વિઠ્ઠલનાથ ગુસાંઈજી (જ. ઈ. સ. 1575; અ.) : હિંદુ ધર્મના પુદૃષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના એક આચાર્ય. શ્રી વલ્લભાચાર્યજી પ્રયાગના ત્રિવેણી-તીર્થ નજીકના કાંઠે આવેલા અડેલ ગામ નજીકના દેવલિયા ગામમાં રહેતા હતા ત્યારે સં. 1570(ઈ.સ. 1513)ના ભાદરવા વદિ 12ના દિવસે (કોઈ સં. 1567 પણ કહે છે) મોટા પુત્ર શ્રી ગોપીનાથજીનો જન્મ થયો. ત્યારપછી બીજા વર્ષે આચાર્યશ્રી કાશી પાસેના ચરણાટ ગામમાં થોડા સમય માટે આવી રહેલા ત્યાં સં. 1572ના માગસર વદિ 9ને શુક્રવારના દિવસે બીજા પુત્રનો જન્મ થયો, જેઓ ‘શ્રી વિઠ્ઠલનાથ ગુસાંઈજી’ તરીકે જાણીતા થયેલા.

બંને બાળકોના યજ્ઞોપવીત-સંસ્કાર સં. 1580 (ઈ. સ. 1523)ના ચૈત્ર સુદિ 9ને રામનવમીના દિવસે કરવામાં આવ્યા. ગાયત્રી મંત્ર આપ્યા પછી નામ-નિવેદન તેમજ બ્રહ્મસંબંધ એ બંને દીક્ષા પણ એઓશ્રીએ પરંપરાગત રીતે આપી. બંને બાળકોને અધ્યયન કરાવવાનું પણ પોતે જ ચાલુ કર્યું. જ્યારે જ્યારે વ્રજમાં જવાનું થાય ત્યારે શ્રીનાથજીની સેવામાં પણ તેમને નવડાવે અને શ્રીજીના શૃંગારાદિ પણ શીખવતા રહે.

શ્રી વલ્લભાચાર્યજીએ ‘अन्तः करण-प्रबोध’ ગ્રંથમાં નોંધ્યું છે કે જ્યારે પોતે યાત્રાપ્રવાસમાં ગંગાસાગર સંગમતીર્થે (બંગાળના ઉપસાગરના કાંઠે) ગયેલા ત્યારે અને પછી વ્રજમાં મધુવનમાં ગયેલા ત્યાં શરીરનો ત્યાગ કરવાની પ્રભુની આજ્ઞા મળી, જ્યારે છેલ્લી ત્રીજી આજ્ઞા દેહ-દેશત્યાગની પણ લોકો જોઈ શકે એવી (વાસ્તવમાં આતુર સંન્યસ્ત લેવાની). અડેલ-દેવળિયાથી સં. 1587(ઈ. સ. 1530)ના બીજા વૈશાખ વદિ 10ના દિવસે નીકળી કાશી ગંગાજી પરના હનુમાન ઘાટ ઉપર આવી આતુર સંન્યસ્ત લઈ બેઠા. 40મા દિવસે સં. 1587ના આષાઢ સુદિ 2 ઉપરાંત 3ના દિવસે (તા. 28-6-1531ને મંગળવારે) ગંગાજીમાં જલસમાધિ લીધી. આ વખતે શ્રી ગોપીનાથજીની ઉંમર 17 વર્ષની અને શ્રી વિઠ્ઠલનાથજીની 15 વર્ષની હતી. આ સમયે માતાજી, માધવ ભટ્ટ કાશ્મીરી અને કૃષ્ણદાસ મેઘન હયાત નહોતાં, એટલે જવાબદારી વયોવૃદ્ધ શિષ્યસેવક દામોદરદાસ હરસાણીના માથે આવી અને એ એમણે વધાવી લીધી. બંને બાળકોનો અભ્યાસ બરોબર ચાલતો હતો. શ્રી ગોપીનાથજીનાં લગ્ન પણ થયાં અને પુરુષોત્તમ નામના પુત્રનો જન્મ પણ થયો. પિતાજીની જવાબદારી એમણે ઉઠાવી લીધી હતી, શ્રી વિઠ્ઠલનાથજીનું અધ્યયન પણ બરોબર ચાલતું હતું. પિતાજીની જેમ શ્રી ગોપીનાથજીએ પણ યાત્રાનો ક્રમ ચાલુ રાખ્યો હતો. એક વાર એઓશ્રી શ્રીજગન્નાથજી ગયા અને રાબેતા મુજબ એમણે ત્યાંના તીર્થગોરને હસ્તાક્ષર કરી આપ્યા હતા. એ વર્ષ સં. 1595(ઈ. સ. 1538)નું હતું. હસ્તાક્ષર આપતાં એમણે એમાં જણાવ્યું છે કે ‘બાળવયે પિતાજી શ્રી જગન્નાથપુરીમાં આવ્યા હતા ત્યારે વિદ્વાનોની ચર્ચાવિચારણાને અંતે ‘ગીતા એ એકમાત્ર શાસ્ત્ર છે અને શ્રીકૃષ્ણ એકમાત્ર પરમેશ્વર-પરમાત્મા છે’ નક્કી થયેલું.

