વીકલિફ, જ્હૉન (. . . 1330, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; . 31 ડિસેમ્બર 1384, લુટરવર્થ, લકેશાયર) : યુરોપના ઉત્તર-મધ્યયુગના અગ્રણી અંગ્રેજ ધર્મશાસ્ત્રી, ધર્મસુધારક અને ચિંતક  ધર્મ અને રાજ્યશાસ્ત્ર અંગેના મૌલિક વિચારો દ્વારા ધર્મસુધારણાની ચળવળનો પાયો નાંખનાર વિચારક.

ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યા બાદ તેઓ 1360માં ત્યાં તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક બન્યા. ત્યારબાદ ધાર્મિક માન્યતાઓથી પ્રેરાઈ ધર્મગુરુ તરીકે તેઓ ચર્ચમાં પ્રવેશ્યા અને 1374થી વરિષ્ઠ પાદરી તરીકેના કેટલાક હોદ્દા તેમણે ધારણ કર્યા. ધાર્મિક શ્રેણીસ્તૂપ(hierarchy)ના ભાગ તરીકે ઘણાં વર્તન અને વ્યવહાર અજુગતાં હોવાની તેમને અનુભૂતિ થઈ. ચર્ચનાં કર્મકાંડ અને માન્યતાઓ તથા તેના દુરુપયોગ અંગે તેઓ પોપના પ્રતિનિધિને મળ્યા અને ચર્ચની નીતિરીતિઓમાં સુધારા લાવવાની ભલામણ કરી. જોકે તેમના આ વિચારો અન્ય વડા ધર્મગુરુઓને અસ્વીકાર્ય હતા. તેમની પર ચર્ચની અદાલતોમાં કાર્યવહી કરવામાં આવી. આમ છતાં તેમણે પોતાના સુધારક વલણની તરફેણ જારી રાખી. 1378થી તેમણે ચર્ચમાંની ધર્મગુરુઓની શ્રેણીસ્તૂપીય રચના પર તેમજ પાદરીઓને આપવામાં આવેલી સત્તા પર વૈચારિક પડકાર ઊભો કર્યો તેમજ આકરાં વાગ્બાણો થકી વ્યવસ્થિત પ્રહાર કર્યો.

એક તરફ પોપ અને અન્ય ધર્મગુરુઓ અને બીજી તરફ રાજાઓ અને ઉમરાવો વચ્ચે ચાલતી સત્તાની હિંસક સાઠમારી તેમણે બેનકાબ કરી. તેમણે આરોપ મૂક્યો કે બંને સમૂહો ભ્રષ્ટ અને નર્યા સ્વાર્થી છે અને જનસમાજની કોઈ દરકાર કરતા નથી. આ સ્થિતિ લોકમાનસમાં અનેક પ્રશ્નો પેદા કરતી : શું પોપ રાજાઓથી પણ ઉપરવટનો ભગવાન છે ? કોઈ પણ પ્રજાકીય અને નાગરિક સરકાર પાપી પાદરી કે ધર્મગુરુઓને સજા કરી શકે ? સરકાર ચર્ચ પર કરવેરા લાદી શકે ? યા ચર્ચ સરકારના સમર્થનની માંગ કરી શકે ? ચર્ચના વડાઓ કે સરકારના શાસકો ઇચ્છે ત્યારે અને તેવા કાયદા ઘડી શકે ? આવા કાયદા વાજબી હોવા જોઈએ ખરા ?  આ અને આવા અન્ય પ્રશ્નો વીકલિફે તેમનાં વ્યાખ્યાનો અને ગ્રંથોમાં હાથ ધર્યા. તેમના મતે ચર્ચે દુન્યવી વસ્તુઓ પરની માલિકીના અધિકારનો ત્યાગ કરવો જોઈએ. તેમની સમગ્ર વિચારધારાને એક વાક્યમાં અભિવ્યક્ત કરીએ તો ‘અન્ય પ્રત્યે ઉદારતા દર્શાવીને સાચું શાસન સ્થાપી શકાય’. (‘Dominion is founded in grace’ – ‘ઉદારતામાં સાચું આધિપત્ય છે.’) કહેવાનું તાત્પર્ય એટલું જ કે અન્યાયી શાસક, લોકો સમક્ષ ઈશ્વરના નામે આજ્ઞાધીનતાનો દાવો ન કરી શકે. પાછળથી આ વિચાર તેમણે ધાર્મિક વડા ગણાતા પોપ અને બિશપોના હોદ્દાને લાગુ પાડ્યો. આ કારણથી ચર્ચની અદાલતોની કાર્યવહી દ્વારા તેમને ભીંસમાં લેવામાં આવતા અને પ્રત્યેક સમયે અંગ્રેજ શાહી કુટુંબ તેમને કસૂરવાર ઠેરવતાં બચાવતું હતું.

