વિદેશનીતિ

વિશ્વમાં રાજકીય ક્ષેત્રે કાનૂની રીતે સ્વતંત્ર અને સાર્વભૌમ એવાં  અનેક રાજ્યો નજરે પડે છે જે વધતા ઓછા પ્રમાણમાં રાષ્ટ્રરાજ્યો છે. આ રાજ્યોને કર્તા કે અદાકાર (actors) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કર્તાઓના વર્તનનો આંતરરાષ્ટ્રીય રાજકારણ પર પ્રભાવ પડે છે. રાજ્ય સિવાય બીજા બિનરાજ્યકર્તાઓ પણ હોઈ શકે અને તેમના વર્તનનો પણ આંતરરાષ્ટ્રીય રાજકારણ પર પ્રભાવ પડે છે; દા. ત., પેલેસ્ટાઇન મુક્તિ સંગઠન (PLO), જેણે કદાચ મધ્યપૂર્વના રાજકારણ પર સૌથી વધુ પ્રભાવ પાડ્યો છે.

રાજ્યો એ મુખ્ય કર્તાઓ છે. એક રાજ્ય, બીજા રાજ્યના સંબંધમાં વિદેશનીતિ ઘડે છે. વિદેશનીતિનો હેતુ જે તે રાજ્યના રાષ્ટ્રીય હિતને જાળવવાનો અને વધારવાનો હોય છે. ભારતે વિશ્વશાંતિને પણ વિદેશનીતિનું એક ધ્યેય ગણ્યું, કારણ કે વિશ્વશાંતિ હોય તો જ રાષ્ટ્રીય હિત જળવાઈ શકે અને રાષ્ટ્રનો વિકાસ થઈ શકે. સંપૂર્ણ પરમાર્થી વિદેશનીતિ બની નથી કે બનશે નહિ. વધુમાં વધુ વિદેશનીતિ અમુક પ્રમાણમાં વિશ્વહિતને લક્ષમાં રાખી શકે. વિશ્વમાં અનેક રાજ્યો છે, પણ તે એકબીજાંથી અલગ રીતે અસ્તિત્વ ધરાવતાં નથી. તે દરેક એકબીજાંના સંદર્ભમાં વિદેશનીતિ ઘડે છે. દરેક દેશની વિદેશનીતિનાં કેટલાંક સામાન્ય (common) ધ્યેયો હોય છે; દા. ત., રાષ્ટ્રીય સલામતીની જાળવણી, વિશ્વના પ્રશ્નો અંગે સ્વાયત્તતાથી નિર્ણયો લેવા, દેશના લોકોનું કલ્યાણ, રાષ્ટ્રની પ્રતિષ્ઠા વધારવી વગેરે. રાજ્યો વચ્ચેના સંબંધોનું હાર્દ છે – વિદેશનીતિ, રાજ્યો એકબીજાંની સાથે યુદ્ધ કરે, સંધિ કરે, જોડાણો કરે, આર્થિક સંબંધો બાંધે (આર્થિક વિદેશનીતિ), એલચી કચેરીઓ ખોલે અને એલચીઓ નીમે, મૈત્રીના સંદેશા કે વિરોધ યાદીઓ મોકલે, નવી વિશ્વ વ્યવસ્થાની રૂપરેખાઓ આપે – આ બધું જ વિદેશનીતિમાં આવે છે.

દરેક દેશની વિદેશનીતિ આંતરિક અને બાહ્ય સંદર્ભને લક્ષમાં રાખીને ઘડાય છે. દેશની રાજકીય અને આર્થિક જરૂરિયાતો અને હકીકતો અને દેશનાં મૂલ્યો એ તેનો આંતરિક સંદર્ભ છે. જે વિદેશ-નીતિના ઘડતરમાં અગત્યનો ભાગ ભજવે છે. બાહ્ય સંદર્ભમાં દેશના પાડોશીઓ, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સત્તાનાં સમીકરણો આવે છે. આ સંદર્ભો બદલાય તો વિદેશનીતિ બદલાય છે; દા. ત., દ્વિધ્રુવી, અને શીતયુદ્ધના આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં બિનજોડાણની નીતિ પ્રસ્તુત હતી. શીતયુદ્ધના અંત પછીના અને એકધ્રુવી વ્યવસ્થાના સમયમાં બિનજોડાણની નીતિની પ્રસ્તુતતા શંકાસ્પદ બની છે. વિદેશનીતિના ઘડતરમાં આંતરિક અને બાહ્ય બંને સંદર્ભો મહત્વના છે, જોકે વિદ્વાનો પોતપોતાની ધારણા અનુસાર બેમાંથી એકને વધુ કે સંપૂર્ણ પ્રભુત્વ આપવા પ્રેરાય છે.

સામાન્ય રીતે વિદેશનીતિ એ કોઈ વ્યક્તિની કે કોઈ પક્ષની નહિ, પરંતુ સમગ્ર દેશની હોય છે. તેના ઘડતરમાં અગ્રણી રાજપુરુષોના વ્યક્તિત્વ અને વિચારોની અસર પડે છે. બિનજોડાણની વિદેશનીતિ અને જવાહરલાલ નહેરુ એકબીજાના પર્યાયરૂપ બન્યા હતા; પરંતુ જવાહરલાલ નહેરુ પછી પણ ભારતની બિનજોડાણની નીતિ ચાલુ રહી હતી, પછી ભલે તેના અમલ અને ઝોકમાં સમયાનુસાર પરિવર્તનો આવ્યાં હોય. વિદેશનીતિનું એક મહત્વનું લક્ષણ તેનું સાતત્ય છે. અમેરિકાએ સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) સુધી અલગતાવાદી વિદેશનીતિ અપનાવી હતી. એ જ રીતે બીજા વિશ્વયુદ્ધ(1939-45)ના અંત પછીથી શીત યુદ્ધના અંત સુધી સોવિયેત સંઘના પ્રભાવને રોકવા તેની સામે રુકાવટની નીતિ તેણે અપનાવી હતી. ઇંગ્લૅન્ડે યુરોપના રાજકારણમાં સમતોલક (balancer) તરીકે વર્તવાની વિદેશનીતિ વર્ષો સુધી અપનાવી હતી. દેશોની વિદેશનીતિમાં ઘણે ભાગે સાતત્ય નજરે પડે છે, કારણ જે-તે દેશની ભૂગોળ (અપવાદો બાદ કરીએ તો) લાંબા સમય સુધી બદલાતી નથી. દેશનાં આદર્શો, મૂલ્યો, તેનાં હિતો અને રાજકીય પ્રણાલીઓ પણ દેશની વિદેશનીતિને સાતત્ય અર્પે છે; પરંતુ દેશની કે રાજ્યની પોતાની નીતિ, બીજા દેશોની નીતિ, ટૅક્નૉલૉજીનો તેમજ દેશની રાષ્ટ્રીય સત્તાનો વિકાસ અને નેતૃત્વ-પરિવર્તન જેવાં કારણોથી વિદેશનીતિમાં પરિવર્તન આવે છે. દેશની વિદેશનીતિના ઘડતરમાં ભૂગોળનું મહત્વ ઘણું હોવા છતાં તે પરિવર્તનમાં અવરોધક પરિબળ જ બને એવું જરૂરી નથી.

દેશની વિદેશનીતિ એ તેની આંતરિક નીતિ (domestic policy) સાથે અમુક અંશે સામ્ય ધરાવે છે અને તેનાથી અલગ પણ પડે છે. દેશની આંતરિક નીતિ અને વિદેશનીતિ – બંને દેશના હિતને લક્ષમાં લઈને ઘડાય છે. બંનેના ઘડતરમાં અનેક પરિબળો કામ કરે છે; જેમ કે, રાષ્ટ્રીય હિત, પક્ષીય હિતો, દાબજૂથો, પ્રજામત વગેરે; પરંતુ વિદેશનીતિના ઘડતરમાં ઘણાં વધુ જૂથો કામ કરે છે. બીજા દેશોની સરકારો ઉપરાંત તે દેશોનાં હિતજૂથો પણ કોઈ અન્ય દેશની વિદેશનીતિના ઘડતરમાં ભાગ ભજવે છે; જેમ કે, આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF) અને વિશ્વબૅંક (IBRD – W.B.) જે તે દેશની વિદેશનીતિ(અને આંતરિક નીતિ)ના ઘડતરમાં ભાગ ભજવે છે. દેશના આંતરિક અને બાહ્ય – બંને સંદર્ભમાં નિર્ણય લેવા માટે સરકાર કાનૂની રીતે સાર્વભૌમ છે; પણ વ્યવહારમાં તે પોતાની બેલગામ ઇચ્છા મુજબ નિર્ણયો લઈ કામ કરી શકતી નથી. દેશની રાજકીય પ્રથા જો લોકશાહી હોય તો સંબંધિત દેશની વિદેશનીતિના ઘડતરમાં તે દેશનો પ્રજામત અને હિતજૂથો ઉપરાંત વિશ્વ પ્રજામત અને વિવિધ વૈશ્વિક જૂથોને કામ કરવાની મોકળાશ વધુ હોય છે. જોકે લોકશાહી દેશોમાં ચૂંટણી અને પ્રજામતને સરકાર લક્ષમાં લે તે જરૂરી હોય છે. આવી સરકારોને વિદેશી દબાણોને વશ થવાની તાતી જરૂરિયાત હોતી નથી (પછી ભલે રાષ્ટ્રીય હિતને લક્ષમાં રાખીને સરકાર વ્યવહારમાં વિદેશી દબાણોને વશ થાય). ઘણી વાર તો દેશની પ્રજા અમુક નિર્ણયો મંજૂર કરશે નહિ એવું બહાનું આગળ ધરીને સરકાર વિદેશનીતિમાં નિર્ણયો લેવાનું ટાળે છે. સરમુખત્યારશાહી સરકારો વિદેશનીતિમાં નિર્ણયો લેવામાં લોકશાહીની તુલનાએ પ્રમાણમાં ઓછા અવરોધો અનુભવે છે.

વિદેશનીતિ અને દેશની આંતરિક નીતિ એકબીજી સાથે ગાઢ રીતે સંકળાયેલી હોય છે. ઘણી વાર તો દેશની વિદેશનીતિ તેની આંતરિક નીતિના વિસ્તૃતીકરણ (extension) સમાન જ લાગે છે. વિકાસશીલ દેશોની શાંતિ અને આર્થિક વિકાસની ઇચ્છા જ તેમને બીજા વિશ્વયુદ્ધ(1939-45)ના અંત પછીના સમયમાં બિનજોડાણની નીતિ અપનાવવાની દિશામાં લઈ ગઈ. આનાથી બીજી રીતે જોઈએ તો શીત યુદ્ધના અંત પછીના સમયમાં ભારતે અપનાવેલી નવી આર્થિક નીતિ આંતરિક સંજોગોના દબાણ ઉપરાંત એકધ્રુવી વિશ્વના અમેરિકન નેતૃત્વવાળા પ્રભાવને વ્યક્ત કરે છે.

દેશની વિદેશનીતિ ‘જૈસે થે’(status quo)ની હિમાયત કરનારી સામ્રાજ્યવાદી કે પ્રતિષ્ઠા સંપાદન (policy of prestige) કરવાની ઇચ્છાવાળી હોઈ શકે; પરંતુ શીત યુદ્ધના અંત પછી સોવિયેત સંઘના વિઘટન (1991) પછી રશિયાએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સંકોચનની નીતિ (policy of retrenchment) અપનાવી હતી.

દેશની વિદેશનીતિ અને રાષ્ટ્રીય સત્તા વચ્ચેના દેશનાં હિતોનું પ્રમાણ જળવાય એ વિદેશનીતિની સફળતા માટે મહત્વનું છે. શ્રીલંકા જેવા દેશો વિશ્વવિજેતા બનીને સામ્રાજ્ય સ્થાપવાની ઇચ્છા રાખે તો તેનો કરુણ રકાસ થાય. અમેરિકા જેવી વિશ્વસત્તા ખૂંખારો ન કરે તો નમાલામાં ગણાઈ જશે. પ્રમુખ કાર્ટરના સમયમાં ઈરાનના કટ્ટરપંથીઓએ અમેરિકન એલચી કચેરીનો કબજો લીધો અને પ્રમુખ કાર્ટરનું તેમને છોડાવવાનું અસામર્થ્ય કાર્ટરની ચૂંટણીમાં તેમની હારના કારણરૂપ હતાં. પરંતુ આજનું વિશ્વ પરસ્પરાવલંબી છે અને ગમે તેટલી સમર્થ વ્યક્તિ પણ એકલે હાથે વિશ્વસંચાલન ન કરી શકે. ક્યૂબા અને અલ્બેનિયા તેનાં ઉદાહરણો છે. રાજકીય દૂરદર્શિતા (political prudence) વિદેશનીતિની સફળતા માટે સૌથી મહત્વનું પરિબળ છે.

કોઈ પણ દેશની વિદેશનીતિ ભાગ્યે જ આદર્શ વિદેશનીતિ બની શકે. તેના ઘડતર માટે જરૂરી માહિતી અને વિકલ્પોનું સંપૂર્ણ જ્ઞાન નિર્ણયકર્તા પાસે હોતાં નથી. વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓ, અમુક પ્રકારનો નિર્ણય લેવડાવવા માટે સરકારની અંદરનાં અને બહારનાં વિવિધ હિતજૂથોનો સંઘર્ષ, વિદેશી દબાણો, ચોક્કસ સંજોગો, સાધનોની મર્યાદા, નેતાઓમાં નિર્ણયશક્તિનો અભાવ વગેરે આદર્શ વિદેશનીતિના સર્જનમાં આડે આવે છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશના સર્જનમાં ભજવેલી ભૂમિકા (પાકિસ્તાનના પ્રશ્નના સંદર્ભમાં) તે સમયે જેટલી પ્રશંસાપાત્ર બની હતી એટલી કદાચ પાછળથી રહી ન હતી.

રાજકીય દૂરદર્શિતા ઉપરાંત વિદેશનીતિના ઘડતરમાં વધુ એક બાબતની અપેક્ષા રાખી શકાય અને તે પરિબળ છે પ્રબુદ્ધ સ્વાર્થ (enlightened self-interest). કોઈ પણ દેશની વિદેશનીતિ માત્ર વધુ સારું વિશ્વ સર્જવાનું ધ્યેય ન રાખી શકે. યુનોને સફળ બનાવવાના હેતુથી જવાહરલાલ નહેરુએ અપનાવેલી કાશ્મીરનીતિ આજે પણ ટીકાને પાત્ર બની છે. ગૉર્બાચૉવની પેરેસ્ટ્રૉઇકાની નીતિ અને શીત યુદ્ધના અંત માટે એકપક્ષી છૂટછાટો આપવાની નીતિના પ્રશંસકો આજે શોધવા પડે છે. આ ઉપરાંત આ નીતિઓથી વિશ્વહિત કેટલા પ્રમાણમાં સંતોષાયું છે એ તો વિવાદનો મુદ્દો રહે છે જ. વિદેશનીતિને સફળ ગણવા માટે આજે બીજા દેશો તેને સ્વીકૃતિ (legitimacy) આપે એ વાત પણ મહત્વની બને છે.

દેશની વિદેશનીતિને ઉદાર અને આંતરરાષ્ટ્રીય શાંતિના સર્જનમાં ઉપયોગી બનાવવા માટે, લોકોને વિદેશનીતિના ઘડતરમાં સામેલ કરો એવો લોકલક્ષી કે લોકશાહીય મુત્સદ્દીગીરી(Popular Diplomacy અને Democratic Diplomacy)નો ખ્યાલ વીસમી સદીમાં વિકસ્યો; પરંતુ યુદ્ધો માટે રાજાઓ અને આપખુદશાહી સરકારો જ જવાબદાર છે એમ કહેવું મુશ્કેલ છે; આમ છતાં આજે આંતરરાષ્ટ્રીય રાજકારણના અભ્યાસીઓ એમ માને છે કે લોકશાહી દેશો પરસ્પર યુદ્ધ કરતા નથી. ઇમેન્યુઅલ કાન્ટ પુરસ્કૃત આ વિચારને સ્વીકારવા માટે અત્યારે પૂરતા પુરાવા નથી. જો યુરોપના લોકશાહી દેશો આજે એકબીજા સાથે યુદ્ધ કરતા નથી તો અગ્નિ એશિયાના, ઓછાવત્તા પ્રમાણમાં આપખુદશાહી સરકારો ધરાવનાર દેશો પણ આજે એકબીજા સાથે યુદ્ધ કરતા નથી. રાજ્યો વચ્ચે વેપાર વધારવાની આર્થિક વિદેશનીતિ વિશ્વશાંતિ લાવશે એવી પરિકલ્પના પણ પુરવાર થઈ નથી.

અનુભવે એટલું બતાવ્યું છે કે જે દેશો માને છે કે વિશ્વમાં ઈશ્વરે એમને માટે ચોક્કસ ભૂમિકા – વિશેષે વિશ્વને સુસંસ્કૃત બનાવવાની ભૂમિકા નક્કી કરી છે, યા ‘મિશન’(mission)માં માને છે, યા પોતે અપવાદરૂપ પ્રજા છે તેમ માને છે તેઓ પોતાની વિદેશનીતિઓ દ્વારા વિશ્વને માટે પ્રશ્નો ઊભા કરતા હોય છે.

જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અસરકારક વૈશ્વિક સરકારનું સર્જન ન થાય ત્યાં સુધી, તેમજ સાર્વભૌમત્વ ધરાવતા અનેક પ્રકારનાં રાજ્યો અસ્તિત્વમાં છે ત્યાં સુધી રાજ્યોની વિદેશનીતિ અભ્યાસમાં અને વ્યવહારમાં મહત્વની રહેશે. વિદેશનીતિ રાષ્ટ્રીય હિતોને જાળવવા અને વધારવા માટેની વ્યૂહરચના છે; પણ તે એક વ્યૂહરચના માત્ર જ છે, ધ્યેય નથી. દેશનું હિત સાચવવામાં નિષ્ફળ જનાર કોઈ પણ વિદેશનીતિ બદલાઈ શકે અને બદલાવી જોઈએ. વિદેશનીતિ અને રાષ્ટ્રીય હિત એ પર્યાયવાચી શબ્દો નથી. 1962ના ચીનના આક્રમણ-સમયે જવાહરલાલ નહેરુએ જાહેર કર્યું હતું કે જો પંચશીલ કે બિનજોડાણવાદની નીતિ નિષ્ફળ ગયેલી લાગે તો તેને બદલવામાં આવશે.

વિદેશનીતિ જો રાષ્ટ્રીય હિતના સંપાદન માટેની વ્યૂહરચના છે તો તેનો અમલ અનેક સાધનો કે તકનીકો દ્વારા કરાય છે. યુદ્ધ એ વિદેશનીતિના અમલ માટેનું છેલ્લું સાધન છે. જો નેતાઓ તાર્કિક રીતે વિચારતા હોય તો યુદ્ધથી થતા ખર્ચ અને લાભને વિચાર કરીને જ તેનો આશરો લઈ શકાય. આજે વિદેશનીતિના અમલ માટે આર્થિક સાધનોનો ઉપયોગ વધુ કરવામાં આવે છે. રાષ્ટ્રો યુદ્ધને બદલે આર્થિક સાધનો, ખાસ કરીને આર્થિક સહકારનાં સાધનોનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય હિત સાધવાનો પ્રયત્ન કરે તો એમ સમજવું કે રાજ્યો વચ્ચે ‘કુદરતી અવસ્થા’(State of Nature)ની પરિસ્થિતિ રહી નથી અને તેઓમાં એક આંતરરાષ્ટ્રીય સમુદાય (International Community)નું સર્જન થયું છે.

વિદેશનીતિની સફળતા માટે પ્રચાર પણ મહત્વનું સાધન છે, પરંતુ તેના અમલમાં જે સાધનનો લગભગ રોજિંદો ઉપયોગ થાય છે તે છે મુત્સદ્દીગીરી (diplomacy). જો વિદેશનીતિ એ રાજ્યો વચ્ચેના સંબંધોનું હાર્દ છે તો મુત્સદ્દીગીરી એ સંબંધોને અસર કરનાર સૌથી મહત્વનું સાધન છે. જોકે આજના ઝડપી સંવહનના યુગમાં મુત્સદ્દીઓનું મહત્વ ઘટ્યું છે, પરંતુ ભૂતકાળની તુલનામાં તે નામશેષ થયું નથી. વળી ‘વિદેશનીતિ’ એ નૈતિક રીતે તટસ્થ(neutral) શબ્દ છે; જ્યારે મુત્સદ્દીગીરીમાં અને મુત્સદ્દીઓમાં ગુણો(અને ખાસ કરીને અવગુણો)નું આરોપણ થાય છે. સ્ટાલિને એક વાર કહેલું કે જો ઇસ્ત્રી લાકડાની હોઈ શકે, જો પાણી ભેજ વગરનું હોઈ શકે તો પ્રામાણિક મુત્સદ્દીગીરી (honest diplomacy) શક્ય હોઈ શકે. દરેક દેશ અન્ય દેશ સાથેના સંબંધોનું સંચાલન એ દેશોમાં એલચી-કચેરી અને કૉન્સ્યુલેટ ખોલીને તેના અધિકારીઓ દ્વારા કરે છે. કોઈ પણ બીજા દેશ સાથેના સંબંધમાં વિદેશનીતિમાં કયાં સાધનનો ઉપયોગ કરશે તેનો આધાર એ બે દેશો વચ્ચેના સંબંધની વર્તમાન સ્થિતિ, તે દેશના નેતાઓ, તે દેશની રાજકીય સંસ્કૃતિ, તે સમયની જરૂરિયાત અને આંતરિક દબાણો પણ નિર્ભર રહેશે. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ પાકિસ્તાન સાથે ‘આરપાર’ના યુદ્ધની વાત કરેલી તે, સમયના આંતરિક દબાણ પર આધારિત હતી તો આજે ભારત-પાકિસ્તાન સંબંધોમાં સુધાર – એ બે દેશની પ્રજાની ઇચ્છાને આભારી છે એમ કહેવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય રાજકારણ એ જુદા જુદા દેશોની વિદેશનીતિનો સરવાળો નથી. બે દેશોના સંબંધો અને તેમની વિદેશનીતિઓ નક્કી કરવામાં એ બે જ દેશો કામ કરતા નથી. પ્રદેશના અને વિશ્વના અનેક કર્તાઓ તેને નક્કી કરવામાં ભાગ ભજવે છે. આમ આંતરરાષ્ટ્રીય રાજકારણ અનેક રાજ્યોની વિદેશનીતિઓની આંતરક્રિયામાંથી સર્જાય છે.

ભારતે આઝાદી પછી બિનજોડાણની વિદેશનીતિ અપનાવી. બિનજોડાણની નીતિ અને બિનજોડાણ ચળવળમાં ભેદ છે. ભારતે બિનજોડાણની નીતિનો ખ્યાલ 1946થી કરેલો છે, જ્યારે બિનજોડાણની ચળવળના શ્રીગણેશ 1916માં બેલગ્રૅડ ખાતેની તેની પહેલી પરિષદથી થયા. બિનજોડાણની નીતિ એ યુદ્ધસમયની ન હતી પણ શીતયુદ્ધ સાથે તેને સંબંધ જરૂર છે. બિનજોડાણની નીતિ એટલે શીતયુદ્ધના સંદર્ભમાં થયેલાં જોડાણો, જેવાં કે નાટો (NATO) અને વૉરસો સંગઠન(WTO)ના સભ્ય ન થવું. (શીતયુદ્ધના સંદર્ભમાં રચાયાં ન હોય તેવાં જોડાણોમાં તે સભ્ય બની શકે છે.) બિનજોડાણની નીતિ એ તટસ્થતાની નીતિ નથી, જેનો અર્થ થાય છે યુદ્ધ ચાલુ હોય ત્યારે યુદ્ધ કરતા બે પક્ષમાંથી એકેય પક્ષમાં ન જોડાવું. બિનજોડાણની નીતિ અલગતાની નીતિ નથી, જેમાં દેશ વિશ્વ કે કોઈ એક ચોક્કસ ખંડ જોડે રાજકીય સંબંધો ન રાખવાનું નક્કી કરે છે. દા.ત., સ્વતંત્રતા પછીની અમેરિકાની વિદેશનીતિ. બિનજોડાણ એ મૌનવાળી નીતિ નથી, જેમાં કોઈ રાજ્ય વિશ્વરાજકારણમાં બનતી ઘટનાઓ અંગે અભિપ્રાય જ વ્યક્ત ન કરે. બિનજોડાણની નીતિ બે હરીફોની બરોબર વચ્ચે રહેવાની નીતિ નથી. બિનજોડાણવાદી દેશ અમુક સમયે કોઈ એક હરીફની વધુ નજીક જઈ શકે છે.

ભારતે બિનજોડાણની નીતિ વૈશ્વિક (શીતયુદ્ધના) સંદર્ભમાં અપનાવી, પણ તે તેને પાકિસ્તાન અને ચીનના સંદર્ભમાં પણ ઉપયોગી નીવડી હતી. શીતયુદ્ધના અંતથી આ સંદર્ભ બદલાયો છે. ભારતના અમેરિકા અને રશિયા સાથેના સંબંધો હવે કેવા રહેશે ? શીતયુદ્ધના અંત પછી યુનો અને કૉમનવેલ્થની ભૂમિકા કઈ અને ભારત આ સંસ્થાઓની પ્રવૃત્તિમાં કઈ રીતે પ્રદાન કરી શકે ?

દક્ષિણ એશિયાની એક વિશિષ્ટ ભૂરાજકીય પરિસ્થિતિ છે. ભારત દક્ષિણ એશિયાના ઉપખંડના દરેક રાજ્ય કરતાં વ્યક્તિગત રીતે અને સંયુક્ત રીતે શક્તિશાળી છે. આવા સંદર્ભમાં તેમની વચ્ચે એક કુદરતી વૈમનસ્ય, શંકા અને વહેમ રહે છે. જેનો લાભ અમેરિકા, ચીન અને રશિયાએ ભારતની વિરુદ્ધમાં કે તરફેણમાં ભૂમિકા ભજવીને લીધો છે; આજે જ્યારે અમેરિકા અને રશિયા વચ્ચે શીતયુદ્ધ નથી, રશિયા અને ચીન વચ્ચે તણાવ, શૈથિલ્યની પરિસ્થિતિ પ્રવર્તે છે, ત્યારે ભારતના નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાન સાથેના સંબંધો સુધરશે કે યથાવત્ રહેશે એ પ્રશ્ન થાય. જો આ સંબંધો શીતયુદ્ધ અને વૈશ્વિક સત્તાઓની ભૂમિકાથી બગડ્યા હોય તો ઉપખંડની પરિસ્થિતિ બહેતર બને, પણ જો ભારતના પાડોશી દેશો સાથેના સંબંધોને પોતાનો જ તર્ક હોય તો પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર થાય કે કેમ એ ચર્ચાનો મુદ્દો બને છે.

ભારત અને બ્રિટિશ કૉમનવેલ્થ : ભારત અને કૉમનવેલ્થનો સંબંધ 1902થી છે, જ્યારે ભારતીય કચેરી(India office)ના અધિકારીને ભારત અંગેની માહિતી માટે પૂછપરછ કરવામાં આવતી. 1907માં ભાગીદારી બંધ થઈ, પણ 1917માં સામ્રાજ્યના વિવિધ ભાગો જે સ્વાયત્ત વિસ્તારો (dominions) હતા તેની જોડે સમાનતાને ધોરણે ભારતને આ દરજ્જો પ્રથમ વિશ્વયુદ્ધમાં તેણે આપેલા પ્રદાનને ધોરણે આપવામાં આવ્યો. (જોકે આમ તો ભારતને આંતરિક સ્વાયત્તતા ન હતી.) વિદેશ સંબંધો અને વિદેશનીતિમાં ભારતને અસરકારક રીતે અવાજ રજૂ કરવા દેવાનો તેનો ઇરાદો હતો. ભારતને પૅરિસની શાંતિ પરિષદમાં ભાગ લેવાનો અને રાષ્ટ્રસંઘના સભ્યપદનો પણ આથી લાભ મળ્યો. સંસ્થાન તરીકેનો દરજ્જો અને કૉમનવેલ્થનું સભ્યપદ એ બે તાર્કિક રીતે અસંગત લાગતી વસ્તુઓ હકીકત બની. કૉમનવેલ્થનું સભ્યપદ જાળવી રાખવાનો નિર્ણય એ સ્વતંત્ર ભારતની વિદેશનીતિનો પહેલો મહત્વનો નિર્ણય હતો. 1949માં આ નિર્ણયનો પુનરુચ્ચાર કરવામાં આવ્યો અને તેનો અમલ થયો. એક નવા પ્રકારનું કૉમનવેલ્થ અસ્તિત્વમાં આવ્યું. બિનગોરી પ્રજાનો દેશ બ્રિટિશ કૉમનવેલ્થનો પહેલી વાર સભ્ય બન્યો. 1921માં જેને માટે બ્રિટિશ કૉમનવેલ્થ શબ્દ વપરાયો એ સંગઠન તો એક પ્રકારની ક્લબ હતી. જેના સભ્યો હતા : યુ. કે., ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, કૅનેડા અને સાઉથ આફ્રિકા. (અ) આ ઉપરાંત એક સાર્વભૌમ પ્રજાસત્તાક એ બીજા સ્વાયત્તતા ભોગવનાર અને બ્રિટિશ તાજને રાજ્યના વડા તરીકે માનનાર દેશો સાથે એક સંગઠનનું સભ્ય બને એ પણ સંગઠનની નવીનતા બની. (આ) જોકે પ્રતીક તરીકે જાહેરાતમાં બ્રિટનના રાજાનો કૉમનવેલ્થના વડા તરીકે સ્વીકાર થયો. ભારતના વિશિષ્ટ દરજ્જાનો પણ તેમાં ઉલ્લેખ થયો. જાહેરાતમાં ‘બ્રિટિશ કૉમનવેલ્થ’ શબ્દ હતો પણ નહેરુએ ખાતરી મેળવી કે ભવિષ્યમાં ‘બ્રિટિશ’ શબ્દ વપરાશે નહિ. ભારતે બ્રિટિશ કૉમનવેલ્થમાં જોડાવાનું પસંદ કર્યું તેનાં કેટલાંક કારણો હતાં :

(1) બ્રિટિશ બજાર અને મૂડીનો લાભ લેવો. (2) દેશી રજવાડાં જોડેની મંત્રણાઓ સરળ બનાવવી. (3) બ્રિટિશ લશ્કરી સાધનો પ્રાપ્ત કરવાં અને લશ્કરી દળોને માટે કેળવણીની સુવિધા પ્રાપ્ત કરવી. (4) બ્રિટનના પાકિસ્તાન તરફી વલણ સામે સમતુલન પ્રાપ્ત કરવું. (5) ભારતને વિશ્વના તખ્તા પર પ્રવેશ મળે તે માટેની ભૂમિકા હાંસલ કરવી. (6) સભ્યોને માટે પરસ્પર મદદ અને મસલતના સાધન તરીકે કૉમનવેલ્થનો લાભ ઉઠાવવો.

ભારત કૉમનવેલ્થનું સભ્ય બન્યું તેનું સૌથી મહત્વનું કારણ એ હતું કે જવાહરલાલ નહેરુ અને કૃષ્ણ મેનનને આ સભ્યપદમાં રસ હતો. પ્રો. માનસર્ઘના મત મુજબ નહેરુ વગર ભારત કૉમનવેલ્થમાં ન હોત અને ભારત ન હોત તો એશિયા અને આફ્રિકાનાં બીજાં રાજ્યો પણ આ સંગઠનના સભ્યો બન્યાં ન હોત. એમના સિવાય કૉંગ્રેસમાં પણ કોઈને કૉમનવેલ્થ માટે ખાસ રસ ન હતો. સાથે-સાથે કૉમનવેલ્થના સભ્યપદથી ભારતની સ્વતંત્રતા જોખમમાં મુકાશે એવો ભય અને દક્ષિણ આફ્રિકા જેવા રંગભેદમાં માનતા દેશ સાથે સંકળાવું યોગ્ય નથી એવી લાગણી જેવાં પરિબળો પણ કૉમનવેલ્થના વિરોધ માટે જવાબદાર હતાં. વ્યવહારમાં કૉમનવેલ્થના સભ્યપદથી ભારતની બ્રિટનના સંસ્થાનવાદની ટીકા પણ મોળી હતી. તેવું જ થોડા પ્રમાણમાં નાટોની ટીકાની બાબતમાં બન્યું. બ્રિટનની યુરોપિયન આર્થિક સમુદાયમાં જોડાવાની ઇચ્છા સાથે ભારતનો કૉમનવેલ્થમાં રસ ઘટ્યો. 1961માં ભારતે ગોવામાં લીધેલાં લશ્કરી પગલાંની યુ.કે.એ કરેલી ટીકાએ એ પણ બતાવ્યું કે બ્રિટન કૉમનવેલ્થ કરતાં નાટોને વધુ મહત્વ આપે છે. બ્રિટનના પાકિસ્તાન તરફી વલણે પણ ભારતનો કૉમનવેલ્થમાં રસ ઓછો કર્યો. દક્ષિણ આફ્રિકાની રંગભેદની નીતિ અને તેનું કૉમનવેલ્થમાં સભ્યપદ એ પણ અસુવિધાકારી પરિબળ હતું. 1961માં દક્ષિણ આફ્રિકાને કૉમનવેલ્થમાંથી ખસી જવાની ફરજ પાડી. આ પહેલાં 1956માં સુએઝની કટોકટી એ કૉમનવેલ્થ માટે પણ કટોકટી બની. બ્રિટનમાં વસતા ભારતીયો બ્રિટનમાં તેમના પ્રવેશની નીતિ અને તેમના પ્રત્યેનો ભેદભાવ પણ બ્રિટન અને ભારત વચ્ચે તણાવ પેદા કરનારાં પરિબળો હતાં.

ભારતે કૉમનવેલ્થના કેટલાક લાભો જોયા હતા. તેનું બિનજાતીય (non racial) સ્વરૂપ, બધાંને સમાનતાનો દરજ્જો અને શીતયુદ્ધથી અલગ તેવું માળખું (અમેરિકા અને રશિયા તેના સભ્યો હતા.) પણ ભારતને આકર્ષી ગયાં. આ એક લશ્કરી જોડાણનું સંગઠન ન હતું. પણ ભારત પરના ચીનના આક્રમણ સમયે બ્રિટન અને કેટલાક દેશોએ ભારત તરફ સહાનુભૂતિ વ્યક્ત કરવા અને તેને મદદ કરવા તેના કૉમનવેલ્થના સભ્યપદનો ઉલ્લેખ કર્યો હતો. કૉમનવેલ્થના દેશો એકબીજાના નાગરિકોને નાગરિકતા આપે એવો નહેરુનો વિચાર હતો પણ તે અમલમાં ન આવ્યો. કૉમનવેલ્થની એક ક્ષતિ એ હતી કે ભારતના બ્રિટન જોડેના સંબંધો જ ભારતના કૉમનવેલ્થ જોડેના સંબંધો બની ગયા. નહેરુ જે પ્રકારના આંતરરાષ્ટ્રવાદમાં માનતા હતા તેની સાથે આ વાત ભાગ્યે જ સુસંગત હતી.

નહેરુના મૃત્યુ પછી કૉમનવેલ્થમાં મોટા ફેરફારો થયા. ભારતનો કૉમનવેલ્થ અંગેનો ખ્યાલ આદર્શવાદીને બદલે વાસ્તવવાદી બન્યો. કૉમનવેલ્થ આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંનું એક સંગઠન બન્યું. કૉમનવેલ્થનું મહત્વ શાસ્ત્રી અને શ્રીમતી ગાંધીના સમયમાં ભારતને માટે ઘટ્યું. ભારતની વિદેશનીતિ જે પ્રમાણમાં ઓછી આંતરરાષ્ટ્રવાદી બની તેથી પણ આવું થયું. બ્રિટન દ્વારા પાકિસ્તાનની થતી તરફેણનો દરેક પ્રસંગ, ભારતે કૉમનવેલ્થમાંથી નીકળી જવું જોઈએ એવી માગણીનો પ્રસંગ સંસદના સભ્યો માટે બન્યો. કૉમનવેલ્થને માટે પણ ભારત હવે ઓછું મહત્વનું બન્યું હતું, કારણ આફ્રિકાના બીજા દેશો તેના સભ્ય બન્યા હતા. એટલે આફ્રિકાના પ્રશ્નો કૉમનવેલ્થ પરિષદોમાં ચર્ચાના વિષય બન્યા. કૉમનવેલ્થમાં બ્રિટનનું મહત્વ પણ ઘટ્યું. એક મહાસત્તા તરીકે તેના મહત્વમાં ઘટાડો કૉમનવેલ્થની તુલનામાં બ્રિટનનો યુરોપિયન સમુદાયમાં વધારે રસ, દક્ષિણ આફ્રિકાને અપાયેલો જાકારો (જે બ્રિટનને ખાસ ગમ્યું ન હતું.) એ આને માટે જવાબદાર પરિબળો હતાં. ભારતનું બ્રિટન તરફનું વલણ પણ હવે બદલાયું. કૉમનવેલ્થ અને બ્રિટન હવે એક જ એકમ બનતા હતા. 1965ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં બ્રિટને પાકિસ્તાનને ટેકો આપતાં બ્રિટનને કૉમનવેલ્થમાંથી કાઢવાની માગણી ભારતમાં થઈ. ભારતનો કૉમનવેલ્થ સાથે વેપાર પણ ઘટ્યો. રહોડેશિયાએ આપમેળે જ જાહેર કરેલી સ્વતંત્રતાની વિરુદ્ધ ભારતે આફ્રિકન દેશોને ટેકો આપ્યો. કૉમનવેલ્થનું ધ્યાન પણ આ પછી આર્થિક પ્રશ્નો તરફ વધ્યું. જનતા સરકારના શાસન દરમિયાન કૉમનવેલ્થ રાજકીય નેતાઓને અંગત સંપર્કની તક આપે છે એ વાતનો પણ ઉલ્લેખ થયો. શ્રીમતી ગાંધીના સમય દરમિયાન ભારતે કૉમનવેલ્થના અનેક પ્રોજેક્ટમાં ભાગીદારી કરી.

નહેરુના સમયમાં કૉમનવેલ્થમાં ભારતની ભાગીદારીએ ભારત વિદેશનીતિનું એક મુખ્ય અંગ બની હતી. ત્યારપછીથી પરિસ્થિતિ અનેક કારણોસર બદલાઈ.

