વઢવાણ : ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો, તાલુકામથક (નગર) અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 22° 30´ અને 23° ઉ. અ. તથા 71° 15´થી 72° પૂ. રે. પર. તે ભોગાવો નદીને કાંઠે આવેલું છે. આ તાલુકાનું ક્ષેત્રફળ 794 ચોકિમી. છે. તેમાં સુરેન્દ્રનગર, જોરાવરનગર અને વઢવાણ નામનાં ત્રણ શહેરો તથા 46 જેટલાં ગામ આવેલાં છે. 2001 મુજબ તાલુકાની વસ્તી આશરે 3,16,225 જેટલી છે.
આ તાલુકાની મોટાભાગની જમીન કાળી છે, લાવારસની કાળી જમીનને ‘કરાળ’ તરીકે ઓળખાવાય છે. અહીંનું ભૂસ્તર ડેક્કન ટ્રૅપના ખડકો અને રેતીખડકોથી બનેલું છે. નળકાંઠા અને ભાલપ્રદેશની જમીનો ખારાશવાળી અને ફળદ્રૂપ છે.
આ તાલુકો કર્કવૃત્તથી નજીક અને દરિયાથી દૂર આવેલો છે; તેથી તેની આબોહવા વિષમ રહે છે. મે અને જાન્યુઆરીનાં ગુરુતમ અને લઘુતમ દૈનિક તાપમાન અનુક્રમ 42° સે. અને 26° સે. તથા 28° સે. અને 13° સે. જેટલાં રહે છે. ઉનાળામાં ક્યારેક 45° સે. જેટલું તાપમાન પણ થઈ જાય છે. ચોમાસા બાદ ઑક્ટોબરમાં તાપમાન વધે છે. પરંતુ તે પછી ક્રમશ: ઘટતું જાય છે. અહીં વરસાદ અનિયમિત પડે છે, સરેરાશ વરસાદ 487 મિમી. જેટલો પડે છે.
આ તાલુકામાં ભોગાવો નામની બે નદીઓ છે : વઢવાણ ભોગાવો અને લીંબડી ભોગાવો. વઢવાણ ભોગાવો ચોટીલા તાલુકાના નવાગામ પાસેથી નીકળીને નળસરોવરમાં ભળી જાય છે; તેના કાંઠા પર વઢવાણ, સાયલા, લીંબડી અને મૂળી તાલુકાઓનાં કેટલાંક ગામો આવેલાં છે, તેની લંબાઈ લગભગ 101 કિમી. જેટલી છે. લીંબડી ભોગાવો ચોટીલાના ભિમોરા ગામ પાસેથી નીકળી લીંબડી તાલુકાના ભાલ પ્રદેશમાં સમાઈ જાય છે, તેની લંબાઈ આશરે 99 કિમી. જેટલી છે.
તાલુકાનો જંગલ વિસ્તાર 137 ચોકિમી. જેટલો છે. અહીં બાવળ, ગાંડો બાવળ, ખાખરો, બોરડી, આવળ, ખેતરોની આજુબાજુ વડ, પીપળો, લીમડો, થોર જેવાં વૃક્ષો અને વનસ્પતિ જોવા મળે છે. સામાજિક વનીકરણ યોજના હેઠળ વૃક્ષો વવાયાં છે. વઢવાણના રેતી-ખડકોમાંથી ગોંડવાના કાળના ઉત્તરાર્ધકાળની વનસ્પતિના જીવાવશેષો મળે છે.
આ તાલુકામાં ગાયો, ભેંસો, ઘેટાંબકરાં, ઘોડા, ટટ્ટુ, ગધેડાં અને ડુક્કર જેવાં પાલતુ પ્રાણીઓ જોવા મળે છે. અહીં ગૌચર અને પડતર જમીનો સહિત આશરે 60 હજાર હેક્ટર જમીન વાવેતર માટે ઉપલબ્ધ છે, આ તાલુકામાં જુવાર, બાજરી, ઘઉં, કપાસ, મગફળી, તલ, એરંડા જેવા કૃષિપાકોનું વાવેતર થાય છે. તાલુકામાં કૂવા, વરસાદ અને ધોળીધજા બંધના પાણીથી સિંચાઈ થાય છે. સુરેન્દ્રનગરને પાણી-પુરવઠો પૂરો પડાયા પછી વધારાનું પાણી ખેતરોને અપાય છે.
