વિકૃતિપ્રેરકો (mutagens)

February, 2005

વિકૃતિપ્રેરકો (mutagens) : જનીનિક વિકૃતિ પ્રેરતાં પરિબળો. વિકૃતિપ્રેરકો બે પ્રકારનાં છે : (i) વિકિરણ (radiation), (ii) રાસાયણિક વિકૃતિનાં પ્રેરકો.

વિકિરણનાં બધાં સ્વરૂપો લગભગ બધાં સજીવોમાં વિકૃતિપ્રેરક હોય છે. તે કૉસ્મિક રજોમાંથી આવતું નૈસર્ગિક વિકિરણ હોઈ શકે, અથવા અણુશક્તિના અભ્યાસ કે ઍક્સ-કિરણયંત્રમાંથી ઉદભવેલ માનવસર્જિત વિકિરણ પણ હોઈ શકે; જેમાં પારજાંબલી કિરણો (ultra violet rays), ઍક્સકિરણો (X-rays), ગૅમા કિરણો (γ-rays) અને બીટા કિરણો(β-rays)નો સમાવેશ થાય છે.

નૈસર્ગિક વિકિરણ : સૂર્યની કૉસ્મિક રજોમાંથી આવતું નૈસર્ગિક વિકિરણ સ્વયંસ્ફુરિત વિકૃતિઓનો મુખ્ય સ્રોત છે. તેઓ પૃથ્વીના પર્યાવરણમાં અત્યંત અલ્પ પ્રમાણમાં થાય છે અને પૃષ્ઠભૂમીય વિકિરણ (background radiations) તરીકે જાણીતાં છે. દરિયાની સપાટીથી ઊંચે જતાં ક્રમશ: વિકિરણ માટેનું અનાચ્છાદન (exposure) વધે છે. 3,000 મીટરની ઊંચાઈમાં થતા વધારાથી વિકિરણ અનાચ્છાદન ત્રણગણું વધી જાય છે.

નૈસર્ગિક વિકિરણનો બીજો સ્રોત ભૂમિના પોપડામાં રહેલ થોરિયમ, રેડિયમ અને યુરેનિયમ જેવાં વિકિરણ તત્ત્વો છે; દા.ત., ભારતમાં કેરળ રાજ્યની ભૂમિમાં વિકિરણ તત્વ થોરિયમનું પ્રમાણમાં વધારે સંકેન્દ્રણ હોવાથી વિશ્ર્વમાં વિકિરણની સૌથી વધારે માત્રા ધરાવતું એક સ્થાન ગણાય છે.

વિકિરણની જૈવિક અસરો : જૈવિક અસરોનો આધાર વિકિરણના પ્રવેશ (penetration) અને આયનન (ionizing) શક્તિ પર રહેલો છે. તેના આધારે વિકિરણના બે પ્રકારો મળે છે :

1. આયનન વિકિરણની અસર : આયનન વિકિરણમાં ઍક્સ-કિરણો, ગૅમા-કિરણો, આલ્ફા અને બીટા કિરણો, ન્યૂટ્રૉન, પ્રોટૉન અને બીજાં અત્યંત ગતિશીલ કણોનો સમાવેશ થાય છે. આલ્ફા અને બીટા કિરણો મનુષ્યની ત્વચાની અંદર પ્રવેશ પામી શકતાં નહિ હોવાથી તેઓ અંત:સ્થ દૈહિક કોષો પર અસર કરતાં નથી. ગૅમા અને ઍક્સ-કિરણો અત્યંત ગતિથી કોષોના અણુઓ સાથે અથડાય છે અને પરમાણુના કવચમાંથી વીજાણુઓને મુક્ત કરે છે; જેથી પરમાણુઓ ધન આયનના સ્વરૂપમાં ફેરવાય છે. વળી, મુક્ત થયેલા વીજાણુઓ અત્યંત ઝડપી ગતિ દાખવે છે અને મૂળભૂત પરમાણુથી મુક્ત એવા બીજા વીજાણુઓ સાથે અથડાય છે; જ્યારે શક્તિ વિકિરિત થાય છે, ત્યારે મુક્ત વીજાણુઓ બીજા પરમાણુઓ સાથે જોડાઈ તેમને ઋણ વીજભારિત બનાવે છે. આ આયનો વિદ્યુતભાર તટસ્થ બનાવવા અને સ્થાયી સ્થિતિએ પહોંચવા રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે અને આ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન આયનન-વિકિરણની વિકૃતિપ્રેરક અસરો ઉત્પન્ન થાય છે.