સં. 1596(ઈ. સ. 1539)માં શ્રી ગોપીનાથજીનું સ્વધામગમન થયું અને સંપ્રદાયની જવાબદારી શ્રી વિઠ્ઠલનાથજી પર આવી પડી. શ્રી ગોપીનાથજી પોતાની પાછળ પુત્ર પુરુષોત્તમ અને બે પુત્રીઓને મૂકતા ગયા; જેમનો ઉછેર કરવાની જવાબદારી પણ એઓશ્રી પર આવી પડી.

શ્રી ગોપીનાથજી હયાત ન હોઈ ભાભીજીને ઘણો ક્લેશ થયો અને મૂંઝવણમાંને મૂંઝવણમાં ઘરમાંની કેટલીક ઘરવખરી અને સંપત્તિ સાથે લઈને પિયર પુત્ર અને બેઉ પુત્રીઓને લઈ ચાલ્યાં ગયાં. શ્રીમહાપ્રભુજીની કેટલીક રચનાઓ ત્રુટક મળે છે, એની પોથીઓ એઓ લઈ ગયેલાં એવું માનવામાં આવે છે. પિયરમાં ગયાં ત્યાં પુત્ર પુરુષોત્તમ વિદેહ થયા. આ સાંભળતાં હવે સંપ્રદાયનું સુકાન હાથમાં લેવાની જરૂર ઊભી થઈ. આ દરમિયાન શ્રી વિઠ્ઠલનાથજીનાં લગ્ન થઈ ચૂક્યાં હતાં. એઓશ્રીએ ભારતીય તીર્થદર્શન કરતાં અને જૂના વૈષ્ણવોને આશીર્વાદ આપતાં આપતાં તથા નવા વૈષ્ણવોની દીક્ષા આપતાં આપતાં બે યાત્રાઓ પૂરી કરી. સં. 1613 (ઈ. સ. 1556) સુધીમાં પાંચ પુત્રોનાં પ્રાકટ્ય થઈ ચૂક્યાં હતાં. આ વર્ષમાં અડેલમાં છઠ્ઠા પુત્ર શ્રી યદુનાથજીનો જન્મ સં. 1613ના ચૈત્ર સુદિ 6ના દિવસે થયેલો. સં. 1615(ઈ. સ. 1558)ના ચૈત્ર 6ના દિવસે ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજીનો યજ્ઞોપવીત સંસ્કાર પણ સિદ્ધ થઈ ચૂક્યો હતો. સં. 1616(ઈ. સ. 1559)ના માઘ વદિ 13ના દિવસે શ્રી વિઠ્ઠલનાથજી મોટા પુત્ર શ્રી ગિરિધરજી અને શ્રી શોભા બેટીજી (પુત્રી) સાથે શ્રી જગન્નાથપુરી તરફ યાત્રાએ નીકળ્યા હતા.