હાલનાં વર્ષોમાં કૉમનવેલ્થે સભ્ય દેશોમાં માનવહકોનું જતન અને લોકશાહી ઢબના સંચાલનને મહત્વનાં ગણ્યાં છે. પાકિસ્તાન અને આફ્રિકાના એક દેશ નાઇજિરિયાની સામે શિક્ષાનાં પગલાં (1995) પણ લેવાયાં છે અને તેમને કૉમનવેલ્થની બહાર પણ કઢાયાં છે. શીતયુદ્ધના અંત પછી સામ્યવાદી પદ્ધતિની સ્વીકૃતિ તૂટતાં અને હન્ટીગ્ટને જેને લોકશાહીનો ત્રીજો જુવાળ (third wave) કહ્યો છે તે આવતાં પણ આ શક્ય બન્યું છે. સાર્વભૌમત્વ અને રાજ્યના આંતરિક મામલામાં બિનદખલગીરીના સિદ્ધાંતોનો ભંગ આમાં જરૂર થાય છે, પણ માનવમૂલ્યોનું એમાં જતન થાય છે. ભારત આ બાબતમાં કૉમનવેલ્થની સાથે રહ્યું છે. જોકે આમાં ડર એ રહે છે કે સભ્યોને સંગઠનમાંથી કાઢવામાં આવે કે દાખલ કરવામાં આવે પણ તેમાં રાજકારણ કામ કરી જાય છે; દા. ત., પાકિસ્તાન લોકશાહીને માત્ર પ્રતીકાત્મકરૂપે દાખલ કરે તો એને પુન:પ્રવેશ મળી શકે. અમેરિકા અને પશ્ચિમના દેશો પાકિસ્તાનની ત્રાસવાદ સામેની લડતમાં ઉપયોગિતાને લક્ષમાં રાખીને પણ પાકિસ્તાન તરફી અભિપ્રાય ઊભો કરી શકે. ભારત પણ પાકિસ્તાન સાથે સંબંધ સુધારવા માગતું હોઈને, પાકિસ્તાને સાચા અર્થમાં લોકશાહી સ્થાપિત કરી હોય કે નહિ પણ તેના પુન:પ્રવેશનો વિરોધ ન કરે.

ભારત અને યુનો : 1945માં યુનો (United Nations) કે સંયુક્ત રાષ્ટ્રો કે સંયુક્ત રાષ્ટ્રસંઘ(United Nations Organization)ની રચના થઈ ત્યારથી ભારત (તે સ્વતંત્ર થયું તે પહેલાંથી) તેનું સભ્ય છે. આઝાદી બાદ ભારતે તેની પ્રવૃત્તિઓમાં વધારે રસ લીધો છે. બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો ત્યારે સામ્યવાદી ચીનના અપવાદ સિવાય મોટા ભાગના એશિયા અને આફ્રિકાના દેશો સ્વતંત્ર ન હતા. યુનોના માળખા અને બંધારણનો વિચાર કરવા માટે ડંબારટન ઑક્સ અને સાન ફ્રાન્સિસ્કો ખાતે મળેલી પરિષદમાં ભારતે ભાગ લીધો હતો. બ્રિટનના સામ્રાજ્યનો એક તાબેદાર દેશ (dependency) હોવા છતાં સંયુક્ત રાષ્ટ્રસંઘ માત્ર મહાસત્તાઓનો સંઘ ન બને તે માટે પોતાના વિચારો સ્પષ્ટતાથી ભારતે રજૂ કર્યા હતા. 1950 અને 1960ના દાયકા દરમિયાન કોરિયા, સુએઝ-કટોકટી અને નાણાકીય કટોકટી દરમિયાન ભારતે જે ભૂમિકા ભજવી તેનો હેતુ યુનોને મહાસત્તાઓના સંપૂર્ણ વર્ચસ્ હેઠળ ન આવી જાય એવી બિનપક્ષીય સંસ્થા બનાવવાનો હતો. (જોકે વીટો વગરનું યુનો પશ્ચિમના અંકુશ હેઠળ આવી જશે એવો તેને ભય હતો.)

ભારતે પોતાની આઝાદીથી સંતોષ માનવાને બદલે ત્રીજા વિશ્વનાં બીજાં સંસ્થાનોને આઝાદી અપાવવામાં રસ બતાવ્યો હતો. બંધારણની કલમ 73 અને 73(ઇ)નું વિશાળ અર્થઘટન કરીને અને મહાસભાના વિવિધ ઠરાવો દ્વારા સ્વશાસન ન કરનાર વિસ્તારોના વહીવટ અંગે યુનોનો અંકુશ વધારવા તેણે પ્રયત્ન કર્યો હતો. 1960માં સંસ્થાની-કરણના અંતની જાહેરાત થઈ, જેના અમલ માટે 17 સભ્યોની બનેલી સમિતિના ચૅરમૅન તરીકે ભારતની પસંદગી થઈ. જાતિવાદ વિરુદ્ધ યુનો ખાતે અવાજ ઉઠાવનાર ભારત એ પહેલો દેશ હતો. દક્ષિણ આફ્રિકા સામે વિશ્વ પ્રજામત તૈયાર કરવામાં ભારતે મહત્વનો ભાગ ભજવ્યો. નામિબિયાની સ્વતંત્રતા માટે ભારતે યુનોનો સારા પ્રમાણમાં ઉપયોગ કર્યો હતો. મહાસભામાં ‘એક રાજ્ય એક મત’ (પછી ગમે તેટલો દેશ નાનો હોય)  એવો આગ્રહ ભારતે રાખ્યો હતો. સંસ્થાનવાદના અંતથી મહાસભામાં ત્રીજા વિશ્વના દેશોનો અંકુશ વધ્યો, જે યુનોની સ્થાપનાના સમયથી અલગ પરિસ્થિતિ હતી. હવે યુનોના વધેલા સભ્યપદનું પ્રતિબિંબ સલામતી સમિતિમાં પડે એવી માગણી ઊઠવાની હતી. 1965માં આથી સલામતી સમિતિનું સભ્યપદ 11થી વધારીને 15નું કરવામાં આવ્યું. 1990ના દાયકાના અંતમાં સોવિયેત સંઘનું વિઘટન થયું અને અનેક સ્વતંત્ર રાજ્યોનો ઉમેરો થયો અને સભ્યસંખ્યા 185 સુધી પહોંચી. આમ સ્થાપના-સમયે 51 સભ્યો ધરાવનાર યુનો અને તેની સભ્યસંખ્યા આજે લગભગ ચાર ગણી થઈ છે. જોકે સલામતી સમિતિનું સભ્યપદ વધ્યું નથી, જેનો વિસ્તાર કરવાની માગણી ભારતે કરી છે. તેમાં માત્ર સભ્યસંખ્યાનો વિસ્તાર નહિ, પણ કાયમી સભ્યપદના વિસ્તારની માગણીનો સમાવેશ થાય છે. ભારત કાયમી સભ્યપદનો એક દાવેદાર છે તેમ બીજા દાવેદારો પણ છે; જેમ કે, જર્મની, જાપાન, નાઇજિરિયા, ઇન્ડોનેશિયા, સલામતી સમિતિના પાંચેય કાયમી સભ્યોની સંમતિથી અને યુનોના બંધારણમાં ફેરફાર કરીને જ આ કરી શકાય. આ અંગે સર્વસંમતિ ઊભી કરવાનું સરળ નથી, પરંતુ એકંદરે અમેરિકા અને ચીનની સંમતિ મળે તો ભારતનો સલામતી સમિતિના કાયમી સભ્યપદનો દાવો મજબૂત બનશે. એ ભૂલવું ન જોઈએ કે સામ્યવાદી ચીનના યુનોમાં સભ્યપદનો દાવો 1950ના દાયકામાં ભારતે જ આગળ કર્યો હતો. 1962ના ભારત-ચીન યુદ્ધ પછી પણ ભારતે આ ટેકો ચાલુ રાખ્યો હતો. (જે ઘણાને અયોગ્ય લાગ્યું હતું.)

ભારત સલામતી સમિતિનો સભ્ય દેશ હતો જ નહિ એવું નથી. સલામતી સમિતિના બિનકાયમી સભ્ય તરીકે તેણે કામ કર્યું જ હતું. સલામતી સમિતિને યુનોના બંધારણમાં ‘શાંતિ અને સલામતી’ જાળવવાની પ્રાથમિક જવાબદારી (primary responsibility) સોંપવામાં આવે છે અને તેને આક્રમક સાથે શિક્ષાત્મક (આર્થિક, નાણાકીય અને લશ્કરી) પગલાં લેવાની (enforcement action) સત્તા અપાઈ છે, જ્યારે મહાસભાને તો માત્ર ભલામણો કરવાની સત્તા (recommendatory power) સોંપાઈ છે. પરંતુ શીતયુદ્ધને કારણે સલામતી સમિતિ કામ કરી શકી નથી. નિષેધ અધિકાર(veto)ને કારણે આમ બન્યું છે. સામૂહિક સલામતી(collective security)ની આ નિષ્ફળતાનો વિકલ્પ વિકસાવવા પસાર થયેલ ‘શાંતિ માટે એકત્રિત થવાનો ઠરાવ’ (uniting for peace resolution) મહાસભાને કેટલીક સત્તા સોંપતો હતો, પણ વિવિધ કારણોસર મહાસભા, સલામતી સમિતિની જગ્યા લઈ શકી નથી. ખુદ ભારતે ‘શાંતિ માટે એકત્રિત થાવ’ના ઠરાવને ટેકો આપ્યો ન હતો.

આ સંજોગોમાં ‘શાંતિને જાળવવા માટેનાં પગલાં’(peace keeping operations)ની પ્રવૃત્તિનો ઉદભવ અને વિકાસ થયો. ખતપત્ર(ચાર્ટર)માં સ્પષ્ટ રીતે જોગવાઈ ન હોવાં છતાં તેનાં કાર્યોમાંથી ફલિત થતાં આ પગલાંનો વિકાસ સંયુક્ત રાષ્ટ્રસંઘ એક સફળ સામૂહિક સલામતીની સંસ્થા તરીકે કામ કરે અથવા કામ જ ન કરે એ બે વચ્ચેના વિકલ્પ તરીકે થયો છે.

ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘનો શાંતિ માટે કામ કરતી સંસ્થા તરીકે જ વિચાર કર્યો છે; શિક્ષાત્મક પગલાં લેતી સંસ્થા તરીકે તેનો વિચાર કર્યો નથી. આથી તો તેણે કાશ્મીરનો પ્રશ્ન પણ યુનો સમક્ષ આક્રમણના કેસ તરીકે કે સામૂહિક લશ્કરી પગલાં માટે રજૂ કર્યો ન હતો. આથી શીતયુદ્ધથી યુનોમાં સામૂહિક સલામતીની વ્યવસ્થા વિકસી નહિ એ એને માટે રંજનો વિષય ન હતો.

ગમે તેમ હોય પણ સામૂહિક શિક્ષાનાં પગલાં તો કોરિયાના અપવાદ સિવાય (તે પણ અપવાદરૂપ સંજોગોમાં) શીતયુદ્ધના સમય દરમિયાન અમલમાં આવ્યાં જ નહિ. ઉપરના ઉદાહરણમાં પણ ભારતે કોરિયાના યુદ્ધ પછીના પ્રશ્નોના ઉકેલમાં રચનાત્મક તટસ્થ ભૂમિકા ભજવી.

ભારતે તેના યુનો તરફના અભિગમમાં યુનોને ઝઘડાની શાંતિમય પતાવટના સાધન તરીકે જોયાનું જણાય છે. આ ઉપરાંત પણ બીજાં કેટલાંક તત્ત્વોએ ભારતનો યુનો તરફનો અભિગમ નક્કી કરવામાં ભાગ ભજવ્યો છે.

(1) યુનો પણ લીગની જેમ મહાસત્તાના વર્ચસને રજૂ કરે છે. આ વાસ્તવિકતાને સ્વીકારવા છતાં એ ઇચ્છનીય વસ્તુ નથી. ઇચ્છનીય તો છે મહાસત્તાઓ (સલામતી સમિતિમાં) વિશ્વસમાજના અભિપ્રાયને લક્ષમાં લે તે.

(2) યુનોની સલામતી સમિતિએ સત્તાનાં ભૂતકાળનાં સમીકરણોને વ્યક્ત કરવાનું ટાળી વર્તમાન વાસ્તવિકતાઓને વ્યક્ત કરવી જરૂરી છે. ભારતે આથી સલામતી સમિતિના અને કાયમી સભ્યપદના વિસ્તાર પર ભાર મૂક્યો છે. 1950ના દાયકામાં 11 અને 1965માં 15નું સભ્યપદ ધરાવતી સલામતી સમિતિ એકવીસમી સદીમાં પણ એટલું જ સભ્યપદ ધરાવે એ યોગ્ય નથી, ખાસ કરીને જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્યપદ ચાર ગણું થયું છે ત્યારે.

(3) ભારત આજે પણ ‘સાર્વભૌમ રાજ્ય’ના ખ્યાલને વરેલું છે. આથી સંયુક્ત રાષ્ટ્રસંઘ કે તેની પ્રવૃત્તિઓનો વિસ્તાર રાજ્યના આંતરિક મામલાઓ(domestic jurisdiction)માં હસ્તક્ષેપ કરીને ન થાય એ ઇષ્ટ છે.

(4) યુનોની શાંતિ જાળવવાની પ્રવૃત્તિઓ પણ બધે જ હાથમાં લેવાય તે જરૂરી નથી અને જ્યારે આવી પ્રવૃત્તિઓ હાથમાં લેવાય ત્યારે તટસ્થ દેશો દ્વારા થાય તે ઇષ્ટ છે.

(5) યુનોનો ઉપયોગ હંગેરી કે કાશ્મીર જેવા વિસ્તારોમાં જનમત લેવા ન થાય એ ઇચ્છવા યોગ્ય છે.

(6) યુનોના કાયમી લશ્કરી દળના ખ્યાલનો પણ ભારત વિરોધ કરતું રહ્યું છે.

આમ છતાં ભારત યુનોનું ટેકેદાર રહ્યું છે. આથી તેણે પ્રથમ પેઢીની શાંતિ જાળવવાની પ્રવૃત્તિ ‘First generation peace keeping operations’નું અનુમોદન જ નથી કર્યું પણ તેમાં સક્રિય ભાગ લીધો છે. આ કામગીરી બે દેશો વચ્ચેના ઝઘડામાં, યુદ્ધવિરામ થયા પછી, ઝઘડાના બંને પક્ષકારોની સંમતિથી, ત્રીજા વિશ્વના દેશોના સ્વયંસેવકો કે લશ્કરી દળો (જે હળવાં શસ્ત્રો જ રાખે છે.) દ્વારા બે દેશો વચ્ચે શાંતિ જાળવી રાખવા માટે હાથમાં લેવાય છે. 1980ના દાયકામાં અને ખાસ કરીને શીતયુદ્ધના અંત પછી 1990ના દાયકામાં યુનો દ્વારા બીજી પેઢીની શાંતિ જાળવવાની પ્રવૃત્તિઓ (second generation peace keeping) હાથમાં લેવામાં આવી. બે દેશો વચ્ચેના ઝઘડાઓ કરતાં પણ વધારે દેશની અંદર ચાલતી આંતરવિગ્રહ જેવી પરિસ્થિતિમાં શાંતિ જાળવવાની પ્રવૃત્તિ હાથમાં લેવામાં આવી. અહીં યુદ્ધ ચાલતું હોય એવી પરિસ્થિતિમાં ઝઘડાના બેમાંથી એક પક્ષકારે જ વિનંતી કરી હોય ત્યારે ભારે શસ્ત્રોનો ઉપયોગ કરીને, ઝઘડાના એક કે બંને પક્ષકારોનું નિ:શસ્ત્રીકરણ જરૂર પડે તો તે યુદ્ધ કરીને પણ કરવામાં આવે છે. જરૂર પડે તો મોટું યુદ્ધ કરવાની તૈયારી અહીં જરૂરી બનતી હોવાથી યુનોની પ્રવૃત્તિમાં મહાસત્તા કે મહાસત્તાઓની દરમિયાનગીરી અનિવાર્ય બને છે. ભારત યુનોની આ પ્રવૃત્તિનું હિમાયતી નથી. આવી પ્રવૃત્તિઓની લાંબા ગાળાની સફળતા અંગે ભારતને શંકા છે. જોકે માનવતાવાદી હેતુઓને લક્ષમાં રાખી ભારતે સહકાર આપ્યો છે; જેમ કે, સોમાલિયામાં આવા પ્રસંગોએ ભારતના સૈનિકોની કામગીરી (ખાસ કરીને તેની તટસ્થતા માટે) વખણાઈ છે; પરંતુ ભારત માને છે કે યુનોના નેજા હેઠળ કરાતી પ્રવૃત્તિઓ કોઈ એક કે અમુક રાષ્ટ્રના હિતમાં થાય છે એવી છાપ ઊભી ન થાય એ જરૂરી છે. સલામતી સમિતિની આવી પ્રવૃત્તિઓને આંતરરાષ્ટ્રીય સમાજનો ટેકો જરૂરી છે. બુટ્રાસ ઘાલી કે કોફી અનાનની ‘Preventive diplomacy preceding peace keeping’ની ભારત હિમાયત કરતું નથી. ટૂંકમાં, ભારત શાંતિનો ભંગ થતો અટકાવવા માટે કે શાંતિને જાળવવા માટે આક્રમક યુનોના ખ્યાલને બિરદાવતું નથી. પ્રશ્ન એ છે કે આજના શીતયુદ્ધોતર વિશ્વમાં જ્યાં શીતયુદ્ધની તુલનામાં વિશ્વમાં શાંતિભંગના પ્રસંગો આંતરવિગ્રહ પ્રકારના હોય અને તેની અસર પ્રાદેશિક સ્થિરતા પર પડતી હોય ત્યારે યુનોની ભૂમિકા અને આક્રમક ભૂમિકા સિવાય કોઈ વિકલ્પ છે ખરો  એ પ્રશ્ન છે. ‘અમેરિકન યુનો’નો વિચાર ન ગમતો હોય તો એવું જરૂર કહી શકાય કે સલામતી સમિતિનો વિસ્તાર થવો જોઈએ અને તેનાં પગલાંઓને આંતરરાષ્ટ્રીય સમાજનો એકંદરે ટેકો હોવો જોઈએ. ભારત સાર્વભૌમત્વના સિદ્ધાંતનું હિમાયતી અને કોઈ પણ દેશના આંતરિક મામલામાં દખલગીરીનું વિરોધી છે; પણ માનવહકોનો ભંગ થતો હોય, જાતિવધના પ્રસંગો થતા હોય અને યુનો તેને જોયા કરે એ યોગ્ય છે કે કેમ એ પ્રશ્ન છે. ટૂંકમાં, યુનોના હેતુઓમાં જો માનવહકોના રક્ષણ અને જતનનું કાર્ય આવતું હોય અને તેને માટે યુનોની ચીલાચાલુ પદ્ધતિઓનો જ આશરો લેવાનો હોય તો યુનો મોડું પડશે. ટૂંકમાં, યુનોના હેતુઓ અને તેના સિદ્ધાંતો એટલે કે તેની કામ કરવાની પદ્ધતિઓમાં જો વિરોધાભાસ ઊભો થાય તો સાર્વભૌમ રાજ્યોએ કેવું વલણ અપનાવવું જોઈએ એ મુદ્દો છે. આમ તો સાર્વભૌમ રાજ્યો (માત્ર વિકાસશીલ અને ત્રીજા વિશ્વના દેશો જ નહિ પણ અમેરિકા પોતે પણ) પોતાના રાષ્ટ્રીય હિતને જ લક્ષમાં લે છે અને પોતાની સ્વાયત્તતા જાળવવા માટે અહંકારી હોય છે. આથી યુનોના કોઈ હેતુ સિદ્ધ કરવા માટે આંતરિક મામલામાં દખલગીરી કરી શકાતી નથી. યુનોના ઉમદા હેતુઓનું આ સંજોગોમાં શું એવો પ્રશ્ન ઊઠે છે. બીજી બાજુએ યુનોની દખલગીરી એક આદત બની જાય એ પણ ચિંતાજનક વાત જણાય. દૂરદર્શિતા વાપરીને જ આ મુદ્દાનું સમાધાન કરી શકાય.

ભારતે યુનોની બીજી પ્રવૃત્તિઓને પણ ટેકો આપ્યો છે. આર્થિક અને સામાજિક પરિષદ(Economic and Social Council)નું પણ તે ઘણાં વર્ષો સુધી સભ્ય રહી ચૂક્યું છે. યુનોની અનેક વિશિષ્ટ એજન્સીઓમાં અનેક ભારતીયોએ નોંધપાત્ર પ્રદાન કર્યાં છે; દા. ત., બી. આર. એને ખાદ્યકૃષિ સંગઠન(FAO)માં, સિધ્ધુએ આઇ. સી. એ. ઓ.(ICAO)માં, ડૉ. એમ. એસ. સ્વામીનાથે અને પ્રો. યશપાલે યુનોના વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના કેન્દ્રમાં, ડૉ. લોકનાથને આર્થિક અને સામાજિક પરિષદના એશિયા અને પૅસિફિકના પ્રાદેશિક પંચમાં મહત્વની કામગીરી કરી હતી. યુનેસ્કોમાં અનેક ભારતીયોએ પ્રદાન કર્યું છે. ડૉ. રાધાકૃષ્ણન્ તેની સામાન્ય પરિષદના પ્રમુખ હતા. વિજયાલક્ષ્મી પંડિત યુનોની મહાસભાનાં પ્રમુખ રહી ચૂક્યાં હતાં. શશી થરૂરે સેક્રેટરી જનરલના સલાહકાર તરીકે કામ કર્યું છે. યુનાઇટેડ નૅશન્સ ડેવલપમેન્ટ પ્રૉજેક્ટ (UNDP) પાસેથી ભારતે આર્થિક સહાય મેળવી છે અને તેને સંચાલન માટે અધિકારીઓ પણ આપ્યા છે. યુનોની શાંતિ જાળવવાની પ્રવૃત્તિઓમાં તેની વિવિધ સંસ્થાઓની રચનાત્મક સેવાઓમાં અને તેના બજેટમાં નિયમિત રીતે નાણાકીય ફાળો આપ્યો છે. તેની સલામતી સમિતિના કાયમી સભ્યપદની દાવેદારીમાં આ પણ ન્યાયી કારણ ગણી શકાય. કાયમી આંતરરાષ્ટ્રીય અદાલતને ભારતે ન્યાયાધીશના સ્વરૂપમાં પણ પ્રદાન કર્યું છે. સુએઝ, કાગો અને સાયપ્રસમાં ભારતે શાંતિ જાળવવાની પ્રવૃત્તિના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે.

ભારતે માનવહકો, ખાસ કરીને સ્ત્રીઓના હકો અંગે વિશિષ્ટ ઠરાવો કે કરારો (conventions) પસાર થાય એ માટે પ્રદાન કર્યું છે. નિ:શસ્ત્રીકરણની હિમાયત ભારતે આઝાદી પછીથી શરૂઆતથી જ કરી છે; જોકે તેનું વલણ એવું રહ્યું છે કે નિ:શસ્ત્રીકરણ ભેદભાવયુક્ત ન હોવું જોઈએ, પણ સાર્વત્રિક હોવું જોઈએ. આથી ભારતે અણુશસ્ત્ર બિન-પ્રસારણસંધિ (Nuclear non-Proliferation Treaty – NPT) અને અણુ-અખતરાઓ બંધ કરવાની સંધિ (Comprehensive Test Ban Treaty – CTBT) પર સહી કરી નથી. એકવીસમી સદીના આ શરૂઆતના તબક્કામાં વિશ્વને માટે પર્યાવરણના પ્રશ્નો મહત્વના બન્યા છે. પરિસરની સાચવણી એ વિશ્વસમાજની અને યુનોની જવાબદારી બને છે. ભારતે સ્ટૉકહોમ (1972) અને રિયો (1992) ખાતેની પરિષદમાં સક્રિય ભાગ લીધો હતો. વળી ઓઝોન વર્તુળને જાળવવા માટેની 1989માં હેલસિન્કીમાં ભરાયેલી બે પરિષદોમાં પણ ભાગ લીધો હતો. global warming અંગે જાપાનમાં ભરાયેલી પરિષદ, જેને અંતે kuoto protocal તૈયાર થયો, તેમાં પણ ભારતે ભૂમિકા ભજવી હતી. આ બધી યુનો દ્વારા તેના નેજા હેઠળ કે તેના ટેકાથી થયેલી પરિષદોમાં ભારતના વલણની સમીક્ષા કરતાં નીચેના મુદ્દાઓનો ઉલ્લેખ કરી શકાય :

(1) ભારત લાંબા સમય સુધી ટકાવી શકાય એવા વિકાસની હિમાયત કરે છે (sustainable development). કુદરતી સાધનસંપત્તિનો ઉપયોગ વર્તમાન પેઢી માટે એવી રીતે થવો જોઈએ કે ભાવિ પેઢી સાધનવિહોણી ન રહી જાય.

(2) આજના પર્યાવરણના પ્રશ્નો કે પરિસરનો બગાડ એ વિકસિત દેશોએ કરેલ વિકાસ અને તેની પદ્ધતિઓને આભારી છે. આથી પર્યાવરણને જાળવવાની અને સુધારવાની જવાબદારી વિકસિત દેશોની છે. તે માટે વિકસિત દેશોએ (ક) પર્યાવરણને બગડતું અટકાવવાના પ્રયત્નો કરવા જરૂરી છે. (ખ) નાણાકીય ફાળો આપવો પણ જરૂરી અને (ગ) વિકાસશીલ દેશોને પર્યાવરણ સાચવવા માટેની અદ્યતન ટૅક્નૉલૉજી વાજબી ભાવે મળે એમ પણ કરવું જરૂરી છે. વિકાસશીલ દેશોએ પણ પરિસર બચાવવા માટે અમુક પ્રમાણમાં પ્રદાન કરવું અનિવાર્ય છે.

(3) આમ છતાં માનવહિતો અને વિકાસ માટે ઉપયોગી અને આવશ્યક જણાય એવા કરારોમાં ભારતે સહી કરી હતી; દા. ત., એન્ટાર્ક્ટિકાના વિકાસ માટેની સંધિ પર ભારતે 1983માં સહી કરી હતી.

વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચેના સંબંધોના સંદર્ભમાં યુનોમાં નવી આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાનો ઠરાવ મહાસભામાં પસાર કરાવવામાં (1974) ભારતે રસ લીધો હતો. જોકે આવી વ્યવસ્થા મોટેભાગે બની શકી નથી. ભારતે વિકાસશીલ દેશોને આ બાબતમાં નેતૃત્વ આપ્યું હતું. 1980ના દાયકામાં અને તે પછી વિકાસશીલ દેશોની પરિસ્થિતિ બગડતી ગઈ છે અને શીતયુદ્ધનો અંત આવતાં અને એકધ્રુવી વ્યવસ્થાની રચના થતાં રાજકીય સાધન(political clout)ના અભાવે આ માગણીઓ સંતોષી શકાઈ નથી. GATTમાં સુધારાઓ વિકસિત દેશોને ફાયદાકારી બન્યા છે. વિશ્વ વેપાર સંસ્થા (World Trade Organization – WTO) અસ્તિત્વમાં આવી. આંતરરાષ્ટ્રીય વેપારની શરતો વિકસિત દેશોની તરફેણમાં સુધારવા તેઓ પ્રયત્ન કરે છે અને આ એજન્ડા તૈયાર કરવામાં યુ. એસ. મહત્વની ભૂમિકા ભજવે છે. ભારત હજુ પણ વિકાસશીલ દેશોના હિત માટે આ મંત્રણાઓમાં લડે છે અને અમેરિકા(યુ. એસ.)ને આથી તે આડખીલીરૂપ લાગે છે.

યુનો આજે અમેરિકાના પ્રભુત્વ હેઠળ કામ કરે છે એવા આક્ષેપો થાય છે. યુનોના ટેકા હેઠળ લેવાતાં અમેરિકન પગલાંઓને ભારત અમુક પ્રમાણમાં જ ટેકો આપે છે (પહેલું ઇરાક યુદ્ધ અને બીજું ઇરાક યુદ્ધ). અમેરિકાની વિનંતી છતાં તેણે પહેલા યુદ્ધમાં પણ ઇરાક સામે લડવા સૈનિકો મોકલ્યા નથી અને બીજા યુદ્ધમાં તે સૈનિકો મોકલવાની (યુદ્ધ પછીની જવાબદારી માટે) ના પાડે છે. ભારતની યુનો પ્રત્યે નીતિમાં એક સાતત્ય છે. કેટલાકને એવું લાગે છે કે ઇરાકમાં અત્યારે સૈનિકો ન મોકલીને, અમેરિકા સાથેના સંબંધોને નુકસાન કરીને ભારત પોતાના રાષ્ટ્રીય હિતને નુકસાન કરે છે, પણ ભારતના આ વલણમાં તેની યુનો પ્રત્યેની (એ જે રીતે સમજે છે તે રીતે) ભૂમિકાની નિષ્ઠા જરૂર દેખાઈ આવે છે.

ભારત-અમેરિકા સંબંધો : શીતયુદ્ધના અંત પછીના સમયમાં આ બે દેશો વચ્ચેના સંબંધો એ સૌથી મહત્વનો વિષય બન્યો છે. જોકે આ બંને વચ્ચેના સંબંધો હંમેશાં ચર્ચાસ્પદ રહ્યા છે. આ બે વચ્ચેના સંબંધો કેવા હોવા જોઈએ એને વિશે મોટી અપેક્ષાઓ રહી છે. પણ વ્યવહારમાં શીતયુદ્ધ દરમિયાન કે તે પછી આ અપેક્ષાઓ ફળીભૂત થઈ નથી. એકમાત્ર ડાબેરી જૂથો અમેરિકાની સામ્રાજ્યવાદી વૃત્તિ અને ભારતની વિદેશનીતિના સામ્રાજ્યવાદવિરોધી રૂખને લક્ષમાં લઈને આ બંનેના સંબંધો અંગે નિરાશાવાદી વલણ ધરાવતા આવ્યા છે. જોકે એમને માટે પણ સામ્યવાદી ચીનનો અમેરિકા સાથેનો મોટો વેપાર અને એકબીજા સાથેનો સતત ચાલુ રહેલો રાજકીય સંપર્ક અને સંવાદ દ્વિધા ઊભી કરે છે.

ભારત અને અમેરિકા વચ્ચે સીધી રીતે હિતનો કોઈ સંઘર્ષ નથી. બંને બહુત્વવાદી, લોકશાહી સમાજો છે. અમેરિકાએ તો પોતાની વિદેશનીતિના વૈશ્વિક ધ્યેયોમાં બીજા દેશોમાં લોકશાહીની સ્થાપનાને પ્રોત્સાહન આપવાને એક ધ્યેય તરીકે (વખતોવખત એમના નેતાઓનાં વક્તવ્યોને લક્ષમાં લઈએ તો) આગળ ધર્યું છે. આમ છતાં વિદેશ-સંબંધોમાં બંને સારા મિત્રો બની શક્યા નથી. ડેનિશ કુક્ષના મત અનુસાર તેમને estranged friends (ખટરાગ ધરાવતા મિત્રો) તરીકે ઓળખાવી શકાય. એ રીતે તેઓ એકબીજાથી અલિપ્ત થઈ ગયેલા કે નારાજ રહેતા મિત્રો છે. બંને દેશોને એકબીજા પ્રત્યે આદર હોવા છતાં આવું બનવાં પામ્યું છે. હિતોના સંઘર્ષના સંદર્ભમાં કે વિચારસરણીઓના મતભેદના સંદર્ભમાં કે ગેરસમજ કે અલગ સાંસ્કૃતિક સંદર્ભને લઈને આ બાબત સમજાવી શકાય. ઐતિહાસિક ભૂમિકાની દૃષ્ટિએ જોઈએ તો સ્ટીફન કોહેન ભારત-અમેરિકા સંબંધોને શીતયુદ્ધ દરમિયાનના અને શીતયુદ્ધોત્તર – એ રીતે વિભાજિત કરીને જોવાનું સ્વીકારતા નથી. તેઓ એને માટે ચાર કારણો આપે છે. ભારત અને અમેરિકાના મતભેદો ભારતની સ્વાતંત્ર્ય-ચળવળ દરમિયાન પણ નજરે પડતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતની આઝાદી પ્રત્યે સહાનુભૂતિ ધરાવતું હોવા છતાં અમેરિકાને નાઝીવાદ અને જાપાનના સામ્રાજ્યવાદવિરોધી યુદ્ધમાં વધુ રસ હતો એટલે બ્રિટનને નારાજ કરીને તે ભારતની મૈત્રી પ્રાપ્ત કરવા માગતું ન હતું. બીજું, સોવિયેત સંઘ અને સામ્યવાદવિરોધી રુકાવટની નીતિના અમલ માટે અમેરિકાને લશ્કરી જોડાણો ઊભાં કરવામાં રસ હતો. પાકિસ્તાને આ જોડાણના ભાગીદાર બનવાનું સ્વીકાર્યું અને ભારતે તેનો અસ્વીકાર કરીને બિનજોડાણની નીતિ અપનાવવાનું પસંદ કર્યું. આથી અમેરિકા અને ભારતના સંબંધો તણાવયુક્ત બન્યા અને અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો ઉષ્માવાળા બન્યા, પણ શીતયુદ્ધ સિવાયના પ્રશ્નો જેવા કે અણુશસ્ત્રોનું બિનપ્રસારણ અને આ અંગેના અમેરિકા અને ભારતનાં અલગ અલગ વલણોએ પણ ભારતના અને અમેરિકાના સંબંધોમાં તણાવ પેદા કર્યો. આવી બાબતોમાં પાકિસ્તાનનું વલણ જો અમેરિકાથી અલગ હોય તો પાકિસ્તાનના અમેરિકા સાથેના સંબંધોમાં પણ તણાવ પેદા થયો જ છે. પછી ભલે શીતયુદ્ધમાં અમેરિકા અને પાકિસ્તાને ધરી બનાવી હોય. શીતયુદ્ધના સાથી હોવાને કારણે અમેરિકાના પાકિસ્તાનના વલણમાં તેના ભારત સાથેના વલણની તુલનામાં આવા પ્રશ્નોને કારણે ભેદ પડ્યો હતો કે નહિ એ રસિક અને સંશોધનનો વિષય છે, પણ અહીં એની વિસ્તૃત ચર્ચા જરૂરી નથી. વળી ભારતના અમેરિકા સાથેના સંબંધો દ્વારા અમેરિકા માત્ર સોવિયેત સંઘ પર અંકુશ મૂકવા માગતું હતું કે ચીન ઉપર પણ અંકુશ મૂકવા માગતું હતું તે પૂરું સ્પષ્ટ થયું નહોતું. તેની પણ મોટી અસર પડી છે. અમેરિકાના ચીન સાથેના તણાવયુક્ત સંબંધોનો ગાળો એ ભારતના અમેરિકા સાથેના સંબંધો માટે કમ સે કમ શીતયુદ્ધ દરમિયાન તો ઉષ્માયુક્ત સંબંધોનો ગાળો રહ્યો છે. ચોથું, ભારતના અમેરિકા સાથેના સંબંધો પર કદાચ સૌથી વધુ અસર ભારતના પાકિસ્તાન સાથેના સંબંધોની પડી છે. ભારત-પાકિસ્તાન યુદ્ધોનો સમય અમેરિકાના નીતિનિર્ધારકો માટે માથાના દુખાવાનો સમય રહ્યો છે. આ સમયે અમેરિકાના નિર્ણયકર્તાઓએ જે તે યુદ્ધના સમયનું જે રીતે અર્થઘટન કર્યું તે મહત્વનું હતું; દા. ત., નિક્સને બાંગ્લાદેશના યુદ્ધને વૈશ્વિક સંદર્ભમાં મૂલવ્યું હતું, તેથી પાકિસ્તાન તરફી ઝુકાવ (tilt) એ સમયે અમેરિકાની વિદેશનીતિમાં નજરે પડ્યો હતો. એકંદરે ભારતના પોતાના મહત્વને કારણે અને ભારત-પાકિસ્તાનના યુદ્ધની શક્ય અસરોનો વિચાર કરીને અમેરિકાએ ભારત-પાકિસ્તાન યુદ્ધ થાય નહિ અને થઈ જાય તો તેમાં ઝડપથી યુદ્ધવિરામ આવે એવી ઇચ્છા રાખી છે. શીતયુદ્ધમાં પાકિસ્તાન, અમેરિકાનું ભાગીદાર હોવા છતાં પણ આવું બન્યું છે. ઉપરની હકીકતો એ વાત દર્શાવે છે કે ભારતના અમેરિકા સાથેના સંબંધોમાં શીતયુદ્ધ એ એકમાત્ર નિર્ણાયક પરિબળ ન હતું.

આમ છતાં શીતયુદ્ધ દરમિયાન 1950ના દાયકાના અંતભાગથી 1960ના દાયકાના શરૂઆતના ભાગને બાદ કરીએ તો ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સ્થગિત રહ્યા. ચીની આક્રમણને પહોંચી વળવા અમેરિકાએ ભારતને આપેલી મદદ ઉપરાંત અણુ-ઊર્જાના ઉત્પાદનમાં અને અંતરીક્ષ અંગેના કાર્યક્રમોના વિકાસમાં પણ ભારતને અમેરિકાએ મદદ આપી હતી. 1980ના દાયકામાં ઉચ્ચ કક્ષાની ટૅક્નૉલૉજીના કાર્યક્રમો અંગેના સહકાર અંગેની વાત છતાં વ્યવહારમાં કોઈ રચનાત્મક પરિણામો આવ્યાં નહિ. ભારતની આર્થિક નીતિ જે રાજ્યની ભૂમિકા, રાજ્ય દ્વારા વેપાર, રાજ્યના અંકુશ અને વિદેશી મૂડી-રોકાણમાં અશ્રદ્ધા પર આધારિત હતી, તે ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક સંબંધના વિકાસમાં અવરોધરૂપ હતી. આ પરિસ્થિતિ શીતયુદ્ધના અંત પછી 1990ના દાયકામાં જ બદલાઈ. 1970ના દાયકાના અંતમાં ચીને વિદેશી રોકાણ અને વેપાર માટે અનુકૂળ નીતિ અપનાવતા ચીનના વિકલ્પ તરીકે ભારતનો ખ્યાલ મોળો પડ્યો. અમેરિકા દ્વારા અપાતી આર્થિક મદદ જે 1950 અને 1960ના દાયકામાં પાકિસ્તાન જેવા દેશોની તુલનામાં ખૂબ મોળી હતી. તે 1970ના દાયકાની મધ્યમાં ઘણી ઘટી ગઈ. વળી અમેરિકાની ભારતને અપાતી મદદ ભારતમાં એટલી ચર્ચાસ્પદ બની કે અમેરિકન મદદનું કોઈ રાજકીય મહત્વ રહ્યું નહિ.