જૈવિક પદાર્થનો સૌથી સામાન્ય અણુ પાણી છે. આયનન વિકિરણની આંતરપ્રક્રિયાથી પાણીમાંથી વીજાણુ મુક્ત થાય છે; અણુ અસ્થાયી બને છે અને હાઇડ્રોજન આયન અને હાઇડ્રૉક્સિલ મૂલકમાં તૂટે છે.

H2O + ક્ષ-કિરણનો ફોટૉન → H2O+ + e ડ્ડ H+ + OH + e

હાઇડ્રૉક્સિલ મૂલક મૂળ સ્થિતિમાં જ રહે છે; જ્યારે H+ આયન O2  સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોપૅરૉક્સિલ (HO2) મૂલક ઉત્પન્ન કરે છે. હાઇડ્રૉક્સિલ અને હાઇડ્રોપૅરૉક્સિલ મૂલકો ખૂબ શક્તિશાળી  ઉપચાયક (oxidizing) પ્રક્રિયકો છે.

વિકિરણને લીધે રંગસૂત્રો ખંડિત થાય છે. કોષોમાં અસામાન્ય સમવિભાજન થાય છે. આ ખંડનની ક્રિયા પૉલિન્યૂક્લિયૉટાઇડની શૃંખલાના સુગર ફૉસ્ફેટના માળખા પર થાય છે. રંગસૂત્રો તૂટતાં રંગસૂત્ર-ખંડો અને રંગસૂત્રોનો નાશ થાય છે. લોપ (deletion) દ્વિકૃતિ (addition) સ્થાનાંતરણ (translocation) કે ઉત્ક્રમણ (iversion) જેવી રંગસૂત્રીય અનિયમિતતાઓ ઉત્પન્ન કરતી પ્રક્રિયાઓ થાય છે. આ પરિવર્તનોથી અસામાન્ય રંગસૂત્રોનું નિર્માણ થાય છે. દુહિતૃ-કોષોમાં રંગસૂત્રોની સંખ્યા અસામાન્ય બને છે. તેથી કોષમાં ક્રિયાવિધિઓ અસામાન્ય બને છે અથવા કોષનો નાશ થાય છે. ઘણી વાર વિકિરણ દ્વારા વિવિધ કૅન્સરો ખાસ કરીને રુધિરનું કૅન્સર કે લ્યુકેમિયા થાય છે.

