વતનબે ઓસામુ (જ. 21 ઑક્ટોબર 1940; હોકાપડો, જાપાન) : જાપાનના કુસ્તીબાજ. કદાચ સર્વકાલીન સૌથી મહાન કુસ્તીબાજ. તેમની કારકિર્દી અત્યંત ટૂંકી રહી પરંતુ એ ટૂંકી કારકિર્દી દરમિયાન પણ તેમનો કદી પરાજય થયો ન હતો અથવા તેમના કરતાં કોઈનો વધારે સ્કોર પણ થયો ન હતો. 1996ની ટૉકિયો ઑલિમ્પિકમાં તેમનો વિજય થયો તે પૂર્વે તેઓ સળંગ 187 મૅચમાં વિજયી બન્યા હતા. ટૉકિયોમાં તેઓ ફેધરવેઇટ હેવીવેઇટ સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા હતા. એ ટુર્નામેન્ટમાં તેમણે એક પણ પૉઇન્ટ ગુમાવ્યા સિવાય, તમામ મૅચોમાં જીત મેળવી. આના પગલે 1962 તથા 1963માં વિશ્વ ચૅમ્પિયનશિપમાં પણ તેમણે જીત મેળવી. તેઓ અત્યંત મજબૂત ન હતા. પણ લડવામાં તેઓ અત્યંત ચપળ હતા અને તેમનું ટેક્નિકલ કૌશલ્ય તેમના યુગમાં અપ્રતિમ હતું.

મહેશ ચોકસી