વિકૃતિવાદ : સજીવોની ઉત્ક્રાંતિની સમજૂતી આપતી એક સંકલ્પના. હ્યુગો દ ફ્રિસે આ સંકલ્પના 1901માં આપી. તેમણે મેંડેલના આનુવંશિકતાના નિયમોનું સ્વતંત્ર રીતે પુન:સંશોધન કર્યું હતું. ઘણાં વર્ષોનાં પ્રયોગો અને અવલોકનો પછી તેમણે જણાવ્યું કે નવી જાતિનો ઉદભવ મંદ ભિન્નતાઓ દ્વારા થતો નથી; પરંતુ પિતૃ-સજીવમાં એકાએક ઉદભવતી અને સંપૂર્ણપણે પ્રસ્થાપિત થતી ભિન્નતાઓ દ્વારા થાય છે. આ ભિન્નતાઓ તેની સંતતિઓમાં પણ ઊતરી આવે છે. સજીવમાં એકાએક ઉદભવતી આવી ભિન્નતા માટે તેમણે વિકૃતિ (mutation) શબ્દ પ્રચલિત કર્યો. એક વાર એકાએક વિકૃતિ ઉત્પન્ન થયા પછી તે પેઢી દર પેઢી સંવર્ધિત થાય છે. તેમણે Oenothera lamarckiana(ઇવનિંગ પ્રિમરોઝ)માં તેના લાક્ષણિક પ્રકાર ઉપરાંત કેટલાંક વિપથી (aberrant) સ્વરૂપોનું અવલોકન કર્યું. તે પૈકી બે વિભિન્નકો (variants) O. brevistylis અને O. laevifolia છે. તેની લાક્ષણિક જાતના સ્વફલન દ્વારા ઉદભવતી સંતતિઓમાં મોટાભાગની સંતતિઓ પૈતૃક સ્વરૂપ ધરાવતી હતી; પરંતુ નવાં સ્વરૂપો ધરાવતી કેટલીક સંતતિઓ પેઢી દર પેઢી ઉત્પન્ન થતી હતી. આવાં વિભિન્નકોમાંથી નવી જાતિઓનો ઉદભવ થાય છે. વળી આ વિભિન્નક જાતો પણ તેમના પિતૃઓની જેમ વિપથી સ્વરૂપોનું સર્જન કરે છે.

lamarckianaમાં 14 રંગસૂત્રો હોય છે, પરંતુ હ્યુગો દ ફ્રિસે તેની કેટલીક સંતતિઓમાં 15, 16, 20, 22, 24, 27, 28, 29 અને 30 રંગસૂત્રોનું અવલોકન કર્યું. તેઓ પુષ્પનું કદ, પ્રકાંડનો રંગ, કલિકાઓનું કદ, આકાર અને ગોઠવણી, બીજનું કદ અને વૃદ્ધિ-સ્વરૂપો (growth forms) બાબતે ભિન્નતાઓ ધરાવતી હતી. આ નવા વિપથી પ્રકારોને હ્યુગો દ ફ્રિસે ‘પ્રારંભિક જાતિઓ’ (elementary species) તરીકે ઓળખાવ્યા. તેઓ એકબીજાથી પૂરતા પ્રમાણમાં ભિન્ન હતા અને સરળતાથી ઓળખી શકાતા હતા. તેમના મત પ્રમાણે આ તફાવતો વિકૃતિને કારણે ઉદભવ્યા હતા. આ વિકૃતિઓ ઉત્ક્રાંતિક (evolutionary) પરિવર્તનો પૂરાં પાડવા માટે પૂરતી હતી. તેમના મંતવ્ય અનુસાર નાની ક્રમિક વિકૃતિઓને લીધે પ્રાકૃતિક પસંદગી દ્વારા નવી જાતિનો ઉદભવ થતો નથી. જોકે કોઈ પણ પ્રકારની વિકૃતિ પર પ્રાકૃતિક પસંદગીની અસર હોય છે અને તે અયોગ્ય વિકૃતિઓને ફેંકી દે છે.

આ સિદ્ધાંત જે સમયે સૂચવવામાં આવ્યો તે સમયે તે બહોળા પ્રમાણમાં સ્વીકારાયો હતો, પરંતુ હાલમાં તેનું માત્ર ઐતિહાસિક મૂલ્ય જ રહ્યું છે. કારણ કે હ્યુગો દ ફ્રિસે દર્શાવેલી એકાએક મોટી વિકૃતિઓ ઉત્ક્રાંતિમાં સૌથી વધારે મહત્વ ધરાવે એવી વાસ્તવિક વિકૃતિઓ નથી. ઇનોથેરામાં જોવા મળતી વિકૃતિઓ સ્થાયી સંકર સંયોજનો છે. તેમણે જેને ‘નવી જાતિ’ તરીકે ઓળખાવી તે વન્ય (wild) ઇનોથેરામાં રહેલાં પ્રચ્છન્ન (recessive) લક્ષણોના વિયોજન(segregation)ને કારણે ઉત્પન્ન થાય છે. તેઓ જનીનિક વિકૃતિઓને લીધે નહિ, પરંતુ રંગસૂત્રીય પુનર્ગોઠવણીઓ(rearrangements)ને લીધે ઉદભવે છે. વિકૃતિવાદ મહાસાગરમાં આવેલા ટાપુઓમાં વસતાં અને નહિ ઊડી શકતાં પક્ષીઓ જેવા કિસ્સાઓની સમજૂતી આપી શકતો નથી. કુદરતમાં સજીવોમાં જોવા મળતાં અજાયબ જેવાં અનુકૂલનો (adaptations) પૈકીનાં કેટલાંક માત્ર આકસ્મિક રીતે ઉદભવ્યાં હોવાની સંભાવના છે.

બળદેવભાઈ પટેલ