આ પછી સં. 1617 (ઈ. સ. 1560)માં સૌરાષ્ટ્રમાં છેક દ્વારકા સુધી આવી શ્રીજીની સેવાના વિષયમાં ગૂગળી બ્રાહ્મણો અને અબોટી બ્રાહ્મણો વચ્ચેના વિગ્રહનું સમાધાન નોંધતાં બે તામ્રપત્ર શ્રી ગુસાંઈજીએ કરી આપ્યાં હતાં. એ પછી સં. 1637(ઈ. સ. 1580)માં પાંચમા પુત્ર શ્રી રઘુનાથજીએ ફરીથી તામ્રપત્ર કરી આપ્યું હતું.

અડેલ-દેવળિયા ઘણું દૂર પડતું હતું તેથી વૈષ્ણવોને પ્રવાસ લાંબો ખેડવો પડતો હતો. એઓની વારંવારની વિનંતીને કારણે અને અડેલ ઉપર દિલ્હીના લશ્કરે હલ્લો કર્યાના સમાચાર મળતાં અકબરપુર ખડક થઈ બુંદેલખંડના રાજવી રામચંદ્રના આગ્રહથી રાજધાની વાંધામાં થોડો વિશ્રામ લઈ મધ્યભારતના ‘ગઢા’  માંડવગઢમાં ત્યાંની રાણી દુર્ગાવતીની વિનંતિથી રાણીના મહેલમાં મુકામ કર્યો, જ્યાં રાણીને ભાગવતી દીક્ષા દસ વર્ષના ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજી દ્વારા અપાવી. એક સોમવતી અમાસને દિવસે રાણીએ કીમતી ભેટો શ્રી વિઠ્ઠલનાથજીનાં ચરણોમાં ધરી, જે એમણે ત્યાંના બ્રાહ્મણોને આપી દીધી. ગામો પણ દાનમાં આપેલાં. એમાંના કેટલાંક અત્યારે પણ બ્રાહ્મણોની માલિકીનાં છે. આ સમયે અકબરશાહનો એક અધિકારી તાનસેન ગઢામાં આવીને શ્રી વિઠ્ઠલનાથજીનો શિષ્ય બન્યો હતો.

ત્યાંથી નીકળતી વખતે રાણી રાજ્યની હદ સુધી વળાવવા આવી. ત્યાંથી અકબરપુર કોસ્તા અને વ્રજમાંના મહાવનમાં થઈ સં. 1620 (ઈ. સ. 1563)ના ભાદરવા વદિ 2ના દિવસે ગોકુલમાં ઉત્તરના યમુના કિનારે આવી પહોંચ્યા. પછી મથુરાવાસી વૈષ્ણવોના આગ્રહથી દક્ષિણ કાંઠે મથુરામાં આવી પહોંચ્યા. અહીં આજે ‘સતધરા’ કહેવાય છે એ સ્થળે ગઢાની રાણી દુર્ગાવતીએ પિતા-પુત્રોને રહેવા માટે વિશાળ નિવાસ-સ્થાન બંધાવી આપ્યું હતું. (એમાં સ્થાયી નિવાસ કર્યો કાર્તિક સુદિ 11, પ્રબોધિની એકાદશીને દિવસે). આમ વ્રજભૂમિ મથુરામાં આવી રહ્યાથી સમગ્ર પરિવારને ગોવર્ધનગિરિ ઉપર બિરાજતા શ્રીગોવર્ધનધરણ શ્રીનાથજીનાં દર્શન અને સેવા માટે જવાની સરળતા થઈ. શ્રી વિઠ્ઠલનાથજી ઘોડેસવારી કરી ત્યાં જતા-આવતા હતા.