શીતયુદ્ધના અંત પછી જ ભારતના અમેરિકા સાથેના સંબંધો સુધારવા માટે વાતાવરણ ઊભું થયું. અમેરિકાને દક્ષિણ એશિયા અને ખાસ કરીને ભારતમાં વિવિધ પ્રકારનાં હિતો છે અને ભારત અમેરિકાની સાથે વેપાર, વિદેશી મૂડીના રોકાણ, લોકશાહીના વિસ્તાર અને ત્રાસવાદ સામેની લડત, નશીલી દવાઓના વેચાણ અને હેરફેર પર પ્રતિબંધ, પર્યાવરણનાં પ્રદૂષણો અને સંયુક્ત રાષ્ટ્રસંઘના નેજા હેઠળ કે એ સિવાય શાંતિ જાળવવા માટેનાં પગલાં જેવાં ક્ષેત્રોમાં અમેરિકાની સાથે સહકાર કરી શકે છે. જોકે સ્ટીફન કોહેન યોગ્ય રીતે પ્રશ્ન ઉપસ્થિત કરે છે : આ વિવિધ પ્રકારનાં હિતોમાં હાર્દરૂપ હિત કયું ? આ અંગે અનેક અભિપ્રાયો પ્રવર્તે છે.

શીતયુદ્ધના અંતની સાથે સાથે ભારતમાં નવી આર્થિક સુધારાની નીતિ પણ સંજોગોને કારણે અમલમાં આવી. 1993માં અમેરિકાએ ભારતને વિશ્વના દશ સૌથી મોટા બજારમાંના એક બજાર તરીકે જાહેર કર્યું. ભારતમાં સંવહનની ટૅક્નૉલૉજીના થયેલા વિકાસે વાણિજ્યના વિકાસ માટે તકો ઊભી કરી. 1980ના દાયકાના મધ્યભાગમાં ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર 5 બિલિયન ડૉલર જેટલો હતો તે 1990ના અંત સુધીમાં 15 બિલિયન ડૉલર જેટલો થયો. જોકે ચીન અને અમેરિકાનો વેપાર 100 બિલિયન ડૉલર જેટલો થયો હતો. આમ છતાં વધતા વેપારે ભારત અને અમેરિકાના સંબંધ વધારવામાં એક નવું પરિમાણ ઉમેર્યું, જે પહેલાં હાજર ન હતું. જોકે અમેરિકાને આ પરિમાણના પ્રમાણથી સંતોષ થયો નથી. અમેરિકાના ભારતના પૂર્વ એલચી રૉબર્ટ બ્લૅકવિલના મતે આ ક્ષેત્રમાં ભારત-અમેરિકા સંબંધોની પ્રગતિ સૌથી ઓછી સંતોષકારક હતી. આર્થિક સ્વતંત્રતાના 2001માં પ્રસિદ્ધ થયેલા ઇન્ડેક્સ મુજબ આર્થિક રીતે મુક્ત 155 દેશોની યાદીમાં ભારતનો નંબર 133મો આવતો હતો. આર્થિક બાબતોને સ્પર્શે છે ત્યાં સુધી પ્રશ્ન માત્ર વેપારનો નથી. ભારત અને અમેરિકા વચ્ચે અનેક આર્થિક મુદ્દાઓ અંગે ભેદ હતો. વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચેના સંબંધો, વિશ્વ વેપાર સંસ્થા અંગેનો અભિગમ એ તેમાંના મુખ્ય છે. અમેરિકાના ટ્રેડ રેપ્રિઝેન્ટેટિવ રૉબર્ટ ઝોલિકે તો એક વાર ભારતને, આંતરરાષ્ટ્રીય વેપારની મંત્રણામાં અવરોધો ઊભા કરનાર મુશ્કેલ દેશ તરીકે ઓળખાવ્યો હતો. આર્થિક પ્રશ્નો ભારત અને અમેરિકાને નજીક લાવે છે કે અલગ કરે છે એ વિચારવા જેવો મુદ્દો છે.

શીતયુદ્ધના અંત સાથે રશિયા એક દુશ્મન તરીકે દૂર થતાં અને ભારતના રશિયા સાથેના નિકટના સંબંધો આડખીલીરૂપ ન બનતાં, ભારત અને અમેરિકા વચ્ચેના લશ્કરી સંબંધો વિકસાવવા માટે રાજકીય ભૂમિકા ઊભી થઈ. શીતયુદ્ધના સમયમાં ભારતને રશિયા સાથે વિશિષ્ટ પ્રકારના લશ્કરી સંબંધો હતા. ભારતના લશ્કરી તંત્રને મોટા પ્રમાણમાં સોવિયેત સંઘ તરફથી શસ્ત્રો મળતાં હતાં. લશ્કરી સાધનોની કિંમત ભારતે રૂપિયામાં ચૂકવવાની હતી. વળી ભારતને સાધનો બનાવવાની ટૅક્નૉલૉજી અને સોવિયેત સંઘ અને ભારત વચ્ચે સંયુક્ત ઉત્પાદન જેવી બીજી અનેક સગવડો પણ પછી મળી. શીતયુદ્ધના અંત પહેલાં પણ ભારતે શસ્ત્રો વિવિધ સ્રોતમાંથી મળે એવા પ્રયત્નો કર્યા હતા. શીતયુદ્ધના અંત પછી ખાસ કરીને ભારતને અમેરિકા પાસેથી ઉચ્ચ કક્ષાની ટૅક્નૉલૉજી (કમ્પ્યૂટર-ક્ષેત્રમાં ખાસ કરીને) મળવાની અપેક્ષા હતી પણ ભારતને તેમાં સફળતા મળી ન હતી. જોકે લાઇટ કૉમ્નેટ ઍરક્રાફ્ટ(LCA)ના ઉત્પાદનમાં અમેરિકાએ ભારત સાથે કરાર કર્યો, પણ તેનો અમલ નિષ્ઠાપૂર્વક થયો નહિ. ભારતે અણુશસ્ત્રો બનાવ્યાં કે તે બનાવે છે એ વાતથી બિનલશ્કરી અણુસહકારના કાર્યક્રમોમાં પણ અવરોધ ઊભો થયો. ભારત અને અમેરિકાનાં લશ્કરી દળો વચ્ચે જોકે સહકારભર્યા સંબંધો સ્થપાયા. આના પરિણામે બંને લશ્કરી દળોએ સંયુક્ત લશ્કરી કવાયત (joint military exercises) (ભૂમિગત અને દરિયાઈ) કરી. જોકે અમેરિકાના આવા પ્રકારના સંબંધો બીજા દેશો સાથે પણ છે. અંતરીક્ષના સંશોધન-કાર્યક્રમો અને બિનલશ્કરી અણુશક્તિના ક્ષેત્રમાં સહકાર અને ઉચ્ચ કક્ષાની ટૅક્નૉલૉજી – એ ભારતની અમેરિકા પાસે આજે પણ માગણી છે. અમેરિકા ભારતને અલગ રીતે જુએ છે. એ બાબત જ લશ્કરી ક્ષેત્રમાં સહકાર સાધવામાં અવરોધરૂપ છે : (1) અમેરિકાએ કેટલીક વાર ભારતને પોતાના રાષ્ટ્રીય હિતની દૃષ્ટિએ ગૌણ ગણ્યું છે. (2) તેણે કેટલીક વાર ભારતને એક ધૂર્ત રાજ્ય (rogue state) તરીકે જોયું છે. (3) તેણે ભારતનો વેપારના વિકાસની દૃષ્ટિએ વિચાર કર્યો છે. (4) તેણે ભારતને પોતાના દુશ્મનના મિત્ર તરીકે જોયું છે. ભારતને વિવિધ રીતે જોવાના આવા અભિગમોનું પરિણામ એ આવ્યું છે કે ઘણી વાર અમેરિકાની ભારત તરફની નીતિ એક જ પ્રમુખના વહીવટીતંત્ર દરમિયાન બદલાઈ છે. આને લીધે ભારતને અમેરિકા સાથેના પોતાના સંબંધો લાંબા ગાળાની દૃષ્ટિએ ગોઠવતાં પણ મુશ્કેલી પડી છે.

11 સપ્ટેમ્બર, 2001ની આતંકવાદની ઘટનાએ ભારત અને અમેરિકા વચ્ચેના સહકારની એક નવી ભૂમિકા ઊભી કરી. ખાસ કરીને પ્રમુખ બુશે ત્રાસવાદ સામે આંતરરાષ્ટ્રીય યુદ્ધની જાહેરાત કરી. તેનાથી ભારતમાં કાશ્મીરમાં ચાલતા ત્રાસવાદની સામે અમેરિકન પગલાંની આશા બંધાઈ. ભારતે ત્રાસવાદને આંતરરાષ્ટ્રીય રાજકારણની મહત્વની સમસ્યા તરીકે સ્વીકારેલો જ હતો. આથી સૈદ્ધાંતિક રીતે તેના વલણને ટેકો મળ્યો. તાલિબાન સરકાર સામેનાં પગલાં પણ ભારતના રાષ્ટ્રીય હિતને માટે ઉપયોગી હતાં. ભારતે અમેરિકાને ઉપયોગી ગુપ્તચર અને લશ્કરી માહિતી આપી. આ ઉપરાંત ત્રાસવાદ સામેના યુદ્ધ માટે તુરત જ ટેકો જાહેર કરનાર દેશોમાં ભારત એક દેશ હતો. અમેરિકાએ પણ અણુ-અખતરાઓ (1998) પછી જાહેર કરેલા ભારત સામેનાં શિક્ષાનાં પગલાં પાછાં ખેંચી લીધાં. ભારત અને અમેરિકા વચ્ચેના સંપર્કો વધ્યા અને ગાઢ બન્યા. આ ઉપરાંત આ બે વચ્ચેના સંબંધમાં એક પ્રકારની પારદર્શિતા આવી.

આમ છતાં, આ એકતામાં પણ તડ દેખાવા લાગી. પાકિસ્તાનને પણ જ્યારે ત્રાસવાદવિરોધી લડતમાં સામેલ કરવામાં આવ્યું અને તેને મોખરાના રાજ્ય(frontline state)નો દરજ્જો આપવામાં આવ્યો ત્યારે ભારત હતોત્સાહ બન્યું. પાકિસ્તાન તો માત્ર કાશ્મીરના જ નહિ, પણ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદ માટે ધરીરૂપ રાજ્ય બન્યું હતું. ત્રાસવાદ સામેની લડતમાં પાકિસ્તાનનો સાથ લેવાથી તો અમેરિકા બેવડાં ધોરણોનું જ પ્રદર્શન કરતું હતું. ત્રાસવાદ સામેની અમેરિકાની લડત આંતરરાષ્ટ્રીય નહિ, પણ પસંદગીના ધોરણે અમેરિકાના રાષ્ટ્રીય હિતને લક્ષમાં રાખી કરવાની હતી. ત્રાસવાદ સામેની લડતના પરિણામે અમેરિકાએ પાકિસ્તાન પર ‘સરહદ પારના ત્રાસવાદ’નો અંત લાવવા થોડુંક દબાણ જરૂર કર્યું, પણ વિવિધ કારણોસર તેની ઝાઝી અસર પડી નહિ. એકંદરે અમેરિકા અને ભારત બંનેમાં એવી લાગણી પેદા થઈ છે કે ત્રાસવાદ વિરુદ્ધ પોતે જે કંઈ કરે છે તેની બીજાને કદર નથી. ભારતને લાગે છે કે પોતે જે કંઈ ત્રાસવાદ વિરુદ્ધ કરે છે (પાકિસ્તાનના સંદર્ભમાં) તેના સિવાય ત્રાસવાદ સામેની આંતરરાષ્ટ્રીય લડત સફળ થઈ શકે નહિ. અમેરિકાને લાગે છે કે અફઘાન યુદ્ધથી ભારતની સરહદે ભારતના રાષ્ટ્રીય હિતની રક્ષા માટે વધુ યોગ્ય વ્યૂહાત્મક વાતાવરણ ઊભું થયું છે; પરંતુ હવે ભારતે પાકિસ્તાન સાથે સંવાદ કરીને ત્રાસવાદનાં મૂળ દૂર કરવા માટે પગલાં લેવાં જોઈએ.

શીતયુદ્ધના અંત સાથે સામ્યવાદી વિચારસરણી અને રાજકીય પ્રથાની સ્વીકૃતિ દૂર થઈ. ત્રીજા વિશ્વના દેશોમાં પણ લોકશાહીનો એક ત્રીજો જુવાળ આવ્યો. ભારત પણ આ નવા વાતાવરણમાં ‘લોકશાહી સમુદાયોના નેતા’ તરીકે કામ કરીને ઉપયોગી થઈ શકે. ભારત અને અમેરિકાનું લોકશાહી ગઠબંધન (‘કનેક્શન’) એ નવી વાત નથી પણ સોવિયેત સંઘના વિઘટન અને સામ્યવાદી વિચારસરણીને ફેંકી દેવાથી લોકશાહીના વિકાસ માટે વધુ અનુકૂળ સંજોગો પેદા થયા છતાં ભારતે આ બાબતે નેતા બનવાનું સ્વીકાર્યું નહીં. મૉસ્કોમાં જુલાઈ 2000માં મળેલી કમ્યૂનિટી ઑવ્ ડેમૉક્રસિઝની પરિષદમાં અમેરિકાની સરકારે જ્યારે બર્માના નેતા આગ સેન સ્યૂ કીનો વિડિયોટેપ સંદેશ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ભારતે તેને ટેકો ન આપ્યો; કારણ ભારત બર્માના લશ્કરી નેતાઓને નારાજ કરવા તૈયાર ન હતું. નેપાળના રાજાએ તે દેશના વડાપ્રધાન કોઈરાલાને બરતરફ કર્યા ત્યારે નહેરુએ આ પગલાંની નિંદા કરી તેનાથી ભારત અને નેપાળના બગડેલા સંબંધોના અનુભવને લક્ષમાં લઈને કદાચ ભારતે આવું વલણ અપનાવ્યું હશે. આઝાદી પછીથી આમ પણ ભારતના આદર્શો એ ત્રીજા વિશ્વના દેશોના આદર્શો હતા. સંસ્થાનવાદ અને નવસંસ્થાનવાદનો વિરોધ, ફેબિયન સમાજવાદ, સામ્રાજ્યવાદનો વિરોધ, 77નું જૂથ, નવી આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થા અમુક પ્રમાણમાં અમેરિકાવાદનો વિરોધ જેવા વિચારોનો તેમાં સમાવેશ થતો હતો. ભારત, બીજા દેશોમાં પોતાને ગમતી સરકાર સ્થાપવાની હિમાયત કરતું ન હતું. તે વેસ્ટ ફોલિયાની પ્રથા અને સાર્વભૌમત્વના સિદ્ધાંતમાં શ્રદ્ધા રાખતું હતું. યુનોના બંધારણની 27મી કલમમાં તે દિલથી માનતું હતું (બાંગ્લાદેશના સર્જનનો પ્રશ્ન એ અપવાદ ?) અને કોઈ પણ દેશે બીજા દેશના આંતરિક મામલામાં દખલગીરી કરવી જોઈએ નહિ એ સિદ્ધાંતને તેણે અપનાવેલો હતો. શીતયુદ્ધ દરમિયાન પણ ભારત લોકશાહી અમેરિકા સાથે નહિ, પણ સરમુખત્યારશાહી રશિયાની સાથે હતું. આમ લોકશાહીમાં આસ્થા એ ભારત અને અમેરિકાને જોડી શકે પણ તે બે વચ્ચે સ્થિર ભાગીદારીનું સર્જન કરી શકે નહિ. ભૂતકાળમાં પણ ભારત અને અમેરિકા લોકશાહી હોવા છતાં તેમની વચ્ચે ઝઘડાઓ થયા હતા અને ભવિષ્યમાં પણ તેનાથી હિતોની સમાનતા સર્જાશે જ એમ માની શકાય નહિ.

અમેરિકામાં વસતા ભારતીયો, તેમની બૌદ્ધિક શક્તિ, ભૌતિક સાધનો અને વર્તમાન સમયમાં અમેરિકન રાજકીય પ્રક્રિયામાં તેમણે ભજવવા માંડેલી ભૂમિકા ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત બનાવશે એવી પણ અપેક્ષા રખાઈ છે. ભારત અને અમેરિકાના આ સંબંધોને સુધારનાર (શીતયુદ્ધના સંબંધો સાથે તુલના કરતાં) અને આગળ વધારનાર પરિબળ છે; પરંતુ તે કેટલા પ્રમાણમાં અમેરિકાને ભારત તરફ વાળશે એ જોવાનું રહે છે, કારણ કે અમેરિકાની ચૂંટણીમાં ભારતીય અમેરિકનો ફાળો આપે છે, તેનાથી માત્ર તેમને અમેરિકામાં સ્પર્શતા પ્રશ્નો અંગે જ નહીં, પણ અમેરિકાની ભારત તરફની વિવિધ પ્રશ્નો અંગેની નીતિ પર પણ અસર પડે છે. અમેરિકાની લોકશાહીમાં વિદેશનીતિના ઘડવૈયાઓએ બાહ્ય અને આંતરિક હિતોને લક્ષમાં લેવા પડે છે. તેથી ભારતીય અમેરિકનોના પ્રભાવ અંગે નિર્ણાયક વિધાન કરવું મુશ્કેલ છે. રૉબર્ટ હેથવેના મત મુજબ આ સમાજે જોઈતી રાજકીય પરિપક્વતા પણ બતાવી નથી. તેમાં વ્યક્તિગત સંઘર્ષો અને હરીફાઈ કરતાં વિવિધ સંગઠનો જોવા મળે છે. આથી તેમની કામગીરીમાં સંકલનનો અભાવ જોવા મળે છે. મિત્રોને ઓળખવા, તેમની સાથે યોગ્ય રીતે આંતરક્રિયાઓ કરવી અને રાજકારણીઓની તેમના તરફ જવાબદારીઓ અમેરિકન રાજકીય પ્રથામાં કેવી રીતે અદા કરાવવી એ તેમણે સમજવું પડશે; ઉદાહરણ તરીકે, દક્ષિણ એશિયાની હકીકતોની માહિતી મેળવવા જતી એક ટીમ(team)માં પાકિસ્તાનનો સમાવેશ કરાયો તેના વિરોધમાં ભારતીય સમુદાયના સભ્યોએ કેટલાક રાજકારણીઓ સાથેના સંબંધો બગાડ્યા હતા. બીજું એક ઉદાહરણ લઈએ તો ગુજરાતના 2001ના ધરતીકંપ દરમિયાન અમેરિકન કૉંગ્રેસના કેટલાક સભ્યોએ મદદનું વચન આપ્યું હતું, પણ પાછળથી કૉંગ્રેસમાં આર્થિક મદદની વિરુદ્ધમાં તેમણે મતદાન કર્યું હતું. આ અંગે ભારતીય અમેરિકન સમુદાયે કંઈક કરવા જેવું હતું.

અમેરિકાએ ચીનનો ઉપયોગ 1970ના દાયકામાં અને તે પછીથી શીતયુદ્ધના અંતના સમય સુધી સોવિયેત સંઘ વિરુદ્ધમાં તેના પર અંકુશ મૂકવાના હેતુથી કર્યો હતો. શીતયુદ્ધના અંત પછી ચીનની આ હેતુ માટે જરૂરિયાત ન રહી; એટલું જ નહીં, પણ ચીન અને અમેરિકા વચ્ચે વેપારના સંદર્ભમાં, ફોર્મોસા અને માનવહકોના સંદર્ભમાં મતભેદો ઊભા થયા. કેટલાકે ચીનને રશિયાના સ્થાને મૂકીને અમેરિકા સામે બીજા ધ્રુવ તરીકે પણ જોયું છે. આથી ભારત અને ચીનના ભૂતકાળના સંબંધો જોતાં અને હરીફાઈની શક્યતા જોતાં, અમેરિકા અને ભારતના સંબંધોને ચીન પર અંકુશ મૂકનાર પરિબળ તરીકે જોયા છે. આ ઉપરાંત ચીને, ભારતના હરીફ પાકિસ્તાનને મજબૂત બનાવવાનું કાર્ય કર્યું છે, જે ભારતને યોગ્ય લાગ્યું નથી; પરંતુ અમેરિકા અને ચીનના સંબંધો 1950 અને 1960ના દાયકા જેવા નથી. અમેરિકનો ચીનને દુશ્મન તરીકે જોવા માગતા નથી. આ બે દેશો વચ્ચે મોટા પ્રમાણમાં વેપાર ચાલુ છે. ચીનની સાથે સંબંધોનું સંવાદ દ્વારા, અમુક પ્રમાણમાં દબાણ દ્વારા, લાલચ આપીને, સંચાલન કરી લેશે તેવો અમેરિકાને વિશ્વાસ છે. ભારતને પણ ચીન સાથેની સરહદો શાંત છે ત્યાં સુધી તેને ચીન સાથે સંબંધ બગાડવામાં રસ નથી. વળી ભારતે પોતાની લડાયક શક્તિ પણ 1962ની તુલનામાં ઘણી વિકસાવી છે. વળી ચીનના વર્તમાન નેતાઓને ભારત સાથે સીધી રીતે સંબંધ બગાડવામાં રસ નથી. આમાંના કોઈ પરિબળમાં પરિવર્તન ન આવે અને અમેરિકાના ચીન સાથેના સંબંધો તાઇવાનના પ્રશ્નને કારણે ખૂબ ન વકરે ત્યાં સુધી ચીન સામેના ભારત-અમેરિકાના જોડાણનું અસ્તિત્વ સર્જાય એમ લાગતું નથી.

શીતયુદ્ધ દરમિયાન અને તે પછી ભારત અને અમેરિકાના સંબંધોમાં પાકિસ્તાનનું પરિબળ સૌથી ગૂંચવણભરેલું રહ્યું છે. અમેરિકાના પાકિસ્તાન સાથેના જોડાણનો, પાકિસ્તાનને અપાતી લશ્કરી મદદનો ભારતે વિરોધ કર્યો જ હતો; જોકે અમેરિકાએ સમતુલન સ્થાપવા ભારતને આર્થિક મદદ કરી જ હતી. ચીન સાથેના યુદ્ધ દરમિયાન પણ તેણે ભારતને લશ્કરી મદદ કરી હતી. ભારત-પાકનાં યુદ્ધો દરમિયાન તેણે બંનેને અપાતી મદદ સ્થગિત કરી હતી. અમેરિકાનાં વૈશ્વિક હિતોની વિરુદ્ધમાં જ્યારે ભારત અને પાકિસ્તાને નિશ્ચિત વલણ અપનાવ્યું ત્યારે અમેરિકાએ બંને સામે પગલાં લીધાં હતાં. પાછળથી શિક્ષાનાં પગલાં લેવાને બદલે અમેરિકાએ ભારત અને પાકિસ્તાન સાથે સંવાદ અને આર્થિક મદદ દ્વારા પોતાના અલગ અલગ ધ્યેયો સિદ્ધ કરવાનું પસંદ કર્યું છે. શીતયુદ્ધનો અંત આવવા સાથે અમેરિકાના પાકિસ્તાન સાથેના વિશિષ્ટ સંબંધોનો અંત આવશે એવી અપેક્ષા હતી. શરૂઆતમાં એમ બન્યું પણ ખરું. વળી અમેરિકા અને પાકિસ્તાનનાં હિતો વચ્ચે ત્રાસવાદ, તાલિબાન શાસન અંગે સંઘર્ષ થતાં પણ અમેરિકા-પાકિસ્તાનના સંબંધોમાંથી ઉષ્મા જતી રહી હતી; પરંતુ પાકિસ્તાનની સ્થિરતા જળવાઈ રહે અને તે નિષ્ફળ રાજ્ય (failed state) ન બને તે જોવામાં અમેરિકાને રસ રહ્યો છે. તાલિબાનને છેહ દઈને પાકિસ્તાને અમેરિકાને અફઘાનિસ્તાન સામેના યુદ્ધમાં મદદ કરી અને તેની ભવિષ્યની ઉપયોગિતા(ત્રાસવાદના સંદર્ભમાં)ને લક્ષમાં રાખી અમેરિકાના પાકિસ્તાન સાથેના સંબંધો ફરી સુધર્યા છે. ભારત-પાકિસ્તાનની હરીફાઈ, કાશ્મીરનો પ્રશ્ન, પાકિસ્તાનની સરકાર દ્વારા ત્રાસવાદને ઉત્તેજન ભારત-પાકિસ્તાનના સંબંધોમાં સુધારની શક્યતા નકારે છે. આવા સંજોગોમાં અમેરિકા અને પાકિસ્તાનના ગાઢ સંબંધો, ભારત અને અમેરિકાના સંબંધોમાં ક્રાંતિકારી ફેરફારની શક્યતાને નકારે છે; જોકે આ બે વચ્ચેના સંબંધમાં નોંધપાત્ર ફેરફાર થયો છે.

ભારતના અને અમેરિકાના સંબંધો, અમેરિકાના બ્રિટન કે ઇઝરાયલ સાથેના સંબંધો જેવા થઈ શકે નહિ. ભારત અને અમેરિકાનાં વૈશ્વિક દૃષ્ટિબિંદુ અલગ છે. ભારત બહુધ્રુવી વિશ્વવ્યવસ્થાને આવકારે છે, એકધ્રુવીને નહિ. તે બંને વચ્ચે કોઈ એક પ્રબળ સમાન ધ્યેય નથી. તેમના વિદેશસંબંધોનો ઇતિહાસ ઉત્તેજનાજનક નથી. તેમના રાજકીય, લશ્કરી અને આર્થિક સંપર્કો હાલનાં વર્ષોમાં જ મહત્વના બન્યા છે. સતત ચાલતા સંવાદ અને મસલતનો અભાવ, ભૂતકાળમાં ગુપ્તચર માહિતીના આદાન-પ્રદાનનો અભાવ અને એક ત્રીજા વિશ્વના દેશ તરીકે ભારતમાં આજે પણ સમાજના અમુક વર્ગોમાં નજરે પડતો અમેરિકાવાદનો વિરોધ પણ આ જ વાતની પ્રતીતિ કરાવે છે. કેટલાક ભારતીયો એમ પણ માને છે કે ભારત અને અમેરિકા વચ્ચે મૈત્રીભર્યું હસ્તધૂનન (friendly handshake) જ યોગ્ય છે, ઉષ્માભર્યું આલિંગન (warm embrace) જરૂરી નથી.

ભારતચીન સંબંધો : ભારત સ્વતંત્ર થયું ત્યારે ભારત-ચીનના સંબંધો વિશે ખૂબ આશાઅપેક્ષા હતી, પણ ચીનમાં 1949માં સામ્યવાદીઓ સત્તા પર આવ્યા તે પહેલાં અને પછીથી વાસ્તવિકતા અલગ પ્રકારની રહી છે. ભારતના ચીન સાથેના સંબંધો એક સમસ્યા જ છે કારણ કે આ સંબંધોએ ભારત અને ચીનનાં સમાજ અને સરકારમાં એકબીજાના વિરોધીઓ હોવાની છાપ ઊભી કરી છે. શ્રીરામ શર્મા આ સંબંધોએ ચોક્કસ હકારાત્મક સ્વરૂપ ધારણ નથી કર્યું એને માટે એક કારણ એ આપે છે કે આ સંબંધો સત્વ કે તત્વ વગરના (without content) છે. ભારતમાં આવતા ચીનના મુસાફરો અને ડૉ. કોટનીસની ચીનની યાત્રા – એ આ બે દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંપર્કનાં ઉદાહરણો તરીકે જરૂર જણાવાય, પણ તેનાથી બે દેશોના સંબંધો વજનદાર બનતા નથી.

ભારત અને ચીનના સંબંધો પર જોકે આ બે દેશોના ઇતિહાસ અને ભૂગોળે જરૂર અસર કરી છે. ભારતે અહિંસાને માર્ગે આઝાદી પ્રાપ્ત કરી જ્યારે ચીનમાં સામ્યવાદીઓ સંઘર્ષ અને આંતરવિગ્રહથી સત્તા પર આવ્યા છે. એક મત મુજબ, આથી ભારત એક નરમાશથી કામ કરતો દેશ Soft Power અને ચીન એ બળના ઉપયોગ પર ભાર મૂકતો દેશ Hard Power બન્યો છે. પ્રાચીન સંસ્કૃતિઓ હોવાને કારણે બંને દેશોએ વિશ્વ રાજકારણમાં પોતાનો પ્રભાવ પાડવાની ઇચ્છા રાખી છે. ચીનને પોતાની મહત્ત્વાકાંક્ષા પર અંકુશ મૂકનાર દેશ તરીકે પાડોશી દેશ ભારત લાગ્યો હશે; ખાસ કરીને ભારત જો ચીનના સંદર્ભમાં ગૌણ દરજ્જો (subordinate status) સ્વીકારવાને બદલે વડીલશાહી વલણ (Patronizing attitude) અપનાવે તો કામચલાઉ ધોરણે ભારતના આવા વર્તનનો તે લાભ જરૂર ઉઠાવી શકે. ચીનના ભૂતકાળના ઇતિહાસને કારણે તેના પડોશીઓને ચીનમાં રહેતી અશ્રદ્ધાને કારણે, ચીનની અલગતાની જાતિને કારણે, સાધનોની દૃષ્ટિએ (વિવિધ પ્રકારનાં) ચીનની ક્ષમતા અને તેનાથી ઊભા થતા ભયને કારણે ચીનને આંતરરાષ્ટ્રીય સમાજના સર્વસામાન્ય સભ્ય (Normal member) બનવાનું મુશ્કેલ હતું. ભારતનો ટેકો અને સાથ ભારતના આંતરરાષ્ટ્રીયવાદી વલણને કારણે ઉપયોગી હતો, જેનો ફાયદો ચીને બરાબર ઉઠાવ્યો.

ભારત-ચીનના સંબંધોમાં મુશ્કેલીની શરૂઆત તિબેટના પ્રશ્નથી થઈ. ચીનની વિદેશનીતિનો એક મુખ્ય આધાર આજ સુધી એ રહ્યો છે કે તેના કેટલાક ભાગો તેનાથી છૂટા પડી ગયા છે, જે ચીનના ભાગ બનવા જોઈએ. તિબેટ, હાગકાગ, મકાઉ, તાઇવાન એ તેના જ ભાગ છે, એવો ચીનનો દાવો છે. આજે આમાંથી માત્ર તાઇવાન જ ચીનના અંકુશ હેઠળ નથી; પણ આ વિસ્તારો પ્રાપ્ત કરવાની શરૂઆત તિબેટથી થઈ. ચીનને માટે ભૌગોલિક અવરોધો, તિબેટની પ્રજાનું સ્વતંત્ર માનસ અને બ્રિટિશ સામ્રાજ્યની ઇચ્છા કે તિબેટ એક બફર રાજ્ય તરીકે રહે  આ પરિબળોએ તિબેટને સ્વતંત્ર રાખ્યું. તિબેટની સ્વતંત્રતા ભારતને ઇચ્છનીય લાગી હશે, પણ ભારતને ચીન સાથે સંઘર્ષ કરીને એ હેતુ સાધવા માટે પોતાની શક્તિ પૂરતી નહિ લાગી હોય એટલે અમુક હકો જાળવી રાખીને તિબેટ પરનો ચીનનો દાવો બાહ્ય સાર્વભૌમત્વ (suzerainty) પ્રકારનો હોવાનું કબૂલ કરવાની નીતિ તેણે અપનાવી. ચીનમાંના ભારતીય એલચી પણિકરે ચીનના તિબેટ પરના દાવાના સંદર્ભમાં બાહ્ય સાર્વભૌમત્વ(suzerainty)ને બદલે ‘સાર્વભૌમ’ (sovereign) શબ્દ વાપરવાની ભૂલ કરી. ગમે તેમ હોય એપ્રિલ 1954માં ભારત અને ચીન વચ્ચે થયેલ કરારમાં ગિરજાશંકર વાજપેયીએ (વિદેશ ખાતાના સેક્રેટરી જનરલે) ભારત કરાર કરે તે પહેલાં બે શરતો ભારતે મૂકવી જોઈએ એવું સૂચન કર્યું (સિક્યાંગમાં કશગર-Kashgar ખાતે કૉન્સ્યૂલેટ ખોલવી અને ચીને મેકમોહન રેખાનો સ્વીકાર કરવો). આ ખૂબ જ મહત્વનાં સૂચનોને અવગણવામાં આવ્યાં. તિબેટમાં થયેલ બંડે ભારત-ચીન સંબંધોનું સમતુલન તોડી નાખ્યું. બંડને ચીને ખરાબ રીતે કચડી નાખતાં, તિબેટમાંથી ભારતમાં અનેક શરણાર્થીઓ આવ્યા. દલાઈ લામાએ ભારતમાં આશ્રય લીધો તેનાથી સંબંધોમાં ગૂંચવાડો અને કડવાશ આવી. એવે સમયે ચીને એવું સૂચન કર્યું કે ભારત ચીનનો અકસઈ ચીન વિસ્તાર (જે વિસ્તારમાંથી પશ્ચિમ તિબેટને સિક્યાંગ જોડે જોડતો રસ્તો પસાર થતો હતો તે વિસ્તાર) પરનો દાવો મંજૂર કરે. ભારતે આ ઓફર સ્વીકારવાનો ઇન્કાર કર્યો. ભારતના ચીન સાથેના સંબંધમાં ભારતે સરહદોની ચર્ચા કરવાનો ઇન્કાર કર્યો. તિબેટ પરના ચીનના દાવાને મંજૂર કરતી વખતે મેકમોહન રેખાના સ્વીકારની શરત ભારત મૂકી શક્યું હોત. ચર્ચા ન કરવાથી પ્રશ્ન ટળી શકતા નથી, આખરે એમ જ બન્યું. સરહદનો પ્રશ્ન વણઊકલ્યો રહ્યો. 1962ના ઑક્ટોબરમાં ચીને ભારત પર આક્રમણ કર્યું અને બળ દ્વારા પ્રશ્ન ઉકેલવાનો પ્રયત્ન કર્યો. 20 ઑક્ટોબર, 1962ના દિવસે સરહદની બંને પાંખો પર ચીને મોટો હુમલો કર્યો. ચાર દિવસ પછી તેણે એકપક્ષી યુદ્ધવિરામ જાહેર કર્યો. આ અંગેની કેટલીક શરતો નામંજૂર થતાં નવેમ્બર 1962માં બીજો હુમલો આવ્યો (તા. 15) અને 22 નવેમ્બરે ફરીથી ચીને યુદ્ધવિરામ જાહેર કર્યો. ભારત અને ચીન વચ્ચેનું આ સરહદી યુદ્ધ ત્યારે તેના (ચીનના) આશયોના સંદર્ભમાં ખૂબ ચર્ચાસ્પદ બન્યું. આ માત્ર સરહદ માટેનું યુદ્ધ હતું કે તેથી વિશેષ ? આ અર્થઘટનોમાંનાં કેટલાંકનો ઉલ્લેખ અહીં પ્રસ્તુત છે :

(1) બ્રિટન જેવા સામ્રાજ્યવાદીઓએ લાદેલી સરહદો સંસ્થાનવાદના અંત પછીના સમયમાં સ્વીકૃત બનતી નથી.

(2) સૈદ્ધાંતિક રીતે ભારત સાથે કરેલ પંચશીલનો કરાર એ માત્ર કાગળ પરનો કરાર છે અને વ્યવહારમાં નકામો છે એ પુરવાર કરવાનો તેનો હેતુ હતો.

(3) શાંતિથી પ્રશ્નો ઊકલતા નથી; બળ જ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્વનું છે એ પુરવાર કરવાનો તેનો હેતુ હતો.

(4) ભારતની બિનજોડાણની નીતિથી તે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પ્રભાવશાળી લાગતું હતું; પણ તે પ્રભાવ પોલો હતો, એમ ચીન પુરવાર કરવા માગતું હતું.

(5) સોવિયેત સંઘે, ભારત-ચીન વચ્ચેના ઝઘડામાં તટસ્થ વલણ અપનાવ્યું હતું, પણ આ નીતિનો ત્યાગ કરવા માટે દબાણ કરવાનો તેનો હેતુ હતો.

(6) ત્રીજા વિશ્વના દેશોમાં ચીનનું નેતૃત્વ સ્થાપવા માટેનો આ પ્રયત્ન હતો.

યુદ્ધ પછી બિનજોડાણવાદી દેશોએ રસ લઈને કોલમ્બો સમાધાન કરાવ્યું (1963). ચીને નેફા(આજના અરુણાચલ)માંથી પોતાના સૈનિકો પાછા ખેંચી લીધા. 1960માં ચીનના વડાપ્રધાન ચાઉ એન લાઈની ભારતની મુલાકાત દરમિયાન અને તે પહેલાંની નહેરુ-ચાઉની મુલાકાત દરમિયાન ‘હિંદી-ચીની ભાઈ ભાઈ’ના લોકપ્રિય બનેલા સૂત્રને બદલે ‘બાય બાય’નું સૂત્ર જન્મ્યું. યુદ્ધથી 1976 સુધી ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં તંગદિલીનું વાતાવરણ ઊભું થયું.