અહીં શહેરી વસ્તી 65 % અને ગ્રામીણ 35 % જેટલી છે. અક્ષરજ્ઞાન ધરાવનારાઓનું પ્રમાણ આશરે 55 % જેટલું છે. અહીંના લોકો ખેતી, ખેતમજૂરી, બાંધકામ, ખાણકામ, પશુપાલન, ગૃહઉદ્યોગો, વેપાર, પરિવહનક્ષેત્ર તથા અન્ય નોકરીઓમાં રોકાયેલા છે.
શહેર : ભૌગોલિક સ્થાન : 22° 42´ ઉ. અ. અને 71° 40´ પૂ. રે. પર તે ભોગાવો નદીકાંઠે વસેલું છે. તે અમદાવાદથી 125 કિમી. અને રાજકોટથી 115 કિમી. દૂર આવેલું છે.
2001માં વઢવાણની વસ્તી 63,411 જેટલી છે, અક્ષરજ્ઞાન ધરાવતા લોકોનું પ્રમાણ 60 % જેટલું છે.
વઢવાણમાં 300 વર્ષ પૂર્વેથી ત્રાંબાપિત્તળ અને કાંસાનાં વાસણો બનાવવાનો ગૃહઉદ્યોગ ચાલે છે. ઘડતરનાં તેમજ પૉલિશવાળાં તરભાણાં, પંચપાત્ર, કોડિયાં, ગોળી, બેડાં બને છે. હવે કાંસાનાં વાસણોની માંગ ઘટી ગઈ છે. કુંભાર વિવિધ જાતનાં માટીનાં પાત્રો બનાવવામાં, કંસારાઓ વાસણ બનાવવામાં, ભાવસારો અને બ્રહ્મક્ષત્રિયો બાંધણીના ગૃહઉદ્યોગમાં રોકાયેલા છે. અહીં રાચરચીલું, લોખંડની ઘરવપરાશની ચીજો, રમકડાં, ટ્રૅક્ટરનાં ટ્રેઇલરો બનાવવામાં આવે છે. જૂના વખતમાં વઢવાણમાં સાબુ બનાવવાનો ઉદ્યોગ ખીલેલો, ત્યારે વજનમાં હલકો સાબુ બનતો. અત્યારે પણ જૈન સાધુઓ માટે રસાયણ વિનાનો સાબુ બને છે.
અહીં યાંત્રિક ઉદ્યોગ પણ વિકસ્યો છે. અનાજ દળવાની ઘંટીઓ અને બરફનાં બે કારખાનાં છે. ઇજનેરી એકમો સુરેન્દ્રનગર ધોરીમાર્ગ પર વિકસ્યા છે. 1968માં અહીં. જી. આઇ.ડી.સી. સ્થપાતાં સિમેન્ટ પાઇપ, સિમેન્ટ ટાઇલ્સ, ફાઉન્ડ્રી, વીજળીની મોટરો, દવાઓ, રસાયણો અને પ્લાસ્ટિકના ઉદ્યોગો વિકસ્યા છે. ઑઇલ મિલ અને હૅન્ડલૂમ હાઉસની વસાહત ઊભી થઈ છે. તાલુકામાં વિસ્તરેલા લઘુ ઉદ્યોગોના એકમો પૈકી મોટાભાગના એકમો વઢવાણ ખાતે છે. આ એકમો અહીંના લોકોને રોજી પૂરી પાડે છે.
શહેરના માર્કેટ યાર્ડમાં કપાસ, મગફળી, કઠોળ અને અનાજ આવે છે. વેપારીઓ અને ઉદ્યોગકારોની સગવડ માટે રાષ્ટ્રીયકૃત, સહકારી અને ગ્રામીણ બૅંકો સ્થપાઈ છે. વઢવાણ મીટરગેજ-બ્રૉડગેજ રેલ માર્ગોથી તથા રાજ્ય જિલ્લા માર્ગોથી આજુબાજુનાં શહેરો સાથે જોડાયેલું છે. શહેરમાં 46 કિમી.ના પાકા અને 20 કિમી.ના કાચા રસ્તાઓ છે.