સં. 1623(ઈ. સ. 1566)માં અકબરનો બીજો અધિકારી ટોડરમલ પણ એઓની પાસે આવી શરણ-દીક્ષા પામ્યો.

શ્રી વિઠ્ઠલનાથજી મથુરામાં આવી અનેક વાર ગોવર્ધનગિરિ પર દર્શન-સેવાર્થે જતા હતા. ત્યાં સેવામાં બંગાળી સેવકોનો ઉપદ્રવ ઘણો હતો. એક દિવસે એમનાં ઝૂંપડાંઓમાં આગ લાગતાં એઓ એ તરફ બધા ગયા ત્યારે અષ્ટછાપમાંના 4થા કૃષ્ણદાસ પટેલે બીજા બ્રાહ્મણોને સેવામાં ગોઠવી દીધા અને મંદિર આસપાસ મજબૂત ચોકીદારોને કબજો સોંપી દીધો; બંગાળી સેવકોને મદનમોહનજીનું સ્વરૂપ સોંપી સંતુષ્ટ કર્યા.

આ પછી 4થી યાત્રાએ નીકળ્યા અને તળ-ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં છેક દ્વારકા અને શંખોદ્વાર બેટ સુધી પહોંચી અને અનેક સ્થળોએ ભાગવતી દીક્ષા આપતા રહ્યા.

આવી યાત્રાઓની નિશાની તરીકે અમદાવાદની ઈશાને દાદા હરિની વાવ ઉપરની શ્રી ગુસાંઈજીની બેઠક, ગોધરાની બેઠક અને ખંભાતની તળાવ ઉપરની બેઠક જળવાઈ રહી છે.

આ સમય દરમિયાન દ્વારકાથી પાછા વળતાં માર્ગમાં આવેલા જામખંભાળિયામાં શ્રીમહાપ્રભુજીની બેઠકનાં દર્શન નિમિત્તે જતાં ત્યાંના વિદ્વાન ગિરનારા બ્રાહ્મણ કલ્યાણ ભટ્ટજી શ્રી વિઠ્ઠલનાથજીને શરણે આવી દીક્ષિત થયા. અત્યાર સુધી મોટેભાગે પુદૃષ્ટિમાર્ગીય મંદિરોમાં સાચોરા બ્રાહ્મણો જ સેવામાં નાહતા હતા. કલ્યાણ ભટ્ટજી દીક્ષિત થતાં ગિરનારા બ્રાહ્મણો પણ વૈષ્ણવી દીક્ષા પામતા થયા અને મંદિરોમાં સેવકો-મુખિયા તરીકે એમને સેવાનો અધિકાર મળ્યો.

બીરબલ અને ટોડરમલને વૈષ્ણવી દીક્ષા મળી એને કારણે દિલ્હીમાં અકબરશાહને પણ શ્રી વિઠ્ઠલનાથજી પ્રત્યે આદરભાવ વિકસતો ચાલ્યો અને પ્રસંગે પ્રસંગે બોલાવી સન્માન કરતા હતા. શ્રી વિઠ્ઠલનાથજી ગાયોનું પ્રબળ પાલન કરતા હતા. એમને કોઈ વિઘ્ન ન કરે એવા પવિત્ર આશયથી અકબરશાહે गोस्वामीની પદવી આપી, જે વ્રજ ભાષામાં ‘गुसांई’ તરીકે શરૂ થઈ. વૈષ્ણવોએ માનવાચક ‘જી’ ઉમેરી ‘ગુસાંઈજી’ એ રીતે શબ્દ રૂઢ કર્યો.