સરહદી ઝઘડાનો કાયમી ઉકેલ તો આજ સુધી શક્ય બન્યો નથી. તેનું એક કારણ એ છે કે ભારતની સરકાર અને પ્રજામાં ચીને દગો દીધો એવી લાગણી ઊભી થઈ હતી. બીજી બાજુએ ચીનની સરકાર પણ પ્રજાને લડાખ, અકસઈ ચીનના વિસ્તાર છોડવા સમજાવી શકે એમ નથી. બીજી બાજુએ સરહદના પ્રશ્નનો ઉકેલ લાવવા માટે કોઈ એવાં દબાણો નથી.  પ્રશ્નનો ઉકેલ ભારત અને ચીન વચ્ચે કોઈ હૂંફાળી મૈત્રી સ્થાપી શકે એમ નથી. ભૂતકાળના ઘા ઉપરાંત ભારત અને ચીન વચ્ચેની મુશ્કેલીઓનો ફાયદો પાકિસ્તાને ઉઠાવ્યો છે. દક્ષિણ અને અગ્નિ એશિયામાં સત્તાના સમતુલન માટે પાકિસ્તાન-કાર્ડનો ઉપયોગ, ભારતને શક્તિશાળી બનતું અટકાવવા ચીન કરે, એવી શક્યતા છે જ, પછી ભલે ભારત-ચીનની સરહદો નિશ્ચિત થઈ જાય. સરહદી ઝઘડો એ આ અર્થમાં ભારત-ચીનની હરીફાઈનું એક સાધન બને છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં ચીનના વલણનો પ્રત્યક્ષ પુરાવો બાંગ્લાદેશના યુદ્ધમાં જોવા મળ્યો. વાત એટલે સુધી પહોંચી કે યાહ્યાખાને તો ચીન, પાકિસ્તાનની તરફેણમાં ભારત સામે સરહદે મોરચો ખોલશે એવી અપેક્ષા રાખી હતી. જોકે ચીન પાકિસ્તાનના હિતમાં આટલા પ્રમાણમાં કામ કરે એટલા પાકિસ્તાન અને ચીનના સંબંધો વિકસ્યા ન હતા. ચીને પાકિસ્તાનની પ્રણાલિકાગત અને અણુશસ્ત્રો અને મિસાઇલના ક્ષેત્રમાં લશ્કરી ક્ષમતા વધારવા અને વિકસાવવા મદદ જરૂર કરી હતી. બીજી બાજુએ પાકિસ્તાનના માધ્યમથી અમેરિકા અને ચીન વચ્ચે સંબંધ સ્થપાયા અને અમેરિકા-પાકિસ્તાન-ચીનની ધરી વિકસી. આની સામે ભારતે પોતાની રશિયા સાથેની પ્રણાલિકાગત મૈત્રી વધારીને મૈત્રી-સંધિ કરવી પડી. ભારતના ચીન સાથેના સંબંધોમાં સુધારાની શક્યતા આથી ઘટી. ભારતના રશિયા સાથેના સંબંધને લીધે બાંગ્લાદેશ-યુદ્ધમાં ચીન કંઈ પણ કરવા સમર્થ રહ્યું નહિ. યુદ્ધ પછી ચીનની નીતિનો એક હેતુ ભારત સંરક્ષણના પ્રશ્નોમાં ગૂંચવાયેલું રહે તે જોવાનો હતો. બાંગ્લાદેશ યુનોનું સભ્ય ન બને તે જોવામાં ચીને શક્તિનો ઉપયોગ કર્યો. ભારતના વિદેશપ્રધાન સ્વર્ણસિંઘે જણાવ્યું હતું તેમ, પૂર્વ પાકિસ્તાન, પશ્ચિમ પાકિસ્તાનથી અલગ પડે તેમાં ચીનના હિતને કઈ રીતે નુકસાન થાય છે તે કહેવું મુશ્કેલ છે. વાસ્તવમાં ચીન, ભારત-સોવિયેત સંધિને સોવિયેત સંઘના આવા કરારો દ્વારા ચીન પર અંકુશ મૂકવાના પ્રયત્નો(એશિયન સામૂહિક સલામતી યોજના  Asian Collective Security System)ના ભાગ તરીકે જ જોતું હતું.

1975થી ભારત અને ચીનના સંબંધો સુધારવાની પ્રક્રિયા ચાલુ થઈ. 1976માં ચાઉ-એન-લાઈનું મૃત્યુ થયું, એ પ્રસંગે ભારતના વડાપ્રધાન શ્રીમતી ગાંધીએ ભારતમાંની ચીનની એલચી કચેરીની મુલાકાત લીધી. યુગોસ્લાવિયાએ પણ ભારત અને ચીનના સંબંધ સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી. મુત્સદ્દી-કક્ષાનું પ્રતિનિધિત્વ આથી એલચી કક્ષાએ પહોંચ્યું. ચાઉ-એન-લાઈનું મૃત્યુ, ચીનમાં ઉદ્દામવાદીઓ અને વ્યવહારવાદીઓ વચ્ચેનો સંઘર્ષ અને પાકિસ્તાને બાંગ્લાદેશને આપેલી માન્યતા, જેનાથી ભારત-પાકિસ્તાનના સંબંધમાં થયેલો સુધાર જેવાં પરિબળોએ ભારત-ચીન સંબંધોને પણ સામાન્ય બનાવવાની પ્રક્રિયાને ઉત્તેજન આપ્યું. 1976માં મુત્સદ્દી-કક્ષાના સંબંધો સ્થપાયા. જનતા સરકારનું આગમન (1977) ચીનને બે રીતે ગમ્યું : (1) સોવિયેત તરફી શ્રીમતી ગાંધીની સરકાર સત્તા પરથી દૂર થઈ હતી. (2) સરહદ પરનો દાવો ન કરવા છતાં જનતા સરકારે ચીન સાથેના સંબંધોને સામાન્ય (normatise) કરવાની ઇચ્છા બતાવી. 1979માં વિદેશપ્રધાન વાજપેયીએ ચીનની મુલાકાત લીધી. ચીને વિયેટનામ પર હુમલો કરતાં (ભારતનું ખાસ મિત્ર) વાજપેયીની મુલાકાતનો ઓચિંતો અંત આવ્યો.

1979માં સોવિયેત સંઘનું અફઘાનિસ્તાન પરનું આક્રમણ અને સોવિયેત દળોની ત્યાં હાજરી એ ચીનને સોવિયેત સંઘ દ્વારા પોતાને ઘેરી લેવાના પ્રયત્ન જેવું લાગ્યું. પ્રમુખ કરનાલની સોવિયેત તરફી સરકાર ઉથલાવવા ચીન, અમેરિકા અને પાકિસ્તાન ભેગાં થયાં. જોકે ભારત આવા પગલાંની હિમાયત કરતું ન હતું; પણ અફઘાન પરિબળને તેણે ચીન સાથેના સંબંધસુધારની પ્રક્રિયાની આડે આવવા ન દીધું. અફઘાન-કટોકટી અંગે પણ ચીનના વિચારોથી સોવિયેત સંઘને અવગત કરાવવાની અને સોવિયેત સંઘના વિચારોથી ચીનને અવગત કરાવવાની જવાબદારી શ્રીમતી ગાંધીએ ઉપાડી.

1984માં રાજીવ ગાંધી સત્તા પર આવ્યા. ભારત-ચીન સંબંધોમાં સુધારની અપેક્ષા આથી ઊભી થઈ; કારણ રાજીવનો સમાધાન, સંધિ, કરારો માટેનો ઉત્સાહ જાણીતો હતો; પરંતુ સમદરજંગની ખીણના વિસ્તારમાં આ સમય દરમિયાન ચીનની ઘૂસણખોરીથી મુશ્કેલી ઊભી થઈ. ચીને આ વિસ્તારમાંથી સૈનિકો ખસેડવાની પણ તૈયારી ન બતાવી અને વાટાઘાટો અટકી ગઈ. ‘જૈસે થે’ની (બદલાયેલી) પરિસ્થિતિ ચાલુ રહી. 1988માં રાજીવે ચીનની મુલાકાત લીધી. આ એક સંક્રાંતિકાળ હતો (નેતૃત્વ પરિવર્તનની દૃષ્ટિએ). ડેંગ શ્યાઓ પીંગે રશિયા અને ભારત સાથેના સંબંધસુધારમાં પહેલ કરી હતી. આ સમયે ત્રણ કરારો થયા જે સાંસ્કૃતિક, વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના આદાન-પ્રદાનની જોગવાઈ કરતા હતા. સરહદના પ્રશ્નને દ્વિપક્ષી સંબંધોના પ્રશ્નથી અલગ કરવાનું નક્કી કરવામાં આવ્યું. સરહદના પ્રશ્ન અંગે કોઈ સમાધાન થયું નહિ. તિબેટ એ ચીનવિરોધી પ્રવૃત્તિનું કેન્દ્ર છે એવો આક્ષેપ ચીનાઓએ કર્યો અને સિક્કિમના ભારત સાથેના જોડાણને બળપૂર્વકના જોડાણ-(annexation)માં ખપાવવામાં આવ્યું. રાજીવની મુલાકાતથી બે દેશોમાં કૉન્સ્યુલેટ શરૂ થયાં નહિ, બે દેશો વચ્ચેનો વેપાર વધ્યો નહિ કે શાંતિ જાળવવા માટે કોઈ કરાર થયો નહિ; પરંતુ મુલાકાતથી બે દેશો વચ્ચે અટકી પડેલો સંવાદ શરૂ કરવાનું વાતાવરણ ઊભું થયું. 1990માં આના સંદર્ભમાં ચીનના વિદેશપ્રધાને ભારતની મુલાકાત લીધી. પાકિસ્તાનને શસ્ત્રોની મદદ બંધ કરવાની કોઈ ખાતરી તેમણે ન આપી, પણ ઉપખંડમાં ચીન સ્થિરતા ઇચ્છે છે એમ જણાવી તેમણે કાશ્મીરના પ્રશ્નનો ઉકેલ ભારત અને પાકિસ્તાનની વાટાઘાટોથી થવો જોઈએ એ વાત પર ભાર મૂક્યો. ભારતે ચીનની વિશ્વ વેપાર સંસ્થા(World Trade Organization – WTO)માં જોડાવાની ઇચ્છાને ટેકો જાહેર કર્યો. 1991માં ચીનના વડાપ્રધાન લી પેંગે ભારતની મુલાકાત લીધી. વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચેના સંબંધમાં વિકાસશીલની સ્થિતિ સુધારવા યોગ્ય વ્યૂહરચના અપનાવવા પર તેમણે ભાર મૂક્યો. શીતયુદ્ધ પછીની વિશ્વવ્યવસ્થાની તેમજ ત્રાસવાદના પ્રશ્નની ચર્ચા થઈ અને સરહદનો પ્રશ્ન ઝડપથી ઉકેલવા પર ભાર મુકાયો. સરહદે શાંતિ જાળવવા માટેની તંત્રવ્યવસ્થાને ઔપચારિક રીતે આકાર આપવામાં આવ્યો.

વેપારના અને સાંસ્કૃતિક સંબંધો પણ 1960ના દાયકામાં તૂટી ગયા હતા, જે 1970ના દાયકાના બીજા ભાગમાં શરૂ થયા. 1980ના દાયકામાં બે વચ્ચેનો વેપાર વધ્યો. 1984માં એક બીજો વેપાર-કરાર થયો. 1991નું વર્ષ ખાસ એટલા માટે મહત્વનું હતું કે યુપી અને તિબેટ વચ્ચે સરહદી માર્ગે વેપાર શરૂ થયો. 1984માં ભારત-ચીન વેપારનું મૂલ્ય 62 મિલિયન ડૉલર જેટલું હતું તે 1991માં 280 મિલિયન ડૉલર જેટલું થયું.

ચીન અણુશસ્ત્રો ધરાવનાર દેશ છે. જોકે તેણે ‘પહેલો ઉપયોગ નહિ’નો સિદ્ધાંત અપનાવેલો છે; પણ 1974માં પોખરણ-1ના અણુપ્રયોગનો તેણે વિરોધ કરેલ હતો. પાડોશીઓને દબડાવવા ભારતે આ પ્રયોગ કરાવ્યો છે એવો આક્ષેપ તેણે કર્યો હતો.

સિક્કિમના જોડાણ ઉપરાંત 1986માં અરુણાચલની એક રાજ્ય તરીકેની રચનાનો પણ ચીને વિરોધ કર્યો હતો, કારણ કે તેના મત અનુસાર અરુણાચલનો વિસ્તાર ચીનની માલિકીનો હતો.

આ ઉપરાંત ચીનની કોકા ટાપુ (જે આંદામાનથી થોડે દૂર છે) પરની લશ્કરી પ્રવૃત્તિ, મ્યાનમાર(બર્મા)ના લશ્કરીકરણ(શસ્ત્રો વેચીને)માં ચીનનો ફાળો, ચીને પારસ્કલ ટાપુનો બળપૂર્વક કરેલો કબજો (ત્યાં રહેતા દક્ષિણ વિયેટનામના લોકોને બહાર ફેંકી દઈને)  તે સર્વની પણ ભારતે ટીકા કરેલી છે. ચીનની વધતી જતી નૌકાશક્તિ ભારત માટે ચિંતાનો એક વિષય રહ્યો છે, જોકે આનો હેતુ અને આ બાબતમાં તેના અમેરિકા સાથેના સહકારનો એક હેતુ સોવિયેત સંઘ (રશિયા) પર અંકુશ મૂકવાનો પણ રહ્યો છે.

ભારત-ચીનના સંબંધોની બાબતમાં એક વસ્તુ સ્પષ્ટ છે કે આર્થિક વિચારસરણી અને ક્રાંતિનો ફેલાવો એ માઓના શાસનનાં થોડાં વર્ષોમાં ચીનના ભારતમાં રસ માટે જવાબદાર પરિબળો હતાં. ભારતમાં CPM(ML)નો તેનો ટેકો અને નક્સલવાદી ચળવળને ટેકો કે શ્રીલંકામાં ‘જનતા વિમુક્તિ પેરામુના’ને તેણે આપેલા ટેકાને આ દૃષ્ટિએ સમજી શકાય. ડૅન્ગના શાસનનાં વર્ષો એ ચીનના વ્યવહારુ અભિગમનાં વર્ષો હતાં. ચીન હવે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ‘ક્રાંતિના નિયમો’ પ્રમાણે વર્તતું એવું વિશિષ્ટ પ્રકારનું રાજ્ય ન હતું; હવે તે આંતરરાષ્ટ્રીય રાજકારણના નિયમો પ્રમાણે વર્તતું સામાન્ય (normal) રાજ્ય હતું.

શીતયુદ્ધના અંત સાથે રશિયાએ અમેરિકાના વૈચારિક સત્તા-યુદ્ધને પણ પોતાની જરૂરિયાતોને લક્ષમાં રાખી દફનાવ્યું, તો એ આંતરિક જરૂરિયાતો જ રશિયાને ચીન સાથેના સંઘર્ષને પણ ભૂતકાળનો વિષય બનાવવા મજબૂર કરતી હતી. ચીન અને રશિયા વચ્ચેના સંબંધો સામાન્ય બનતાં, ભારત-રશિયન મૈત્રી પણ ચીનની દૃષ્ટિએ ખટકતું પરિબળ રહી નહિ, અમેરિકા અને રશિયા એ બંનેનો ભારત કે આ વિસ્તારના બીજા દેશોમાં રસ એ દ્વિપક્ષી (bilateral) કારણોને લીધે રહેતો હતો, વૈશ્વિક (global) કારણોને લીધે નહિ; પરંતુ કેટલાંક પ્રાદેશિક પરિબળો (regional factors) આ સંબંધોને અસર કરવાનાં હતાં; જેમ કે, અફઘાનિસ્તાનની ઘટનાઓ. ચીને ભલે અફઘાનિસ્તાનમાં સોવિયેત આક્રમણની ટીકા કરી હોય પણ તે પછી ઊભી થયેલી રાજકીય અસ્થિરતા અને તાલિબાન જેવા કટ્ટરપંથી ઇસ્લામિક જૂથની સત્તાપ્રાપ્તિ અને ત્રાસવાદી ઓસામા બિન લાદેન દ્વારા અફઘાનિસ્તાનને આશ્રયસ્થાન બનાવવાની ઘટના એ ચીનને પોતાના રાષ્ટ્રીય હિતમાં લાગી ન હતી. મધ્ય એશિયા પણ તેની આર્થિક સંપત્તિથી મહત્વનું બન્યું છે. આ વિસ્તાર સ્થિર રહે, ત્યાં ત્રાસવાદનો ફેલાવો ન થાય (જેની અસર ચીનના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તાર ઝીનઝ્યાંગ (Xinjiang) પ્રાંત પર પડી શકે એમ હતું.) અને તેના પર કોઈ એક વિશ્વસત્તાનું વર્ચસ્ ન સ્થપાય એમાં ચીનને પોતાનું રાષ્ટ્રીય હિત લાગ્યું છે. ચીન, રશિયા અને મધ્ય એશિયાનાં કેટલાંક રાજ્યોએ તો ત્રાસવાદ-વિરુદ્ધ સંગઠન પણ રચ્યું છે. ઉપરના બે વિસ્તારોની સ્થિરતામાં ભારતને પણ રસ છે. ભારત અને ચીનને નજીક લાવવામાં આ પરિબળ ભાગ ભજવી શકે.

શીતયુદ્ધના અંતથી એકધ્રુવી વિશ્વની રચના થઈ છે. આની સામે રશિયા-ચીન-ભારતની ધરી રચવાની વાત પ્રિમાકૉવે કરી હતી. જો આ ધરી સર્જાય તો શીતયુદ્ધના અંત પછી સર્જાયેલી વિશ્વવ્યવસ્થામાં એક નવા મહત્વના ઘટકનો ઉમેરો થાય; પણ આ વિચાર અવ્યવહારુ છે; પછી ભલે તેની વાતો રાજપુરુષોની કક્ષાએ પણ થતી હોય. રશિયા, ચીન, ભારતના પરસ્પરના સંબંધોનું સંચાલન આજે કોઈ વૈશ્વિક પરિબળના સંદર્ભમાં થતું નથી; પણ દ્વિપક્ષી ધોરણે થાય છે અને એ દરેકના અમેરિકા સાથેના સંબંધોનું સંચાલન પણ દ્વિપક્ષી ધોરણે થાય છે. આ ત્રણેય દેશોને અમેરિકા સાથેના સંબંધો તેમને ઉપયોગી લાગે એવા ક્ષેત્રમાં વિકસાવવામાં રસ છે.

ત્રાસવાદ એ વિશ્વના બધા વિસ્તારોમાં ફેલાયેલ વૈશ્વિક પરિબળ જરૂર છે. (તેને આચરતાં સંગઠનો વૈશ્વિક કડી ધરાવે છે.) રાજપુરુષો ત્રાસવાદના વૈશ્વિક સ્વરૂપની વાતો કરે છે, પણ વ્યવહારમાં તેઓ તેના સ્થાનિક પરિમાણો જ જુએ છે. આથી જો ભારત અને ચીનને એક જ ત્રાસવાદી સંગઠન કે સંગઠનો હેરાન કરતાં હોય તો જ ત્રાસવાદ ભારત અને ચીન માટે સ્થિર પાયા પર મૈત્રીભર્યા સંબંધોનું સર્જન કરી શકે. આ બંને દેશો એકબીજાના દેશમાં કામ કરતા ત્રાસવાદને ઉત્તેજન ન આપે એવી લઘુતમ અપેક્ષા રાખી શકાય.

આર્થિક સહકાર એ કેટલે અંશે ભારત અને ચીનને જોડનાર પરિબળ બની શકે એ મહત્વનો પ્રશ્ન છે. ચીનને ભારતે માહિતી-સંચારની ટૅક્નૉલૉજીમાં દવાઓ અને મનોરંજનને લગતા ઉદ્યોગોમાં તથા શિક્ષણમાં સાધેલા વિકાસ પ્રત્યે માન છે. ભારત આ વસ્તુઓ કે તેની ટૅક્નૉલૉજીના નિકાસની ભૂમિકા ભજવી શકે. ચીનનો વિશ્વ- વેપારસંસ્થામાં પ્રવેશ પણ ચીનમાં ભારતનું રોકાણ વધારવામાં ઉપયોગી થઈ શકે; પરંતુ બીજા દેશોમાં ભારતીય માલના પ્રવેશ માટે તેનાથી હરીફો પણ ઊભા થઈ શકે. વિશ્વ-વેપારસંસ્થામાં પ્રવેશ કરવા પહેલાં ભારત-ચીન વેપારને સ્પર્શતી કેટલીક વસ્તુઓના વેપારને નુકસાન ન થાય એવી બાંયધરી પણ ચીને આપી છે. ભારત-ચીનનો વેપાર 2001માં 3 બિલિયન ડૉલરનો હતો. વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચેના સંબંધોમાં પણ ઘણી બાબતોમાં બંને સમાન અભિગમ ધરાવે છે. સાથે સાથે વિદેશી રોકાણો પોતાના દેશમાં કરાવવાની બાબતે ચીન અને ભારત બીજા દેશોના સંબંધમાં એકબીજાના હરીફ પણ છે અને ચીનની સસ્તી વસ્તુઓ ભારતમાં અમુક ક્ષેત્રમાં પ્રવેશી ચૂકેલી છે, જેણે ચીની માલસામાનથી બજારો ઊભરાઈ રહ્યાં હોવાની પરિસ્થિતિ ઊભી કરી છે અને એ પ્રશ્નનો ઉકેલ પણ ભારતે યોગ્ય માધ્યમથી લાવવો પડશે.

દ્વિપક્ષી સંબંધોની બાબતમાં જ્યાં સુધી સરહદને સ્પર્શે છે ત્યાં સુધી ભારત મૅકમોહન રેખાની દક્ષિણના અરુણાચલના વિસ્તારનો કબજો ધરાવે છે, જ્યારે ચીન લડાખના જે વિસ્તારોના કબજાનો દાવો કરે છે તેવા પર અંકુશ ધરાવે છે, જે એક વાસ્તવિક અંકુશ માટેની કાલ્પનિક રેખા (notional line of actual control) દ્વારા અંકિત થયેલ છે. નરસિંહરાવની ચીનની મુલાકાત દરમિયાન અને ઝયાંગ ઝેમિનની ભારતની મુલાકાત દરમિયાન  એમ 1993 અને 1996માં બે મહત્વના કરારો થયા. આ કરારો નિશ્ચિત વિસ્તારમાંથી લશ્કર ખસેડવા અંગેના અને પરસ્પરના વિશ્વાસ-સંપાદન માટેના (confidence building measures) પગલાંની બાબતમાં હતાં. આને પરિણામે ભારત-ચીનની સરહદો પર વ્યવહારમાં શાંતિ પ્રવર્તે છે. આ કરારો એ કાયમી સમાધાનની યોજના માટે ન હતા અને બંને દેશોએ સરહદો અંગેના પોતાના દાવા જતા કર્યા નથી. આ ઉપરાંત રાજકીય રીતે તિબેટના કાર્ડનો ઉપયોગ ભારત કરતું નથી. અમેરિકા ભારતના કાર્ડનો ઉપયોગ ચીન સામે કરી શકે એવી વાતો થાય છે પણ અમેરિકા ચીનના સંબંધો એવા બગડ્યા નથી. તાઇવાનના પ્રશ્ર્ને સંઘર્ષ જ એ પરિસ્થિતિનું નિર્માણ કરી શકે. ભારતને પણ ચીન સાથેના સંબંધો સારા રાખવામાં રસ છે; કોઈનું કાર્ડ બનવામાં તેને રસ નથી. વળી 1962ના ભારત અને આજના ભારતમાં ફરક છે. આજનું ભારત ચીન-ફોબિયાથી પીડાતું નથી. 1962 પછીથી તેણે સતત પોતાની સંરક્ષણશક્તિ મજબૂત બનાવી છે. અણુશસ્ત્રો અને મિસાઇલો દ્વારા આજે તે ચીનનાં શહેરો પર હુમલો કરી શકે એમ છે. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનનો અભિગમ તેણે અપનાવ્યો છે. ભારતના નેતાઓ આ ઉપરાંત ચીન તરફથી કોઈ તાત્કાલિક ભય જોતા નથી.

બીજી બાજુએ ચીને પણ આજના આંતરરાષ્ટ્રીય રાજકારણનું એ અર્થકારણનું રાજકારણ છે એવું અર્થઘટન કર્યું છે. પાકિસ્તાનને અપાતી લશ્કરી સહાયને બાદ કરીએ તો ભારતના સંદર્ભમાં ચીનનાં ઘર્ષણ પેદા કરતાં કૃત્યો (hostile acts) ભાગ્યે જ નજરે પડે. જોકે રાજકીય કારણોસર ભારતીય નેતાઓ ચીનના ભયનો ઉલ્લેખ કરે છે. ભારત અને પાકિસ્તાને પણ દ્વિપક્ષી ધોરણે પોતાના ઝઘડા ઉકેલવા જોઈએ તેવી ચીન સલાહ આપે છે અને ક્લિન્ટનની આ વિસ્તારમાં મધ્યસ્થી બનવાની ઑફરને તેણે સ્વીકારી નથી. ભારત અને પાકિસ્તાને વેપાર વધારવા પર ધ્યાન આપવું જોઈએ એવી ચીન સલાહ આપે છે. ભૂતકાળમાં પાકિસ્તાન સિવાયના ભારતના પાડોશીઓ સાથેના ભારતના મતભેદોમાં ચીન ભારતવિરોધી વલણ અપનાવતું હતું. આજે તે ભારતના પાડોશી દેશોને પણ ભારત સાથેના ઝઘડા દ્વિપક્ષી ધોરણે ઉકેલવાની સલાહ આપે છે. ચીને એક વિશ્વસત્તાનું સ્વરૂપ ધારણ કર્યું છે; છતાં તેને પ્રાદેશિક પ્રશ્નોમાં રસ છે. ભારતે અણુશસ્ત્રો પ્રાપ્ત કર્યાં તે ચીનને ગમ્યું નથી, પણ ચીન વાસ્તવિકતાનો સ્વીકાર કરે છે અને પેટ ચોળીને શૂળ ઊભું કરવામાં તેને રસ નથી.

ભારત-નેપાળ સંબંધો : દક્ષિણ એશિયાના દેશોમાં નેપાળનું વિશિષ્ટ મહત્વ છે. તે ભારતનું ઉત્તરી પ્રવેશદ્વાર છે. તે દક્ષિણ એશિયાનો એવો દેશ છે જેને પોતાની સ્વતંત્રતા જાળવી રાખવામાં સફળતા મળી છે. તે બ્રિટનના અંકુશ હેઠળ પણ આવ્યું નથી.

આઝાદી પછીથી ભારતના નેપાળ સાથેના સંબંધો ભારતના બાંગ્લાદેશ સાથેના સંબંધો જેવા નથી. ઐતિહાસિક વિકાસ, ભૌગોલિક નિકટતા, સામાજિક-સાંસ્કૃતિક અસ્મિતા જેવાં કાયમી પરિબળોએ તેના પર અસર કરી છે. આ વારસાની રાજકીય, આર્થિક અને વ્યૂહાત્મક જેવાં તત્કાલીન પરિબળો સાથે આંતરક્રિયા થઈને સંઘર્ષ અને સહકારનાં વલણો પેદા થયાં છે. ભારતના રાજવીઓ અને નેપાળના રાજાઓ વચ્ચે બ્રિટિશ શાસન પહેલાં પણ સંબંધો હતા, પરંતુ રાષ્ટ્રવાદ અને સાર્વભૌમત્વ જેવાં પરિબળોને તેમાં સ્થાન ન હતું. નેપાળ પોતાની સ્વતંત્રતા વિશે સભાન હતું. 1923માં થયેલી એક સંધિમાં બ્રિટને તેની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વનો સ્વીકાર કર્યો હતો; પણ તેના બાહ્ય સંબંધોમાં અને આંતરિક સંચાલનમાં બ્રિટનનું જ પ્રભુત્વ હતું. નેપાળનો શાસક વર્ગ – રાણાઓ બ્રિટનને ખુશ રાખતા હોવાથી તેમને આંતરિક આધુનિકીકરણ કરવાની જરૂર લાગી ન હતી. બ્રિટનના શાસનના અભાવે નેપાળમાં ન થયું આધુનિકીકરણ કે ન થયો નેપાળી રાષ્ટ્રીયતાનો વિકાસ. ભારતમાં બ્રિટને ભલે પોતાના સ્વાર્થ માટે આધુનિકીકરણ કર્યું હોય પણ ભારતના લોકોને તેનો લાભ જરૂર મળ્યો. બ્રિટનની હકૂમતની વિરુદ્ધમાં ભારતીય રાષ્ટ્રીયતાનો વિકાસ પણ થયો. નેપાળમાં જે કંઈ થયું તેની અસર તેની ભારત સાથેની આંતરક્રિયા પર પણ થઈ.

ઐતિહાસિક પરિબળ કરતાં પણ વધુ અસર ભૌગોલિક પરિબળે કરી છે. સદીઓ સુધી નેપાળમાં પ્રવેશ ભારતમાંથી જ થઈ શક્યો છે. 1700 કિમી.ની સરહદને લીધે જો નેપાળ વેપાર માટે ભારત પર આધાર રાખે છે તો ભારત પણ પોતાની સલામતી માટે નેપાળ પર આધાર રાખે છે.

ભૌગોલિક રીતે ભારતમાંથી નેપાળમાં આસાનીથી પહોંચી શકાતું હોવાથી, ભારતના સાંસ્કૃતિક પ્રભાવની અસર પણ નેપાળ પર સહેલાઈથી પડે છે. ખાસ કરીને નેપાળની મોટાભાગની પ્રજા હિંદુ ધર્મ પાળે છે. તે નેપાળનો રાજ્યમાન્ય ધર્મ છે, આથી ભારત-નેપાળ સંબંધને માટે તે એક મજબૂત પાયો ઊભો કરે છે. સામાજિક-સાંસ્કૃતિક સંબંધના સંદર્ભમાં સરહદની આરપારના લગ્નસંબંધોનો ઉલ્લેખ કરી શકાય. આ પરિબળો બે દેશોના સંબંધને અમુક પ્રમાણમાં મજબૂત બનાવે છે. નેપાળના રાજવીઓને હિંદુ ધાર્મિક અને રાજકીય સંસ્થાઓ સાથે પણ સંબંધો છે. નેપાળના રાજવીએ નેપાળની પ્રજાના હિંદુ ધર્મનો ઉલ્લેખ ભારતના નેપાળના સંદર્ભમાં નિર્ણયને અસર કરવા કર્યો છે. બીજી બાજુએ વસ્તીની સરળતાથી થતી હેરફેર, રોજગારી, દાણચોરી અને નશીલી દવાઓના વેપારનો પ્રશ્ન પણ ઊભો કરે છે.

ભારત અને નેપાળના સંબંધને અસર કરનારાં આ કાયમી પરિબળો ઉપરાંત કેટલાંક બદલાતાં રહેતાં પરિબળો પણ છે. આ બંને દેશોના સંબંધને બંને દેશોનું આંતરિક રાજકારણ પણ અસર કરે છે. તેમાં પણ નેપાળના આંતરિક રાજકારણે આ બંને દેશોના સંબંધો પર વધુ પ્રભાવ પાડ્યો છે. તેનું એક કારણ નેપાળના આંતરિક રાજકારણમાં વધુ ઊથલપાથલ રહી છે તે છે. રાજાઓનું શાસન અને તેમની અપ્રિયતા, રાજાશાહીની લોકસ્વીકૃતિની કટોકટી, રાજા અને લોકશાહી પરિબળો વચ્ચેનો સંઘર્ષ આ ઊથલપાથલો માટે જવાબદાર છે. ભારત-નેપાળ સંબંધોને ભારતના એક વલણે અસર કરી છે. ભારતે નેપાળમાં આધુનિક અને પ્રગતિશીલ પરિબળોને ટેકો આપ્યો છે. આથી રાજાઓ સામે રાજાને અને રાજા સામે લોકશાહી પરિબળોને ટેકો આપ્યો છે. એક સમયનું પરિવર્તનશીલ પરિબળ બીજા સમયે રૂઢિચુસ્ત બનતાં આમ બન્યું છે. વળી આવું બને ત્યારે ભારતે તેનો વિરોધ કરતાં નેપાળ-ભારત મૈત્રીને મોટો ફટકો પડ્યો છે. મૂળભૂત રીતે ભારત અને નેપાળનાં રાજ્યો વચ્ચેનો ભેદ મહત્વનો છે. નેપાળ સામંતશાહી રાજ્ય છે. જ્યાં સુધી આ રાજ્યનું સ્વરૂપ આ પ્રકારનું છે ત્યાં સુધી ભારત નેપાળના સંબંધોમાં કટોકટીઓ આવતી રહેશે. જોકે એક પ્રશ્ન ઉપસ્થિત કરવો જોઈએ કે પરિવર્તનની કેટલી માત્રા ભારત-નેપાળના સંબંધોને માટે હકારાત્મક બની શકે ? નેપાળમાં સત્તા-પરિવર્તન ચાહતા માઓવાદીઓ ભારતને ભાગ્યે જ ગમી શકે ! વાસ્તવમાં તેમને કચડવા માટે ભારત નેપાળને મદદ કરી રહ્યું છે. આનાથી એક મૂળભૂત પ્રશ્ન ઊભો થાય છે : આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સાર્વભૌમ રાજ્યોએ એકબીજાના દેશના આંતરિક રાજકારણમાં દખલ કરીને, પોતાને ગમે તેવી શાસન-વ્યવસ્થા બીજા દેશમાં લાદવાના કે એવા પ્રયત્નોને ઉત્તેજન આપવાના પ્રયત્નો કરવા જોઈએ કે કેમ.

ભારતે નેપાળ તરફ કેવી નીતિ અપનાવવી જોઈએ એ પોતે જ ભારતના આંતરિક રાજકારણમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. ઉદાહરણ તરીકે નહેરુના શાસનમાં કેટલાક રાણાના શાસનના પરિવર્તનના વિરોધી હતા; બીજી બાજુએ કેટલાક રાજાશાહીને જ નાબૂદ કરીને પ્રજાસત્તાકની સ્થાપના કરવાની હિમાયત કરતા હતા, જ્યારે જવાહરલાલ નહેરુ મધ્યમ માર્ગની હિમાયત કરતા હતા. આવું ત્યાર પછી પણ બન્યું છે.

આ ઉપરાંત ભારતીય રાજ્યે ‘રાષ્ટ્રીય સલામતી રાજ્ય’(National Security State)નું સ્વરૂપ ધારણ કર્યું છે. ચીન સાથેનું 1962નું યુદ્ધ, પાકિસ્તાન સાથેની મુશ્કેલીઓ, ભારતમાં ઊભા થયેલા ત્રાસવાદીઓના અને અખંડિતતા સામેના પડકારોની અસર પણ બંને રાજ્યો વચ્ચેના સંબંધો પર પડી છે. ભારતને અનિચ્છનીય લાગતાં કેટલાંક તત્ત્વોએ નેપાળમાં આશરો લેતાં ભારતની ચિંતા વધી છે. સલામતીના પ્રશ્નને કારણે ભારત-નેપાળના સંદર્ભમાં પોતાની માગણીઓ અંગે વધુ આગ્રહી બન્યું છે. સાથે સાથે નેપાળની રાજાશાહીની આંતરિક સ્થિરતાની માગણી અંગે ભારત વધુ સંવેદનશીલ બન્યું છે. જોકે ભારતની નીતિમાં આવેલ આ નાજુક પરિવર્તન નેપાળના રાજવી સમજી શક્યા ન હતા.

આ બે દેશોના સંબંધમાં એક બીજું મહત્વનું પરિબળ હતું, આ સંબંધોનો આંતરરાષ્ટ્રીય સંદર્ભ. અમેરિકા અને પાકિસ્તાનનું જોડાણ અને ભારતની બિનજોડાણની નીતિ અમેરિકાને ભારતના પડોશી દેશોને ટેકો આપવા તરફ લઈ ગયું અને રશિયાને ભારતને ટેકો આપવા તરફ લઈ ગયું. અમેરિકા, પાકિસ્તાન અને ચીનની ધરી અને રશિયા અને ચીનના સંબંધોમાં ભંગાણથી આ પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું નહિ અને ભારત અને સોવિયેત સંઘના સંબંધો વધુ મજબૂત બન્યા. સર્વોચ્ચ સત્તાઓની હરીફાઈએ ભારતના પાડોશી દેશોને ભારત સામે વધુ રાજકીય જગ્યા કરી આપી. નેપાળે આનો લાભ ભારતના સંદર્ભમાં સોદાબાજી કરીને વધુ સારી પરિસ્થિતિ પ્રાપ્ત કરવામાં અને રાજાશાહીને મજબૂત બનાવવામાં કર્યો.

શીતયુદ્ધના અંતથી આ પરિસ્થિતિમાં પરિવર્તન આવે છે કે નહિ એ મહત્વનો મુદ્દો છે. સર્વોચ્ચ સત્તાઓની હરીફાઈનો અંત આવતાં ભારત-નેપાળ સંબંધ પર તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે. આથી નેપાળ જેવાં રાજ્યોને માટે રાજકીય જગ્યા (political space) ઓછી થઈ જાય છે. આ સંદર્ભમાં પ્રાદેશિક સંદર્ભ અને દ્વિપક્ષીય સંદર્ભ મહત્વનો બને છે.

ભારત અને ચીનની હરીફાઈ અને યુદ્ધ(1962)થી નેપાળને ભારત અને ચીનનો ઉપયોગ એકબીજાની સામે કરવાની તક મળી, જોકે 1962ના યુદ્ધમાં ભારતને મળેલા પરાજયથી ચીનનું પલ્લું ભારી બનતાં, તેનો ઉપયોગ ભારત સામે કરવાનું, ભારતના ચીન સામે ઉપયોગ કરવા કરતાં વધુ શક્ય અને ઉપયોગી બન્યું. જોકે ચીનના ભારત સાથેના યુદ્ધથી નેપાળ જેવા રાજ્ય સામે આક્રમક ચીનનો ભય પણ ઊભો રહેતો જ હતો. ભારત અને ચીનનો સરહદી સંઘર્ષ જ્યાં સુધી સક્રિય હતો અને એમની વચ્ચે તંગદિલીભર્યા સંબંધો હતા ત્યાં સુધી આવું શક્ય હતું; પરંતુ સરહદો શાંત બને અને ભારત અને ચીનને સરહદી ઝઘડાને ઉપસાવવામાં રસ હોય તો નેપાળને આ લાભ મળે એમ ન હતું. 1980ના દાયકાથી જ ચીને નેપાળ કે બીજાં રાજ્યોમાં આર્થિક રસ કે શસ્ત્રો વેચવાનો રસ બતાવ્યો હોય, પણ નેપાળ અને બીજાં પાડોશી રાજ્યોને ભારત સાથેના તેમના ઝઘડા દ્વિપક્ષી ધોરણે પતાવવાની સલાહ આપી હતી અને ભારતીય ઉપખંડની સ્થિરતા પર ભાર મૂક્યો હતો. પાકિસ્તાનના ભારત-વિરોધી વલણને કારણે તેણે પણ કેટલાક પ્રસંગોએ નેપાળ સાથે હાથ મિલાવ્યા છે. નેપાળમાં આઇએસઆઇ(ISI)ના કાર્યકરો છુપાયેલા છે એવો આક્ષેપ પણ થયો. 1999માં ઇન્ડિયન ઍરલાઇન્સના વિમાનના અપહરણને કારણે ભારતના નેપાળ સાથેના સંબંધો સારા એવા પ્રમાણમાં બગડ્યા હતા.