વઢવાણ શહેર ફરતો કિલ્લો અને કોઠાઓ છે. પૂર્વ તરફ શિયાણી દરવાજો, પશ્ચિમ તરફ લાખુ દરવાજો અને ખાંડીપોળનો દરવાજો, ઉત્તર ભોગાવો નદી પર બારી, દક્ષિણ તરફ ખારવાની પોળનો દરવાજો તથા ધોળી ગામ જતો ધોળી પોળ દરવાજો આવેલા છે. દાજી રાજે બંધાવવો શરૂ કરેલ, પણ તેના અકાળ અવસાનથી અધૂરો રહેલ બે મજલાનો હવાઈ મહેલ, બાલચંદ્ર વિલાસ, સતી રાણકદેવીનું કોતરણીવાળું મંદિર અને તેનો પાળિયો ભોગાવો નદીને દક્ષિણ કાંઠે આવેલાં છે. જૂનાગઢના રાજવી રા’ખેંગાર અને તેના બે પુત્રોની લડાઈમાં સિદ્ધરાજ જયસિંહે હત્યા કર્યા બાદ તેની પત્ની રાણકદેવીને પકડીને રાણી બનાવવા આગ્રહ રાખતાં રાણકદેવી અહીં સતી બનેલી એવી અનુશ્રુતિ છે. રાણકદેવીનું સ્મારક આજે પણ અહીં ઊભું છે. વઢવાણના કિલ્લાનું કામ 802-915 દરમિયાન ચાવડા રાજવીના શાસન દરમિયાન થયેલું. સિદ્ધરાજે તેની મરામત પણ કરાવેલી. તેની સરેરાશ ઊંચાઈ 8 મીટર જેટલી છે.
વઢવાણ શહેરમાં અને શહેર બહાર તેરમી-ચૌદમી સદીમાં બંધાયેલી જોવાલાયક વાવ આવેલી છે. ચારેક તળાવો છે. અહીં જૈનોનાં દિગંબરશ્ર્વેતાંબર મંદિરો, હિન્દુ મંદિર, સ્વામીનારાયણનું મંદિર આવેલાં છે. ધર્મતળાવ નજીકના ચરમાળિયા નાગના મંદિરે નાગપંચમીનો મેળો ભરાય છે. શહેરમાં બાલમંદિરો, પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, શિક્ષકો માટેની તાલીમી કૉલેજ, છાત્રાલયો વગેરે આવેલાં છે.
કવિ દલપતરામ, મહાકવિ ન્હાનાલાલ, ચુનીલાલ વર્ધમાન શાહ, જુગતરામ દવે, નવલરામ ત્રિવેદી, દુર્ગેશ શુક્લ, મનુભાઈ પંચોળી, પ્રજારામ રાવળ વગેરે લેખકોનું વતન વઢવાણ છે.
ઇતિહાસ : વઢવાણ પ્રાચીન સમયમાં ‘વર્ધમાનપુરી’ નામે જાણીતું હતું અને જૈન ધર્મનું કેન્દ્ર હતું. અહીં ઈ. સ. 933માં આચાર્ય હરિષેણે ‘બૃહત્ કથાકોષ’ લખ્યો હતો. અહીં મહાવીર સ્વામીનાં પગલાં પડ્યાં હોવાથી, તે જૈનોનું યાત્રાધામ છે. બ્રિટિશ કાલ દરમિયાન તે વઢવાણ રાજ્યનું પાટનગર હતું. પાટણના સોલંકીઓ પછી વઢવાણ ઉપર વાઘેલા તથા ત્યારબાદ હળવદના ઝાલાઓની સત્તા હતી. જૂનાગઢના રા’ખેંગારની રાણી રાણકદેવી ત્યાં ભોગાવો નદીને કાંઠે સતી થઈ હતી એમ માનવામાં આવે છે. ઈ. સ. 1630માં હળવદના રાજા ચન્દ્રસિંહજીના જ્યેષ્ઠ પુત્ર પૃથ્વીરાજના પુત્ર રાજોજીએ વઢવાણમાં ઝાલા વંશની ગાદી સ્થાપી. તેનું 1642માં અવસાન થતાં એનો પુત્ર સબળસિંહ પહેલો ગાદીએ બેઠો. ઈ. સ. 1664માં શિવાજીએ સૂરત લૂંટ્યું ત્યારે મુઘલ સૂબેદાર મહાબતખાન સબળસિંહને લડવા માટે સાથે લઈ ગયો અને તેનું માન વધાર્યું હતું. તેના ભાઈ ઉદયસિંહે તેનું ખૂન કરીને સત્તા આંચકી લીધી. ઉદયસિંહ 1681માં અવસાન પામ્યો અને તેનો પુત્ર ભગતસિંહ ગાદીએ બેઠો.