1371માં તેઓ ઇંગ્લૅન્ડના શાહી કુટુંબના પ્રવક્તા બન્યા. શાહી કુટુંબ તેમના ધાર્મિક સુધારાઓને સમર્થન પૂરું પાડતું હતું. આ સાથે તેઓ બિશપો અને તેમના અનુયાયીઓના ટીકાકાર બની ગયા. પોપ અને બિશપોની આમજનતા પરની સત્તા અર્થહીન, ગુરુતાગ્રંથિ પર આધારિત હોવાનું તેમનું મંતવ્ય હતું. પ્રભુભોજન વખતની રોટલી ને દ્રાક્ષાસવનું ઈશુના દેહ ને લોહીમાં પરિવર્તન (transubstantiation) થતું હોવાના સિદ્ધાંતનો તેમણે અસ્વીકાર કર્યો. ખ્રિસ્તી ધર્મોપદેશકોની ગુરુતાગ્રંથિના દાવાઓ આવા જ પોકળ સિદ્ધાંતો પર આધાર રાખે છે. પાછળનાં તેમનાં લખાણો દ્વારા તેમણે સતત પ્રતિપાદન કર્યું કે ખ્રિસ્તી ધર્મની માન્યતાઓની બૉંબતમાં ચર્ચ નહિ પણ બાઇબલ સર્વોપરી છે.

આ સમય સુધી બાઇબલ માત્ર લૅટિન ભાષામાં ઉપલબ્ધ હતું. આથી બાઇબલને સમજવા માટે ભાવિકો માત્ર ધર્મગુરુઓના ઉપદેશ પર આધાર રાખતા હતા. વીકલિફની નજરે બાઇબલની સમજદારીના પ્રસારમાં તેની લૅટિન ભાષા સામાન્ય ભાવિકો માટે અવરોધરૂપ હતી. ચર્ચની ઇજારાશાહી પણ તેથી ટકી રહી હતી. તેમણે અને તેમના અનુયાયીઓએ આ ઇજારાશાહીના પડકાર રૂપે 1382માં સૌપ્રથમ વાર બાઇબલનો અંગ્રેજી અનુવાદ પ્રગટ કર્યો. 1388માં અંગ્રેજી બાઇબલની સંવર્ધિત આવૃત્તિ પ્રકાશિત થઈ. તેમનો અનુયાયી વર્ગ વિસ્તર્યો અને તેઓ ‘લોલાર્ડ્ઝ’ (Lollards) તરીકે ઓળખાયા. લોલાર્ડ્ઝ એ સમયે ચર્ચવિરોધીઓ તરીકે ઓળખાવા લાગ્યા. તેમની પર સખ્તાઈપૂર્વક ચર્ચે કાનૂની કાર્યવહી કરી. તેમના સુધારક વિચારોથી ગરીબોની વધુ સારા જીવનની માંગને પ્રોત્સાહન મળી રહ્યું હતું.

આમ વીકલિફનાં લખાણો ભારે પ્રભાવકારી રહ્યા. બોહેમિયાના જ્હૉન હસ જેવા ઘણા સુધારાવાદીઓ તેમની અસર નીચે હતા. તેઓ વીકલિફને મહાન ઇંગ્લિશ સુધારક તરીકે બિરદાવતા. આ અર્થમાં ભાવિના ગર્ભમાં આકાર લેનાર ધર્મસુધારણાની ચળવળના તેઓ પુરોગામી હતા.

ઉપર્યુક્ત વલણોને લીધે તેમને ધર્મગુરુ તરીકે નિવૃત્ત થવાની ફરજ પાડવામાં આવી. આથી નિવૃત્તિ લઈ તેમણે જીવનના અંત સુધી અવિરત લખ્યાં કર્યું. ધર્મનાં ઔપચારિક ધોરણો કરતાં વ્યક્તિની અંતરની ધાર્મિક ભાવનાઓ પર તેઓ ભાર મૂકતા હતા. તેમના વિચારો લોકોમાં ભારે ચાહના અને આવકાર પામ્યા. તેમનાં લખાણોનો સમગ્ર ઇંગ્લૅન્ડ પર વ્યાપક પ્રભાવ પેદા થયો, જે સમય જતાં યુરોપભરમાં વિસ્તર્યો. ચર્ચ અને પાદરીઓની મધ્યયુગીન દુષ્ટતા વિરુદ્ધ લગભગ એકલે હાથે તેઓ સંઘર્ષ ખેલતા રહ્યા અને ધર્મસુધારણાને ઉત્તેજન આપતા રહ્યા.

રક્ષા મ. વ્યાસ