ભારત અને નેપાળના દ્વિપક્ષી સંબંધોના પ્રશ્નો આથી સૌથી મહત્વના બને છે. 1950માં આ બે દેશો વચ્ચે થયેલી સંધિએ તેમની વચ્ચેના સંબંધોનું માળખું રચ્યું છે. આ સંધિ ભારતની તરફેણમાં સામ્રાજ્યવાદલક્ષી છે અને તેના પર સહી કરવાની ભારતે નેપાળને ફરજ પાડી હતી એવા આક્ષેપો થયા છે. સંધિની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે જ સામ્યવાદીઓ ચીનમાં સત્તા પર આવ્યા હતા અને તેઓ તિબેટ પર આક્રમણ કરશે એવો ભય ઊભો થયો હતો; આથી સલામતીની ચિંતાનો પ્રભાવ સંધિ પર પડ્યો. ભારત સાથે મળીને નેપાળે સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય બનવાની અરજી કરી હતી. નેપાળમાં રાણા અને તેમનાં વિરોધી પરિબળો વચ્ચેના સંઘર્ષમાં રાણાઓને ભારતના ટેકાનો ભરોસો ન હતો. આથી પણ સંધિ અમુક પ્રમાણમાં ભારત તરફી બની હતી. 1923માં બ્રિટનની નેપાળ સાથે થયેલી સંધિમાં નેપાળના સાર્વભૌમત્વનો ઉલ્લેખ થયો ન હતો. એનું એક કારણ એ હતું કે બ્રિટનના તેની સાથે થયેલા યુદ્ધ બાદ અને નેપાળને પરાજય આપ્યા પછી કરવામાં આવી હતી. 1950ની સંધિમાં બંને દેશોએ એકબીજાના સ્વાતંત્ર્ય, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને માન આપવાનું કબૂલ કર્યું હતું. સંધિમાં ‘જોડાણ’ શબ્દનો ઉપયોગ રાખવામાં આવ્યો હતો, પરંતુ બંનેએ બીજા દેશને કોઈ ત્રીજા પાડોશી દેશ સાથેના સંબંધમાં કંઈ બને અને તેની અસર ભારત-નેપાળના સંબંધ પર પડે તો તેની જાણ એકબીજાને કરવાનું કબૂલ કર્યું હતું. ‘પાડોશી’ શબ્દનું અર્થઘટન અહીં ‘વિશાળ’ એવું કરવામાં આવ્યું હતું. આક્રમણના સંજોગોમાં બંનેએ એકબીજાની સાથે મંત્રણા કરીને પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 1959માં ચીનની ધમકીના સંદર્ભમાં આ સંધિના ઉપયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

બંનેએ એકબીજાની સલામતી માટે ભયજનક લાગતા વિદેશીઓને રાખવા (employ) નહિ એવી જોગવાઈ પણ કરવામાં આવી. ભારતમાંથી નેપાળમાં આવતાં શસ્ત્રો પર ભારતની મંજૂરીને આવશ્યક બનાવવામાં આવી. ભારત તેને શસ્ત્રો ન આપે, નેપાળને તે બીજેથી આયાત કરવાં પડે અને ભારત વાંધો ઉઠાવે તો શું ? નેપાળમાં આવતાં શસ્ત્રોનો ઉપયોગ આંતરિક વિરોધને કચડવામાં કરાય તો શું ? 1960-62ની ચીન સાથેની કટોકટીના સંદર્ભમાં ભારતે આપેલાં શસ્ત્રો, ત્રાસવાદીના હાથમાં પહોંચે તો શું ? આ સંધિ સાથે 1923ની સંધિની જેમ વેપારી કરાર ન હતો. તેને માટે એક અલગ કરાર કરવામાં આવ્યો હતો. સંધિનું એક હકારાત્મક પાસું એ હતું કે બંને દેશોએ પોતાના દેશમાં વસતા બીજા દેશના નાગરિકોની સાથે સમાન વર્તન કરવાની અને વેપારમાં પણ સમાન સુવિધા આપવાની જવાબદારી બંને સરકારોને માટે નક્કી કરવામાં આવી. નેપાળના વિકાસમાં ભાગ લેવાની ભારતની શરતો જો બીજા દેશો કરતાં ઊતરતી ન હોય તો તેને પસંદગી આપવી. જોકે નેપાળે ભારતના સંદર્ભમાં આવી ઇચ્છા ન રાખી, કારણ કે નેપાળ બીજા દેશો સાથે બરોબરી કરી શકે એમ ન હતું.

1955માં રાજા ત્રિભુવનના મરણ પછી પરિસ્થિતિ બદલાઈ. નેપાળના ગૌરવ અને સ્વાતંત્ર્ય અંગે તેમના પોતાના ખ્યાલ હતા. નેપાળ કૉંગ્રેસની બીક પણ તેમને હતી. બી. પી. કોઈરાલાની સરકારને રાજાએ બરતરફ કરી. ભારતની સરકારે આ પગલાની ટીકા કરી, જેને રાજાએ નેપાળના મામલામાં આંતરિક દરમિયાનગીરી તરીકે વર્ણવી. આ ઘટના પછી 1960ની સંધિના ધોવાણની પ્રક્રિયાને ઉત્તેજન આપ્યું. સલાહકારી જૂથો કે લશ્કરી મિશનોને કાં તો બંધ કરવામાં આવ્યાં કે તેનું કદ ઘટાડવામાં આવ્યું. ભારતની લશ્કરી પ્રવૃત્તિ પર નેપાળમાં મુકાયેલ અંકુશ અને 1961માં કોઈરાલાને જેલમાંથી છોડ્યા બાદ નેપાળ કૉંગ્રેસની ભારતમાં પ્રવૃત્તિઓએ બે દેશો વચ્ચેના સંબંધો બગાડ્યા. બંને દેશો વચ્ચે સંધિની કલમોની કે તેના અર્થઘટનની બાબતમાં કે તેના અમલને અનુલક્ષીને થતી પ્રવૃત્તિઓના સંદર્ભમાં આ પછી સોદાબાજી થતી રહી છે. 1988માં ચીન દ્વારા ફેંકી દેવાની કિંમતે અને સીધી રીતે નેપાળમાં આવેલાં શસ્ત્રોનો પ્રશ્ન ઊભો થયો. આ શસ્ત્રોથી સંધિની કલમનો ભંગ થતો ન હતો, પણ સંધિની ભાવના તેનાથી હણાતી હતી. શસ્ત્રો કરતાં પણ તેના ભાવિ સૂચિતાર્થો ચિંતાજનક હતા.

સલામતી સિવાયનાં અન્ય ક્ષેત્રોમાં પણ સંધિની જોગવાઈઓનું સીધી કે આડકતરી રીતે ધોવાણ થતું હતું; દા. ત., નેપાળની સરકારે 1957માં શાળામાં શિક્ષકોની રોજગારી માટે નેપાળની નાગરિકતાનું સર્ટિફિકેટ અનિવાર્ય બનાવ્યું; જેનાથી ભારતીયોની રોજગારીને અસર પડી. ફેરિયાઓ, બાંધકામના કામદારો, ભિખારીઓને પણ ભારત ધકેલી મૂકવામાં આવ્યા. ભારતના લોકો દ્વારા નેપાળમાં સંપત્તિ ખરીદવા પર 1958માં પ્રતિબંધ મુકાયો. રોજગારી માટે ‘વર્ક-પરમિટ’ જરૂરી બનાવવામાં આવી. ભારતની શરતોને લક્ષમાં લીધા વિના ચીનને ઔદ્યોગિક પ્રોજેક્ટ માટે પરવાનગી આપવામાં આવી. અમેરિકા અને સોવિયેત સંઘે પણ આ અંગે વિરોધ ઉઠાવ્યો. જોકે વિવિધ દબાણોને કારણે નેપાળે કેટલાક ફેરફાર કર્યા.

ભારત-ચીનની હરીફાઈ અને અમેરિકાના સમયે-સમયે બદલાતા હિતના સંદર્ભમાં ઉપર દર્શાવેલાં પરિવર્તનો આવ્યાં.

1973થી ઘડાતો અને 1975માં જાહેર કરાયેલ ‘શાંતિનો વિસ્તાર’(zone of peace)નો ઠરાવ પણ નેપાળ અને ભારતના સંબંધોમાં એક વિવાદાસ્પદ મુદ્દો બન્યો. સાત મુદ્દાઓનો આ ઠરાવ વાસ્તવમાં વિગતે 1982માં બહાર પડ્યો. બિનજોડાણની નીતિ, ઝઘડાઓની શાંતિમય પતાવટ, બીજાં રાજ્યોના આંતરિક મામલામાં બિનદરમિયાનગીરી, થયેલી સંધિને માન, બીજાં રાજ્યોની વિરુદ્ધ પ્રવૃત્તિ નેપાળમાં ન થવા દેવી અને બીજાં રાજ્યોને લશ્કરી મથકો નેપાળમાં સ્થાપવા દેવાનો ઇનકાર જેવા મુદ્દાઓ તેમાં હતા. નિર્દોષ લાગતો આ ઠરાવ, ભારતને 1950ની સંધિ દ્વારા ભારત સાથે સ્થપાયેલા વિશિષ્ટ સંબંધોને નકારતો હોય એમ લાગ્યું હતું.

ભારત અને નેપાળ વચ્ચેના સંબંધમાં વેપારનો પ્રશ્ન મહત્વનો રહ્યો છે. 1950માં આને અંગે એક કરાર થયો હતો. 1960માં એક નવી વેપારસંધિ કરવામાં આવી, જેનો હેતુ વેપાર વધારવા ઉપરાંત ‘અન્ય દેશો સાથે વેપાર વધારવાનું સરળ બનાવવા’નો પણ હતો. વળી એનો હેતુ એક યા બીજા દેશની વસ્તુ ગેરકાનૂની રીતે ત્રીજા દેશમાં ન પહોંચે તે જોવાનો પણ હતો. ભારતે નેપાળ સાથે ‘સામાન્ય બજાર’-(common market)ની સાથે ‘સૌથી અનુકૂળ રાષ્ટ્ર’(most favoured nation)ની નીતિ અપનાવી હતી.

1960 પછી નેપાળે ભારતીય વસ્તુઓ તરફ ભેદભાવની નીતિ અપનાવી. નેપાળે ભારત સિવાય પણ પોતાને માટે વસ્તુઓ પ્રાપ્ત કરવા માટેના માર્ગો મળે તેવા પ્રયત્નો કર્યા. 1978માં એક નવી વેપારસંધિ થઈ. ચીનાઓની વસ્તીની તરફેણની નીતિ નેપાળનો ‘શાંતિના વિસ્તાર’નો ઠરાવ વગેરે ભારતને ત્રાસજનક લાગતા હતા. આથી ભારતે, ભારતમાંથી નેપાળ જવાના માર્ગોમાંથી ભારત-નેપાળ સીમા પરના બે મથકો અને એક ભૂતાન અને નેપાળ સીમા પરનું તથા એક બાંગ્લાદેશ-નેપાળ સીમા પરનું – એ પારગમન મથકોને બાદ કરતાં બીજા સીમા-પારગમન-મથકો 1989માં બંધ કર્યાં. 1990માં આ બંનેય દેશોમાં નવી સરકારો સત્તા પર આવતાં 1987 પહેલાંની સ્થિતિની પુન:સ્થાપના કરવામાં આવી. વેપાર અને પારગમન અંગેની અલગ અલગ સંધિ દ્વારા વેપારને સામાન્ય (normalise) કરવામાં આવ્યો.

1990ના દાયકામાં ભારતીય વિમાનનું અપહરણ, 2001માં રાજમહેલનાં ષડ્યંત્રો અને ખૂનખરાબી અને 2001ની સાલના અંત ભાગમાં માઓવાદી ગેરીલાઓને દબાવવા કટોકટીની જાહેરાત – એ આ પછીની મહત્વની ઘટનાઓ છે. વિમાન-અપહરણની ઘટનાએ તણાવ અને ટીકાનું વાતાવરણ સર્જ્યું અને સ્વ-તપાસની જરૂરિયાત પર ભાર દર્શાવ્યો; પણ ભારત-નેપાળના સંબંધોમાં મૂળભૂત રીતે પરિવર્તન આણ્યું નથી. જોકે આ ઘટનાના એક વર્ષ પછી મોટા પ્રમાણમાં ભારતવિરોધી દેખાવો અને હિંસાનું સર્જન થયું હતું, જેમાં લોકોનો રોષ પહેલી વાર જોવા મળ્યો. મહેલની કક્ષાના બળવાએ ‘ત્રણ દિવસમાં ચાર રાજાઓ’ની ઘટના બતાવી. રાજા જ્ઞાનેન્દ્રે શાસન કરવા માટે મનોવૃત્તિ બતાવી છે, જે જરૂરી એટલા માટે છે કે માઓવાદી હિંસાનું એક કારણ રાજકીય અસ્થિરતા અને બહુપક્ષી લોકશાહીની નિષ્ફળતા છે. ભારતની સરકારે માઓવાદી હિંસા સામે રાજવીને પૂરો ટેકો આપ્યો છે. શીતયુદ્ધના અંતથી સર્જાયેલી નવી સ્થિતિ, 11મી સપ્ટેમ્બર(2001)ની ઘટના, માઓવાદી હિંસા, ભારત-નેપાળના સંબંધને મજબૂત બનાવશે એમ મનાય છે. એકંદરે આંતરરાષ્ટ્રીય રાજકારણનું સ્વરૂપ બદલાયું છે, જેમાં આર્થિક પરિબળનું મહત્વ વધ્યું છે તે પણ બંનેએ લક્ષમાં રાખવું હવે જરૂરી છે. નેપાળે પણ પોતાની મનોવૃત્તિ બદલવી અનિવાર્ય છે. એક ખૂબ શક્તિશાળી દેશ અને બીજો બીજી રીતે મહત્વનો પણ સત્તાની દૃષ્ટિએ બિનનોંધપાત્ર દેશ  એ બે વચ્ચેની સત્તાની અસમતુલાની ગ્રંથિને કારણે લઘુતાગ્રંથિથી પીડિત નાના દેશનો ખ્યાલ – એ હકીકત હોય તોપણ આંતરરાષ્ટ્રીય રાજકારણની બીજી હકીકતને પણ તેણે લક્ષમાં રાખવી રહી. પાણી એ મહત્વની કુદરતી સંપત્તિ છે. તેના ઉપયોગ માટેની મહત્ત્વાકાંક્ષી મહાકાલી સંધિનો દાખલો અગત્યનો છે. 1995માં વિચારાયેલ આ સંધિ પર 1997માં સહી-સિક્કા થયા. નેપાળ પાસે વિપુલ જળવિદ્યુત શક્તિ છે, જેની ભારતને જરૂર છે. આ જળવિદ્યુત શક્તિ નેપાળને માટે મહત્વનું આવકનું સાધન બની શકે છે. આ પછી નેપાળમાં ભારતના ખાનગી ઉદ્યોગ દ્વારા આ ક્ષેત્રમાં રોકાણની વિચારણા થવા માંડી; પરંતુ મહાકાલી સંધિનો અમલ ખૂબ ઢીલો છે. નેપાળ હજુ ગ્રંથિનું શિકાર બનેલું જ છે. 1996માં એક વેપારી કરાર થયો, જે નેપાળની વસ્તુઓને ભારતમાં જકાત વગર આવવાની પરવાનગી આપે છે. આ વસ્તુઓનું ઉત્પાદન કરનાર ક્ષેત્રમાં તેનાથી ભારતીય રોકાણ (ખાનગી) માટે માર્ગ મોકળો થયો. અટલબિહારી વાજપેયીના સત્તા પર આવ્યા પછી દર સાત વર્ષે પુનર્જીવિત કરાતી પારગમન(transit)ની સંધિને આપોઆપ પુનર્જીવિત થતી કરવામાં આવી છે. (સિવાય કે બેમાંથી કોઈ પક્ષ દ્વારા તેને પુનર્જીવિત ન કરવા અંગે લખવામાં આવે.)

ટૂંકમાં, ભારત અને ચીનની સલામતી(કરમાપ્પા-ઘટના, Karmappa Episode)ની આશંકાઓને નેપાળ લક્ષમાં લે, સત્તા અંગેની લઘુમતી ગ્રંથિની ઉપરવટ જવાનો પ્રયત્ન કરે, આર્થિક પાસાંને મહત્વ આપે તો ભારત-નેપાળ સંબંધનું ભાવિ ઊજળું છે.

ભારત-પાકિસ્તાન સંબંધો : 1947માં એક જ દેશમાંથી સ્વતંત્ર, સાર્વભૌમ બનેલા આ બે દેશોના સંબંધો પર અનેક પરિબળોએ અસર કરી છે. આંતરિક પરિબળો (બંને દેશોને સ્પર્શતાં) અને બાહ્ય – એમ બંને પરિબળોએ આ સંબંધોને અસર કરી છે. કેટલાક ભારતીય નેતાઓએ શરૂઆતમાં આ બંનેના સંઘર્ષમય સંબંધોને બાહ્ય પરિબળોના સંદર્ભમાં જ સમજવાની કોશિશ કરી છે. ભારતના પૂર્વ સંરક્ષણ પ્રધાન કૃષ્ણમેનને પાકિસ્તાનના ભારત તરફના આક્રમક વલણને બ્રિટનના કે અમેરિકાના કે પશ્ચિમના દેશોના મદદભર્યા વલણના સંદર્ભમાં સમજાવવાનો જ પ્રયત્ન કર્યો છે. પાકિસ્તાનનું અસ્તિત્વ જ બ્રિટિશ સામ્રાજ્યવાદની આડપેદાશ છે. અહીં પાકિસ્તાનના સર્જનને એક અલગ મુસ્લિમ રાષ્ટ્રીયતાના વિકાસ તરીકે જોવામાં આવતું નથી. આથી ઊલટું પાકિસ્તાની દૃષ્ટિબિંદુ એવું છે કે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ અને માઉન્ટબેટને મળીને સાચા અર્થમાં જે ભૌગોલિક વ્યાપવાળું પાકિસ્તાન મુસલમાનોને જોઈતું હતું તેવું પાકિસ્તાન પામવા નથી દીધું. વાસ્તવમાં કૉંગ્રેસનો ભાગલાનો વિરોધ જ (પછી ભલે તે શુભ નિષ્ઠાથી કરવામાં આવ્યો હોય.) પાકિસ્તાનના અગ્રવર્ગના મનમાં ભારત સાથેના સારા સંબંધોને માટે એક પ્રકારની આડખીલીરૂપ બની ગયો હતો.

ભારત-પાકિસ્તાનના સંબંધો અનેક પ્રકારનાં સમાન રસ અને હિત છતાં સુમેળભર્યા બન્યા નથી. ભૌગોલિક નિકટતા જ નહિ પણ કુદરતી સંપત્તિની દૃષ્ટિએ જોઈએ તો ભારત અને પાકિસ્તાન એક જ એકમ લાગે છે. હિંદુ અને મુસ્લિમ એમ બંને પ્રજાએ બ્રિટનના કડવા શાસનનો અનુભવ કર્યો છે. સમાન સાંસ્કૃતિક, ભાષાકીય વારસાને તેમણે સહભાગીદારીમાં માણ્યો છે. જાહેરમાં ભારતીયો અને ખાનગીમાં પાકિસ્તાનીઓ એક પ્રકારનો અફસોસ વ્યક્ત કરે છે કે ભારત અને પાકિસ્તાન જો એક જ દેશ હોત તો તે દેશ કેટલો શક્તિશાળી હોત (ભારત અને પાકિસ્તાનની જો એક જ ક્રિકેટ ટીમ હોત તો વિશ્વમાં તે વિજેતા બની હોત.). ભારતમાં પણ કેટલાંક તત્ત્વો ભારત અને પાકિસ્તાનના એક અખંડ હિન્દુસ્તાનને માત્ર ભૂતકાળ તરીકે જ નહિ પણ ભવિષ્યકાળ તરીકે જુએ છે. કેટલાક તો ભારત એક અખંડ હિંદુસ્તાન રચવાની ક્ષમતા ધરાવે છે એમ માને છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે એકવીસમી સદીના વિશ્વમાં અને અણુશસ્ત્રો ધરાવતા ભારત અને પાકિસ્તાનના આ ઉપખંડમાં આ સ્વપ્નની ઇચ્છાની વાત કરીએ તોપણ એ શક્ય નથી.

પાકિસ્તાનીઓ એવી દલીલ કરે છે કે ભારતને સ્વતંત્ર પાકિસ્તાનની રચના અને અસ્તિત્વ જ ગમતાં નથી. (જોકે ભારતની આજની મોટાભાગની વસ્તીને માટે સ્વતંત્ર પાકિસ્તાનની રચના એ ઐતિહાસિક અને સૈદ્ધાંતિક પ્રશ્ન બની ગયો છે. જ્યાં સુધી અસ્તિત્વને સ્પર્શે છે ત્યાં સુધી સ્વતંત્ર પાકિસ્તાનને મોટાભાગના ભારતીયોએ સ્વીકારી જ લીધેલું છે અને તેઓ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે. જોકે પાકિસ્તાને ભારતને માટે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.) ભારતે જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરમાં લીધેલાં પગલાં પણ પાકિસ્તાનને ખટક્યાં છે. બાંગ્લાદેશની આઝાદીમાં ભારતે ભજવેલી ભૂમિકા તેમને માટે ભારતને સ્વતંત્ર પાકિસ્તાન અને તેની પ્રાદેશિક અખંડિતતા ખપતાં નથી એવા વિચારના પુરાવારૂપ લાગે છે. જોકે એ ભૂલવું ન જોઈએ કે બાંગ્લાદેશ પહેલાં 1948 અને 1965માં પણ પાકિસ્તાને ભારત સાથે યુદ્ધની શરૂઆત કરી હતી. એક નાના દેશને (ભારતની તુલનામાં) મોટા દેશ તરફથી આથી સ્વાભાવિક રીતે અસલામતી લાગે (ઉપરના સંદર્ભમાં) એવું એક અર્થઘટન કરવામાં આવે છે. વળી પાકિસ્તાનને ભારતીય ઉપખંડમાં ભારતનું વર્ચસ્વ સ્થપાય એ સ્વીકાર્ય ન હોય. પાકિસ્તાને જ્યારે પોતાનું અસ્તિત્વ જ ‘અમે ભારત નથી’ ‘not India’ના ધોરણે વ્યક્ત કર્યું હોય ત્યારે આ કેવી રીતે બની શકે ? જો પાકિસ્તાને ભારતની શક્તિ અને ક્ષમતાના સંદર્ભમાં ભારતનું આધિપત્ય સ્વીકાર્યું હોત તો ભારત-પાકિસ્તાન સંબંધોનું ભાવિ અલગ પ્રકારનું હોત.

એક વિચારસરણી ભારત-પાકિસ્તાન વચ્ચેના મનમેળના અભાવને હિંદુ-મુસલમાન વચ્ચેના વર્ષોજૂના ચાલતા સંઘર્ષની સાથે સાંકળે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને આ વિચારસરણી હિંદુ-મુસ્લિમ સંઘર્ષના વિસ્તાર તરીકે (એક રાષ્ટ્રમાં ચાલતા સંઘર્ષનો બે રાષ્ટ્ર વચ્ચે ચાલતા સંઘર્ષમાં વિસ્તાર) જુએ છે. પ્રશ્ન એ છે કે આ બંને પ્રજા વર્ષો સુધી એકબીજીની સાથે પણ રહી છે અને એ સંબંધોમાં સહકારનાં તત્ત્વો પણ હતાં જ.

શિશિર ગુપ્તાના મતે ભારત-પાકિસ્તાનના સંબંધોમાં સંઘર્ષ એ મુસ્લિમ લીગ અને કૉંગ્રેસની બે વિચારસરણીઓ વચ્ચેનો સંઘર્ષ છે. કૉંગ્રેસ પક્ષ બિનસંપ્રદાયવાદની વિચારસરણીને રજૂ કરતો હતો, જ્યારે લીગ એક પક્ષ તરીકે ધર્મ-આધારિત રાજ્યની વિચારસરણીને રજૂ કરતો હતો. કૉંગ્રેસને માટે પાકિસ્તાનની રચના એ તેમની વિચારસરણી-વિરુદ્ધ આપેલ છૂટછાટ(કન્સેશન)ને કારણે થઈ, પણ હવે કાશ્મીરમાં કે બીજે તે આ વિચારસરણીનો ભોગ આપવા તૈયાર ન હતો. બીજી બાજુએ લીગને માટે પાકિસ્તાનની રચના ત્યાં સુધી પૂર્ણ ન ગણાય જ્યાં સુધી કાશ્મીર, પાકિસ્તાનનો ભાગ ના બને. આઝાદી પછીની અચોક્કસ સરહદોએ આ બે વિચારસરણીઓના સંઘર્ષ માટે મેદાન પૂરું પાડ્યું. આનો અર્થ એવો પણ નથી કે કૉંગ્રેસની કે લીગની વિચારસરણીમાં આંતરિક મતભેદો ન હતા.

ભારતના પાકિસ્તાન સાથેના સંબંધો પર અસર કરનાર એક બીજું પરિબળ એ હતું કે મુસલમાનો પોતે શાસક વર્ગની ગ્રંથિથી પીડાતા હતા. હિંદુઓને તેઓ પોતાનાથી ઊતરતા માનતા હતા. યાહ્યાખાને ડૉ. હેન્રી કિસિંજરને કરેલી વાત  જેમાં ભારતના મોટા લશ્કર તરફ ડૉ. કિસિંજરે દોરેલા ધ્યાનના સંદર્ભમાં યાહ્યાખાને માન્યતા વ્યક્ત કરી હતી કે મુસલમાનો લડાયક જાતિના છે અને ભારતનું મોટું લશ્કર મહત્વનું નહિ બને એ પણ આવા જ અપરિપક્વ વિચારો પાકિસ્તાનના અગ્રવર્ગમાં પ્રવર્તતા હોવાની પ્રતીતિ કરાવે છે. ભારત દ્વારા પાકિસ્તાનનો બાંગ્લાદેશના યુદ્ધમાં પરાજય એ પાકિસ્તાનના અગ્રવર્ગને આંચકો આપનારો હતો. આ પ્રકારના માનસથી જ કદાચ પાકિસ્તાન ભારત સાથે વારંવાર યુદ્ધ કરવા પ્રેરાયું હશે.

પાકિસ્તાનની રાજકીય અસ્થિરતા, લોકશાહીની નિષ્ફળતા અને લાંબા સમયના લશ્કરી શાસને પાકિસ્તાનની પ્રજાને તેમના દેશની રાજકીય પરિસ્થિતિની તુલના ભારત સાથે કરવા પ્રેર્યું છે. આનાથી એક પ્રકારની ઈર્ષ્યા તેમનામાં પેદા થઈ છે. જોકે પાકિસ્તાની અગ્રવર્ગ ભારતને મૉડેલ તરીકે ગણવા તૈયાર નથી. લાંબા સમય સુધી એક સ્વતંત્ર મુસ્લિમ રાજ્ય તરીકે પાકિસ્તાન માટે તેને ગૌરવ હતું. જોકે આ સાથે તેને પોતાની અસ્મિતા કઈ રીતે વિકસાવવી એને અંગે દ્વિધાઓ પણ હતી. તેણે એક ચુસ્ત ઇસ્લામિક રાષ્ટ્ર બનવું કે આધુનિક મુસ્લિમ રાષ્ટ્ર બનવું ? તે એક દક્ષિણ એશિયાનું રાષ્ટ્ર છે કે મધ્યપૂર્વનું ? ત્રીજા વિશ્વના દેશ તરીકે તેણે બિનજોડાણની નીતિ અપનાવવી કે નહિ ? આવી દ્વિધાઓએ પણ પાકિસ્તાનના ભારત સાથેના સંબંધોને અસર કરી છે. ટૂંકમાં, રાષ્ટ્રીય અસ્મિતાની શોધના પ્રશ્નો એ પાકિસ્તાનને માટે મૂંઝવતા પ્રશ્નો બન્યા છે.

પાકિસ્તાને આ સમસ્યાઓનો ઉકેલ પોતાના રાષ્ટ્રીય હિત અનુસાર, સમય અનુસાર લાવવા પ્રયત્નો કર્યા છે, પણ તેનાથી તેની નીતિમાં સાતત્ય રહ્યું નથી; પરંતુ એકંદરે પાકિસ્તાન એક વાસ્તવિકતાને સમજીને વર્ત્યું છે. સત્તાના સમતુલનની દૃષ્ટિએ તે ભારતને પહોંચી શકે એમ નથી એ સમજીને પોતાની સત્તા વધારવા માટે પોતાના પ્રયત્નો ઉપરાંત તેને લશ્કરી મદદ કરી શકે એવા દેશની તલાશ તેને રહી છે. પાકિસ્તાનનું અમેરિકા સાથેનું જોડાણ આથી સમજી શકાય તેવું છે. જોકે આ જોડાણથી અમેરિકાને અને પાકિસ્તાનને લાભ થયો છે અને કેટલો થયો છે તેને અંગે  ટૂંકમાં, જોડાણની ઉપયોગિતા અંગે અમેરિકા અને પાકિસ્તાન બંનેને અસંતોષ રહ્યો છે. વળી ભારત અને ચીન વચ્ચેના વિખવાદને કારણે અને અમેરિકાએ ભારતને પણ સામ્યવાદ સામેની લડતમાં મહત્વનું સ્થાન આપતાં અને અમેરિકા મિત્ર તરીકે પોતાના તરફ સંપૂર્ણ નિષ્ઠા ધરાવતું નથી એવી લાગણીથી પ્રેરાઈને પાકિસ્તાન ચીન તરફ વળ્યું; એટલું જ નહિ, પણ અમેરિકાના ચીન સાથેના સંબંધ સુધારવામાં ઉપયોગી બનીને પાકિસ્તાન-અમેરિકા-ચીનની ધરી રચવામાં કારણરૂપ બન્યું છે. આનાથી પાકિસ્તાનના ભારત સાથેના સંબંધો પર અસર થઈ તથા ભારતના રશિયા સાથે સંબંધો વધુ ગાઢ બન્યા અને 1972માં તેને પરિણામે ભારત-સોવિયેત મૈત્રીસંધિનું સર્જન થયું.

પાકિસ્તાનના ભારત સાથેના સંબંધોને અસર કરતું એક મહત્વનું પરિબળ છે  પાકિસ્તાનના લશ્કરની એ દેશના રાજકારણમાં ભૂમિકા. એક દાબજૂથ તરીકે લશ્કરને મોટા સંરક્ષણખર્ચ અને ભારત સાથેની તણાવયુક્ત કે યુદ્ધની પરિસ્થિતિ ગમે છે અને લશ્કરી દળો એ માત્ર એક દાબજૂથ નથી પણ સૌથી પ્રભાવશાળી જૂથ છે. પાકિસ્તાનના ઇતિહાસમાં લશ્કરી શાસન જ વધુ સમય રહ્યું છે; પણ જ્યારે પ્રજાના પ્રતિનિધિઓની બનેલી સરકાર સત્તા પર આવી ત્યારે પણ સંરક્ષણનીતિ, વિદેશનીતિ અને અણુનીતિમાં નિર્ણયાત્મક ભૂમિકા અને નિષેધ-અધિકાર (Veto) પાકિસ્તાનનાં લશ્કરી દળોનો જ રહ્યો છે. ભારતના એક સંરક્ષણ-નિષ્ણાતે તો (હળવાશમાં) એવું પણ સૂચવેલું કે ભારતના પાકિસ્તાન સાથેના સંબંધ સુધારવા હોય તો પાકિસ્તાનના જનરલ સ્ટાફ(બધા ટોચના લશ્કરી અધિકારીઓ)નો જ નાશ કરવો જોઈએ !

ભારત પણ પાકિસ્તાનના સંદર્ભમાં કેટલીક ગ્રંથિઓથી પીડાતું રહ્યું છે. જો એક બાજુએ વ્યવહારમાં ભારતના રાજકીય નેતાઓ પાકિસ્તાનને સૌથી મોટા દુશ્મન તરીકે ગણાવે છે તો કેટલીક વાર તેઓ ‘પાકિસ્તાન શું છે ?’ – એવો પ્રશ્ન ઉઠાવી એને આસાનીથી કચડી શકાય એમ છે એવી પણ વાતો કરે છે (રાજીવ ગાંધી). શ્રીકૃષ્ણમેનને જણાવેલું કે ‘ભારત અને પાકિસ્તાનનું સમૂહતંત્ર કે સમવાયતંત્ર કોની સામે ?’ – આવી પરિસ્થિતિને કારણે સમાનતાના ધોરણે પાકિસ્તાન સાથે સંબંધ વિકસાવવા મુશ્કેલ બને છે. પાકિસ્તાન એક ત્રાસદાયક અને અવરોધક-ઉશ્કેરણીજનક (irritant) દેશ છે; જે ભારતની પ્રગતિ, પ્રાદેશિકતા અને વૈશ્વિક ભૂમિકાની આડે આવે છે અને ભારતને તેના ભૌગોલિક સ્થાન અને શક્તિ અનુસારની કુદરતી ભૂમિકા ભજવવામાં અવરોધ કરે છે. પહેલી વાર જ્યારે રશિયાએ અફઘાનિસ્તાન પર આક્રમણ (1979માં) કર્યું ત્યારે પાકિસ્તાન માટેનો ખતરો એ ભારત માટે પણ ખતરો બની શકે એવી ભાવના જોવા મળી હતી. ઇતિહાસ બતાવે છે કે જ્યારે બે દેશોને સામાન્ય દુશ્મન હોય ત્યારે જ તેમની વચ્ચે સંધાણ થાય છે; પરંતુ અહીં તો સોવિયેત સંઘ ભારતનું મિત્ર હતું એટલે ભારતે સોવિયેત પગલાંની મોળી ટીકા કરી હતી. જો ભારતના કેટલાક હિંદુઓ ‘અખંડ ભારત’ની વાત કરીને તંદુરસ્ત ભારત-પાકિસ્તાન સંબંધોની આડે આવે છે તો ભારતના મુસલમાનો પણ ભારત-પાકિસ્તાન યુદ્ધ કે તેનાં પરિણામોમાં હિંદુઓ જેવી આત્મીયતા  રાષ્ટ્રીય અસ્મિતા અનુભવતા નથી અને પાકિસ્તાનના અસ્તિત્વને ભારતના મુસલમાનો પોતાની સલામતીની ગેરન્ટીરૂપ માને છે !

ઉપર્યુક્ત પરિબળોનો અર્થ એવો નથી કે ભારત-પાકિસ્તાન સંબંધોનો ઇતિહાસ એ માત્ર યુદ્ધોનો ઇતિહાસ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાગલા પછી જળની અને અસ્કામતોની વહેંચણીની બાબતમાં, લશ્કરના વિભાજનની અને કચ્છ સરહદની બાબતમાં તાસ્કંદ કરાર, સિમલા કરાર, પરસ્પરનાં અણુમથકો પર હુમલો ન કરવાના જેવા કરારો પણ થયા છે; પરંતુ ભારત-પાકિસ્તાનના સંબંધમાં તણાવ-શૈથિલ્ય(Detente – ‘દતાં’)ની પરિસ્થિતિ વાસ્તવમાં આવી નથી અને એકંદરે શીતયુદ્ધ પ્રકારનું વાતાવરણ રહ્યું છે. ભારત-પાકિસ્તાન વચ્ચે કયા પ્રશ્નો મંત્રણાને યોગ્ય છે અને એ મંત્રણાનો ક્રમ કેવો હોવો જોઈએ એ ચર્ચાના મુદ્દાઓ છે. લાંબા સમય સુધી કાશ્મીર એ ઝઘડાનો મુદ્દો છે એ ભારતે સ્વીકાર્યું નથી; જોકે હવે તેનો સ્વીકાર થયો છે. પાકિસ્તાને કાશ્મીરના મુદ્દાને જ મહત્વનો માન્યો છે અને તેને અંગેની મંત્રણાને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો છે, જ્યારે ભારતે વિવિધ આર્થિક સંબંધોના, અણુશસ્ત્રો અંગેનાં, પરસ્પરમાં વિશ્વાસ ઊભો થાય તેને માટેનાં પગલાં લેવાના પ્રશ્નોની તથા સરહદ પારનો ત્રાસવાદ (જેને ભારત સૌથી મહત્વનો પ્રશ્ન માને છે.) જેવી બાબતોની ચર્ચા કાશ્મીરના પ્રશ્નની સાથે જ થવી જોઈએ એવો આગ્રહ રાખ્યો છે. આવા વિચારભેદને લીધે ઘણીવાર ભારત-પાકિસ્તાન વચ્ચે મંત્રણાઓ શરૂ થઈ નથી કે ભાંગી પડી નથી. મંત્રણાઓની નિષ્ફળતાનું એક કારણ એ રહ્યું છે કે પાકિસ્તાને ત્રીજા પક્ષને (અમેરિકા, કાશ્મીરનાં કેટલાંક જૂથો) મંત્રણામાં સામેલ કરવા માટે પ્રયત્નો કર્યા છે; જ્યારે ભારતે સિમલા કરારની જોગવાઈ અનુસાર દ્વિપક્ષી ધોરણે જ મંત્રણા કરવાનો આગ્રહ રાખ્યો છે.

ભારત-પાકિસ્તાનના સંબંધોમાં સંવાદની પ્રક્રિયાએ પોતે એકંદરે લોકસ્વીકૃતિ પ્રાપ્ત કરી નથી. 2004ના વર્તમાન સમયમાં જોકે આ બાબતમાં થોડી પ્રગતિ થઈ છે; પરંતુ હજુ પણ સરહદ પારનાં ત્રાસવાદનાં ઉદાહરણો સંવાદની સ્વીકૃતિનું ધોવાણ કરે છે. જોકે પાકિસ્તાન પાસે ભારતને મંત્રણાના ટેબલ પર લાવવાનાં બે જ સાધનો છે : (1) યુદ્ધ કરીને કે ઓચિંતા આક્રમણથી કાશ્મીર છીનવી લેવું; જેના પ્રયત્નો તેણે વારંવાર કર્યા છે. છેલ્લો પ્રયત્ન કારગીલના યુદ્ધનો હતો. (2) જ્યારે ઉપર્યુક્તના પ્રથમ વિકલ્પના પ્રયત્નો નિષ્ફળ જાય ત્યારે સરહદ પારના ત્રાસવાદને ઉત્તેજન આપવું, જે એને માટે સૌથી ઓછો ખર્ચાળ વિકલ્પ છે. યુદ્ધનો વિકલ્પ પાકિસ્તાન માટે સફળ થયો નથી; કારણ કે એને એકેય યુદ્ધમાં નિર્ણયાત્મક સફળતા મળી નથી. ત્રાસવાદને ઉત્તેજન એક સફળ વિકલ્પ પાકિસ્તાનની દૃષ્ટિએ છે, કમ સે કમ તેનાથી કંટાળીને ભારતની સરકાર (અને લોકો પણ ?) કાશ્મીર અંગેના સંવાદ માટે તૈયાર થઈ છે.