ગુજરાત તરફથી હજી પાછા ફર્યા નહોતા ત્યારે (કોઈ એક વર્ષના) માઘ વદિ 7ના દિને ગોવર્ધનગિરિ ઉપરના મંદિરમાંથી શ્રીનાથજીને મથુરા-સતધરામાં પધરાવવામાં આવ્યા, એ દૃષ્ટિએ કે સમગ્ર પરિવાર દર્શન અને તનુજા સેવાનો લાભ લઈ શકે. આ વાત પત્રથી મળતાં શ્રી વિઠ્ઠલનાથજી મથુરા આવી પહોંચ્યા. આ દિવસો ‘વસંત’ના હતા.

આ પહેલાંનો એક નોંધપાત્ર બનાવ છે.

કૃષ્ણદાસ અધિકારી ગોવર્ધનગિરિ ઉપરના શ્રીનાથજીના મંદિરનો વહીવટ કરતા હતા. એમનો કોઈ અનૈતિક દોષ સાંભળવામાં આવતાં શ્રી ગુસાંઈજીએ એમને ઠપકો આપ્યો. કૃષ્ણદાસ એ સહન ન કરી શક્યા અને શ્રી ગુસાંઈજીને શ્રીનાથજીનાં દર્શન-સેવા કરવામાંથી દૂર કર્યા. છ માસના ગાળામાં શ્રી ગુસાંઈજીને પ્રભુનો જે વિરહ રહ્યો એ વિશે સંસ્કૃતમાં વિજ્ઞપ્તિઓ રચી, જે કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ ઉત્તમ રચનાઓ થઈ છે.

સં. 1627(ઈ. સ. 1570)માં શ્રી ગુસાંઈજી પોતાના પ્રથમ પુત્ર શ્રી ગિરિધરજી સાથે ગુજરાતમાં આવ્યા ત્યારે ઈડર (સાબરકાંઠા) પાસે વડાલી ગામમાં શ્રી મહાપ્રભુજીના શિષ્ય-સેવક ગોવિંદ દવેને ત્યાં ઊતર્યા હતા. શ્રી ગુસાંઈજીએ આ શ્ર્લોક કહ્યો હતો : ‘(અનુવાદ) હંમેશાં પૂરા ભાવથી પૂરા આત્માથી વ્રજેશ્વર શ્રીકૃષ્ણની ભક્તિ વેદમાર્ગમાં થાય છે એ પ્રમાણે કરવી, બીજી રીતે નહિ’.

શ્રી રામાનુજાચાર્યજીના માર્ગથી છેક શ્રી વલ્લભાચાર્યજી સુધીના માર્ગો ‘શ્રૌત માર્ગ’ એ માટે કહેવાય છે કે એમની પ્રણાલી વૈદિક છે.

વ્રજ ભાષાના નિષ્ણાત અષ્ટછાપ કીર્તનકારોની સ્થાપના તો શ્રી ગુસાંઈજીએ કરી છે : શ્રી મહાપ્રભુજીના શિષ્યો કુંભનદાસ, સૂરદાસ, પરમાનંદ દાસ અને ગુજરાતી પાટીદાર કૃષ્ણદાસ; જ્યારે શ્રી ગુસાંઈજીના શિષ્યો (કુંભનદાસના પુત્ર) ચતુર્ભુજદાસ, નંદદાસ, ગોવિંદ સ્વામી અને છીત સ્વામી (ચોબા). શ્રી ગુસાંઈજીએ શ્રીનાથજીના દૈનિક સેવાપ્રકારમાં ‘મંગલા’, ‘શૃંગાર’, ‘ગ્વાલ’, ‘રાજભોગ’ (આ ચાર મધ્યાહ્ન પહેલાં) અને ‘ઉત્થાપન’, ‘ભોગ’, ‘સંધ્યા-આરતી’, ‘શયન’ (આ ચાર મધ્યાહ્ન પછી). આ આઠે ભોગનાં કીર્તનો આ કવિઓએ રચ્યાં છે, જેમાં પ્રાત:કાલથી ‘રાજભોગ’ સુધીનાં કીર્તનો સવારના રાગોમાં ગવાય છે, જ્યારે ઉત્થાપનથી શયન સુધીનાં કીર્તનો મધ્યાહ્ન પછીના રાગોમાં ગવાય છે. આ અષ્ટછાપ કવિઓ ઉપરાંત સમકાલીન અને પછીના ભક્ત-કવિઓએ પણ રચના કરી છે. વળી શ્રી ગુસાંઈજીએ અને શ્રી હરિરામ મહાપ્રભુએ સંસ્કૃત પદોની પણ રચના કરી છે, તો શ્રી હરિરામજીએ ‘રસિક’ ઉપનામથી સમય સમયનાં પદો વ્રજ ભાષામાં પણ રચ્યાં છે.

