ્રદેશમાં રાજ્ય કર્યું. ઈ.સ. 1026માં તેનો પુત્ર ભીમપાલ મહમૂદ સામે ભારતની સીમાઓનું રક્ષણ કરતાં શહીદ થયો. આ રીતે શાહી રાજાઓ ભારતની વાયવ્ય સીમાનું રક્ષણ કરતાં, શત્રુઓ સામે ઝૂઝતાં પાયમાલ થઈ ગયા.

જયકુમાર ર. શુક્લ