પાકિસ્તાનની આ વ્યૂહરચના સામે ભારતે પણ ચોક્કસ નીતિઓ અપનાવી છે. પાકિસ્તાનનાં યુદ્ધોનો તેણે દૃઢતાથી જવાબ આપ્યો છે. પાકિસ્તાનનું લશ્કરીકરણ, અમેરિકી રાજકીય લશ્કરી મદદ અને ચીનની મદદ છતાં ભારત સામે તે સફળતા મેળવી શક્યું નથી. ભારતે પણ લશ્કરનું આધુનિકીકરણ તેમજ રશિયાની રાજકીય અને લશ્કરી મદદનો ઉપયોગ કરીને પાકિસ્તાનનો જડબેસલાક સામનો કર્યો છે. ભારતનો મુખ્ય પ્રશ્ન સરહદ પારના ત્રાસવાદનો છે. કેન્દ્ર સરકારની ખોટી નીતિઓથી કાશ્મીરના લોકોનું ભારતથી થયેલું અલિપ્તીકરણ ભારતને માટે બાધારૂપ છે. પાકિસ્તાનના ત્રાસવાદ તરફ અમેરિકા અને બીજા દેશોનું ધ્યાન દોરવા તે પ્રયત્ન કરે છે. અમેરિકાની 11 સપ્ટેમ્બર, 2001ની ઘટના પછી પણ ભારત ત્રાસવાદને નાથવા સફળ થયું નથી. રાષ્ટ્રોને પોતાનાં હિતો હોય છે અને આંતરરાષ્ટ્રીય રાજકારણ નૈતિકતાને આધારે ચાલતું નથી તેથી અને દરેક પ્રશ્નનાં અનેક પાસાં હોય છે તેથી પણ ભારતને કાશ્મીરના પ્રશ્નનું આંતરરાષ્ટ્રીયકરણ ગમતું ન હોવા છતાં જો તે થયું તો તેથી ભારતને નથી થયું મોટું નુકસાન કે નથી થયો મોટો ફાયદો. વાટાઘાટોથી પણ, ખાસ કરીને કાશ્મીરના પ્રશ્નનો ઉકેલ આવે એવું અત્યારે લાગતું નથી. કેટલાક તો પ્રશ્ન ઊભો કરે છે કે કાશ્મીર પ્રશ્ન છે કે પાકિસ્તાન. આ પ્રશ્ન ઉપસ્થિત કરનારા ભાગ્યે જ કાશ્મીરના પ્રશ્નના ઉકેલ પર ભાર મૂકે છે. પાકિસ્તાન જ એક પ્રશ્ન છે એમ માનીને શ્રીમતી ગાંધીએ બાંગ્લાદેશના સર્જનમાં મદદ કરી. આમ છતાં, પણ પાકિસ્તાન આજે ભારત માટે પ્રશ્ન તરીકે ઊભું જ છે. એક વ્યૂહરચના એવી છે કે ભારતે પાકિસ્તાનને જ આર્થિક સંબંધોની જાળમાં સંડોવીને આર્થિક લાભ પાકિસ્તાન અને ભારતને મળે એવી આયોજના કરવી, જેથી તો રાજકીય પ્રશ્નો અને ખાસ કરીને કાશ્મીર જેવા સંવેદનશીલ પ્રશ્ન અંગેની તીવ્રતા ઓછી થાય. એ પ્રમાણે ભારતે પાકિસ્તાનને જેની સૌથી વધુ તરફદારી કરાય એવા રાષ્ટ્રનો દરજ્જો (most favourite nation treatment) આપીને પાકિસ્તાનમાંથી આવતી વસ્તુઓની આયાત પરની જકાત કાઢી નાખવાની જાહેરાત કરી, પણ એવાં આર્થિક પગલાંઓનો યોગ્ય પ્રત્યુત્તર પાકિસ્તાન તરફથી મળ્યો નહિ. ભારત સાથેના આર્થિક સંબંધોથી પાકિસ્તાનના બજારમાં ભારતીય વસ્તુઓ અને મૂડી વર્ચસ્ જમાવી જશે એવા ભય ઉપરાંત આર્થિક સંબંધોને મહત્વ આપવા જતાં રાજકીય પ્રશ્નો, ખાસ કરીને કાશ્મીરનો પ્રશ્ન બાજુમાં મુકાઈ જશે એવા ભયથી પાકિસ્તાને ઉપર્યુક્ત વલણ અપનાવ્યું છે.

ભારતનાં વિવિધ શાસનોએ પાકિસ્તાન સાથે મૈત્રીની ઇચ્છા વ્યક્ત કરી છે અને છતાં લાલબહાદુર શાસ્ત્રી જેવા નરમ દેખાતા વડાપ્રધાને જ્યારે 1965નું યુદ્ધ આવી પડ્યું ત્યારે કડક વલણ અપનાવ્યું હતું. વળી, ‘ગુજરાલની જાહેરાત’માં ભારતે પાડોશી દેશો સાથે ‘સમાન આપ-લે’(reciprocity)ને ધોરણે વર્તવાને બદલે કંઈક વધુ ભોગ આપવાની તૈયારી બતાવી હતી. તેમાંથી ગુજરાલે પણ પાકિસ્તાનને બાકાત રાખ્યું હતું. જોકે મોરારજીભાઈનું શાસન પાકિસ્તાનને પ્રિય બન્યું હતું, કારણ કે તેઓ પાડોશી દેશોના આંતરિક મામલામાં બિનદરમિયાનગીરીમાં માનતા હતા. બંને દેશોમાં જ્યારે લોકશાહી શાસનો હોય ત્યારે એકબીજાની સરકારો વચ્ચે સમજ વધુ સારી હોય એમ જોવા મળ્યું છે. જોકે વ્યક્તિગત મનમેળ પણ મહત્વનો રહ્યો છે. ‘બેનઝીર’ અને ‘રાજીવ’ વચ્ચે એકંદરે મનમેળ (rapport) સારો રહ્યો હતો. આનો અર્થ એવો નથી કે બંને દેશો પોતાનાં રાષ્ટ્રીય હિતોનો ભોગ આપવા તૈયાર થયેલા.

ભારત-પાકિસ્તાનના સંબંધોના ભાવિનો વિચાર કરતાં એક પ્રશ્ન એ ઊભો થયો છે કે ભારતે પાકિસ્તાન તરફ કેવી નીતિ અપનાવવી. એમ કહેવામાં આવે છે કે બે દેશો વચ્ચે તણાવ પ્રવર્તતો હોય તેમાં જો બીજા દેશ સાથે સખત વલણ અપનાવવાની હિમાયત કરતો પક્ષ વ્યવહારમાં જો નરમ વલણ અપનાવતો હોય તો તેને સફળ થવાની શક્યતા વધુ હોય છે; કારણ કે સ્થાનિક પ્રજામત તેણે રાષ્ટ્રીય હિતનો ભોગ આપ્યો કે બીજા દેશ તરફ બાંધછોડ(appeasement)ની નીતિ અપનાવી એવો આક્ષેપ કરી શકતો નથી. આ સંદર્ભમાં વાજપેયીની સરકાર સફળ થવી જોઈતી હતી, કારણ કે પાકિસ્તાન સાથે સંબંધ સુધારવાની તેમણે પહેલ કરી હતી. ‘લાહોર બસયાત્રા’ ઇતિહાસનું મહત્વનું સીમાચિહ્ન બને એવી અપેક્ષા ખોટી ઠરી. તાળી આખરે બે હાથોથી પડે છે. પાકિસ્તાનના દ્વિમુખી  લોકશાહી અને લશ્કરી શાસને આ નીતિને નિષ્ફળ બનાવી અને શાંતિની પ્રક્રિયાને ઢીલમાં નાખી દીધી. કારગીલની અસર ‘આગ્રા મંત્રણા’ પર પડી હતી. ફરીથી શાંતિવાર્તા શરૂ કરાવવા અમેરિકાના દબાણની જરૂર પડી હતી.

ભારત-પાકિસ્તાન સંબંધના સંદર્ભમાં કેટલાક મુદ્દાઓ ધ્યાનપાત્ર છે :

(1) 1948, 1965, 1971 ઉપરાંત કચ્છ અને કારગીલના યુદ્ધે પણ આ બે વચ્ચેના સંબંધના પ્રશ્નો ઉકેલ્યા નથી. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદીઓના પ્રયત્નો પણ ભારતીય શક્તિને કારણે ‘જૈસે થે’(status-quo)ની પરિસ્થિતિમાં પરિવર્તન લાવી શક્યા નથી.

(2) આ બંને દેશોએ હવે અણુશસ્ત્રો પ્રાપ્ત કર્યાં હોવાથી તેમની વચ્ચે લાંબું પ્રણાલિકાગત યુદ્ધ પણ થઈ શકે એમ નથી.

(3) વાસ્તવમાં ભારતે પોતાનાં અણુશસ્ત્રોના ઉપયોગ અંગે ન્યૂક્લિયર સિદ્ધાંત (Nuclear doctrine) જાહેર કર્યો છે. પાકિસ્તાનનાં છૂટાછવાયાં વિધાનોને બાદ કરીએ તો તેણે કોઈ સિદ્ધાંત જાહેર કર્યો નથી. આ અંગે બંને વચ્ચે સમજૂતીની જરૂરિયાત છે. પાકિસ્તાને 1998માં અણુશસ્ત્રો પ્રાપ્ત કર્યાં અને 1999માં કારગીલનું યુદ્ધ આવ્યું, જેથી તે જવાબદાર રાષ્ટ્ર છે એવો વિશ્વાસ ઊભો થતો નથી.

(4) આંતરરાષ્ટ્રીય સમુદાય ‘દક્ષિણ એશિયા’ની પરિસ્થિતિને સ્ફોટક માને છે અને ભારત અને પાકિસ્તાન પાસે તે જવાબદાર રાષ્ટ્રો તરીકેના વર્તનની અપેક્ષા રાખે છે. આંતરરાષ્ટ્રીય રાજકારણ અને ઇતિહાસ બતાવે છે કે યુદ્ધની પ્રક્રિયા શરૂ થાય પછી તેના પર અંકુશ મૂકવાનું મુશ્કેલ બને છે. પાકિસ્તાને કારગીલ શરૂ કર્યું પછી તેને બંધ કરાવવા નવાઝ શરીફને અમેરિકાની મુલાકાત લેવી પડી હતી.

(5) ભારત અને પાકિસ્તાન પોતાનાં સાધનોનો મોટો ઉપયોગ પ્રમાણમાં વ્યર્થ ‘યુદ્ધ’ કે ‘શીતયુદ્ધ’ જેવી પરિસ્થિતિ ચાલુ રાખીને કરી રહ્યા છે. આર્થિક સહકારનો ફાયદો ઉઠાવવાના યુગમાં પાકિસ્તાનની જીદથી ભારત-પાકિસ્તાન આર્થિક લાભો પ્રાપ્ત કરવાથી વંચિત રહ્યાં છે.

(6) બે દેશો વચ્ચે સંબંધ સુધારવા બિનસરકારી જૂથો દ્વારા પ્રયાસો થાય છે; પરંતુ તેનાથી ખાસ  સફળતા પ્રાપ્ત થઈ નથી. જો આ જૂથો અગ્ર વર્ગનાં હોય અને બીજા અગ્ર વર્ગનાં જૂથોને મળે તો તેનાથી ખાસ ફાયદો થશે નહિ; બંનેના અગ્ર વર્ગો ઇચ્છે છે કે આ બે દેશો વચ્ચે શાંતિ રહે. રાજકીય ક્ષેત્રમાં સામાન્ય પ્રજાના માનસને બદલવાની જરૂર છે. સામાજિક ક્ષેત્રે તો આ બે પ્રજાઓ વચ્ચે મનમેળ છે. પાકિસ્તાનની શિક્ષણપદ્ધતિ, મદરેસાઓ ભારત વિશે પૂર્વગ્રહો ઊભા કરે છે જે બદલાય એ ખૂબ ઇચ્છનીય છે. પ્રશ્ન, ટૂંકમાં, જટિલ છે.

(7) આ દેશો વચ્ચેના સંબંધમાં અમેરિકા છે જ અને બંનેને જુદે જુદે સમયે તેની દરમિયાનગીરી ઉપયોગી લાગી છે. દરમિયાનગીરી મધ્યસ્થી (midiater) તરીકે થાય કે સંવાદને અનુકૂળ બનાવવા (facilitator) થાય એ જ વિચારવાનો પ્રશ્ન છે.

ભારત અને બાંગ્લાદેશ સંબંધો : ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો પર અનેક પરિબળોએ અસર કરી છે. ભારતે બાંગ્લાદેશની રચના માટે શરૂઆતથી પ્રયત્નો કર્યા નથી. જોકે બાંગ્લાદેશ(પૂર્વ પાકિસ્તાન)ની ભૂગોળ જ પાકિસ્તાનના એક પ્રાદેશિક અખંડિતતા ધરાવતા દેશ તરીકેના ભવિષ્ય માટે પ્રશ્નો ઊભા કરે એવી શક્યતા હતી જ. મહત્વની વસ્તુ અને જે ભારતની ભૂમિકા પર પણ પ્રકાશ ફેંકે છે, તે એ છે કે બાંગ્લાદેશ(પૂર્વ પાકિસ્તાન)ના મુખ્ય પક્ષ અવામી લીગે 1950થી છેક માર્ચ 1971 સુધી સ્વતંત્ર સાર્વભૌમ અલગ દેશની માગણી કરી ન હતી. આ પક્ષે રાજકીય અને વહીવટી સત્તાના કેન્દ્રીકરણની, પાકિસ્તાનની સાધન-સંપત્તિમાંથી બાંગ્લાદેશ(પૂર્વ પાકિસ્તાન)ને માટે પ્રમાણસરની અને ન્યાયી ફાળવણીની, પૂર્વ પાકિસ્તાનના આંતરિક સંચાલનમાં સ્વાયત્તતાની તેમજ બંગાળી મુસલમાનોને પાકિસ્તાનની રાજકીય પ્રક્રિયામાં સમાન દરજ્જો આપવાની જ માગણીઓ કરી હતી.

બાંગ્લાદેશની રચના પાછળ એક બીજા પરિબળે મહત્વનો ભાગ ભજવ્યો છે, તે એ છે કે બાંગ્લાદેશના લોકો પોતે બંગાળી છે અને મુસ્લિમ પણ છે. પાકિસ્તાનના એક ભાગ તરીકે તેમની બંગાળી અસ્મિતાને કચડવાનો પ્રયત્ન થયો હતો, આથી સ્વતંત્ર દેશની માંગ થઈ, પણ સ્વતંત્ર બાંગ્લાદેશની રચના પછી તેઓ પોતાની મુસ્લિમ અસ્મિતા ભૂલવા માગતા નથી. આથી ભારત સાથેના સંબંધોમાં હિંદુ ભારતના પ્રભુત્વ નીચે તેમની મુસ્લિમ અસ્મિતા દબાઈ જાય એવી તેમને બીક છે. આથી ભારત સાથેના સંબંધમાં બાંગ્લાદેશ સંવેદનશીલ બની જાય છે. મુજીબૂર રહેમાને રાજ્યની નીતિના એક ભાગ તરીકે બિનસાંપ્રદાયિકતાનો સિદ્ધાંત સ્વીકાર્યો હતો, પણ 1973ના અંતમાં મુજીબૂરને પણ બાંગ્લાદેશના રાજકારણમાં ઇસ્લામનું મહત્વ સ્વીકારવું પડ્યું હતું.

ભારત અને બાંગ્લાદેશના સંબંધની વાત કરીએ ત્યારે એક મહત્વની વાત એ છે કે આ સંબંધો ભારત અને એક બીજા પાડોશી દેશ સાથેના સંબંધો તરીકે વિકસ્યા નથી, પણ ભારતના પાકિસ્તાન સાથેના સંબંધોની આડપેદાશ તરીકે વિકસ્યા છે (જેને ભારતે સૌથી મોટો અને લાંબા સમયનો દુશ્મન દેશ ગણ્યો છે.). બીજી બાજુએ બાંગ્લાદેશે પોતાની એક મજબૂત અસ્મિતાને જાળવવા પાકિસ્તાનનો છેડો ફાડ્યો, પણ તેની મુસ્લિમ અસ્મિતા પણ ત્યાંના લોકો ભૂલ્યા નથી. આથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સત્તાની અસમાનતાને કારણે બાંગ્લાદેશને ભારતથી પોતાની સ્વાયત્તતા સાચવવાની ચિંતા છે. જે. એન. દીક્ષિતના મત અનુસાર આઝાદી પહેલાંના પાકિસ્તાનના લાંબા ગાળાના શોષણથી બાંગ્લાદેશે આઝાદીની ઘોષણા કરી; પણ પૂર્વ પાકિસ્તાનના લશ્કરી અમલદારો, સનદી અમલદારો અને શહેરી ઉપલો મધ્યમવર્ગ તેના મજબૂત ટેકેદાર ન હતા. ગ્રામવિસ્તારના લોકોનો તેને ટેકો હતો. બીજા શહેરી વર્ગોએ બાંગ્લાદેશ હકીકત બનતાં એને સ્વીકારી હતી. મુજીબૂર રહેમાનના બંધારણે બાંગ્લાદેશમાં રાજ્યના બિનસાંપ્રદાયિક સ્વરૂપ વિશે ઘણી જોગવાઈઓ કરી હતી. આથી ભારત અને બાંગ્લાદેશના સંબંધો આ સમયે સારા હતા. બાંગ્લાદેશને આઝાદી અપાવવામાં ભારતની ભૂમિકા તાજી હતી. એક ઉપકારની લાગણી હતી; પરંતુ શેખ મુજીબૂર રહેમાનનું ખૂન થતાં પરિસ્થિતિમાં બદલાવ આવ્યો. મુજીબૂર પછીના રાજ્યકર્તાઓ પોતાને મુજીબૂરની વિચારસરણીથી અલગ તારવવા માગતા હતા. ખાસ કરીને લશ્કરી રાજકર્તાઓ. તેમણે ઇસ્લામ પર ભાર મૂક્યો અને ઇસ્લામ પર ભાર મૂકનારા ભારતવિરોધી બન્યા હતા. બાંગ્લાદેશના ત્રણેય મુખ્ય પક્ષો આવામી લીગ, જાતીય પાર્ટી અને બી. એન. પી. પોતાનો જનટેકાનો પાયો વિસ્તારવા માગતા હતા. ભારતનો વિરોધ પણ આ માટે એક સાધન બનતો હતો.

ભારતના બાંગ્લાદેશ સાથેના સંબંધો ‘રૉલર-કૉસ્ટર’ પ્રકારના રહ્યા છે. ખુદ બાંગ્લાદેશની આઝાદીએ ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં કેટલાક પ્રશ્નો ઊભા કર્યા છે. બંને દેશોએ પરસ્પરના કેટલાક વિસ્તારોની હેરફેર કરવાની હતી. બંનેની સામુદ્રિક સરહદો સ્પષ્ટ રીતે અંકિત થયેલી નથી. ભારતનાં ઈશાન રાજ્યો સાથેનો સંપર્ક ભારતીય સરહદોમાં થઈને બાંગ્લાદેશ કરવા માગે છે. ફરક્કા બંધ અને ગંગાના પાણીની વહેંચણીનો પ્રશ્ન પણ મહત્વનો હતો. વળી ભારતને ચિત્તાગોંગ બંદરનો એક પારગમનના બિંદુ (transit point) તરીકે ઉપયોગ કરવા દેવા અને કુદરતી ગૅસના મોટા અનામત જથ્થાની નિકાસ કરવા દેવા માટે બાંગ્લાદેશે આનાકાની કરી છે. બાંગ્લાદેશ એ પણ સ્વીકારે છે કે ભારત સાથે આર્થિક સંબંધ વધારવાથી તેને લાભ થાય એમ છે; પણ રાજકીય પરિબળો અને ભારત અંગેનો ભય આ સંબંધ વધારવામાં આડે આવે છે. જોકે એ ન ભૂલવું જોઈએ કે સાર્ક(saarc)ની રચનામાં બાંગ્લાદેશનો એક હેતુ જ આર્થિક સંબંધો વધારવાથી થતા લાભો પ્રાપ્ત કરવાનો હતો. ભારત અને પાકિસ્તાનના સંબંધોને લીધે સાર્ક સફળ થતું નથી અને એવું ન થવું જોઈએ એવા આશયથી આર્થિક સંબંધોને પ્રભુત્વ આપનારા એક મિની સાર્ક(mini saarc)ની બિનઔપચારિક રચના માટે પણ બાંગ્લાદેશે તૈયારી બતાવી હતી. ‘ગુજરાલની જાહેરાત’ની ભાવના મુજબ ભારતે ફરક્કા બંધની અને બીજી એક-બે બાબતોમાં બાંગ્લાદેશ સાથેના વ્યવહારમાં સંબંધ સુધારવા માટે બાંગ્લાદેશની તુલનામાં વધારે ભોગ આપવાની તૈયારી પણ બતાવી છે; પરંતુ જ્યારે બાંગ્લાદેશની પ્રજામાં ભારત સાથેના સંબંધમાં ભારતની સત્તા પરત્વે લઘુતાગ્રંથિ હોય અને તેને પંપાળવાનું રાજકીય પક્ષોને ફાયદાકારક લાગતું હોય ત્યારે શું થાય ? શેખ મુજીબૂરનાં પુત્રી હસીના વાજિદ જ્યારે પ્રધાનમંત્રી બન્યાં ત્યારે તેમણે 1993-94માં તેમના પિતા અને ઇંદિરા ગાંધી વચ્ચે થયેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સંધિ(માર્ચ 1972)ની ટીકા કરી હતી કે આ સંધિમાં ભારતની સામ્રાજ્યવાદી મનોવૃત્તિનાં દર્શન થાય છે. આ સંધિનો સમય પૂરો થતાં તેનો અંત આવ્યો. તેને ફરીથી તાજી કરવાનો પ્રયત્ન થયો નહિ. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધમાં એક હકારાત્મક પાસું હતું કે તેમની વચ્ચેના પાણીની વહેંચણીના પ્રશ્નનો સંતોષકારક ઉકેલ આવ્યો. 1996માં આને અંગે કરાર થયો.

ભારત અને બાંગ્લાદેશની સંધિ (1972) એ બાંગ્લાદેશની વિદેશનીતિનો આધાર બનશે એવી અપેક્ષા ખોટી પડી છે. બાંગ્લાદેશે, પ્રાદેશિક અને વૈશ્વિક કક્ષાએ એવી નીતિ અપનાવી છે, જેથી ભારતનો વધુ પડતો પ્રભાવ તેના પર ન પડે. શેખ મુજીબૂરની વિદેશનીતિ, ભારત અને સોવિયેતકેન્દ્રી હતી, જ્યારે મુજીબૂર પછી બાંગ્લાદેશે પાકિસ્તાન અને ચીન સાથે સંબંધો વિકસાવ્યા છે અને સોવિયેત પ્રભુત્વ ટાળવા, અમેરિકા સાથે સંબંધો વિકસાવ્યા છે; પરંતુ ઇસ્લામિક રાજ્યો, પાકિસ્તાનના નેજા હેઠળ ભારતવિરોધી પગલાં જાહેર કરે તેને બાંગ્લાદેશે સાથ આપ્યો નથી.

બાંગ્લાદેશના ઇસ્લામીકરણથી બિનમુસ્લિમ જૂથોએ બાંગ્લાદેશમાંથી હિજરત કરી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધમાં ખ્રિસ્તી ધર્મને અનુસરતા ચકમા જૂથોને કાઢીને મુસ્લિમોને વસાવવાના પ્રયત્નો સામે ચકમા યુવાનોએ ‘શાંતિવાહિની’ની રચના કરી હિંસાનો ઉપયોગ કર્યો. એવા અહેવાલો રજૂ થયા કે આ જૂથોને ભારત મદદ કરે છે. વ્યૂહાત્મક દૃષ્ટિએ આ જૂથોએ ભારતીય વિસ્તારોનો ઉપયોગ કર્યો. ભારતના ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં ચકમાઓ તરફથી શરણાર્થીઓનો ઉપયોગ થયો. આ શરણાર્થીઓને ભારતમાં રાખવામાં સ્થાનિક રાજપુરુષોને માટે સ્થાપિત હિત ઊભું થયું. રાજીવ ગાંધીના શાસનકાળના પાછલા ભાગમાં અને નરસિંહરાવના સમય દરમિયાન 1989 અને 1996માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મંત્રણાથી અને બાંગ્લાદેશની સરકારની ચકમા શરણાર્થીઓ સાથેની મંત્રણા દ્વારા આ પ્રશ્ન હલ થયો.

ભારતના લોકોમાં બાંગ્લાદેશ સાથેના સંબંધો જોઈએ એવા નથી એવી લાગણી રહે છે. પશ્ચિમ બંગાળ અને આસામના અમુક ભાગોમાં આવી લાગણી વિશેષ છે. ભારતની મદદ વગર બાંગ્લાદેશનું સર્જન જ થયું ન હોત, આથી બાંગ્લાદેશની સરકાર અને લોકોએ ભારતની જેવી કદર કરવી જોઈએ તેવી કરી નથી એવી લાગણી સાથે એક રાજકીય વાસ્તવવાદ પણ આજે ભારતના રાજકારણીઓ, સંચારનાં માધ્યમો અને વિદ્યાપુરુષોમાં નજરે પડે છે. એ મુજબ ભારતીય લશ્કરે બાંગ્લાદેશનું સર્જન કર્યું અને સરકારે ‘મુક્તિવાહિની’ને મદદ કરી એમાં બાંગ્લાદેશનું ભલું તો કર્યું જ છે, પણ ભારતે પોતાનાં રાજકીય અને રાષ્ટ્રીય વ્યૂહાત્મક હિતો પણ સાધ્યાં છે. બાંગ્લાદેશની રચના પછી બાંગ્લાદેશમાં આવેલાં સાંસ્કૃતિક અને સામાજિક પરિવર્તનો અને લશ્કરી શાસનતંત્રોનાં દબાણો ભારત હવે સમજે છે.

1998ના પોખરણ-2ના અણુધડાકા પછી હસીના વાજિદે ભારત અને પાકિસ્તાન વચ્ચેના અને કાશ્મીરના પ્રશ્ન અંગે મધ્યસ્થી કરવાની ઑફર કરી હતી; જેને એક હકારાત્મક વલણ ગણી શકાય. બાંગ્લાદેશનું સૌથી મોટું પ્રદાન હતું સાર્કની રચના. 1980માં બાંગ્લાદેશના પ્રમુખ ઝિયા ઉર-રહેમાન દ્વારા શરૂ કરાયેલ ઉપક્રમને અંતે 1985માં આ સંસ્થા સ્થપાઈ. એક આદર્શવાદી વિચારણા અને હકારાત્મક અભિગમના પરિણામે સાર્ક(saarc)ની રચના થઈ છે. ઇચ્છિત પરિણામ લાવવા માટે સભ્ય દેશોએ પણ સંસ્થાના હેતુઓને લક્ષમાં રાખીને અને હકારાત્મક અભિગમ અપનાવીને તેને સફળ બનાવવા ધ્યાન આપવું પડશે.

બાંગ્લાદેશની ભૂગોળ જ તેને રાજકીય, વ્યૂહાત્મક અને આર્થિક રીતે ભારત સાથે સારા સંબંધ બાંધવા પ્રેરશે એમ માની શકાય; પરંતુ ભારતને પણ આ બધા જ સંદર્ભને લક્ષમાં રાખીને બાંગ્લાદેશ સાથે સારા સંબંધ રાખવા પડશે એમ જણાય છે. ચીન, પાકિસ્તાન અને બર્મા (મ્યાનમાર) સાથે સંબંધ વિકસાવીને બાંગ્લાદેશ, ભારત માટે પ્રશ્નો પણ સર્જી શકે છે.

ભારત અને બાંગ્લાદેશની બાબતમાં એક સામ્ય એ છે કે શીતયુદ્ધના અંત પછી બંને માટે બિનજોડાણની નીતિ અપ્રસ્તુત બનતાં, બંને વૈશ્વિક નીતિના વિકલ્પો શોધી રહ્યા છે. ભારતે નરસિંહરાવના વડાપ્રધાનપદ દરમિયાન ‘પૂર્વ તરફ નજર નાંખો’(look east policy)ની નીતિ અપનાવી સિંગાપુર, મલેશિયા, થાઇલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા જેવા દેશો સાથે સંબંધ વિકસાવવાનું ધ્યાન રાખ્યું છે તો બાંગ્લાદેશ, બર્મા, ભારત, થાઇલૅન્ડ જેવા દેશો સાથે આર્થિક વિકાસ માટેનું એક વર્તુળ રચવા પ્રયત્નશીલ છે. વળી વિવિધ ધર્મો અને નૃવંશી જૂથો ધરાવનાર પોતે એક લોકશાહી દેશ છે એમ બાંગ્લાદેશ માને છે. બાંગ્લાદેશમાં બુદ્ધ ધર્મમાં માનનારા લોકો છે, તેથી એમ માને છે કે બાંગ્લાદેશ મ્યાનમાર અને થાઇલૅન્ડ સાથેના સંબંધમાં કડીરૂપ બની શકે. વળી મુસ્લિમો હોવાથી બાંગ્લાદેશ મલેશિયા અને ઇન્ડોનેશિયા વચ્ચે પણ કડીરૂપ બની શકે. આમ બાંગ્લાદેશ માને છે કે પોતે દક્ષિણ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયા વચ્ચે કડીરૂપ બની શકે એમ છે.

ભારતે 1971માં બાંગ્લાદેશની રચનામાં સક્રિય ભાગ ભજવીને આ ઉપખંડના મુસ્લિમો એક રાષ્ટ્ર છે એ માન્યતાને ખોટી ઠેરવી. રાજકીય, માનવીય પરિબળોને લક્ષમાં રાખી ભારતે બાંગ્લાદેશની રચના કરી અને તેને માન્યતા (પાકિસ્તાન દ્વારા પણ) આંતરરાષ્ટ્રીય સ્તરે મળે એ માટે મુત્સદ્દીગીરીનો ઉપયોગ કર્યો. આ ઘટના પાછળ જો એવો આશય હોય કે બાંગ્લાદેશ, ભારતના ઉપગ્રહ તરીકે કામ કરે તો તેમાં ભારત સફળ થયું નથી. આથી ઊલટું, બાંગ્લાદેશની રચનામાં મદદ કરીને ભારતે પાકિસ્તાનને કદાચ શક્તિની દૃષ્ટિએ નબળું પાડ્યું હોય,  પણ તે કેટલા વખત માટે ? આજે પાકિસ્તાન અણુશસ્ત્રો ધરાવનાર દેશ છે. બાંગ્લાદેશની રચનાએ ઝુલ્ફીકારઅલી ભૂતોના પાકિસ્તાને અણુસત્તા બનાવવાના નિર્ણયને મજબૂત બનાવ્યો હતો. વધુમાં તેણે ખંડિત થયેલા પાકિસ્તાનને વિના સંકોચે ત્રાસવાદી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવા પ્રેર્યું તેમજ પાકિસ્તાનની સરકારને ભારતમાં વિભાજનને પ્રોત્સાહન આપવા પ્રેરી.

બાંગ્લાદેશની રચના તો થઈ ગઈ છે. ભારતે તેની સાથે સારા સંબંધ રાખવા ભૂતકાળમાં થયેલા કરારોનું પાલન કરવું જરૂરી છે (જેમ કે, જળસંપત્તિની વહેંચણી અંગેના કરારો.). ભુતાન અને નેપાળ સાથે વેપાર કરવા ભારતના વિસ્તારોમાંથી તેને પસાર થવાની તક આપવી જોઈએ; એ જ રીતે પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વનાં રાજ્યો સાથે વેપારની પણ તેને તક આપવી જોઈએ. બાંગ્લાદેશે પણ પોતાના વિસ્તારો અને ચિત્તાગોંગ બંદરનો ઉપયોગ કરવા દેવો જોઈએ. બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની સરહદોને લીધે હિજરત કરી આવતા લોકોનો પ્રશ્ન (વસ્તીવધારા અને પૂરતા આર્થિક વિકાસના અભાવે), ત્યાંથી આવતા ત્રાસવાદીઓનો પ્રશ્ન, ધાર્મિક લઘુમતીઓનું ભારતમાં સ્થળાંતર વગેરેના પ્રશ્નોના નિરાકરણનો આધાર બાંગ્લાદેશી સમાજ કેટલા અંશે બહુત્વવાદી અને લોકશાહી રહે છે એના પર નિર્ભર છે. સાથે સાથે આ પ્રશ્નોનો ઉકેલ મજબૂત રાજકીય નિર્ણયશક્તિ અને નિષ્ઠાપૂર્વકના વહીવટ પર આધાર રાખે છે. વળી ભારતનો સમાજ પણ બહુત્વવાદી અને બિનસાંપ્રદાયિક રહે છે કે નહિ તે પણ મહત્વનું છે. આમ બંને દેશની સામાજિક પરિસ્થિતિ ભારત અને બાંગ્લાદેશના સંબંધને અસર કરશે. સાથે સાથે બંને દેશોના રાજકારણીઓ પક્ષીય હિતોની બહાર આવીને લાંબા ગાળાના રાષ્ટ્રીય હિતનો વિચાર કરીને વર્તે છે કે નહિ, તેની અસર પણ ભારતના બાંગ્લાદેશ સાથેના સંબંધ પર પડશે. ભારત બાંગ્લાદેશની સરહદે આવેલ એવો દેશ છે જે સત્તાની દૃષ્ટિએ એટલો વધારે શક્તિશાળી છે, જેને અવગણી શકાય એમ નથી. સાથે બાંગ્લાદેશના મહત્વનાં રાજકીય પરિબળો માને છે કે ભારતની ખૂબ નજીક આવવામાં પણ જોખમ છે. આથી બાંગ્લાદેશ આર્થિક, વૈજ્ઞાનિક અને ટેક્નિકલ સહકાર વિકસાવવામાં પણ સાવધાનીથી વર્તશે એમ મનાય છે. ભારતે પણ બાંગ્લાદેશની મર્યાદાઓને સમજીને ખૂબ જ સાવધાનીપૂર્વકનો અને અતિશય યાંત્રિક અને શંકાશીલ અભિગમ અપનાવવાને બદલે પરિવર્તનશીલ અને ઉદાર અભિગમ અપનાવવો જરૂરી છે. આનો અર્થ એ નથી કે ભારતે પોતાના મહત્વના રાષ્ટ્રીય હિતનો ભોગ આપવો. બાંગ્લાદેશે પણ 21મી સદીના પરિપ્રેક્ષ્યને સમજી, ગ્રંથિઓનું ધોવાણ થાય તે રીતે કામ કરવું જરૂરી છે.

ભારત-બાંગ્લાદેશના સંબંધોને તબક્કાવાર વહેંચતાં 1971થી 1975 સુધીના ગાળામાં બંને સામાન્ય દુશ્મનને હરાવવાનો આનંદ માણતા હતા. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 25 વર્ષની મૈત્રી-સંધિ થઈ. સંયુક્ત જળ પંચ અને આર્થિક પંચની રચના થઈ. 1975થી 1977 સુધીનો ગાળો વહેમ અને અશ્રદ્ધાનો ગાળો હતો. ઝિયા અને શ્રીમતી ઇન્દિરા ગાંધી વહેમ અને વિરોધની લાગણી અનુભવતાં હતાં. 1977માં જનતા સરકાર સત્તા પર આવતાં બાંગ્લાદેશને ભારત તેમના આંતરિક મામલામાં દખલગીરી કરશે એવી ચિંતા રહી નહિ. 1980થી 1995ના ગાળામાં આ બંને દેશોના સંબંધમાં અમુક પ્રશ્નો ઊભા થયા. 1996 પછીનો ગાળો પ્રશ્નોના ઉકેલનો ગાળો હતો. 1996માં ગંગાના પાણીની વહેંચણી અંગે ત્રીસ વર્ષના ગાળા માટેનો કરાર થયો. આમ એકંદરે બંને વચ્ચેનો સંઘર્ષ નિવારી ‘જૈસે થે’ની સ્થિતિ જાળવવામાં આવી છે.

ભારત-રશિયા(પૂર્વ સોવિયેત સંઘ)ના સંબંધો : આ સંબંધો આઝાદી પહેલાંના છે. જવાહરલાલ નહેરુ, રવીન્દ્રનાથ ટાગોર જેવા ભારતીય નેતાઓએ સોવિયેત સંઘની મુલાકાત લીધી હતી. સોવિયેત સંઘની 1917ની ક્રાંતિ પછી સત્તા પર આવેલી બૉલ્શેવિક સરકાર સામાન્ય માનવીને માટે કામ કરે છે એવી છાપ તેમના પર પડી હતી. ઝડપી આર્થિક વિકાસ, શિક્ષણનો વિકાસ અને વિસ્તાર અને વિવિધ રાષ્ટ્રીયતાઓની સ્વાયત્તતાની જાળવણી એ તેમને સોવિયેત સંઘની મહત્વની સિદ્ધિઓ લાગી હતી. સોવિયેત સમાજવાદી મૉડેલ માત્ર વિકાસલક્ષી હતું; એટલું જ નહિ, પણ શોષણવિરોધી અને અનુકરણીય હતું. આંતરરાષ્ટ્રીય દૃષ્ટિએ તેમને સોવિયેત સંઘ બિન-સામ્રાજ્યવાદી અને શાંતિપ્રિય દેશ લાગ્યો હતો. સોવિયેત સંઘ અમેરિકાની તુલનામાં ભારતની નજીકનો દેશ હતો. ભારતનો સોવિયેત સંઘ તરફનો ઝોક આથી સ્વાભાવિક હતો; પરંતુ સામ્યવાદી મૉડેલના અમલમાં થયેલી હિંસા ભારતના ગાંધીવાદી નેતાઓને ગમતી ન હતી. અમેરિકા અને ભારત બંને લોકશાહી દેશો રહ્યા. અમેરિકા તો સર્વોચ્ચ સત્તાધારી દેશ અને તેની અને સોવિયેત સંઘની વચ્ચે 1947થી શીતયુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું. જોડાણની નીતિ ભારતની શાંતિ અને વિકાસ માટે જ નહિ, પરંતુ વિશ્વશાંતિ માટે ખતરારૂપ હતી. આથી નહેરુના નેતૃત્વ નીચે ભારતે બિનજોડાણની નીતિ પસંદ કરી. આ નીતિથી ભારતને અમેરિકા અને સોવિયેત સંઘ બંને તરફથી આર્થિક મદદ મળશે એવી પણ અપેક્ષા હતી. નહેરુના મત અનુસાર ‘We should not put all our eggs in one basket.’

ભારતના રશિયા સાથેના આ લાંબા ગાળાના સંબંધોને શીતયુદ્ધના અંતથી ઝટકો જરૂર લાગ્યો હતો. આ ઘટનાથી આ બે દેશો વચ્ચેના સંબંધમાં પરિવર્તન પણ આવ્યું છે, પણ તેનાથી તેને મરણતોલ ફટકો લાગ્યો નથી. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો એ બંને દેશોને ઉપયોગી બન્યા છે, જોકે આ સંબંધો કોને વધુ ઉપયોગી થયા છે એ મુદ્દો ચર્ચાસ્પદ છે.