પાંચ લલિત કલાઓનો આવિષ્કાર પણ શ્રી ગુસાંઈજીએ કર્યો છે, જેવી કે (1) ઉપર કહેલી કીર્તનોની રચનાની અને એ ગાવાની વાદ્યો સહિતની ગાનકલા, અહીં નોંધવા જેવું છે કે શ્રી ગુસાંઈજીનું એક વિશેષણ ‘गीतसंगीतसागरः’ ‘ગાનકલા’ ઉપરાંત ‘નર્તનકલા’ના પણ નિષ્ણાત હતા. (‘નૃત્ત’, ‘વાદ્ય’ અને ‘ગાન’ એ ત્રણે હોય એને શાસ્ત્રમાં ‘સંગીત’ કહ્યું છે.) (2) પ્રભુના શ્રીઅંગની શૃંગારકલા. (3) સુશોભન-કલા [1. ચિત્રકલા : ખાસ કરીને પિછવાઈઓમાં શ્રીકૃષ્ણની લીલાઓનાં અનેક પ્રકારનાં ચિત્રો. 2. આરતીની થાળીમાં થતી કોરા રંગની આકૃતિઓ. 3. પલના, હીંડોળા, ફૂલમંડળી, સાંઝી, ડોલ વગેરેની ફૂલ-ફળ-પાંદડાંઓની ગૂંથણ-કલા.] (4) વિવિધ પ્રકારનાં વાઘા-વસ્ત્રોની કલા, અને (5) પાક કલા. આ છેલ્લી કલા માત્ર પુદૃષ્ટિમાર્ગીય મંદિરોમાં જ વિકસી છે. બીજે ક્યાંય જોવામાં આવતી નથી.

બીરબલ આવી સેવક-શિષ્ય બન્યો એ પછી પહેલાં પત્ની શ્રી રુક્મિણીજીએ સ્વધામ પ્રયાણ કર્યું. આ વખતે છ પુત્રો અને ચાર પુત્રીઓ હતાં. તેમની ઇચ્છા ફરી લગ્ન કરવાની નહોતી, પરંતુ રાણી દુર્ગાવતી અને મોટા પુત્ર શ્રી ગિરિધરજીનો સબળ આગ્રહ હતો; તેથી જ્ઞાતિની કન્યા સાથે સં. 1620(ઈ. સ. 1563)ના વૈશાખ સુદિ 3ના દિવસે લગ્ન કર્યાં, જેમનું નામ ‘પદ્માવતી’ હતું. આ પત્નીથી એમને એક પુત્ર થયો, જેમનું નામ ઘનશ્યામજી આપેલું. (આ સમયે મથુરામાં નિવાસ થઈ ચૂક્યો હતો.)

