વૉકિહુરી, ડગ્લાસ (. 26 સપ્ટેમ્બર 1963, મૉમ્બાસા, કેન્યા) : કેન્યાના ઍથ્લેટિક્સના ખેલાડી. 1987ની વિશ્વ મૅરથોન વિજયપદકમાં તેમનો વિજય આશ્ર્ચર્યજનક હતો, પરંતુ પછીનાં 3 વર્ષ તેમણે પ્રભાવક રેકર્ડ દાખવ્યો અને ઑલિમ્પિક રજતચન્દ્રક 1988માં અને કૉમનવેલ્થ સુવર્ણચન્દ્રક 1990માં જીત્યા.

1983માં તેઓ વિશેષ તાલીમ માટે જાપાન ગયા. 1986માં તેમની પ્રથમ મૅરથોન દોડમાં તેમણે 2 : 16.26નો સમય નોંધાવ્યો; 1987માં 2 : 13.34નો આંક નોંધાવી છઠ્ઠા ક્રમે રહ્યા, અને પછી 2 : 11.48નો સમય નોંધાવી વિશ્વવિજયપદકના વિજેતા બન્યા. 1988માં તેઓ ટૉકિયો મૅરથોનમાં સાતમા ક્રમે રહ્યા અને સિઑલમાં તેઓ 2 : 10.48ના સમયથી બીજા ક્રમે રહ્યા. 1989માં લંડન મૅરથોનમાં વિજેતા બન્યા ત્યારે તેમનો સૌથી ઝડપી સમય 2 : 09.03 નોંધાયો હતો. 1990માં તેઓ ન્યૂયૉર્ક મૅરથોનના પણ વિજેતા બન્યા.

મહેશ ચોકસી