ભારતના સોવિયેત સંઘ સાથેના સંબંધો ભારતની આઝાદીના સમયથી જ મજબૂત ન હતા. સોવિયેત સંઘને ભારતની બિનજોડાણની નીતિમાં શ્રદ્ધા ન હતી. સોવિયેત સંઘને ત્રીજા વિશ્વના દેશોમાં રસ ન હતો. તેનું ધ્યાન યુરોપ પર કેન્દ્રિત હતું. ભારતને પણ પશ્ચિમના દેશોમાં અને ખાસ કરીને બ્રિટન સાથેના સંબંધોમાં રસ હતો. મહત્વની વસ્તુ એ હતી કે ભારતના મુખ્ય હરીફ પાકિસ્તાનનું અમેરિકા જોડેનું જોડાણ હજી થયું ન હતું. 1950ના દાયકાના મધ્યભાગથી પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું, જેનાથી ભારત અને સોવિયેત સંઘ વચ્ચેના સુમેળભર્યા સ્થિર સંબંધોનો પાયો રચાયો. આ માટે કેટલાંક પરિબળોએ ભાગ ભજવ્યો : (1) સોવિયેત સંઘમાં સ્તાલિન પછી નવી નેતાગીરીનો વિકાસ થયો. સોવિયેત સંઘ અને અમેરિકા વચ્ચે હવે અણુશસ્ત્રોના વિકાસને કારણે યુદ્ધ થાય એવી શક્યતા રહી ન હતી. આથી શીતયુદ્ધની હરીફાઈમાં વિજયપ્રાપ્તિ માટે નવી વ્યૂહરચનાની જરૂરિયાત હતી. સ્તાલિન પછી ક્રુશ્ર્ચૉવે ત્રીજા વિશ્વના દેશો સાથે સંબંધ વિકસાવવાની નીતિ અપનાવી. ખાસ કરીને સોવિયેત સંઘે પસંદગીના દેશોને રાજકીય ટેકો, શસ્ત્રોનું વેચાણ, કેટલાક ઉદ્યોગો કે પ્રૉજેક્ટ વિકસાવવામાં મદદ અને આર્થિક મદદ આપવાની નીતિ અપનાવી. ત્રીજા વિશ્વના દેશો સોવિયેત મૉડેલ અપનાવશે અને આ મૉડેલ સોવિયેત સંઘમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનું છે એવો વિશ્વાસ ક્રુશ્ર્ચૉવને હતો. ખૂબ શ્રદ્ધા સાથે ક્રુશ્ર્ચૉવે જાહેર કર્યું કે ‘‘આપણે મૂડીવાદને દફનાવી દઈશું.’’ એ સંબંધ વિકસાવવા માટે ભારત સોવિયેત સંઘનો પસંદગીનો દેશ બન્યો. (2) અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે સંરક્ષણક્ષેત્રે સહકારનો કરાર થયો અને પાકિસ્તાન, અમેરિકાપ્રેરિત લશ્કરી જોડાણોનું સભ્ય બન્યું. આથી તેને અમેરિકાનો લશ્કરી, આર્થિક અને રાજકીય ટેકો મળ્યો, જેનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચેનું અસમતુલન (જે ભારતની તરફેણમાં હતું) અસ્થિર બને એમ હતું. (3) ભાગલા પછીનો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સૌથી મોટો પ્રશ્ન હતો કાશ્મીર. આ પ્રશ્ન પર ઉપર્યુક્ત બીજા મુદ્દાને કારણે પાકિસ્તાનને અમેરિકા અને બીજા પશ્ચિમના દેશોનો ટેકો મળ્યો. (4) કોરિયા અને હિંદી ચીનના પ્રશ્નો અંગે ભારતના વલણને જોઈને સોવિયેત સંઘને ભારતની બિનજોડાણની નીતિમાં વિશ્વાસ આવ્યો.

ભારતમાં પણ આ વલણોનો અનુકૂળ પ્રત્યાઘાત પડ્યો. અમેરિકાના પાકિસ્તાન સાથેના જોડાણથી ભારતને અમેરિકા પાસેથી શસ્ત્રો અને આધુનિક ટૅક્નૉલૉજી મળે એ શક્યતા ઓછી થઈ ગઈ. બીજી બાજુએ સોવિયેત સંઘે ભારતને હથિયારો (છેલ્લી ઢબનાં) આપવાની તૈયારી બતાવી અને ભારતે આ માટેની કિંમત પણ રૂપિયામાં સ્વીકારવાનું નક્કી કર્યું. સંરક્ષણના ક્ષેત્રમાં આ સંબંધો વધતા ગયા. ભારતમાં પણ આ શસ્ત્રોનું ઉત્પાદન, સંયુક્ત પ્રૉજેક્ટો, ભારતમાં વિકાસ માટે ઉત્પાદન અને ઉચ્ચ કક્ષાની સંરક્ષણ-ટૅક્નૉલૉજી ભારતને આપવી – એ આ બે વચ્ચેના સંરક્ષણનાં ક્ષેત્રમાં વધતા જતા સહકારનાં ઉદાહરણો છે. ભીલાઈ જેવા પ્રતિષ્ઠાના સ્ટીલ પ્રૉજેક્ટ આપવામાં પણ સોવિયેત સંઘે તૈયારી બતાવી. આ ઉપરાંત ભારતે કાશ્મીરનો પ્રશ્ન યુનો સમક્ષ ઉપસ્થિત કર્યો હતો; પણ પછી શીતયુદ્ધના વમળમાં તે પ્રશ્ન ઊકલ્યો નહિ. યુનોની સલામતી સમિતિમાં પાકિસ્તાને કાશ્મીર પર કરેલા આક્રમણનો ઉકેલ લાવવાને બદલે ભારત પર જનમત લેવાનું દબાણ કરવામાં આવ્યું. ભારત વિરુદ્ધમાં સલામતી સમિતિમાં કાશ્મીર અંગે લવાતા ઠરાવ પર સોવિયેત સંઘે વારંવાર નિષેધાધિકાર(‘વીટો’ veto)નો ઉપયોગ કરીને ભારતની સરકાર અને પ્રજામતની ચાહત પ્રાપ્ત કરી. 1956માં સોવિયેત નેતા બુલ્ગનિન અને ક્રુશ્ર્ચૉવને ભવ્ય આવકાર મળ્યો તે નવાઈરૂપ નથી. ભારતના રાષ્ટ્રીય હિતના રક્ષણ અને વિકાસમાં સોવિયેત સંઘે આપેલી મદદની ભારતે કિંમત ચૂકવવી પડી. 1956માં સોવિયેત સંઘે હંગેરી પર કરેલા આક્રમણ, 1968માં તેણે ચેકોસ્લોવૅકિયા પર કરેલ આક્રમણ અને 1979માં અફઘાનિસ્તાન પર તેના આક્રમણની ભારત સ્પષ્ટપણે અને ખુલ્લા દિલથી ટીકા કરી શક્યું નહિ. જોકે ભારતના નેતાઓ દ્વારા વારંવાર એમ કહેવાતું હતું કે તેણે બિનજોડાણની નીતિ એટલા માટે અપનાવી હતી કે તે મુક્તપણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં બનતી ઘટનાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે. ઉપરની ઘટનાઓમાં ભારતે અપનાવેલ વલણને કારણે એવા આક્ષેપો થયા કે ભારતની બિનજોડાણની નીતિ રશિયાતરફી છે અને તે સાચા અને શુદ્ધ અર્થમાં બિનજોડાણની નીતિ નથી. આમ છતાં ભારત અને રશિયાના સંબંધો વધતા જ રહ્યા છે. પાકિસ્તાન, ચીન અને અમેરિકાની ધરી સામે આથી ભારત-સોવિયેત મૈત્રીસંધિ (1971માં) થઈ. જેમાં બેમાંના કોઈ એક દેશ પર આક્રમણ થાય તો મસલત કરીને તાત્કાલિક પગલાં લેવાની જોગવાઈ હતી.

ભારત અને રશિયાના સંબંધોમાં શીતયુદ્ધના અંતથી ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તન ભારતને કે રશિયાને કે બંનેને ગમે કે ન પણ ગમે.

1991માં ભારતે બેવડી કટોકટીનો સામનો કરવો પડ્યો. આંતરરાષ્ટ્રીય વ્યૂહાત્મક માળખાના બદલાવ સાથે ભારતે આર્થિક કટોકટીનો સામનો કરવો પડ્યો. રશિયાએ પણ સલામતી અને આર્થિક પ્રશ્નોનો સામનો કરવો પડ્યો; પણ આ પડકારોનો સામનો કદાચ ભારતે વધુ સારી રીતે કર્યો. શીતયુદ્ધનો અંત એ નિશ્ચિત ભાગીદારીના અંતનો સમય હતો, ચવાઈ ગયેલા પ્રશ્નોને હડસેલવાનો સમય હતો. રશિયા અને ભારત એ બંને માટે શૂન્યાવકાશનો સમય હતો. શીતયુદ્ધોતર ગાળામાં ભારતના રશિયા સાથેના સંબંધોનો ત્રણ કક્ષાએ વિચાર કરી શકાય : (1) વૈશ્વિક કક્ષાએ, (2) પારસ્પરિક દ્વિપક્ષીય (બે દેશો વચ્ચેની) કક્ષાએ (bilateral) અને (3) પ્રાદેશિક કક્ષાએ.

વૈશ્વિક કક્ષા : વૈશ્વિક કક્ષાનો વિચાર કરતાં યુદ્ધના અંતથી રશિયાનાં વગ અને રસનો વિસ્તાર મર્યાદિત બન્યો. અંગોલા અને નિકારાગુઆ જેવા દૂરના વિસ્તારો રશિયાના ફલકમાં હવે આવતા નથી. શીતયુદ્ધના અંત પછી રશિયાએ પોતાની અસ્મિતાની શોધ આદરી. રશિયા એ યુરોપિયન સત્તા છે કે યુરેશિયન તે તેણે બહુધ્રુવીમાંથી એકધ્રુવી બનેલી વિશ્વપ્રથાના સંદર્ભમાં નક્કી કરવાનું હતું. ભારતે હવે નક્કી કરવાનું હતું કે શીતયુદ્ધના અંત પછી તેની બિનજોડાણની વિદેશનીતિ અને રશિયા સાથેના વિશિષ્ટ સંબંધોનું માળખું હવે કેટલું પ્રસ્તુત અને ઉપયોગી હતું. રશિયામાં જ સમાજવાદી વિચારસરણીનો પ્રભાવ ઓસરી જતાં ભારતની આર્થિક નીતિનો વૈચારિક આધાર જ અદૃશ્ય થઈ જતો હતો. રશિયામાં જે લોકશાહી સમર્થકો સત્તા પર આવ્યા તેમની સાથે ભારતના નેતાઓનો કોઈ મનમેળ ન હતો. રશિયાના નવા વિદેશપ્રધાન આન્દ્રે કૉઝિરેવ ભારતની ભૂમિકાને કેન્દ્રીય નહિ પણ ગૌણ માનતા હતા. આથી કુદરતી રીતે જ્યારે ભારત-રશિયા મૈત્રીસંધિનું નવીનીકરણ થયું ત્યારે તેમાંથી સલામતી અંગેની જોગવાઈઓ દૂર કરવામાં આવી. આ સમય દરમિયાન ભારતને રશિયન ધારાસભામાં જે ભારત-તરફી લૉબી હતી, તેનો ઉપયોગ કૉઝિરેવ સામે કરવો પડ્યો હતો. (રશિયન કારોબારી ભારત-તરફી ન હતી.) 1996 સુધી આ વલણ ચાલુ રહ્યું. રશિયા પર આધારિત વ્યૂહાત્મક માળખાને બદલે વધુ વૈવિધ્યવાળું માળખું વિકસાવવાનું આમ છતાં અનિવાર્ય બન્યું. ભારતે પોતાની લશ્કરી શક્તિ વિકસાવવા પર વિશેષ ધ્યાન આપવું પડ્યું. આના પરિણામે ભારતે અણુશસ્ત્રો પણ વિકસાવ્યાં. 1990નો દાયકો એ ભારતની વિદેશનીતિ માટે ‘આદર્શવાદથી વ્યવહારવાદ’ તરફ વળવાનો દાયકો હતો.

રશિયાની ‘પશ્ચિમ’ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની નીતિ (ખાસ કરીને યેલસ્ટીનની નીતિ) ખાસ સફળ થઈ નહિ. રશિયાને મોટા પ્રમાણમાં આર્થિક મદદ કે મહાસત્તા તરીકે આંતરરાષ્ટ્રીય પ્રથામાં વિશિષ્ટ દરજ્જો મળ્યો નહિ. 1998માં રશિયાને મોટી આર્થિક કટોકટીનો સામનો કરવો પડ્યો. રશિયાનું દેવું 100 બિલિયન ડૉલર જેટલું થયું હતું, જે તેને વારસામાં મળ્યું હતું. નાટોના લીધે 1999માં યુગોસ્લાવિયા સામે લેવાયેલાં પગલાંથી રશિયામાં એવી લાગણી પેદા થઈ કે પશ્ચિમના દેશોને રશિયાની સંવેદનાની ચિંતા ન હતી.

2001માં વ્લાદિમિર પ્યુટિન રશિયામાં સત્તા પર આવતાં રશિયાનું પશ્ચિમકેન્દ્રી વલણ બદલાયું. રશિયા-ચીન-ભારતની ધરી (axis) વિકસાવવાનો વિચાર આમાંથી જન્મ્યો છે. વાસ્તવમાં આ વિચારનો પ્રભાવ આંતરરાષ્ટ્રીય પ્રથા પર પડ્યો નથી, કારણ કે રશિયાના વલણમાં વ્યૂહાત્મક પરિસ્થિતિની પ્રવર્તમાન સ્થિતિમાં બદલાવની ઇચ્છનીયતા કરતાં પોતે શીતયુદ્ધના અંત પછી અપનાવેલી વિદેશનીતિને પરિણામે મળેલા લાભો અંગેનો અસંતોષ વધુ નજરે પડે છે. રશિયા, ચીન કે ભારત વાસ્તવમાં અમેરિકા સાથેના પોતાના સંબંધોની ગોઠવણી કરવામાં પડ્યા છે. પરસ્પરના સંબંધોની ગોઠવણી અને સર્વોચ્ચ સત્તા સાથેના તેમના સંબંધોની ગોઠવણી  એ આ વિશ્વવ્યવસ્થામાં મુખ્ય કાર્ય રહ્યું છે.

11 સપ્ટેમ્બર, 2001ની ઘટનાને કારણે રશિયા, ચીન અને ભારતે અમેરિકાને ટેકો આપ્યો છે. આંશિક રીતે આ ત્રણેય દેશો ત્રાસવાદના પ્રશ્નનો સામનો કરી રહ્યા છે. કદાચ આ ત્રણેય દેશોને ત્રાસવાદનો પ્રશ્ન મૂંઝવતો ન હોત તોપણ તેમણે અમેરિકાને ટેકો આપ્યો હોત. પાકિસ્તાન જે ત્રાસવાદની ધરી છે તેણે પણ અમેરિકાને ટેકો આપવો પડ્યો છે, તે બતાવે છે કે આ કે તે પ્રશ્ન નહિ, પણ એકધ્રુવી પ્રથા નિર્ણાયક પરિબળ છે. એનો અર્થ એવો પણ નથી કે દરેક પ્રશ્ન પર બધા દેશો અમેરિકાને અનુકૂળ વલણ જ અપનાવશે; દા. ત., રશિયાએ જ મિસાઇલના રક્ષણની યોજનાનો વિરોધ કર્યો હતો, જ્યારે ભારતે બુશની આ અંગેની નીતિનો વિરોધ કર્યો ન હતો. એક મત અનુસાર રશિયા પોતે જ વલણ બદલે એવી અપેક્ષા હતી.

આમ છતાં, પ્યુટિનની સત્તાપ્રાપ્તિ પછી રશિયાએ ભારત સાથે સંબંધ સુધારવા નક્કર પ્રયત્નો કર્યા છે. પ્યુટિનની ભારતની મુલાકાત, તેમણે ભારતનાં અણુમથકો અને સંશોધનકેન્દ્રોની લીધેલી મુલાકાત અને ભારતના અણુઅખતરાઓ અને સી.ટી.બી.ટી. (comprehensive test ban treaty) અંગે અપનાવેલું નરમ વલણ આ પગલાંનાં સૂચક છે. રશિયાએ ભારત સામે શિક્ષાત્મક પગલાં લીધાં ન હતાં.

ભારતે પણ શીતયુદ્ધના અંતથી પોતાના જૂના મિત્રને ગુમાવવાથી નવા મિત્રોની શોધ આદરી છે. ‘પૂર્વ તરફ જુઓ’(look east)ની નીતિ એશિયન-પૅસિફિક વિસ્તારના મહત્વ પર ભાર મૂકે છે. સિંગાપુર, કોરિયા અને જાપાન – એ ભારતના મુખ્ય રસના દેશો બન્યા છે. સૌથી મહત્વની વસ્તુ હતી – અમેરિકા સાથેના સંબંધમાં સુધાર. માર્ચ 2000માં પ્રમુખ ક્લિન્ટને ભારતની લીધેલી ખૂબ સફળ મુલાકાત આના પ્રતીકરૂપ હતી.

ત્રાસવાદના પ્રશ્ન પર ભારતની અપેક્ષા વિરુદ્ધ અમેરિકાએ પાકિસ્તાનની મદદ લીધી; તેનાથી ભારત, રશિયા તરફ વળશે એવી અપેક્ષા રાખી શકાય નહિ. તેનાથી થતા લાભો મહત્વના નથી.

શીતયુદ્ધના અંતથી ભારત ને રશિયાને નજીક લાવતાં પરિબળો મહત્વનાં દેખાતાં નથી; પણ એમને દૂર રાખનાર અવરોધક પરિબળો પણ નથી. વ્યૂહાત્મક સ્વરૂપને બદલે આથી ભારત અને રશિયા વચ્ચેના સંબંધો આર્થિક અને ટેક્નિકલ પ્રકારના બન્યા છે.

પારસ્પરિક દ્વિપક્ષીય કક્ષાએ સોવિયેત સંઘના વિઘટને ભારતને માટે અનેક મુશ્કેલીઓ ઊભી કરી. ભારતને મળતાં શસ્ત્રો કાં તો અમુક સમય માટે આવતાં બંધ થયાં કે તેમને પ્રાપ્ત કરવામાં વિલંબ થયો. ભારતે યુક્રેન અને બીજા પૂર્વ યુરોપના દેશો તરફ કામચલાઉ ધોરણે નજર નાંખવી પડી. અધૂરામાં પૂરું, ભારતનું વિદેશી હૂંડિયામણનું ભંડોળ ખૂબ ચિંતાજનક રીતે નીચું ગયું. ભારત અને રશિયા વચ્ચેનો રૂપિયા-રૂબલ કરાર જે ભૂતકાળમાં નવીન અને ઉપયોગી લાગતો હતો તે હવે બિનઉપયોગી અને બોજસમાન લાગ્યો. ભારતનું રશિયા તરફનું દેવું હવે 15 બિલિયન ડૉલર જેટલું થયું. રશિયાને હવે આંતરરાષ્ટ્રીય કક્ષાના ચલણ દ્વારા ચુકવણીમાં રસ હતો અને ભારતની વસ્તુઓમાં રસ ન હતો. 1992માં ભારત-રશિયા વેપાર સ્થગિત થઈ ગયો. 1994માં આ વેપાર પહેલાંની તુલનામાં પાંચમા ભાગ જેટલો થઈ ગયો. મોટા પ્રમાણમાં વેપારમાં એકઠા થયેલા રૂપિયાને રશિયાએ 15 ટકાના વટાવ દરે લેવાનું સ્વીકાર્યું.

1991થી 1996 દરમિયાન રશિયાએ ભારતની અવગણના કરી, તેની ભારત પર ઊંડી અસર પડી. ભારત-રશિયા સંબંધો ગમે તે હવામાનને જીરવી શકે છે એવું માનનારાને માટે આ વર્ષો આઘાતજનક હતાં.

ભારત અને રશિયાના આજના સંબંધોમાં શસ્ત્રોનો વેપાર જ કેન્દ્રસ્થાને છે; પણ શીતયુદ્ધના વ્યૂહાત્મક માળખાની ગેરહાજરીમાં ખાસ કરીને રશિયાની દૃષ્ટિએ; પરંતુ ભારત એ અણુશસ્ત્ર ધરાવનાર દેશ બનવા માગતો હતો એટલે આ બંનેના સંબંધમાં ભારતની દૃષ્ટિએ એક વ્યૂહાત્મક પાસું હતું. વળી 1999ના કારગીલના યુદ્ધ પછી ભારતના સૈન્યતંત્રને આધુનિક બનાવવાની ઇચ્છા ભારતને રશિયા તરફ લઈ જતી હતી. બીજી બાજુએ નાનાં સંરક્ષણ-બજેટ, સંરક્ષણના ક્ષેત્રમાં રાજ્ય તરફથી માગણીમાં ઘટાડો, રશિયાના સંરક્ષણ-ઉદ્યોગના વેપારીકરણને અનિવાર્ય બનાવતાં હતાં. ભારતનું મહત્વ રશિયાના સંરક્ષણ-ઉદ્યોગ માટે એટલા માટે વિશેષ હતું કે ભારતનો સંરક્ષણ-ઉદ્યોગ રશિયા પાસેથી જે લશ્કરી સાધનો મેળવે છે તે રશિયાનાં લશ્કરી દળોનાં સાધનો કરતાં પણ વધારે છે. Taos ટૅન્ક, સુખોઈ 30 લડાયક વિમાનો, TU 22 બૉમ્બરો અને ઍરક્રાફ્ટ કેરિયર પણ ભારતને મળશે.

આ ઉપરાંત રશિયાએ અણુ-ઊર્જાના ક્ષેત્રમાં ભારત સાથે સહકારની તૈયારી બતાવી છે, જે બીજા કોઈ દેશે બતાવી નથી. અણુઅખતરા પછી ભારત સામે લેવાયેલાં શિક્ષાનાં પગલાંના સંદર્ભમાં આનું ખાસ મહત્વ હતું. રશિયાને માટે પણ આ સહકાર આપવો આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં મુશ્કેલ હતો. રશિયા પોતે અણુશસ્ત્રો ધરાવનાર દેશોની ક્લબનું સભ્ય છે. આંતરરાષ્ટ્રીય અણુ-અંકુશ-શાસનમાં તે વિશ્વાસ રાખે છે. તેણે પોતાની ધારાસભામાં અણુનિકાસ પર અંકુશધારો પસાર કરેલ છે. તેમાં સુધારા કરીને તેણે ભારતને મદદ કરી છે. જોકે આમ છતાં ક્રાયોજિનિક એન્જિનની ટૅક્નૉલૉજીની બાબત અંગેના કરારના અમલમાં રશિયાની પીછેહઠથી અમુક પ્રમાણમાં તે પોતે વિશ્વસનીય ભાગીદાર નથી એવી છાપ પણ ઊભી થઈ હતી.

પ્રાદેશિક કક્ષાએ ઊભા થતા રાષ્ટ્રીય અને વ્યૂહાત્મક આજ્ઞાર્થો કદાચ ભારત-રશિયા સંબંધોમાં સૌથી વધુ પ્રભાવક બને એવી શક્યતા છે.

રશિયા અને ભારતનો મધ્ય એશિયામાં રસ એ બંનેને જોડતી કડી છે. પાકિસ્તાન, તુર્કી, અમેરિકા – એ બધાંને આ વિસ્તારમાં રસ છે. અફઘાનિસ્તાનમાં રશિયા અને ભારતને તાલિબાન પર અને પાકિસ્તાનની મહત્ત્વાકાંક્ષાઓ પર અંકુશ મૂકવામાં રસ હતો.

પરંતુ ચીનની બાબતમાં આ બંનેનાં હિતોમાં વિરોધ ઊભો થાય એવી શક્યતા છે. રશિયા હવે ચીનને ‘વ્યૂહાત્મક હરીફ’ નહિ પણ ‘વ્યૂહાત્મક ભાગીદાર’ ગણે છે. ભારત અને ચીન – એ રશિયન શસ્ત્રોના મોટા ખરીદાર છે. આંતરિક વિરોધ (અમુક પ્રમાણમાં) હોવા છતાં રશિયા મોટા પ્રમાણમાં ચીનને શસ્ત્રો વેચે છે. આથી ભારતનો હરીફ રશિયા દ્વારા મજબૂત બને છે. ભારતે જોકે આ બાબતમાં જાહેરમાં વિરોધ વ્યક્ત કર્યો નથી. અમેરિકાના નીતિ-નિર્ણાયકો પણ સલામતીના ક્ષેત્રમાં ભારતને ચીન તરફથી ઊભી થતી ચિંતાને લક્ષમાં લેતા નથી. આનાથી ઊલટું, અમેરિકા ચીનને દક્ષિણ એશિયામાં પોતાની સાથે સ્થિરતા લાવવાની ભૂમિકા ભજવવા કહે છે. આમ શીતયુદ્ધના અંત પછી એકધ્રુવી વિશ્વની સામે રશિયા, ચીન, ભારતની ધરીની વાતો ભલે થતી હોય; પણ વ્યવહારમાં એવું બન્યું છે કે ભારત-રશિયા સંબંધ, જેનો એક આધાર ચીન પર અંકુશ હતો તે અદૃશ્ય થવાથી, ભારત-રશિયા સંબંધમાં એક ગૂંચવણ ઊભી થઈ છે, એક દ્વિધા ઊભી થઈ છે અને તેથી ભારતને માટે સૈન્યતંત્રને સ્વનિર્ભર બનવાની એક તાતી જરૂરિયાત ઊભી થઈ છે.

વળી ચીન પાકિસ્તાનને મજબૂત બનાવે છે, જે હજુ સુધી તો ભારતનો દુરારાધ્ય (irreconciliable) દુશ્મન (foe) રહ્યું છે. રશિયા ભલે પાકિસ્તાનને શસ્ત્રો સીધી રીતે ન આપે, પણ ચીન દ્વારા શસ્ત્રો એની પાસે પહોંચે એવી શક્યતા જરૂર છે. હવે તો રશિયા અને પાકિસ્તાનના સંબંધો સુધરી રહ્યા છે. આ ઉપરાંત રશિયા એવું માને છે કે પાકિસ્તાન સાથેના સારા સંબંધ ઇસ્લામિક કટ્ટરપંથીઓના વિસ્તારને રોકવામાં મદદ કરી શકે. પાકિસ્તાન તાલિબાન શાસન સાથેના તેના સંબંધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે એક પ્રકારની એકલતા અનુભવતું હતું. રશિયા સાથેના સારા સંબંધો તેની એકલતાને ઘટાડી શકે. જોકે રશિયા, પાકિસ્તાન દ્વારા ત્રાસવાદને અપાતા ઉત્તેજન અંગે ટીકાત્મક વલણ જરૂર અપનાવે છે.

ત્રાસવાદનાં ભયનો સામનો ભારત અને રશિયાને માટે એક સામાન્ય ચિંતાનો વિષય છે. પરંતુ પોતાની લડતને આપેલું સ્વરૂપ અને ત્રાસવાદનું આંતરરાષ્ટ્રીય સ્વરૂપ જોતાં અમેરિકાએ ભારત અને રશિયાને જે ભયનો સામનો કરવો પડે છે તેના તરફ અમુક પ્રમાણમાં ધ્યાન આપવું પડશે. આ ઉપરાંત પ્રાદેશિક કક્ષાએ પણ રશિયા-ચીન-ભારતે ત્રાસવાદ વિરુદ્ધ સંયુક્ત ફોરમ રચ્યું છે.

ચીનને જે પ્રશ્નોનો સામનો કરવો પડે છે તે અને અમેરિકા સાથેના તેના સંબંધો, ચીનને પાકિસ્તાનકેન્દ્રી દક્ષિણ એશિયાની નીતિની પુનર્વિચારણા કરવા પ્રેરી શકે; પછી ભલે તે તેમાં આમૂલ પરિવર્તન ન લાવે. રશિયાની ભારતકેન્દ્રી નીતિ જે પ્યુટિનના સમયમાં પુનર્જીવિત થઈ છે તે પણ વર્તમાન આંતરરાષ્ટ્રીય પ્રથા અને અમેરિકા સાથેના તેના સંબંધના સંદર્ભમાં પુનર્વિચારણા કરવા પ્રેરે. જોકે તેમાં પણ આમૂલ પરિવર્તન આવવાની શક્યતા નથી.

ભારત-રશિયા સંબંધોએ શીતયુદ્ધના અંતથી થતા ફેરફારોને જીરવ્યા છે. ભારત-રશિયા સંબંધોનું મહત્વ નવી વિશ્વપ્રથાના સંદર્ભમાં વ્યૂહાત્મક દૃષ્ટિએ નથી, આર્થિક દૃષ્ટિએ છે અને એ આર્થિક દૃષ્ટિમાં શસ્ત્રોનો વેપાર એ અગત્યનો ભાગ છે અને તેટલા પ્રમાણમાં તે વ્યૂહાત્મક છે. મધ્ય એશિયામાં રસ, ત્રાસવાદનો પ્રશ્ન અને ચીનનો ભય  એ ભારત-રશિયાના સંબંધોમાં પ્રાદેશિક કક્ષાએ સુધાર લાવી શકે. પોતાની વિદેશનીતિના ઘડતરમાં જોકે ભારત અને રશિયા શીતયુદ્ધના સમયની તુલનામાં એકબીજાને કેન્દ્રમાં રાખે એવી શક્યતા લાગતી નથી. એકંદરે વિચારસરણી-આધારિત નહિ, પણ પ્રશ્નો-આધારિત વિદેશનીતિનો સમય આવી ગયો છે. ભારત-રશિયા જોડાણ ત્યારે જ ઉદભવી શકે જ્યારે રશિયા એક શક્તિશાળી દેશ તરીકે આગળ આવે, જે અત્યારે શક્ય લાગતું નથી. ભારત-રશિયા-ચીનની ધરીની વાત એ વાત જ રહેશે, વ્યવહાર બને એવું લાગતું નથી. ભારત પણ જો પોતાની શક્તિ વધારશે તો જ બીજા દેશોને એનું મૂલ્ય દેખાશે. હાલમાં તો ભારતને પોતાની લશ્કરી શક્તિ વધારવા માટે રશિયાની અને આર્થિક શક્તિ વધારવા માટે અમેરિકાની જરૂર છે.

ખ્રિપુનૉવ અને અનુપમ શ્રીવાસ્તવના મત અનુસાર રશિયાની દૃષ્ટિએ ભારતની ભૂમિકા સોવિયેત સમયની તુલનામાં 1991 પછીના ગાળામાં અમુક બાબતોમાં ઘટી છે અને અમુક બાબતોમાં વધુ મહત્વની બની છે; દા.ત., સોવિયેત સંઘ અને ચીન વચ્ચેના સંબંધોમાં સમાધાનકારી ગાળો આવવાથી તેના પર અંકુશ મૂકવા માટેની ભારતની ભૂમિકા ઘટી છે. (આગળ દર્શાવેલ મતથી આ જુદો મત છે.) અમેરિકા પર અંકુશ મૂકવામાં શીતયુદ્ધના સમયની ભારતની ભૂમિકા, શીતયુદ્ધથી ઘટી છે. માત્ર એક ઇચ્છિત બહુધ્રુવી વિશ્વ-વ્યવસ્થાના ભાગ તરીકે ભારતનું સૈદ્ધાંતિક મહત્વ છે. અફઘાનયુદ્ધ પૂરું થતાં એક સ્થિરતાના તત્વ તરીકે ભારતનું મહત્વ ઘટ્યું, પણ પછીના તાલિબાનના શાસન દરમિયાન તેના પર અંકુશ મૂકવામાં ભારતનું મહત્વ રહ્યું છે. રશિયાના નિકાસના સ્રોત તરીકે ભારતનું મહત્વ શીતયુદ્ધ પછી પહેલાં કરતાં વધ્યું છે; પરંતુ આમાં રશિયાની દૃષ્ટિએ આર્થિક દૃષ્ટિકોણ ઉમેરાયો છે. વેપાર અને આર્થિક સહકારની દૃષ્ટિએ ભારતને માટે રશિયાનું મહત્વ શીતયુદ્ધોતર વર્ષોમાં શરૂઆતમાં ઓછું થયું. સોવિયેત સંઘનું વિઘટન અને રશિયાનો પશ્ચિમ-તરફી અભિગમ એને માટે જવાબદાર હતો. ભારતને રશિયા પાસેથી હાઇટૅક્નૉલૉજી પણ મેળવવાની છે; આથી તેને રશિયા સાથેના સંબંધોમાં શીતયુદ્ધોત્તર કાળમાં પણ રસ રહે એમ જણાય છે.

ભારતશ્રીલંકા સંબંધો : ભારતના શ્રીલંકા સાથેના સંબંધો વિશિષ્ટ પ્રકારના, અનેક રીતે મહત્વના છે અને છતાં ભારત અને શ્રીલંકાએ આઝાદી પ્રાપ્ત કરી (અનુક્રમે 1947 અને 1948માં) ત્યારથી તણાવમુક્ત નથી રહ્યા.

નૃવંશીય દૃષ્ટિએ જોઈએ તો ભારતમાં ઓરિસા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના લોકો સિંહાલી પ્રજા સાથે સંકળાયેલા છે. તમિલનાડુના લોકોને શ્રીલંકાના વિવિધ પ્રકારના તમિળો સાથે લાંબા ગાળાના સંબંધો છે. શ્રીલંકાના લોકોના ત્રણ મુખ્ય ધર્મો બૌદ્ધ, હિંદુ અને ઇસ્લામ એ ભારતમાં પણ પળાય છે. બે અલગ અલગ રાષ્ટ્ર રાજ્યોમાં રહેતી પ્રજાને માટે વફાદારીનાં હરીફાઈયુક્ત કેન્દ્રો પણ ભારતના શ્રીલંકા સાથેના સંબંધોમાં મુશ્કેલી ઊભી કરે છે

આ સંદર્ભમાં અમુક પ્રમાણમાં ઐતિહાસિક સંદર્ભનો ઉલ્લેખ ઉપયોગી થશે. શ્રીલંકાના ઐતિહાસિક સ્રોત મુજબ દક્ષિણ બંગાળ કે ઓરિસાનો કોઈ રાજકુમાર શ્રીલંકામાં ઊતર્યો હતો અને તેણે સ્થાનિક ટોળી પર વિજય પ્રાપ્ત કરીને પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. ઈ. સ. પહેલાંની ત્રીજી સદીમાં કુમારવિજય પોતાના 700 જેટલા સાથીઓને લઈને આ રીતે આવ્યો હતો. આ કુમારે સ્થાનિક રાજકુમારી સાથે લગ્ન કરવા ઉપરાંત આંધ્ર કે તમિલનાડુની રાજકુમારી સાથે લગ્ન કર્યાં હતાં. તેના અનુયાયીઓ પણ રાજકુમારના જ ઉદાહરણને અનુસર્યા હતા. આ રીતે સિંહાલી જાતિનો વિકાસ થયો.

કેટલાંક વર્ષો પછી ઈ. પૂ.ની ત્રીજી સદીના અંતમાં કે બીજી સદીની શરૂઆતમાં સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્રના પ્રભાવ નીચે શ્રીલંકાના લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. શ્રીલંકાના લોકો આ પછી હીનયાન બૌદ્ધ ધર્મને ચુસ્ત રીતે વર્યા છે.

તમિળ લોકોની હાજરી શ્રીલંકામાં અને ખાસ કરીને તેના ઉત્તરના ભાગમાં લગભગ 2000 વર્ષથી છે. શ્રીલંકાના આ ભાગો કોઈક દક્ષિણ ભારતના સામ્રાજ્યના ભાગરૂપ હતા કે સ્વતંત્ર તમિળ રાજ્યની રચના કરતા હતા એવી એક માન્યતા છે. ખાસ કરીને જાફનાના રાજ્યના સંદર્ભમાં આવી માન્યતા છે.

પૉર્ટુગીઝ અને ડચ પ્રજા શ્રીલંકામાં આવી તે પહેલાં સિંહાલી અને તમિળ રાજ્યો સાથે સાથે અસ્તિત્વમાં રહેતાં હતાં. પરંતુ જ્યારે અઢારમી સદીમાં કૅન્ડીના સિંહાલી રાજાને હરાવી બ્રિટિશરોએ સમગ્ર શ્રીલંકાને એક જ શાસકના અંકુશ હેઠળ આણ્યું ત્યારે આ પરિસ્થિતિનો અંત આવ્યો. આ સમય દરમિયાન જ શ્રીલંકાના ઉત્તર ભાગમાં વસતા તમિળોએ પૂર્વ શ્રીલંકા બાજુ સ્થળાંતર કરવા માંડ્યું હતું.

સિંહાલી અને તમિળ લોકો વચ્ચેના સંઘર્ષનાં મૂળ બ્રિટિશ શાસન દરમિયાન તમિળોની ભૂમિકામાં રહેલાં છે. બ્રિટિશ શાસકોએ બહુમતી સિંહાલીઓ પ્રત્યેના અવિશ્વાસને કારણે તમિળ લઘુમતીને ઉત્તેજન આપ્યું. આથી શ્રીલંકાના રાજકીય અને આર્થિક જીવનમાં તમિળો તેમની સંખ્યાના પ્રમાણમાં વધુ પ્રભુત્વ ધરાવતા થયા. આથી સિંહાલીઓને બ્રિટિશ સંસ્થાનવાદના શોષણ ઉપરાંત બ્રિટિશ તમિળ જોડાણ તરફ મોટો અસંતોષ ઊભો થયો. આઝાદી સુધી આ પરિસ્થિતિમાં પરિવર્તન આવે તેમ ન હતું.

આઝાદી પછી વિવિધ નૃવંશીય હિતોનો (બંધારણીય માળખામાં) સમન્વય સાધવાના ડોનોમોર અને જેવિંગ્સના પ્રયત્નો છતાં સિંહાલી અને તમિળ પ્રજાના સંબંધોમાંથી શંકાનું વાતાવરણ દૂર થયું નહિ.

