વિદૂષક : સંસ્કૃત નાટકમાં નાયકનો શૃંગારમાં સહાયક. હાસ્યરસિક પાત્ર. નાયકનો તે મિત્ર હોય છે. ઉદા. ‘મૃચ્છકટિકનાટક’નો મૈત્રેય. વસંત વગેરે પરથી તેનું નામ પાડવામાં આવે છે. ઉદા., ‘સ્વપ્નવાસવદત્ત’નો વસંતક. તે જન્મે બ્રાહ્મણ હોય છે, કર્મે નહિ. તે ‘હું બ્રાહ્મણ છું’ એમ બોલનાર હોવાથી તેને ‘ब्राह्मणब्रू’ કહે છે. તે બ્રાહ્મણ જેવો જ્ઞાની હોતો નથી તેમ છતાં પોતે જ્ઞાની હોવાનો દંભ કરીને નાટકમાં હાસ્ય પૂરું પાડે છે. ઉદા. અવિમારકનાટકમાં વિદૂષક પોતાના સસરાનો સસરો પંડિતને ઘેર પુસ્તક લેવા-મૂકવાનું કામ કરતો હોવાથી પોતે વિદ્વાન છે એમ કહે છે. નાટકનો નાયક રાજા હોય તો વિદૂષક તેનો નર્મસચિવ અર્થાત્ પ્રેમવિષયક પ્રધાન હોય છે. નાયક રાજાને મદદ કરવા જતાં તે ખાસ છબરડા વાળીને રાજાને મદદ તો બાજુએ રહી ઉપરથી મુશ્કેલીમાં મૂકે છે માટે ‘વિદૂષક’નો ‘विशेषेण दूषयति इति’ એવો અર્થ પણ કરવામાં આવે છે. ઉદા. ‘વિક્રમોર્વશીય’માં રાજા પુરુરવાને વિદૂષક પ્રેમપત્ર શોધી રહ્યાની વાત જણાવી રાજાને મુશ્કેલીમાં મૂકે છે.

વિદૂષકનું પાત્ર સંસ્કૃત નાટકમાં હાસ્ય આપનારું છે. વિદૂષક પ્રેક્ષકોને ત્રણ રીતે હાસ્ય પૂરું પાડે છે : (1) પોતાના વિકૃત કે બેડોળ શરીરથી (2) પોતાનાં વિકૃત વચનોથી અને (3) પોતાની વિકૃત વેષભૂષાથી. તેનું શરીર બેડોળ હોય છે અર્થાત્ તે ઠીંગણો, ખૂંધો, મોટા પેટવાળો, માથે તાલવાળો, પિંગળી આંખોવાળો, મોટા અને વાંકાચૂંકા દાંતવાળો, કાગડાના પગ જેવું દેખાતું માથું ધરાવતો અને વાંકીચૂંકી લાકડી હાથમાં રાખનારો હોય છે. ઉદા. ‘મૃચ્છકટિક’માં વિદૂષકને શકાર ‘કાકપદશીર્ષ’ એવું સંબોધન કરે છે. જ્યારે વિદૂષક कुटिलदण्डकाष्ठ વડે મસ્તક ફોડવાની વાત કરે છે. આથી વિદૂષકને જોતાવેંત જ પ્રેક્ષકોને હસવું આવે. તેણે માથા પર પહેરેલી શંકુ જેવી ટોપી, પહોળું અંગરખું અને લઘરવઘર થેપાડું, શંખ અને કોડીનાં ઘરેણાં વગેરે પ્રેક્ષકોને હસાવવા પૂરતાં હોય છે. તેની મૂર્ખાઈ અને ઓછી બુદ્ધિ હાસ્ય આપે છે.

