શસ્ત્ર : યજ્ઞમાં હોતાએ બોલવાનો ઋગ્વેદનો સ્તુતિમંત્ર, જે છ પ્રકારનો છે. વૈદિક યુગમાં યજ્ઞ-પ્રક્રિયા સાથે સંકળાયેલા ચાર ઋત્વિજો હતા : હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા; આ ચારેયના અનુક્રમે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ હતા. આમાંથી આ સમયે ઉદ્ગાતા જેનું ઉચ્ચારણ કરે છે તે સ્તોત્ર છે. તેની જેમ હોતા, જેનું ઉચ્ચારણ કરે છે તે शस्त्र છે. આ રીતે હોતાના ઉચ્ચારણ માટે જે પારિભાષિક સંજ્ઞા વપરાય છે તે शस्त्र છે. મૅકડૉનલ અને કીથના કોશમાં તે છે : Technical term for the ‘recitation’ of the Hotpriest. હોતાના આ ઉચ્ચારણમાં ઋક્ સમુદાય હોય છે; તેમાં દેવોને આવાહન હોય છે. આથી ડૉ. સૂર્યકાન્ત શસ્ત્રના અર્થ વિશે નોંધે છે : आवाहन, ऋक्-समुदाय; Invocation – આમાં દેવોની સ્તુતિ પણ હોય છે. હોતા પોતાના સહાયક ઋષિઓ સાથે સહોચ્ચારણ કરે છે. સર મૉનિયેર  વિલિયમ્સ ‘શસ્ત્ર’ અને स्तोभનો તફાવત બતાવે છે. स्तोभમાં ગાયનપ્રક્રિયા છે. શસ્ત્રનું ઉચ્ચારણ કોઈ સાંભળી શકે એ રીતે હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. ‘शस्’ ધાતુમાંથી ‘शस्त्र’ શબ્દ નિષ્પન્ન થયો છે. પછી તેને ष्ट्न પ્રત્યય લાગવાથી અર્થ થયો છે. स्तोत्रम् એક રીતે આ દેવો માટેનું સ્તોત્ર જ છે. આ અર્થ વામન શિવરામ આપ્ટેએ આપ્યો છે. સોમને આહુતિ આપતી વખતે ઉચ્ચારણ કયા સમયે થાય છે; તેને આધારે ‘शस्त्र’ના પ્રકારો પડે છે. તેની ગણના આ રીતે થાય છે. प्रउगाज्यनिष्केवभ्यमरुत्वतीय वैश्वदेवाग्निमारुतनामकानि शस्त्राणि । પ્રાત:કાળે સોમને આહુતિ આપતી વખતે ઉચ્ચારાય, તે आज्य અને प्रउग છે. મધ્યાહ્ને ઉચ્ચારાય, તે मरुत्वतीय અને निष्केवभ्य છે. સાયંકાળે ઉચ્ચારાય, તે वैश्वदेव અને आग्निमारुत છે. શસ્ત્રનું યાજ્ઞિકી પ્રાસ્યામાં મહત્વ છે. ‘તૈત્તિરીય સંહિતા’માંના આ મંત્ર(3272)માં તેને પ્રતિષ્ઠા આપી છે. ઋષિઓ વૈશ્વદેવ છે. દેવતા સવિતા છે. ઋષિઓ સવિતાને કહે છે :

(હે સવિતા), આપ શસ્ત્રનાં (પણ) શસ્ત્ર છો (આ) શસ્ત્ર મારામાં ઊર્જા મૂકે. શસ્ત્રનાં (પણ) શસ્ત્ર (એવા સવિતા) મારી પાસે આવે.

‘શસ્ત્ર’ પ્રણવ વિના અપૂર્ણ છે. વાજસનેયી સંહિતા(1925)માં મંત્ર છે :

પ્રણવ(ૐ કાર)થી શસ્ત્રનું રૂપ પ્રાપ્ત થાય છે.

આ રીતે શસ્ત્ર યજ્ઞક્રિયામાં મહત્વનું અંગ છે.

રશ્મિકાન્ત મહેતા