વઢવાણની ગાદીના સ્થાપક રાજોજીનો પૌત્ર માધવસિંહ રાજસ્થાનના બુંદી અને પછી કોટામાં રહેતો હતો. તેના બે પુત્રો અર્જુનસિંહ તથા અભયસિંહે કોટાથી લશ્કર લાવી વઢવાણના દરબારમાં જઈ ભગતસિંહની હત્યા કરીને, ઈ. સ. 1707માં તેનું રાજ્ય બંને જણે વહેંચી લીધું. અર્જુનસિંહે વઢવાણનો પ્રદેશ રાખી, મુઘલ થાણદારને ત્યાંથી દૂર કર્યો. અભયસિંહે ચૂડા પરગણું હસ્તગત કર્યું.
અર્જુનસિંહના શાસન દરમિયાન અમદાવાદનો સૂબેદાર સરબુલંદખાન ખંડણી ઉઘરાવવા આવ્યો ત્યારે લડાઈ થઈ. છેવટે સમાધાન થતાં, ત્રણ લાખ રૂપિયા આપવા પડ્યા. વાંકાનેરમાં કેસરીસિંહને સત્તા અપાવવામાં અર્જુનસિંહે સહાય કરી. તેની કદર કરીને વાંકાનેર તરફથી વઢવાણને નાગનેશ પરગણું ભેટ આપવામાં આવ્યું હતું.
અર્જુનસિંહનો દીકરો સબળસિંહ નાગનેશમાં રહેતો હતો, તે દરમિયાન તેણે ઈ. સ. 1734માં રાણપુર પર હુમલો કર્યો. તેની ફરિયાદ મળતાં દામાજીરાવ ગાયકવાડે નાગનેશ પર હુમલો કરી, સબળસિંહને કેદ કરી વડોદરાની જેલમાં રાખ્યો. અર્જુનસિંહનું 1741માં અવસાન થતાં, વઢવાણના કેટલાક આગેવાનો વડોદરા ગયા અને સબળસિંહને છોડાવી લાવ્યા તથા ગાદીએ બેસાડ્યો. સબળસિંહ 2જો 1765માં મરણ પામ્યો. પછી તેના ત્રણ દીકરામાંનો જ્યેષ્ઠ ચંદ્રસિંહ ગાદીએ બેઠો. તેણે લીંબડીના રાજા હરભમજીને ભાદરના કાંઠે હરાવ્યો હતો. ઈ. સ. 1778માં ચંદ્રસિંહનું અવસાન થતાં, તેનો પુત્ર પ્રથીરાજ ગાદીએ બેઠો. લીંબડીમાં એ જ વરસે હરભમજીનું અવસાન થતાં હરિસિંહ સત્તા પર આવ્યો. તેણે પિતાની હારનો બદલો લેવા વઢવાણ પર ચડાઈ કરી, પરંતુ હારજીત વગર લડાઈ પૂરી થઈ.
ઈ. સ. 1805માં ઝાલા કુટુંબોમાં આંતરકલહ થયો. તેમાં ધ્રાંગધ્રાના અમરસિંહે લીંબડીના હરિસિંહ, સાયલાના વિકમાતજી તથા ચૂડાના હઠીસિંહને પોતાને મદદ કરવા બોલાવ્યા. તેઓ બધાએ વઢવાણ ઉપર ચડાઈ કરી. હરિસિંહે પ્રથીરાજને કડવા શબ્દો કહેવડાવતાં, પ્રથીરાજ ચિડાયો અને ધ્રાંગધ્રા તથા લીંબડીનાં ગામોમાં લૂંટફાટ કરવા લાગ્યો. છેવટે ભાટચારણોએ દરમિયાનગીરી કરી ઝાલાઓને શાંત પાડ્યા.