સંસ્કૃત નાટકમાં તેની કેટલીક ખાસિયતો પણ હાસ્ય પ્રેરે છે. વિદૂષક બીકણ હોય છે અને ખાસ કરીને સાપ અને ભૂતની તેને બહુ બીક લાગે છે. ઉદા. ‘સ્વપ્નવાસવદત્ત’નો વિદૂષક તોરણમાલાને અંધકારમાં સાપ માનીને ડરી જાય છે. ‘રત્નાવલી’માં વિદૂષક સારિકાનું બોલવું સાંભળી વૃક્ષમાં ભૂત રહે છે એમ કહી ડરે છે. સૌથી વધુ તો તે ભોજનશૂરો હોય છે, તેનું સર્વાધિક ધ્યાન ભોજનમાં હોય છે અને તેથી દરેક બાબતમાં ભોજનની વાત લાવીને હસાવે છે. તે ભોજનનો એટલો બધો શોખીન હોય છે કે તેની હદ ખાઉધરો કહેવાય એટલે સુધી પહોંચે છે. ઉદા. ‘સ્વપ્નવાસવદત્ત’નો વિદૂષક પોતાનું પેટ ફાટુંફાટું થતું હોવાથી ભોજન સિવાય બીજી કોઈ પણ વસ્તુ લાવવા કહે છે. વળી એના વાનરવેડા પણ હાસ્ય જન્માવે છે. તે બીજાથી છેતરાઈ જાય તેવો ભોળો હોય છે, કારણ કે તેની બુદ્ધિનો આંક નીચો હોય છે. ઉદા. ‘વિક્રમોર્વશીય’માં વિદૂષકને છેતરીને દાસી નિપુણિકા રાજાની પ્રેયસી ઉર્વશીનું નામ કઢાવી જાય છે. આમ છતાં ક્યારેક તે ડાહી વાતો પણ કરે છે. પ્રાય: અવ્યવહારુ હોવા છતાં ક્યારેક વ્યવહારુપણું તે બતાવે છે. ઉદા. ‘મૃચ્છકટિક’માં વિદૂષક નાયક ચારુદત્તને ઘેર જ ભોજન કરે છે. ગરીબ ચારુદત્તનું ભોજન છોડી બીજાનું ભોજન માટેનું નિમંત્રણ સ્વીકારતો નથી. તેવી જ રીતે ક્યારેક તેનું હાજરજવાબીપણું પણ હાસ્ય નિષ્પન્ન કરે છે. ‘વિક્રમોર્વશીય’માં વિદૂષક રાજાએ આપેલો પ્રેમપત્ર ખોઈ નાખે છે અને રાજા પ્રેમપાત્ર માંગે છે ત્યારે તે ઉર્વશીના માર્ગે જતો રહ્યો એમ કહે છે.

વિદૂષક અભણ હોવાથી પ્રાકૃતમાં બોલે છે અને તેના જેવાં જ નીચલી કક્ષાનાં પાત્રો દાસદાસીઓ વગેરે સાથે તે કલહ કરે છે. ઉદા. ‘વિદ્ધશાલભંજિકા’માં વિદૂષક દાસી સાથે કલહ કરે છે. એનો કલહ પણ રમૂજપ્રેરક હોય છે. વિદૂષક ક્યારેક સ્થાપનામાં (પ્રસ્તાવના) પણ આવે છે. ઉદા. ‘આણંદસુંદરી’ની પ્રસ્તાવના. ક્યારેક એ પોતે જ હાસ્યના પ્રસંગો કહે છે. વિદૂષકનું આખાબોલાપણું પણ હાસ્ય અર્પે છે. પોતાના મિત્ર નાયક તરફ તેની વફાદારી પ્રશંસાપાત્ર હોય છે. એ રીતે વિદૂષકનો મિત્રપ્રેમ પ્રશસ્ય હોય છે. ઉદા. ‘મૃચ્છકટિક’માં વિદૂષક મૈત્રેયનો ચારુદત્ત પ્રત્યેનો મિત્રપ્રેમ. પોતાના મિત્ર માટે તે શિક્ષા પણ ખમે છે. આથી મૂરખ હોવા છતાં તે નાયકના પ્રેમ અને વિશ્વાસનો પાત્ર રહે છે. મોટાભાગે વિદૂષકની હાજરીમાં નાટકનું કથાનક વિકસે છે. વિદૂષક નાયકનો સહાયક હોવા છતાં, વિટ, ચેટ અને પીઠમર્દ કરતાં વિલક્ષણ હોય છે. વિદૂષકનું પાત્ર શેક્સપિયરનાં નાટકોમાં આવતાં fool અને jesterનાં પાત્રો જેવું લાગવા છતાં ઘણી બાબતોમાં  તે બેઉથી વિલક્ષણ જણાય છે.

પ્ર. ઉ. શાસ્ત્રી