વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest)

January, 2006

વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest) (. 7 જાન્યુઆરી 1941, હેલિફેક્સ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રસાયણવિદ અને 1997ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1969માં યુનિવર્સિટી ઑવ્ ઑક્સફર્ડમાંથી ડૉક્ટરેટ પદવી મેળવ્યા બાદ વૉકરે અમેરિકા અને પૅરિસમાં આવેલ યુનિવર્સિટીઓ ખાતે વિવિધ સંશોધન-યોજનાઓ પર કાર્ય કર્યું. 1974માં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મેડિકલ રિસર્ચ કાઉન્સિલ લૅબૉરેટરી ઑવ્ મોલેક્યુલર બાયૉલોજીમાં જોડાયા અને 1982માં ત્યાં વરિષ્ઠ રસાયણવિદ બન્યા.

જૉન અર્નેસ્ટ વૉકર

1980ના દાયકાની શરૂઆતમાં વૉકરે જીવંત કોષોમાં ઊર્જાનું વહન કરનાર ઉત્સેચક ATP-સિન્થેટેઝ(Adenosine Triphosphate Synthetase)ના અણુનો અભ્યાસ શરૂ કર્યો. આ ઉત્સેચક રાસાયણિક ઊર્જાના વાહક એવા ATPનું સંશ્ર્લેષણ કરવામાં મદદ કરે છે. ATPનો અણુ ઊર્જા-સમૃદ્ધ એવા રાસાયણિક બંધો (chemical bonds) વડે ખોરાકમાંથી મુક્ત થતી ઊર્જાને ગ્રહણ કરે છે અને તેને સ્નાયુઓના સંકોચન, ચેતા-આવેગોના પ્રસારણ, કોષના ઘટકોની રચના તથા અન્ય પ્રવિધિઓ માટે પ્રાપ્ય બનાવે છે. સૂક્ષ્મજીવોથી માંડી માનવી જેવા સજીવોમાં તે આ નિર્ણાયક ફરજ બજાવે છે.

વૉકરે ઉત્સેચકના રાસાયણિક અને બંધારણીય સંઘટન ઉપર ધ્યાન કેન્દ્રિત કરી સિન્થેટેઝના પ્રોટીન એકમો બનાવનારા એમીનો ઍસિડનો અનુક્રમ (sequence) નક્કી કર્યો. 1980માં તેમણે Xકિરણ સ્ફટિકવિદો સાથે કાર્ય કરી ઉત્સેચકની ત્રિપરિમાણી સંરચના સ્પષ્ટ કરી. તેમણે ઉત્સેચક કેવી અસામાન્ય રીતે કાર્ય કરે છે તે અંગેની બૉયરની ‘બંધન પરિવર્તન કાર્યવિધિ’(binding change mechanism)ને અનુમોદન આપ્યું. વૉકરનાં સંશોધનો સજીવો ઊર્જા કેવી રીતે ઉત્પન્ન કરે છે તે અંગેની સમજ પૂરી પાડે છે. 1990માં તેમણે ATP-સિન્થેટેઝના સક્રિય ભાગની સ્ફટિકીય સંરચના મેળવી આ બાબતમાં વધુ પુરાવો પૂરો પાડ્યો.

ઉત્સેચકીય પ્રવિધિ કેવી રીતે ATP ઉત્પન્ન કરે છે તેની સમજૂતી આપવા બદલ વૉકર અને અમેરિકન રસાયણવિદ પોલ બૉયરને 1997ના વર્ષનો રસાયણશાસ્ત્ર વિષય માટેનો અર્ધો હિસ્સો તથા બાકીનો અર્ધભાગ ડેનિશ વૈજ્ઞાનિક જેન્સ સી. સ્કાઉને કોષમાંના પ્રથમ આણ્વીય પંપ(molecular pumps)ની શોધ માટે એનાયત કરવામાં આવ્યો છે.

જ. દા. તલાટી