વીક્સ, એવરટન (. 26 ફેબ્રુઆરી 1925, બ્રિજટાઉન, બાર્બાડૉસ) : વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટ-ખેલાડી. તેઓ છટાદાર ફટકાબાજ હતા અને એ રીતે અનેક ટીમના ગોલંદાજી-આક્રમણને તેઓ વેરવિખેર કરી મૂકતા. ભારત સામેની ટેસ્ટશ્રેણીમાં તેમણે 2 વખત 100 ઉપરાંતની સરેરાશ નોંધાવી હતી : 1948-49માં 111.28ની સરેરાશથી 779 રન અને 1953માં 102.28ની સરેરાશથી 716 રન. 1948માં ઇંગ્લૅન્ડ સામે નોંધાવેલી સદી તેમજ 1948-49માં ભારત સામે એ જ શ્રેણીમાં નોંધાવેલી 4 સદીઓને પરિણામે, ટેસ્ટ-મૅચોના ઉત્તરોત્તર દાવમાં 5 સદી તેઓ પૂરી કરી શક્યા. આ એક અનન્ય સિદ્ધિ હતી. ત્યાર પછીના તેમના 2 દાવમાં તેમણે 90 અને 56 રન ઉમેર્યા. 1950માં ઇંગ્લૅન્ડમાં 4 ટેસ્ટમાં 56.33ની સરેરાશથી 338 રન ઉમેર્યા અને 79.65ની સરેરાશથી 2,310 રનથી પ્રવાસની સરેરાશમાં અગ્રેસર રહ્યા. એમાં 5 બેવડી સદી હતી.

તેઓ બાર્બાડૉસ વતી રમતા હતા અને ઘણાં વર્ષો સુધી તેનું કપ્તાનપદ સંભાળ્યું. ઇંગ્લૅન્ડમાં પણ તેઓ લીગ ક્રિકેટમાં અત્યંત લોકપ્રિય અને સફળ ખેલાડી બની રહ્યા. તેઓ ચપળ ફિલ્ડર હતા અને લેગ-બ્રેક ગોલંદાજી કરતા હતા. તેમને ‘ઑર્ડર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર’નો ખિતાબ અપાયો હતો. પાછળથી તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાના બ્રિજ ખેલાડી બની રહ્યા.

તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે :

(1) 1948-58 : 48 ટેસ્ટ; 58.61ની સરેરાશથી 4,455 રન; 15 સદી; સૌથી વધુ જુમલો 207; 1 વિકેટ; 49 કૅચ.

(2) 1945-64 : પ્રથમ કક્ષાની મૅચ; 55.34ની સરેરાશથી 12,010 રન; 36 સદી; સૌથી વધુ જુમલો 304 (અણનમ); 43.00ની સરેરાશથી 17 વિકેટ; સૌથી ઉત્તમ ગોલંદાજી 438; 125 કૅચ; 1 સ્ટમ્પિંગ.

મહેશ ચોકસી