શ્રી ગુસાંઈજીનું જીવન વૈરાગ્યવાળું હતું, આમ છતાં બહારના દેખાવમાં અલંકારો અને મુઘલાઈ ઘાટનાં વસ્ત્રો પહેરતા હતા. એમની ભાવના સંન્યસ્ત ધારણ કરવાની હતી. એમણે એક દિવસે પોતાના પુત્રોને બોલાવ્યા અને સેવામાં ચિત્ત રાખવાનું જણાવી પોતાની સેવામાં શ્રીજીનાં સ્વરૂપો હતાં એમાંનું પ્રત્યેક પોતાના સાત પુત્રોને પધરાવી આપ્યું, જે આ પ્રમાણે છે :

શ્રીનાથજીનું સ્વરૂપ પ્રધાન પીઠ તરીકે સ્થાપી શ્રી ગિરિધરજીનો હવાલો આપ્યો અને વધારામાં (1) મથુરેશ્વરજીનું સ્વરૂપ આપ્યું (જેની ગાદી પછીથી કોટામાં સ્થપાઈ), (2) શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ શ્રી ગોવિંદરાયજીને (જેની ગાદી પછીથી નાથદ્વારમાં સ્થપાઈ), (3) દ્વારકાધીશનું શ્રી બાલકૃષ્ણજીને (જેની ગાદી પછીથી કાંકરોલીમાં સ્થપાઈ), (4) શ્રી ગોકુલનાથજીનું શ્રી ગોકુલનાથજીને (જેની ગાદી ગોકુલમાં સ્થપાઈ), (5) શ્રી ગોકુલચંદ્રમાજીનું શ્રી રઘુનાથલાલજીને (જેની ગાદી પછીથી વ્રજમાં કામવનમાં સ્થપાઈ), (6) શ્રી બાલકૃષ્ણજીનું શ્રી યદુનાથજીને (જેની ગાદી સૂરતમાં સ્થપાઈ) અને (7) શ્રી મદનમોહનજીનું શ્રી ઘનશ્યામજીને (જેની ગાદી પણ કામવનમાં સ્થપાઈ).

તુલસીદાસ નામના જલધરિયાના પુત્રને શ્રી ગુસાંઈજીએ ઉછેર્યો હતો એને પણ એક નિધિ-સ્વરૂપ પધરાવી આપ્યું હતું, એને ‘8મું ઘર’ કહેવામાં આવે છે.

છેલ્લી પળે પોતાના કંઠની માળા શ્રી ગોકુલનાથજીને સોંપી પોતા પાસેનું ગ્રંથસાહિત્ય પણ એમને ભળાવ્યું અને શ્રીનવનીતપ્રિયજી તથા 7મા લાલ ઘનશ્યામજી સગીર હોઈ શ્રી ગોકુલનાથજીને સોંપ્યા, બાદ નિવાસ છોડી ચાલી નીકળ્યા અને ગોવર્ધનગિરિની એક કંદરામાં જઈ પ્રાણ છોડ્યા.

ગ્રંથલેખન : શ્રી ગુસાંઈજી ઉચ્ચ કોટિના વિદ્વાન હતા, પિતાજીના અપૂર્ણ મળેલા ‘અણુભાષ્ય’નો દોઢ અધ્યાય એમણે પૂરો કરી આપ્યો હતો. એમણે નીચેના પહેલા ચાર પ્રમાણમાં મોટા, અને બાકીના નાના ગ્રંથો રચ્યા છે :

 (1) વિદ્વન્મંડન (સંવાદગ્રંથ)

 (2) ભક્તિહંસ (સં.)

 (3) ભક્તિહેતુનિર્ણય (સં.)

 (4) શૃંગારરસમંડન (સં. કાવ્ય)

 (5) સિદ્ધાંતરહસ્ય-ટીકા (સં.)

 (6) મંગલાચરણ (સં.)

 (7) સર્વોત્તમ સ્તોત્ર (સં.)

 (8) શ્રી વલ્લભાષ્ટક (સં.)

 (9) પર્યંક (પાલનાનું સં. પદ)

(10) મંગલાની આરતી (સં.)

(11) શયનની આરતી (સં. પદ)

(12) સંધ્યાની આરતી (સં.)

(13) સ્ફુરત્કૃષ્ણ પ્રેમામૃત (સં.)

