વત્સદેશ : ઈ. પૂ. છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતનું એક મહત્વનું રાજ્ય. બૌદ્ધ ધર્મના ગ્રંથ ‘અંગુત્તર નિકાય’ તથા જૈન ધર્મના ગ્રંથ ‘ભગવતી- સૂત્ર’માં સોલ મહાજનપદોમાંના એક તરીકે તેનો ઉલ્લેખ મળે છે.

વત્સદેશ

વત્સનું રાજ્ય ઘણું સમૃદ્ધ અને ઉચ્ચ કક્ષાના સુતરાઉ કાપડ માટે જાણીતું હતું. તેનું પાટનગર કોસામ્બી યમુના નદીના ક્ધિાારે આવેલું હતું. ત્યાંનો રાજા ઉદયન ગૌતમ બુદ્ધ, મગધના અજાતશત્રુ તથા અવન્તિના રાજા પ્રદ્યોતનો સમકાલીન હતો અને ઈ. પૂ. છઠ્ઠી સદીમાં થઈ ગયો. ઉદયન ઘણો પ્રતાપી અને તેજસ્વી રાજા હતો અવન્તિના રાજા પ્રદ્યોત સાથે તેની સ્પર્ધાની રસપ્રદ અનુશ્રુતિઓ પ્રચલિત હતી. ઉદયનની ખ્યાતિ ઘણી વધારે હોવાથી પ્રદ્યોતને તેની ઈર્ષા આવતી. તેથી તેણે કપટ કરીને ઉદયનને કેદ કર્યો; પરંતુ પ્રદ્યોતની પુત્રી રાજકુમારી વાસવદત્તાને લઈને ઉદયન નાસી ગયો અને તેને પોતાની રાણી બનાવી. કવિ ભાસનું ‘સ્વપ્ન-વાસવદત્તા’ તથા હર્ષના ‘પ્રિયદર્શિકા’ તથા ‘રત્નાવલિ’ એ ત્રણેય સંસ્કૃત નાટકોનો નાયક ઉદયન છે. ઉદયને પાછળથી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. ઉદયનના અવસાન પછી મગધના સમ્રાટ શિશુનાગે વત્સ રાજ્ય જીતીને મગધ સાથે તેને જોડી દીધું હતું.

જયકુમાર ર. શુક્લ