2. અનાયનન વિકિરણની અસર : પારજાંબલી કિરણો જેવું વિકિરણ લાંબી તરંગલંબાઈ (1,000 Å – 4,000 Å) ધરાવે છે અને ખૂબ અલ્પશક્તિનું વહન કરે છે. તેથી તેમની ભેદનશક્તિ (penetration power) ઍક્સ-કિરણો કરતાં ઘણી ઓછી હોય છે. પરમાણુ દ્વારા થતા UV (ultra violet)ના ક્વૉન્ટમના શોષણથી તેમની કક્ષામાં રહેલા વીજાણુઓની ગોઠવણીમાં ફેરફાર થાય છે અને પરમાણુની ક્રિયાશીલતા વધારે છે. આને ઉત્તેજના (excitation) કહે છે. મનુષ્યમાં ઘણી વાર ત્વચા અને જનનાંગો દ્વારા પારજાંબલી કિરણોનું શોષણ થાય છે. છતાં તેમને અસર થતી નથી. જ્યારે સૂક્ષ્મજીવો, બીજાણુઓ, પરાગરજ અને ઈંડાની સપાટીએ રહેલાં કોષકેન્દ્રોને પારજાંબલી કિરણો આપવામાં આવે ત્યારે 260 મિલિમાઇક્રોનની તરંગલંબાઈવાળાં પારજાંબલી કિરણોનું ન્યૂક્લીઇક ઍસિડો દ્વારા પુષ્કળ પ્રમાણમાં શોષણ થાય છે. જેથી પારજાંબલી કિરણો માટેના સંવેદનશીલ અણુઓ જેવા કે પ્યુરિન કે પિરિમિડીનના અણુઓમાં ઉત્તેજના થાય છે. ફેરફાર પામેલા નાઇટ્રોજન-બેઝને પ્રકાશનીપજ (photo product) કહે છે. પિરિમિડીનના અણુઓમાં આવા ફેરફારોનું વલણ વધારે હોય છે. DNAના અણુઓ પૉલિન્યૂક્લિયૉટાઇડની શૃંખલાના ઉત્તેજિત પ્યુરિન કે પિરિમિડીનના અણુઓ તેની પાસેના પિરિમિડીન કે પ્યુરિનના અણુ સાથે સહસંયોજક બંધ (covalent bond) રચી દ્વિલક (dimer) બનાવે છે. આ ક્રિયાને દ્વિલકીકરણ (dimerization) કહે છે. પારજાંબલી વિકિરણ-પ્રેરિત-થાયમિન(T)નો દ્વિલક ઍડિનાઇન (A) સાથે જોડાતો નથી, પરંતુ ગ્વાનિન સાથે જોડાય છે, જેથી અંતે AT બેઝ જોડનું GC (ગ્વાનિન G, સાયટોસિન C) બેઝ-જોડમાં રૂપાંતર થાય છે અને પ્રતિસ્થાપન વિકૃતિ (substitution-mutation) ઉત્પન્ન થાય છે. સાયટોસિનમાં વિકૃતિ થતાં વિનત્રલીકરણ (denitrification) પામેલ યુરેસિલના દ્વિલકમાં રૂપાંતરિત થાય છે અને GCમાંથી AT બેઝ જોડનું સંક્રમણ (transition) થાય છે.

આકૃતિ 1 : થાયમિનના બે અણુઓનું પારજાંબલી કિરણોની અસર હેઠળ દ્વિલકીકરણ

નોધલિંગ અને સ્ટબે ઍન્ટિરહીનમ(સ્નેપડ્રેગોન)ની પરાગરજ પર પારજાંબલી કિરણોની અસરનો અભ્યાસ કર્યો. સ્ટેડલર અને યુબરે મકાઈની પરાગરજ પર અને નેપે પ્રહરિતા(Hepaticopsida)ના ચલપુંજન્યુ પર પારજાંબલી કિરણોની અસરનો અભ્યાસ કર્યો.

માનવસર્જિત વિકિરણ : પ્રાયોગિક પ્રાણીઓને ઍક્સ-કિરણો, ગૅમા કિરણો અને UV કિરણો આપવામાં આવે છે. એચ. જે. મુલરે (1927) દર્શાવ્યું કે ‘ઍક્સ’ કિરણોનું વિકિરણ આપેલ ડ્રોસોફિલાની સંતતિઓમાં વિકૃતિઓની સંખ્યા વધે છે. તેમણે વિકિરણ-માત્રા અને વિકૃતિઓના પ્રમાણ વચ્ચે રેખીય સંબંધ પ્રસ્થાપિત કર્યો (આકૃતિ 2). જોકે રંગસૂત્રીય વિકૃતિઓની માત્રા r-રોંજન(Rontgen)માં મપાતા વિકિરણના જથ્થાના સીધા પ્રમાણમાં હોતી નથી.