ઈ. સ. 1806માં પ્રથીરાજનું અવસાન થતાં એનો સગીર કુંવર જાલમસિંહ ગાદીએ બેઠો. એના વતી એનાં માતા રાજબા શાસન કરતાં હતાં. ઈ. સ. 1807-08માં વઢવાણ કર્નલ વૉકર અને ગાયકવાડી સરકારને ભરવાની ખંડણીના કરારમાં જોડાયું. રીજન્ટ માતા રાજબાએ રાજ્યને સમૃદ્ધ કરવા માટે ઘણો પરિશ્રમ કર્યો હતો. ઈ. સ. 1827માં જાલમસિંહનું યુવાનવયે અવસાન થતાં, તેના સગીર કુંવર રાજસિંહને ગાદીએ બેસાડી, વહીવટ કરવાનો અધિકાર તેની માતા બાજીરાજબાને આપવામાં આવ્યો. ઈ. સ. 1875માં રાજસિંહનું અવસાન થતાં, તેનો પૌત્ર (ચંદ્રસિંહનો પુત્ર) દાજીરાજ (જ. 20 જાન્યુઆરી, 1861) સગીર વયે ગાદીએ બેઠો, અને પોલિટિકલ એજન્ટે નીમેલા અધિકારીને વહીવટ સોંપવામાં આવ્યો. ઈ. સ. 1881માં દાજીરાજને શાસનસત્તા સોંપવામાં આવી. તેણે કાઠિયાવાડના પાલિટિકલ એજન્ટ મિ. વૉર્ડન સાથે ઈ. સ. 1883માં ઇંગ્લૅન્ડ અને યુરોપનો પ્રવાસ કર્યો. 5 મે, 1885ના દિવસે દાજીરાજ અપુત્ર મરણ પામ્યો. તેથી તેનો નાનો ભાઈ બાલસિંહ (કાલુભા) વઢવાણની ગાદીએ આવ્યો. તેણે 25 વર્ષ રાજ્ય કર્યું; પછી 25 મે, 1910ના રોજ તેનું અપુત્ર અવસાન થયું. તેથી તેના પછી, તેના કાકા બેચરસિંહનો પુત્ર જશવંતસિંહ ગાદીએ બેઠો. છ વરસ શાસન કરીને 22 ફેબ્રુઆરી, 1918ના દિવસે તેનું અવસાન થયું.
તેના પછી, તેનો પુત્ર જોરાવરસિંહ સગીર વયે ગાદીએ આવ્યો અને 16 જાન્યુઆરી, 1920ના રોજ પુખ્તવયનો થતાં શાસનનો હક સંભાળી લીધો. ઈ. સ. 1922ના નવેમ્બરમાં કાઠિયાવાડ રાજકીય પરિષદનું બીજું અધિવેશન અબ્બાસ તૈયબજીના પ્રમુખપદે ભરાયું હતું. વઢવાણ રેલવે-જંકશન તથા એજન્સીનું મથક હોવાથી એનો વિકાસ થયો હતો. 1925માં અગાઉના રાજા જશવંતસિંહની સ્મૃતિમાં રાજ્ય સરકારે હૉસ્પિટલ શરૂ કરી હતી. ત્યાં પ્રાથમિક શિક્ષણ મફત હતું અને 1921-22થી માધ્યમિક શિક્ષણની ફી પણ માફ કરવામાં આવી હતી. ઈ. સ. 1934માં જોરાવરસિંહનું અવસાન થયું.
સુરેન્દ્રસિંહ 1934માં સગીરવયે ગાદીએ બેઠો. તેની સગીરાવસ્થા દરમિયાન ત્રણ સભ્યોની બનેલી રિજન્સી કાઉન્સિલે વહીવટ સંભાળ્યો. વઢવાણમાં 1937માં કાન્તિ કૉટન મિલ શરૂ કરવામાં આવી. 1939માં લીંબડીમાંથી હિજરત થઈ ત્યારે ઘણા લોકો વઢવાણમાં રહેવા માટે આવ્યા હતા. પુખ્ત ઉંમર થતાં સુરેન્દ્રસિંહે 8 જૂન, 1942ના રોજ રાજ્યનો વહીવટ સંભાળી લીધો. 1945માં સુરેન્દ્રનગરમાં દેનાબૅંક શરૂ કરવામાં આવી. એના સમયમાં વઢવાણ કૅમ્પ નામ બદલી એને સુરેન્દ્રનગર નામ આપવામાં આવ્યું. સ્વતંત્રતા બાદ 1948માં વઢવાણ રાજ્યનું સૌરાષ્ટ્ર રાજ્ય સાથે વિલીનીકરણ થયું.
શિવપ્રસાદ રાજગોર, જયકુમાર ર. શુક્લ