વૉગેલ, પોલા (ઍન) (. 16 નવેમ્બર 1951, વૉશિંગ્ટન ડી.સી.) : અમેરિકાનાં મહિલા નાટ્યકાર. શિક્ષણ : પેન્સિલવૅનિયા 1969-70, 1971-72; કૅથલિક યુનિવર્સિટી, વૉશિંગ્ટન ડી.સી. 1972-74, બી.એ., કૉર્નેલ યુનિવર્સિટી, ઇથાકા, ન્યૂયૉર્ક 1974-77, એ. બી. ડી. તેમણે નીચે મુજબ અનેકવિધ કામગીરી બજાવી : સેક્રેટરી, મુવિંગ વૅન કંપની પૅકર, ફૅક્ટરી પૅકર, 1960-71; વિમેન્સ સ્ટડિઝ તથા થિયેટરનાં અધ્યાપક, કૉર્નેલ યુનિવર્સિટી, ઇથાકા, ન્યૂયૉર્ક, 1977-82; આર્ટિસ્ટિક ડિરેક્ટર, થિયેટર વિથ ટીથ, ન્યૂયૉર્ક, 1982-85; એસોસિયેટ પ્રાધ્યાપક તથા ડિરેક્ટર, ગ્રૅજ્યુએટ પ્લેરાઇટિંગ પ્રોગ્રામ, બ્રાઉન યુનિવર્સિટી, રહૉડ આઇલૅન્ડ, 1985થી; 1990થી આર્ટિસ્ટિક ડિરેક્ટર, થિયેટર ઇલિનૉર રૂઝવેલ્ટ, રહૉડ આઇલૅન્ડ; 1992થી બૉર્ડ મેમ્બર, સર્કલ રેપીરી કંપની, ન્યૂયૉર્ક.

તેમને મળેલાં સન્માનમાં છે : હીર્બઝ-મૅકૅમૉન ઍવૉર્ડ, 1975, 1976; અમેરિકન કૉલેજ થિયેટર ફેસ્ટિવલ ઍવૉર્ડ, 1976; સૅમ્યુઅલ ફ્રેન્ચ ઍવૉર્ડ, 1976; અમેરિકન નૅશનલ થિયેટર ઍન્ડ એકૅડેમી – વેસ્ટ ઍવૉર્ડ, 1977; નૅશનલ એનડાઉમેન્ટ ફૉર ધ આર્ટ્સ ફેલોશિપ, 1980, 1991; મૅક્ડૉવેલ કૉલોની ફેલોશિપ, 1981, 1989 વગેરેનો સમાવેશ થાય છે.

તેમનાં નાટકોમાં જીવનની ચેતના તથા મૃત્યુ વચ્ચેનો સંઘર્ષ કલ્પનાસભર નાટ્યાત્મકતાથી આલેખાયો છે. સાથોસાથ તેમાં મહિલા વર્ગની ગરીબાઈ, બિન-પરંપરાગત પરિવાર, એઇડ્ઝનો ચેપી રોગ તેમજ ઘરેળુ હિંસાચાર જેવા વિષયો ગૂંથી લેવાયા છે.

‘સ્વાન સાગ ઑવ્ સર હેન્રી’, ‘ઍપલબ્રાઉન બેટી’, ‘ડેસ્ડિમૉના’, ‘બર્થા ઇન બ્લૂ’, ‘ધી ઓલ્ડેસ્ટ પ્રોફેશન’ તથા ‘હૉટ ઍન્ડ થ્રૉબિંગ’  એ તેમનાં મુખ્ય નાટકો છે.

તેમણે દિગ્દર્શક તથા અભિનેત્રી તરીકે પણ કામ કર્યું છે.

મહેશ ચોકસી