બૉર, ડેમેરેક અને કૉફમૅને જણાવ્યું કે વધારે માત્રામાં અપાતી ચિકિત્સાઓ ઓછી માત્રામાં અપાતી ચિકિત્સાઓ કરતાં વધારે રંગસૂત્રીય વિકૃતિઓ ઉત્પન્ન કરે છે. વળી, રોંજન એકમોની સંખ્યા સમાન રહેતી હોવા છતાં વધારે માત્રામાં અપાતી ટૂંકી ચિકિત્સા ઓછી માત્રામાં અપાતી લાંબી ચિકિત્સા કરતાં વધારે વિકૃતિઓ ઉત્પન્ન કરે છે. વિકિરણની તીવ્ર માત્રા સહિતની સતત અપાતી ચિકિત્સા ત્રુટક રીતે અપાતી ચિકિત્સા કરતાં વધારે વિકૃતિઓ પ્રેરે છે એટલે કે 600 rની એક માત્રા, 2004ની ત્રણ માત્રાઓ કરતાં વધારે વિકૃતિઓ ઉત્પન્ન કરે છે. પારજાંબલી કિરણો કરતાં ‘ઍક્સ’ વિકિરણ ઘણી વધારે રંગસૂત્રીય વિકૃતિઓ ઉત્પન્ન કરે છે.

આકૃતિ 2 : ડ્રોસોફિલામાં વિકિરણમાત્રા અને લિંગસહલગ્ન વિકૃતિઓના પ્રમાણ વચ્ચે સંબંધ

રાસાયણિક વિકૃતિપ્રેરકો : જોકે વિકિરણનો દુરુપયોગ કરવામાં આવે તો તે જૈવિક તંત્રને નુકસાનકારક છે; છતાં રાસાયણિક વિકૃતિ-પ્રેરકો મનુષ્ય માટે વિકિરણ કરતાં વધારે મુશ્કેલી સર્જે છે. સૌથી વધુ શક્તિશાળી રાસાયણિક વિકૃતપ્રેરકો નીચે પ્રમાણે છે :

(1) એલ્કિલન કારક (alkylating agents) પ્રક્રિયકો : મસ્ટાર્ડ ગૅસ [(ડાઇક્લોરો ઇથાઇલ સલ્ફાઇડ (S.CH2.CH2.Cl)2], સંબંધિત અને સમાન વિકૃતિપ્રેરક નાઇટ્રોજન મસ્ટાર્ડ [CH3N(CH2Cl)2] તેમજ અન્ય મસ્ટાર્ડ ક્લોરોઇથાઇલ સમૂહને લીધે જૈવિક રીતે ક્રિયાશીલ હોય છે. જૈવિક રીતે અગત્યના મહાઅણુઓ સાથે તેઓ એલ્કિલન-પ્રક્રિયા કરે છે. એપોક્સાઇડો, ઇથિલિન ઇમિનો અને આલ્કાઇલ મિથેન સલ્ફેનેટોમાં એલ્કિલનની શક્તિ રહેલી છે.

એલ્કિલીકરણ (alkylation) ખાસ કરીને DNAમાં રહેલા ગ્વાનિન પર અસર કરે છે. જોકે બૅક્ટેરિયોફેઝમાં રહેલ એક શૃંખલાયુક્ત DNAમાં ચારેય નાઇટ્રોજન-બેઝ પર અસર કરે છે. ગ્વાનિનનું એલ્કિલીકરણ થતાં એલ્કિલન ગ્વાનિન, સાયટોસિનને બદલે થાયમિન સાથે જોડાય છે. બીજા દ્વિગુણન વખતે થાયમિન ઍડિનાઇન સાથે જોડાય છે. અંતે G ≡ C બેઝ યુગ્મનું સંક્રમણ A = Tમાં થાય છે.