(14) યમુનાષ્ટપદી (સં.)

(15) ભુજંગપ્રયાતાષ્ટક (સં.)

(16) રાધાપ્રાર્થના-ચતુ:શ્ર્લોકી (સં.)

(17) ગોકુલાષ્ટક (સં.)

(18) અષ્ટાક્ષર નિરૂપણ (સં. ગદ્ય)

(19) લલિત ત્રિભંગ સ્તોત્ર (સં.)

(20) પુત્રોને પત્ર (સં. ગદ્ય)

(21થી 28) નવ વિજ્ઞપ્તિ (સં.)

(29) વ્રજચર્યાષ્ટપદી (સં.)

(30) શ્રી સ્વામિનીપ્રાર્થના (સં.)

(31) શ્રી સ્વામિન્યષ્ટક (સં.)

(32) શ્રી સ્વામિનીસ્તોત્ર (સં.)

(33) દાનલીલાષ્ટક (સં.)

(34) રસસર્વસ્વ (સં. ગદ્ય)

(35) શૃંગારરસ (સં.)

(36) સ્વપ્નદર્શન (સં.)

(37) પ્રબોધ (સં.)

(38) ગુપ્તરસ (સં.)

(39) રક્ષાસ્મરણ (સં.)

(40) વૃત્રાસુર ચતુ:શ્ર્લોકી (સં. ટીકા).

શ્રી વિઠ્ઠલનાથ ગુસાંઈજીએ પિતાજીનું અધૂરું કાર્ય પૂરું કરવાનો અથાગ પ્રયત્ન કર્યો છે. ભગવાનની સેવા માટે વ્યક્તિગત રીતે દીક્ષિત વૈષ્ણવોને માટે સાત પુત્રોની સાત ગાદીઓ સ્થાપી અને એ સાતને દોરનારી સ્વતંત્ર ગાદી શ્રીનાથજીના તિલકાયતની રાખી, જે સાથે નવનીતપ્રિયજીની સેવા પણ રાખવામાં આવી.

મુઘલાઈનો જમાનો હતો એટલે વ્રજમાંથી ગિરિ ગોવર્ધન ઉપરના મંદિરમાંથી શ્રીનાથજીને અમુક અમુક સ્થળોએ દિવસો ગાળતાં છેવટે રાજપૂત-રાજ્ય મેવાડમાં આવેલા સ્થળ(પાછળથી ‘નાથદ્વાર’ નામના)માં પધરાવવામાં આવ્યા. એ પ્રમાણે ચોથી ગાદી શ્રી ગોકુલનાથજીની ગોકુલમાં, કામવનમાં પાંચમી ગાદીના શ્રી ગોકુલચંદ્રમાજી અને સાતમી ગાદી શ્રી મદનમોહનજીની વ્રજભૂમિમાં સ્થિર થઈ તથા બાકીની રાજસ્થાનમાં નાથદ્વાર, કાંકરોલી અને ગુજરાતમાં સુરતમાં છઠ્ઠી ગાદી શ્રી બાલકૃષ્ણલાલની સ્થિર થઈ. આ ઉપરાંત સમસ્ત ભારતીય ઉપખંડમાં અનેક ઠેકાણે, તો ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ અનેક નગરોમાં તે તે ગાદીની પરંપરામાં મુખ્ય ગાદીધરના વધારાના વારસો હવેલીઓ કરી સંપ્રદાયનો ઉત્કર્ષ કરવામાં અને અનુયાયીઓને સદાચારી વૈષ્ણવો તરીકે જાળવી રાખવાનો પુરુષાર્થ સિદ્ધ કરતા આવ્યા છે, જેના મૂળમાં શ્રી વલ્લભાચાર્યજીથી આગળ વધી શ્રી વિઠ્ઠલનાથ ગુસાંઈજીનો ફાળો મહત્વનો રહ્યો છે.

કે. કા. શાસ્ત્રી