1950ના દાયકાના મધ્ય ભાગમાં એસ. ડબ્લ્યૂ. આર. ડી. બંદારનાયકના શ્રીલંકા ફ્રીડમ પક્ષે માત્ર સિંહાલીના એજન્ડા પર ચૂંટણીમાં વિજય મેળવ્યો. શ્રીલંકાનું પરિવર્તન આથી એક સિંહાલી બૌદ્ધ રાજ્યમાં થયું. એક બહુભાષી અને વિવિધ ધર્મોના સહઅસ્તિત્વમાં આસ્થા રાખનાર સમાજનું આ પરિવર્તન શ્રીલંકામાં નૃવંશીય સંઘર્ષોનું સર્જન કરનાર બન્યું. એક વિરોધાભાસી લાગે એવી ઘટના એ બની કે બંદારનાયકની હત્યા એક બૌદ્ધ સાધુએ કરી. શ્રીલંકાના રાજ્ય અને સમાજને બંદારનાયકે પૂરતા પ્રમાણમાં બુદ્ધવાદી સ્વરૂપ નથી આપ્યું એવો આક્ષેપ તેમની સામે કરવામાં આવ્યો હતો. તમિળો તરફથી પણ ચેલ્વનાયકની અને થિરૂચેલામ દ્વારા તમિળોને શ્રીલંકાની રાજ્યપ્રથામાં ન્યાયી સ્થાન મળે એ માટે પ્રયત્નો થયા. સિંહાલી વડાપ્રધાનો સાથે (બંદારનાયક સહિત) કરારો પણ થયા. આ વડાપ્રધાનો આ સમજૂતીઓનો અમલ કરી શક્યા નહિ, કારણ કે સિંહાલી સમાજ (ખાસ કરીને ધર્મગુરુઓના પ્રભાવ નીચે) અંતિમવાદી બન્યો હતો. આથી તમિળોમાં એવી લાગણી પેદા થઈ કે સિંહાલીઓના શાસનમાં તેમને ન્યાય મળશે નહિ. તમિળ લોકોને ભૂતકાળની તુલનામાં આર્થિક અને શિક્ષણના ક્ષેત્રમાં પૂરતી તકો ન મળતાં તેમનામાં અસંતોષ વધતો જ ગયો.

શ્રીલંકાના મધ્યભાગના પહાડી વિસ્તારોમાં ચા, કૉફીના બગીચામાં કામ કરતા તમિળો, જેઓ વર્ષોથી શ્રીલંકામાં રહેતા હતા તેમને રાજ્યવિહીન અને નાગરિકતાના હકો ન ધરાવનાર વ્યક્તિઓ તરીકે જાહેર કરાતાં શ્રીલંકા અને ભારતની સરકાર વચ્ચેના સંબંધમાં એક મોટો પ્રશ્ન ઊભો થયો.

શ્રીલંકા ભારતની વિદેશનીતિ માટે એક મહત્વનો દેશ રહ્યો જ છે. આ બંને દેશો આઝાદ થયા તે પહેલાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનની સરકારે જાપાન સામેના યુદ્ધમાં દક્ષિણ-પૂર્વ એશિયાના સંદર્ભમાં લશ્કરી મથક તરીકે શ્રીલંકાનો ઉપયોગ કર્યો જ હતો. ભારતના દક્ષિણ ભાગના છેડે આવેલા તમિલનાડુ અને કેરળના વિસ્તારથી શ્રીલંકા સમુદ્રમાર્ગે ખૂબ જ નજીક છે. ભારતના દુશ્મનો શ્રીલંકાનો ઉપયોગ ભારતવિરોધી પ્રવૃત્તિઓ માટે રાજકીય અને વ્યૂહાત્મક દૃષ્ટિએ કરી જ શકે છે. આથી શ્રીલંકા ભારત-તરફી બને તે ભારતને ઉપયોગી છે. આ ઉપરાંત શ્રીલંકાની સરકાર માટે દેશની આઝાદી કે રક્ષા માટે પડકાર ઊભો થાય તો ભારત જ તેને તાત્કાલિક મદદ કરી શકે એમ છે. શ્રીલંકાની સરકારને ઉથલાવી પાડવાના ક્રાંતિકારી ગેરીલાઓના પ્રયત્નો, શ્રીમતી સિરિમાવો બંદારનાયકના સમયમાં થયેલા પ્રયત્નો ભારતની મદદથી જ નિષ્ફળ નીવડ્યા હતા. રાજીવ ગાંધીના વડાપ્રધાનપદના સમય દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ જયવર્દનેએ ભારતીય શાંતિરક્ષક દળની મદદ માગી હતી, એનું એક કારણ એ હતું કે તમિળ ત્રાસવાદીઓ ઉપરાંત સિંહાલી ત્રાસવાદીઓનો પણ તેમને સામનો કરવાનો હતો અને આ બંનેનો એકીસાથે સામનો કરવાની શક્તિ શ્રીલંકાનાં લશ્કરી દળોમાં ન હતી.

આ જોગવાઈ ભારત-શ્રીલંકા કરાર સાથે પ્રસિદ્ધ થયેલા ભારતના વડાપ્રધાન અને શ્રીલંકાના રાષ્ટ્રપતિના પત્રવ્યવહાર મુજબ કરવામાં આવી હતી. કરારનો મુખ્ય હેતુ જ શ્રીલંકાની તમિળ સમસ્યાને શાંતિપૂર્વક હલ કરવાનો હતો. શ્રીલંકાના તમિળોનો અસંતોષ ભારતના તમિળો(તામિલનાડુ)ને પણ દુ:ખદાયી બનતો હતો. ભારત શ્રીલંકામાંથી અલગ તમિળ રાજ્ય રચવાની ઇચ્છા રાખતું હતું કે નહિ એ અટકળનો પ્રશ્ન જ બની જાય છે; પણ શ્રીમતી ઇંદિરા ગાંધીના સમયમાં અલગ સ્વતંત્ર તમિળ રાજ્યની માગણી કરતા ત્રાસવાદી જૂથ એલ.ટી.ટી.ઈ.(LTTE)ને આશરો, કેળવણી અને શસ્ત્રો ભારતે આપ્યાં હતાં. પાછળથી આ નીતિની પૂર્વવિચારણા થઈ. બાંગ્લાદેશના સર્જનમાં ભારતે ભજવેલી ભૂમિકાથી ઊભી થયેલી છાપને દૂર કરવાનો ઇરાદો એની પાછળ હતો; પણ એક અભિપ્રાય મુજબ, શ્રીલંકામાંથી સર્જાયેલ અલગ સ્વતંત્ર તમિળ રાજ્ય દ્વારા ભારતના તામિલનાડુ માટે લોહચુંબક બને અને ભારતના વિઘટનનું કારણ બને એ ભય પણ હતો જ. આમ પણ તમિળો (ભારતના માટે) માટે અલગતાવાદનો પ્રશ્ન, ભારતની આઝાદી પછી અમુક સમય માટે રહ્યો જ છે. દ્રવિડ કઝગમ અને દ્રવિડ મુનેત્રા કઝગમ (ડી.કે. અને ડી.એમ.કે.) જેવા પક્ષોએ આ માગણીને અમુક સમય માટે ટેકો આપ્યો હતો. રાજીવ ગાંધીની મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવવા માટેની પસંદગી પણ એમાં કારણરૂપ બની હોય. ભારતના શ્રીલંકા સાથેના સંબંધમાં રાજીવ ગાંધીના સમય દરમિયાન ઉપર્યુક્ત ભૂમિકા ભજવવા માટે ભારતની એવી ઇચ્છા પણ રહી હતી કે ભારતને જો વૈશ્વિક સ્તરે ભૂમિકા ભજવવી હોય તો પાડોશી રાજ્યો સાથેના તેના પ્રશ્નોનો સુખદ ઉકેલ આવે એ ઇચ્છનીય હતું.

આઝાદી પછીના શરૂઆતનાં વર્ષોમાં ‘રાજ્યવિહીન તમિળો’નો પ્રશ્ન મહત્વનો હતો. આ પ્રશ્ન ઉકેલવા અંગે નહેરુના સમયથી જ પ્રયત્નો થયા. શાસ્ત્રી-બંદારનાયકના કરાર દ્વારા શ્રીલંકાના બગીચામાં કામ કરતાં તમિળોના અમુક સમૂહને શ્રીલંકાનું અને અમુક સમૂહને ભારતીય નાગરિકત્વ આપવાનું નક્કી કરવામાં આવ્યું. પરંતુ આ અને પછીના કરારના અમલમાં મુશ્કેલીઓ આવી હતી.

1977ની ચૂંટણીમાં સિરિમાવો બંદારનાયકની હાર થઈ, પણ આ ચૂંટણી સાથે તમિળો સામેની રાજકીય હિંસામાં વધારો થયો એનો પ્રત્યુત્તર પણ એવો જ આવ્યો. સરકાર દ્વારા બળનો ઉપયોગ કરીને તમિળ હિંસાને દબાવવામાં આવી. સંવાદને સ્થાને હિંસાની પસંદગીથી તમિળ પ્રશ્ન હલ થવાનો ન હતો, પણ શ્રીલંકાના રાજકારણીઓ અને તેમનું લશ્કર એવી માન્યતા ધરાવતાં હતાં કે તમિળ વિરોધને બળથી શમાવી શકાય છે. આ વલણ ખેદજનક એટલા માટે હતું કે 1977ની ચૂંટણીમાં જ મધ્યમમાર્ગી વલણ ધરાવનાર ટુલ્ફ (TULF – તમિળ યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ) પક્ષ પ્રાદેશિક સ્વાયત્તતાના અને તમિળોને થતા અન્યાયને દૂર કરવાના મુદ્દા પર સારી એવી બેઠક મેળવી એક મહત્વના રાજકીય પરિબળ તરીકે આગળ આવ્યો હતો. 1983માં તમિળોએ કેટલાક સૈનિકોની કરેલી હત્યાના સંદર્ભમાં શ્રીલંકામાં મોટા પ્રમાણમાં તમિળવિરોધી હુલ્લડો થયાં. કોલંબોમાં આવી સૌથી વધુ અસર થઈ. સરકારે આ હુલ્લડો દબાવવામાં નિષ્ક્રિયતા બતાવી અને સલામતી દળોએ જાફનામાં તમિળોને કચડવાની પ્રવૃત્તિ શરૂ કરી. લગભગ 2,00,000થી 2,50,000 તમિળોએ સ્થળાંતર કરીને નિરાશ્રિત બનીને ભારતમાં આશરો લીધો. કેટલાકે અમેરિકા, પશ્ચિમ યુરોપ અને ઑસ્ટ્રેલિયામાં આશરો લીધો.

અહીં સિંહાલી માનસનો ઉલ્લેખ પણ જરૂરી છે. ભૂતકાળમાં ચોલા રાજાઓએ કરેલાં આક્રમણો તેમની ઐતિહાસિક યાદદાસ્તમાં હતાં જ. વળી સિંહાલીઓ તમિળોને ‘લઘુમતી’ ગણતા ન હતા. જોકે સિંહાલીઓ શ્રીલંકાની કુલ વસ્તીનું 85 % પ્રમાણ ધરાવતા હતા. સિંહાલીઓ તામિલનાડુમાંના તમિળોને પણ શ્રીલંકાના તમિળોમાં ઉમેરીને એક ગ્રંથિનો અનુભવ કરતા હતા. તમિળોને સ્વાયત્તતા આપવામાં આવે તો તેઓ શ્રીલંકાથી અલગ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરશે એવો તેમને ભય હતો. મૂળભૂત રીતે આથી જ સિંહાલીઓ સમવાયતંત્રનો એક રાજકીય પ્રથા તરીકે સ્વીકાર કરતા ન હતા. (ભૂતકાળમાં એવી દલીલ કરવામાં આવતી હતી કે શ્રીલંકા જેવા નાના દેશ માટે સમવાયતંત્રની જરૂર નથી અને તે ખર્ચાળ છે.) વર્ષોના અનુભવ પછી આજે સમવાયી વિકલ્પનો સ્વીકાર સિંહાલી રાજકારણીઓ કરતા થયા છે.

ભારતના શ્રીલંકામાંના વ્યૂહાત્મક અને રાજકીય હિતને લક્ષમાં લીધા વિના જયવર્દનેએ તમિળ આંદોલનને દબાવવા પાકિસ્તાન અને ઇઝરાયલ(જેમની સાથે ભારતના સંબંધો સારા ન હતા)ની મદદ લીધી અને અમેરિકાએ આકાશવાણી પ્રસારણની સગવડ શ્રીલંકામાં આપી. ભારતની નિવિદા (ટેન્ડર) ખૂબ ઓછી કિંમતની હોવા છતાં ત્રિંકોમાલીના ઑઇલ સ્ટોરેજ ટેન્કના રિપેરિંગ માટેનો ઠેકો અમેરિકન કંપનીને આપ્યો. જયવર્દને અને મોરારજી દેસાઈ વચ્ચેના અંગત સંબંધો પણ શ્રીમતી ગાંધીને પસંદ ન હતા. બીજી બાજુએ શ્રીમતી ગાંધીને જયવર્દનેના હરીફ શ્રીમતી બંદારનાયક સાથે અંગત સંબંધો હતા. આમ રાજ્યો વચ્ચેના સંબંધોને નક્કી કરવામાં રાજપુરુષોના અંગત સંબંધો વર્તમાન સમયમાં પણ એટલા જ મહત્વના છે, જેટલા ભૂતકાળમાં હતા.

શ્રીલંકાની વધતી નૃવંશીય હિંસા 1980ના દાયકામાં શ્રીલંકામાં ભારતની દરમિયાનગીરી માટે કારણરૂપ બની. જોકે શ્રીલંકામાં એને અંગે આશંકા રહેતી આવી જ છે. અહીં દક્ષિણ એશિયાના ઉપખંડમાં ભારતનું અને તેનાં નાનાં પાડોશી રાજ્યોનું સ્થાન મહત્વનાં બને છે.

સમગ્ર ઉપખંડનાં બીજાં રાજ્યોની તુલનામાં ભારત પાસે વસ્તી, વિસ્તાર, લશ્કરી શક્તિ વ્યક્તિગત રીતે અને બધાં રાજ્યોને ભેગાં કરો તો સામૂહિક રીતે પણ વધારે છે. સત્તાની અસમાનતા-(asymmetry of power)ને લીધે ભારતીય ઉપખંડનાં બધાં નાનાં રાજ્યો ભારતના સંદર્ભમાં એક પ્રકારની લઘુતાગ્રંથિનો અને એક પ્રકારની અસલામતીનો અનુભવ કરે છે. શ્રીલંકા પણ આમાં અપવાદરૂપ નથી. આથી ભારતની સરકારનાં શુભ આશયથી લેવાયેલાં પગલાં પણ બદઆશયી મનાયાં છે. શ્રીલંકા-ભારત કરાર (27 જુલાઈ, 1987) પણ આના અવિશ્વાસનો નમૂનો છે. તમિળ સમસ્યાના હલ માટેની જોગવાઈઓ ઉપરાંત શ્રીલંકાના બીજા દેશો સાથેના સંબંધોમાં ભારતનાં રાષ્ટ્રીય વ્યૂહાત્મક હિતોને નુકસાન ન થાય તે જોવાનું શ્રીલંકાએ કબૂલ્યું. આ કરારના ભાગ રૂપે ભારતે શ્રીલંકામાં શાંતિરક્ષકદળો (peace keeping forces) મોકલ્યાં, જેણે એલ.ટી.ટી.ઈ.નું અમુક પ્રમાણમાં નિ:શસ્ત્રીકરણ કર્યું; પરંતુ શ્રીલંકાના વિરોધપક્ષોએ આ દળોની હાજરી શ્રીલંકાના સાર્વભૌમત્વને ખતરારૂપ છે એવું વલણ અપનાવી તેમને તાત્કાલિક ભારત પાછા બોલાવવાનો આગ્રહ રાખ્યો. તમિળ લઘુમતીઓ અંગેની જોગવાઈઓ (તમિળ રાષ્ટ્રીય ભાષા, ઉત્તર અને પૂર્વના એક જ પ્રાંતની રચના, પ્રાંતને લગભગ સ્વતંત્રતા જેવી જ સ્વાયત્તતા, જમીનના સંસ્થાનીકરણની સત્તા પ્રાંતને સોંપવાની બાબતો) જે આ કરારમાં હતી તે ત્યારપછી પણ આ પ્રશ્નને ઉકેલવાના પ્રયત્નોના આધારરૂપ બની છે, જે આ કરારની સફળતા દર્શાવે છે.

1990ના દાયકામાં પણ તમિળ પ્રશ્નને હલ કરવા માટે શ્રીલંકાએ લશ્કરી સાધનોનો ઉપયોગ કર્યો છે; જેમાં તેને સફળતા મળી નથી. એકંદરે એવું લાગે છે કે લશ્કરી દળો અને એલ.ટી.ટી.ઈ. બંનેને લાગ્યું છે કે લશ્કરી યુદ્ધમાં બેમાંથી કોઈ પણ સ્પષ્ટ વિજય મેળવી શકે એમ નથી. આથી એકવીસમી સદીમાં વાટાઘાટોનો માર્ગ અપનાવાયો છે. સમાધાનની વિગતો, નિ:શસ્ત્રીકરણ માટે એલ.ટી.ટી.ઈ.ની તૈયારીનો અભાવ અને વિવિધ રાજકીય પક્ષોનાં રાજકીય હિતોનો સંઘર્ષ, નેતાઓની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા સમાધાનને રોકે છે.

ભારત-શ્રીલંકા કરારના અમલમાં ભારતે ભજવેલી ભૂમિકા શ્રી રાજીવ ગાંધીની હત્યામાં પરિણમી. આ પછી ભારતે શ્રીલંકા પ્રત્યેનું પોતાનું વલણ બદલ્યું છે, એલ.ટી.ટી.ઈ.ને ભારત હવે રાજકીય ટેકો પણ આપતું નથી. પ્રભાકરન્ તો ભારતના કાયદા અનુસાર ગુનેગાર ઠર્યા છે. એકવીસમી સદીમાં ત્રાસવાદ સામેની આંતરરાષ્ટ્રીય લડતમાં ભારતની સક્રિય ભાગીદારી ભારતને આવી કોઈ પણ ચળવળને ટેકો આપતાં અટકાવશે. શ્રીમતી ગાંધીએ એલ.ટી.ટી.ઈ.ને જે લશ્કરી ટેકો આપ્યો તે અયોગ્ય હતો. રાજીવ ગાંધીનો અભિગમ વધુ નિષ્પક્ષ હતો; પણ એલ.ટી.ટી.ઈ.એ કરારમાં એક પક્ષકાર પણ ન હોવાને કારણે કરાર પહેલેથી જ ક્ષતિયુક્ત બન્યો હતો. એક પ્રશ્ન એ રહે છે કે સત્તાની અસમતુલા ધરાવનાર અને તેમાંથી ઊભી થતી ગ્રંથિઓના શિકાર બનેલા પાડોશી દેશોના આંતરિક મામલા ભારતનાં હિતને સ્પર્શતા હોવા છતાં ભારતની દરમિયાનગીરી ઉપયોગી થઈ શકે ખરી કે પછી આવી બાબતમાં નૉર્વે કે સ્વીડન જેવા તટસ્થ દેશોની કે યુનો જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની દરમિયાનગીરી વધુ યોગ્ય છે ? નૉર્વેના મુત્સદ્દી સોલ્હેમે તમિળ પ્રશ્નના ઉકેલ માટે સક્રિય દરમિયાનગીરી કરી જ છે. પરિણામની સફળતા જોવાની રહે છે. લાંબા ગાળાનો યુદ્ધવિરામ અને શ્રીલંકાની સરકાર અને એલ.ટી.ટી.ઈ. વચ્ચેની મંત્રણા  એ નૉર્વેના વર્તમાન ઉદ્દેશો છે. પરિણામની સફળતા, ઇચ્છિત પરિણામ લાવવાની રાજકીય પરિબળોની અશક્તિ અને યુદ્ધના થાકથી પ્રજાનાં વિવિધ જૂથોમાં આવતાં માનસિક પરિવર્તનો પર રહેશે. ભારતની સરકાર કે ભારતીય સમાજનાં વિવિધ જૂથોનું વલણ પણ આ બાબતમાં મહત્વનું રહેશે. એલ.ટી.ટી.ઈ.ની રાજકીય કે લશ્કરી પુન:સ્થાપનામાં ભારતે ભાગ ભજવવો જોઈએ નહિ. શ્રીલંકાની સરકારે પણ તમિળ સમસ્યાના હલને ઢીલમાં મૂકવું જોઈએ નહિ. આ સમસ્યાનો હલ ભારતના શ્રીલંકા સાથેના સંબંધોને એક સ્થિર, હકારાત્મક આધાર આપી શકે એમ મનાય છે.

ભારત-ઇઝરાયલ સંબંધો : સામાન્ય રીતે ભારતના કોઈ એક દેશ જોડેના સંબંધો ચર્ચાસ્પદ ન હોવા જોઈએ. ખાસ કરીને તે દેશ જ્યારે મહાસત્તા કે સર્વોચ્ચ સત્તા ન હોય. બે રાજ્યો વચ્ચેના સંબંધો રાજકીય, વ્યૂહાત્મક, આર્થિક કે સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સમાન હિતોથી બંધાય છે અને જળવાય છે અને સંબંધોની ગેરહાજરી સમાન હિતોની ગેરહાજરી બતાવે છે. ભારત-ઇઝરાયલના સંબંધો એક આવો દાખલો પૂરો પાડે છે. ચાર દાયકાઓ સુધી આ બે દેશો વચ્ચે સામાન્ય મુત્સદ્દી સંબંધોનો અભાવ એ ચર્ચાસ્પદ વાત રહી છે. આ બે દેશો વચ્ચે છેલ્લા દાયકામાં થયેલ સંબંધનો વિકાસ પણ કંઈક ચર્ચાસ્પદ રહ્યો છે. આ ઘટનાનું મહત્વ માત્ર દ્વિપક્ષીય સંબંધોની દૃષ્ટિએ નથી. ભારતની વિદેશનીતિના ઇતિહાસમાં આ આદર્શવાદથી વાસ્તવવાદ તરફનું પ્રયાણ હતું. અનેક પ્રાદેશિક દબાણો અને આંતરિક રાજકીય દબાણમાંથી બહાર નીકળવાનો આ પ્રયત્ન હતો.

1950માં ભારતે ઇઝરાયલને માન્યતા આપી, પણ પૂરેપૂરા મુત્સદ્દી સંબંધો નરસિંહરાવના સમયમાં છેક 1992માં સ્થપાયા. ભારત એ છેલ્લો બિન-આરબ, બિન-ઇસ્લામી દેશ હતો, જેણે ઇઝરાયલ સાથે પૂર્ણ મુત્સદ્દી સંબંધો સ્થાપ્યા હતા.

ભારતનો ઇઝરાયલ તરફનો અભિગમ સમજવા વીસમી સદીની શરૂઆતનાં વર્ષોમાં નજર માંડવી જરૂરી છે. ત્યારે ભારતે પેલેસ્ટાઇનના આરબો સાથે બ્રિટિશ સામ્રાજ્યવાદ વિરુદ્ધ સમાન આકાંક્ષાઓ સેવી હતી. આથી અગત્યની બાબત એ હતી કે ભારતે ઇઝરાયલના પ્રશ્નને ઇસ્લામી દૃષ્ટિબિંદુથી જોવાની ટેવ પાડી હતી.

આનો અર્થ એવો નથી કે ભારત યહૂદીઓના ભોગને સમજતું ન હતું; પરંતુ યહૂદીઓને માટે પેલેસ્ટાઇનમાં રાષ્ટ્રીય ઘર (national home) રચાય એ ભારતના નેતાઓને યોગ્ય લાગતું ન હતું. ભાવિ ઇઝરાયલની રચના એ તેમને સામ્રાજ્યવાદીઓનું કાવતરું લાગતું હતું. આરબો અને યહૂદીઓના સંઘર્ષની સાથે ભારતમાં કૉંગ્રેસ અને લીગ વચ્ચેનો સંઘર્ષ પણ ચાલતો હતો. આથી પણ ભાવિ ઇઝરાયલની રચના અને પાકિસ્તાનની રચનામાં બ્રિટનના હેતુઓ અંગે તેમને શંકા હતી.

યુનોની મહાસભાએ 1947માં પેલેસ્ટાઇનના ભાગલા કરવાની એને બે રાજ્યો – પેલેસ્ટાઇન અને ઇઝરાયલ રચવાની યોજના મંજૂર કરી ત્યારે ભારતે તેનો વિરોધ કર્યો; પરંતુ 1948માં ઇઝરાયલની સ્થાપના થતાં, ભારતે નવી વાસ્તવિકતાનો સ્વીકાર કરવો પડ્યો. સપ્ટેમ્બર, 1950માં ભારતે ઇઝરાયલને કાનૂની માન્યતા (de jure recognition) આપી. થોડા વખત પછી ઇઝરાયલે મુંબઈમાં વેપાર કચેરી (trade office) શરૂ કરી, જેનું પછી એલચી-કચેરી(consulate)માં રૂપાંતર થયું. જૂન, 1953માં પહેલા ઇઝરાયલી કૉન્સેલે હોદ્દો સંભાળ્યો; પરંતુ ભારતે ઇઝરાયલમાં કોઈ સ્થાયી મિશનની સ્થાપના કરી નહિ. નહેરુએ ઇઝરાયલને સંબંધો વધારવાની ખાતરી આપેલી પરંતુ તેનો અમલ થયો નહિ. કૅબિનેટના મુસ્લિમ પ્રધાનો(ખાસ કરીને મૌલાના આઝાદ)નો વિરોધ, મુસ્લિમ પ્રજામતની ચિંતા અને આરબ દેશો કાશ્મીરના પ્રશ્ન પર પાકિસ્તાન-તરફી વલણ અપનાવે એવો ભય જેવાં પરિબળો નહેરુને અવરોધક બન્યાં. પાકિસ્તાન સાથેની હરીફાઈ એ ભારતની ઇઝરાયલ તરફની નીતિનું ચાલક (કે અવરોધક ?) બળ બની. વાસ્તવમાં ભારતની ઇઝરાયલ તરફની નીતિ, ભારતની પાકિસ્તાન તરફની નીતિની બાન બની. નહેરુની નાસર સાથેની મૈત્રી અને 1956માં ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ અને ઇઝરાયલનું ઇજિપ્ત પર આક્રમણ પણ ભારત-ઇઝરાયલ સંબંધ સુધારની વિરુદ્ધ કામ કરતાં પરિબળો હતાં. ભારતે આ સમયથી ઇઝરાયલ સાથે પૂર્ણ મુત્સદ્દી સંબંધો બાંધવા અંગે એક જ જવાબ આપવા માંડ્યો  ‘આ માટે સમય હજી પરિપક્વ નથી’. 1967ના યુદ્ધમાં ભારતે આરબોને ટેકો આપ્યો. 1975માં શ્રીમતી ગાંધીએ પેલેસ્ટાઇન મુક્તિ સંગઠનને પેલેસ્ટાઇનની પ્રજાના એકમાત્ર પ્રતિનિધિ તરીકે માન્યતા આપી. જનતાના નેતૃત્વવાળી બિનકૉંગ્રેસ સરકાર પણ વર્ષોની રૂઢિઓના બોજમાંથી બહાર નીકળી શકી નહિ. ઇઝરાયલના વિદેશમંત્રી મો શે દયાનની ભારતની ગુપ્ત મુલાકાત આથી વિવાદાસ્પદ બની. ઇઝરાયલ વિરુદ્ધનું વલણ (તેની મદદ લેનાર દેશોને પણ) રાજ્યોને રાજકીય રીત ફાયદાકારક લાગતું હતું. શ્રીમતી ગાંધીએ તો દિલ્હીમાંના પેલેસ્ટાઇનના મિશનનો દરજ્જો વધારીને પૂરી એલચી કચેરીનો દરજ્જો આપ્યો. બીજી બાજુએ ઇઝરાયલની મુંબઈ કચેરીનો દરજ્જો હલકો કરવામાં આવ્યો અને તેમના મુત્સદ્દીઓની ટીકાઓને કારણે તેમને અમાન્ય વ્યક્તિઓ જાહેર કરવામાં આવી.

1984માં રાજીવ ગાંધીએ વડાપ્રધાનપદ સંભાળ્યું પછી જ પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ઇઝરાયલ તરફ સહાનુભૂતિનું વાતાવરણ બનતું હતું. રશિયા અને ચીનનો પણ આવા દેશોમાં સમાવેશ થતો હતો. ભારતનું વલણ પણ બદલાયું. મુંબઈમાં કૉન્સ્યૂલેટનો દરજ્જો પુન:સ્થાપિત કરવા ઉપરાંત, ઇઝરાયલના મુલાકાતીઓ માટે વિઝામાં ઉદારતા અને રમતગમતના ક્ષેત્રમાં ઇઝરાયલ સાથેનાં સંપર્કમાં ઉદાર વલણ – આ બધાં રાજીવનાં પગલાં સંબંધ સુધાર માટેનો પાયો નાખનારાં હતાં.

1987માં ઇન્તિફાદા (Intifada) શરૂ થવાથી ઇઝરાયલ અપ્રિય બન્યું. રાજીવ ગાંધી આથી ઇઝરાયલ સાથેના સંબંધ સુધારની પ્રક્રિયા આગળ વધારી શક્યા નહિ. એ ફેરફારનો મોટો યશ નરસિંહરાવને જવાનો હતો. 1975માં પસાર કરેલ ઠરાવ જે યહૂદીવાદ(zionism)ને જાતિવાદ (racism) ગણાતો હતો, તેને 1991માં મહાસભાએ રદ કર્યો. ભારતે પણ જૂના ઠરાવને રદ કરતા નિર્ણયને સમર્થન આપ્યું. 29 જાન્યુઆરી, 1992ના રોજ ભારત અને ઇઝરાયલ વચ્ચે પૂર્ણપણે રાજદૂત-કક્ષાના સંબંધો સ્થપાયા.

આંતરરાષ્ટ્રીય પ્રાદેશિક અને સ્થાનિક પરિબળોએ ઇઝરાયલ સાથેના સંબંધ સુધારને ઉત્તેજન આપ્યું. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શીતયુદ્ધનો અંત જૂના વિચારોને અપ્રસ્તુત બનાવતો હતો. પ્રાદેશિક કક્ષાએ 1991માં મૅડ્રિડ ખાતે શરૂ થયેલી શાંતિપ્રક્રિયા બતાવતી હતી કે આરબ રાજ્યો પણ ઇઝરાયલ સાથે સહ-અસ્તિત્વને સ્વીકારતા હતા. ભારતે અપનાવેલી પેલેસ્ટાઇન તરફી નીતિ નાસર પછીના ગાળામાં મધ્યપૂર્વમાં ઉપયોગી થઈ ન હતી. મહત્વના પ્રસંગોએ આરબ અને ઇસ્લામી રાજ્યોએ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. ઇરાક યુદ્ધમાં પેલેસ્ટાઇન મુક્તિ સંગઠને સદામને ટેકો આપ્યો. તેનાથી અરાફાત આરબ રાજ્યોમાં અપ્રિય બન્યા. ઇરાક યુદ્ધમાં સદામના સ્કડ મિસાઇલો સામે ઇઝરાયલે બતાવેલ સંયમ તેની છાપ સુધારવામાં ઉપયોગી થયો. સોવિયેત સંઘ અને ચીને ઇઝરાયલ સાથે મુત્સદ્દી સંબંધોની પુન:સ્થાપના કરી. ભારત આથી પાછળ રહી શકે તેમ નહોતું. જોકે ભારતની ઇઝરાયલવિરોધી નીતિ શીતયુદ્ધને કારણે ન હતી; પરંતુ ઇઝરાયલ, પશ્ચિમની જોડે જોડાણો અને વિવિધ પ્રકારના સંબંધોથી સંકળાયેલું હોવાને કારણે હતી. સામ્યવાદી વિચારસરણીનો લોપ અને ભારતના સામ્યવાદીઓ પણ વૈચારિક રીતે નબળા પડતાં, ઇઝરાયલવિરોધી નીતિ નબળી પડી. અમેરિકા પણ ભારતને ઇઝરાયલવિરોધી નીતિ બદલવા દબાણ વધારતું હતું. સ્થાનિક કક્ષાએ કૉંગ્રેસ મુસ્લિમ ટેકો ગુમાવતી હતી. આથી નરસિંહરાવને માટે ઇઝરાયલ-તરફી નીતિ અપનાવવાનું કામ સરળ બન્યું.

આ પગલાંની ટીકા પણ થઈ. વર્ષો જૂની ભારતની નીતિને મધ્યપૂર્વમાં સર્વાંગી શાંતિ સ્થપાયા વગર અને ઇઝરાયલ જ્યારે 1967ના યુદ્ધમાં જીતેલા આરબ વિસ્તારોનો કબજો ધરાવતું હતું ત્યારે બદલી કાઢી એવી ટીકા થઈ. 1993માં ઇઝરાયલના વિદેશપ્રધાન સાઇમન પૅરિસની ભારતની ટૂંકી મુલાકાત સિવાય સંબંધ-સુધાર ખાસ દેખાયો નહિ, પરંતુ નરસિંહરાવની નીતિને સમયે સાચી પાડી છે. ભારત અને ઇઝરાયલના સંબંધો દ્વિપક્ષી કક્ષાએ મજબૂત બન્યા છે. પક્ષીય વિવાદોની અસર તેના પર પડતી નથી. આર્થિક ઉદારીકરણથી વિકેન્દ્રીકરણ થતાં હવે તો ભારતનાં રાજ્યોએ પણ ઇઝરાયલ સાથે સંબંધો બાંધી આર્થિક લાભો ઉઠાવવાની ઇચ્છા રાખી છે. વર્તમાન લોકશાહી ચૂંટણી પછી કૉંગ્રેસ પક્ષ સત્તા પર આવ્યો છે. એન.ડી.એ. સરકારે આરબ રાજ્યો અને ખાસ કરીને પી.એલ.ઓ. (પેલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનિઝેશન) સાથે સંબંધો સારા રહ્યા નથી, એવો તેનો આક્ષેપ હતો; પરંતુ સત્તા પર આવ્યા પછી તેણે ઇઝરાયલ સાથે સંબંધો વિકસાવવાનું ચાલુ રાખ્યું છે અને ખાસ કરીને સંરક્ષણના ક્ષેત્રમાં. જો કાગ્રેસે ઇઝરાયલ સાથે સંબંધોની શરૂઆત કરી છે તો ભારતીય જનતાપક્ષે વિનાસંકોચે સંબંધને આગળ વધાર્યા છે. એલ. કે. આડવાણી અને જશવંતસિંઘે ઇઝરાયલની મુલાકાત લીધી હતી. ટૂંકમાં, ભાષણકક્ષાએ ગમે તે કહેવાય, ઇઝરાયલ સાથેના સારા સંબંધો એ રાષ્ટ્રીય નીતિ બની છે; ભલે મધ્યપૂર્વના સમાધાન અંગે રાજકારણીઓના વિચારોમાં ભેદ હોય.

ઇઝરાયલ-ભારત સાથેનો વેપાર 2000ની સાલમાં 1 બિલિયન ડૉલર જેટલો થયો. વિદેશી રોકાણકર્તાઓમાં ઇઝરાયલ મહત્વનો રોકાણકર્તા બન્યો છે.

અમેરિકામાં 11 સપ્ટેમ્બર, 2001ના આતંકવાદી હુમલાની ઘટના પછી ભારત અને ઇઝરાયલ વધુ નજીક આવ્યાં છે. ઇઝરાયલે ત્રાસવાદનો અનુભવ કરેલો છે. ભારત પણ એનું શિકાર બન્યું છે. કેટલાક ભારત અને ઇઝરાયલ વચ્ચે ત્રાસવાદને ઇસ્લામી સ્વરૂપ આપી ઇસ્લામી ત્રાસવાદ વિરુદ્ધ આ બંનેના જોડાણની કલ્પના કરે છે; પરંતુ બંનેએ તેમની વચ્ચેના સહકારને ડહાપણ વાપરીને એ પ્રકારનું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો નથી; પરંતુ સંરક્ષણના ક્ષેત્રમાં તેમણે સહકાર વધાર્યો છે. રિમોટલી પાઇલોટેડ વિહિકલ્સ (RPV), બોફૉર્સ માટે દારૂગોળો, એમ.આઇ.જી. જેટનું આધુનિકીકરણ અને સૌથી મહત્વનું ફાલ્કન ઍરબૉર્ન વૉર્નિંગ સિસ્ટમને આ સહકારના મહત્વના નમૂનાઓ તરીકે બતાવી શકાય. ઇઝરાયલની આધુનિક ટૅક્નૉલૉજીનો લાભ લેવા ઉપરાંત અમેરિકન સાધનો પ્રાપ્ત કરવા ઇઝરાયલ માધ્યમ બની શકે. વળી તેની પાસે શીતયુદ્ધના સમયનાં બંને જૂથનાં શસ્ત્રો છે. શસ્ત્રો પૂરા પાડવા માટે તેવી નિષ્ઠા શંકાસ્પદ નથી. જો ભારતને ઇઝરાયલ સંરક્ષણના ક્ષેત્રમાં ઉપયોગી થઈ શકે એમ છે, તો સંશોધનને ઓછું ખર્ચાળ બનાવવામાં ભારત પણ ઇઝરાયલને ઉપયોગી થઈ શકે છે. બંને દેશોમાં હાથમાં લેવાયેલ સંશોધન પ્રૉજેક્ટો પણ એકબીજાનાં પૂરક છે. ઍરક્રાફ્ટ, મિસાઇલ, સ્પેસ પ્રૉજેક્ટો  એ સહકારનાં મહત્વનાં ક્ષેત્રો છે. અમેરિકાએ જોકે ઇઝરાયલના ચીન સાથેના સંબંધ (સંરક્ષણનાં સાધનોની હેરફેરની બાબતમાં) વિરોધી વલણ અપનાવ્યું હતું, પણ ઇઝરાયલના ભારત સાથેના સંબંધ પ્રત્યે ખાસ વાંધો ઉઠાવ્યો નથી. અણુશસ્ત્રોના પ્રસારણના ક્ષેત્રને બાદ કરતા અમેરિકા, ભારત-ઇઝરાયલ સંબંધમાં આડે આવે એમ નથી.

ભારતના ઇઝરાયલ સાથેના સંબંધો બતાવે છે કે પાકિસ્તાનના પરિબળની ગણતરી તેને મધ્યપૂર્વમાં કામમાં લાગી નથી (ખાસ કરીને કટોકટીમાં). આ સાથે ભારતે પણ ‘પાકિસ્તાનકેન્દ્રી નીતિ’ બદલી બીજાં મુસ્લિમ રાજ્યો સાથે દ્વિપક્ષી ધોરણે સંબંધો વિકસાવવા માંડ્યા છે, જે સમયની તાતી જરૂરિયાત છે.

ભાવિમાં મધ્યપૂર્વમાં જે કંઈ બને તેની ભારત-ઇઝરાયલ સંબંધો પર અમુક પ્રમાણમાં જરૂર અસર થશે. ભારત-પાકિસ્તાનના સંબંધો પણ તેને અમુક અંશે અસર કરશે. બંને દેશોનું આંતરિક રાજકારણ પણ તેના પર અમુક પ્રમાણમાં પ્રભાવ પાડશે; પરંતુ એકંદરે ભારત-ઇઝરાયલ સંબંધો સારા વર્તમાનમાંથી વધુ સારા ભવિષ્ય તરફ જાય એવી શક્યતા છે; પરંતુ ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધો ભૂતકાળની જેમ ઘટે, નામના બને કે આ બંને દેશો પરસ્પર-વિરોધી બને એવી શક્યતા દેખાતી નથી.

મહેન્દ્ર દેસાઈ