એલ્કિલન ગ્વાનિન DNAના માળખામાંથી છૂટો પડે છે, જેને ‘વિપ્યુરિનીકરણ’ (depurination) કહે છે. તેથી ‘વિપ્યુરિનીય અવકાશ’ (apurinic gap) ઉત્પન્ન થાય છે. આ અવકાશ અન્ય નાઇટ્રોજનબેઝ વડે પુરાય છે, જેથી સંક્રમણ (transition) કે અનુપ્રસ્થતા (transvertion) થાય છે. એલ્કિલન પ્રક્રિયકો વિકૃતિઓને પ્રતિવર્તી (revert) બનાવવા માટે અસમર્થ હોય છે.

તેઓ લોપની (deletion) ક્રિયાને પ્રેરે છે. તેઓ રંગસૂત્રની પુનર્ગોઠવણી (re-arrangement) માટે પણ જવાબદાર છે. તેમની જનીનિક અસરો ઍક્સ-કિરણોની સાથે અત્યંત સામ્ય દર્શાવતી હોવાથી તેમને વિકિરણ-અનુહારી (radiomimetic) પદાર્થો કહે છે.

રંગસૂત્રીય ખંડો વચ્ચે થતા પુન:સંયોગ(recombination)નો પણ એલ્કિલન પ્રક્રિયકો અવરોધ કરે છે; જે તેમની મૂળભૂત વિશિષ્ટતા છે. એલ્કિલન પ્રક્રિયકો તત્કાળ વિકૃતિ ઉત્પન્ન કરવા ઉપરાંત વ્યક્તિગત જનીનોમાં અસ્થાયિતા ઉત્પન્ન કરે છે. ડ્રોસોફિલા અને સૅકેરોમાયસિસ પૉમ્બ(ફિશન યીસ્ટ)માં તેના દ્વારા રંગસૂત્રીય ખંડન ધીમું થાય છે તેમજ વિકૃતિઓ ઉત્પન્ન થાય છે.

ઘણા એલ્કિલન વિકૃતિપ્રેરકો કૅન્સર-સ્તંભક (carcinostatic) છે. કેટલાક કૅન્સરજનક (carcinogenic) છે. કૅન્સરજનકતા (carcinogenicity) અને વિકૃતિપ્રેરકતા વચ્ચેનો સંબંધ જાણી શકાયો નથી. વિકૃતિપ્રેરકોની કૅન્સર-સ્તંભક પ્રક્રિયાઓ તેમની રંગસૂત્રખંડનશક્તિ સાથે સંબંધિત છે, કારણ કે રોગિષ્ઠ પેશીમાં રંગસૂત્રીયખંડન વિભાજન પામતા કોષોનો નાશ કરે છે. ઍલ્કિલન પ્રક્રિયકોમાં જેઓ બે કે તેથી વધારે ક્રિયાશીલ જૂથો (દા.ત., ક્લોરો ઇથાઇલ) ધરાવે છે, તેઓ કૅન્સર-સ્તંભક હોય છે.

(2) બેઝ-સમરૂપકો (analogue) : જ્યારે આ સમરૂપકો DNAમાં પ્રવેશે છે ત્યારે DNAના દ્વિગુણન દરમિયાન નૈસર્ગિક નાઇટ્રોજન બેઝની જોડનાં જોડાણોમાં ફેરફાર થાય છે અને A = Tમાંથી G ≡ C અથવા G ≡ Cમાંથી A = Tનું સંક્રમણ થાય છે. અનુકૂળ પરિસ્થિતિમાં 5 Bu (બ્રોમોયુરેસિલ) પિરિમિડીન બૅક્ટેરિયા અને વાઇરસના DNAમાં રહેલા ઘણાખરા થાયમિનનું વિસ્થાપન કરે છે અને તે વિકૃતિપ્રેરક પુરવાર થયેલ છે. ઍડિનાઇનનો સમરૂપક 2-એમીનોપ્યુરિન વધારે પ્રમાણમાં ભાગ લે છે.

થાયમિનને બદલે 5 Bu જોડાય ત્યારે તે નબળો વિકૃતિપ્રેરક છે, કારણ કે તેની ઍડિનાઇન સાથે જોડાણ પામવાની પસંદગી લગભગ થાયમિન જેટલી જ ઊંચી હોય છે; પરંતુ તેના અસામાન્ય ‘ઇનૉલ’ સ્વરૂપ વડે તે સાયટોસિન સાથે જોડાય છે, જે અંતે G ≡ Cનું A = Tમાં વિસ્થાપન કરે છે. 5 Bu દ્વારા થતી વિકૃતિ પ્રતિવર્તી હોય છે. 2-એમીનોપ્યુરિન ચોક્કસપણે વિકૃતિઓને પ્રતિવર્તી બનાવે છે. 2-એમીનોપ્યુરિન થાયમિનની સાથે ભળવાને બદલે સાયટોસિન સાથે જોડાય છે અને A = T બેઝ-જોડનું G ≡ C બેઝ-જોડમાં રૂપાંતર કરે છે.

બેઝ-સમરૂપકો ફૂગમાં વિકૃતિપ્રેરકો તરીકે પુરવાર થયા છે. તેઓ માનવકોષોના સંવર્ધન દરમિયાન રંગસૂત્રોનું ખંડન કરવા માટે સમર્થ છે.

(3) ઍક્રિડીનો : તેઓ ન્યૂક્લીઇક ઍસિડ સાથે પ્રક્રિયા કરી રંગસૂત્ર-ખંડન અને વિકૃતિને પ્રેરે છે. ઍક્રિડીન ઑરેન્જ અને પ્રોફ્લેવિનો અગત્યના ઍક્રિડીનો છે. રંગની પ્રકાશગતિશીલ (photodynamic) પ્રક્રિયાને લીધે અસરો થાય છે; દા.ત., તેઓ દૃશ્યમાન પ્રકાશમાં બીજા અણુઓને ઉત્તેજિત કરવાની શક્તિ ધરાવે છે. DNAની ન્યૂક્લિયૉટાઇડ વચ્ચે તે ગોઠવાય છે, જેથી અસરગ્રસ્ત શૃંખલાના દ્વિગુણનની પ્રક્રિયામાં ખલેલ પહોંચે છે; અને સામાન્ય શૃંખલામાં એક નાઇટ્રોજન-બેઝનો લોપ (deletion) કે નિવેશન (insertion) થાય છે અને માળખાકીય સ્થાનાંતર (frameshift) વિકૃતિઓ ઉત્પન્ન કરે છે. તેમની ત્રણ લાક્ષણિકતાઓ છે : (i) જનીનની ક્રિયાશીલતાની સંપૂર્ણ ગેરહાજરી. (ii) માત્ર બેઝમાં પરિવર્તન લાવતા પ્રક્રિયકો દ્વારા પ્રત્યાવર્તતા(reversibility)નો અભાવ. (iii) પૂરક પ્રકારની બીજાં માળખાકીય સ્થાનાંતરો દ્વારા અંશત: પ્રત્યાવર્તતાની શક્તિ ધરાવે છે. આ માળખાકીય સ્થાનાંતર પહેલાંના માળખાકીય સ્થાનાંતરની તદ્દન નજીક થાય છે, તેથી ક્રિયાશીલ પ્રોટીન ઉત્પન્ન થાય છે.

ઍક્રિડીન મસ્ટાર્ડના સ્વરૂપમાં ઍક્રિડીન (ઍક્રિડીન + મસ્ટાર્ડ) ફૂગમાં અને ડ્રોસોફિલામાં માળખાકીય સ્થાનાંતર દ્વારા વિકૃતિઓ ઉત્પન્ન કરે છે.

(4) નાઇટ્રસ ઍસિડ (HNO2) અને હાઇડ્રૉક્સિલેમાઇન (NH2OH) : નાઇટ્રસ ઍસિડ DNA અને RNAના ત્રણ N2 બેઝ  A, G અને Cનું વિનત્રલીકરણ કરે છે. ઍડિનાઇનના વિનત્રલીકરણથી હાઇપોઝેન્થિન બને છે, જેની રચના ગ્વાનિનને મળતી આવતી હોવાથી ઍડિનાઇનનું ગ્વાનિનમાં સંક્રમણ થાય છે. તેથી દ્વિકુંતલમય DNAમાં A = Tનું G ≡ Cમાં સંક્રમણ થાય છે. ગ્વાનિનનું વિનત્રલીકરણ થતાં ઝેન્થિન બને છે, જેના ગુણધર્મો ગ્વાનિન સાથે સામ્ય દર્શાવતા હોવાથી, કોઈ વિકૃતિ ઉદભવવાની શક્યતા રહેતી નથી. સાયટોસિનના વિનત્રલીકરણથી યુરેસિલ બને છે. RNAમાં ફેરફારથી જનીનસંકેત(genetic code)માં ફેરફાર થાય છે. DNAમાં દ્વિગુણનની ક્રિયા બાદ ફેરફાર થાય છે, કેમ કે યુરેસિલનું ઍડિનાઇનની સાથે જોડાવાનું વલણ હોય છે.

નાઇટ્રસ ઍસિડ દ્વારા લોપ પણ થાય છે. જો pH આંક નીચો રાખવામાં આવે તો તે એક અસરકારક વિકૃતિપ્રેરક છે.

હાઇડ્રૉક્સિલેમાઇન સાયટોસિન સાથે પસંદગીમય પ્રક્રિયા દર્શાવે છે. આ પ્રક્રિયા pH પર આધારિત હોય છે. pH અને વિકૃતિનું પ્રમાણ સમાંતરે જાય છે. સાયટોસિન સાથે પ્રક્રિયા થતાં G ≡ C બેઝ જોડનું A = Tમાં સંક્રમણ થાય છે. હાઇડ્રૉક્સિલેમાઇનની આ ઊંચી રાસાયણિક વિશેષતાને લીધે તે વિશિષ્ટ વિકૃતિપ્રેરક છે. આ પ્રક્રિયા માત્ર બૅક્ટેરિયોફેજ પૂરતી મર્યાદિત છે; જેની ચિકિત્સા આશ્રયદાતા બૅક્ટેરિયલ કોષની બહાર કરવામાં આવે છે. જ્યારે આ ચિકિત્સા આશ્રયદાતા કોષમાં આપવામાં આવે છે ત્યારે હાઇડ્રૉક્સિલેમાઇન ચારેય નાઇટ્રોજન-બેઝ પર પ્રક્રિયા કરી વિકૃતિઓ ઉત્પન્ન કરે છે.

વિકિરણ અને આલ્કાઇલેટિંગ પ્રક્રિયકો ઘણા પ્રકારના પાકમાં ઉપયોગી વિકૃત જાત(variety)ના સર્જનમાં મહત્વનો ભાગ ભજવે છે. સજીવની જાતિમાં ભિન્નતા ઉત્પન્ન કરવાની ક્ષમતા આ વિકૃતિ-પ્રેરકોમાં રહેલી છે. પ્રેરિત (induced) વિકૃતિ દ્વારા વધારે સારી જાત મેળવવાની વનસ્પતિ-ઉછેરની આ પદ્ધતિને વિકૃતિ-પ્રજનન (mutation breeding) કહે છે. જોકે મોટાભાગની વિકૃતિઓ અનિચ્છનીય હોય છે અને મોટાભાગની ઉપયોગી વિકૃતિઓ અસ્થાયી હોય છે, છતાં આ ક્ષેત્ર ગેરુવિરોધી કે વધુ ઉત્પાદન આપતી નવી જાતના સર્જનના સંશોધનમાં મદદરૂપ થઈ શકે તેમ છે.

બળદેવભાઈ પટેલ