વણઝરાબેદી, એસ. એસ.

January, 2005

વણઝરાબેદી, એસ. એસ. (જ. 1924, સિયાલકોટ [હાલ પાકિસ્તાનમાં]) : આ પંજાબી લેખકની કૃતિ ‘ગલિયે ચિકડ દૂરિ ઘર’ને 1988ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબીમાં એમ.એ.ની ડિગ્રી તથા દિલ્હી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી. મેળવી છે. કારકિર્દીના પ્રારંભમાં બૅંકમાં નોકરીમાં જોડાયા પછી તેઓ દિલ્હીની દયાલસિંગ કૉલેજમાં સિનિયર અધ્યાપક બન્યા. 1949થી 1952 સુધી તેમણે ‘ફત્તેહ’ નામના સાપ્તાહિક તથા ‘પ્રીતમ’ નામના માસિકનું સંપાદન સંભાળ્યું.

તેમણે 80 જેટલાં પુસ્તકો લખ્યાં છે. તેમાં 3 કાવ્યસંગ્રહો, 5 સાહિત્યિક વિવેચનના ગ્રંથો તથા પંજાબી લોકસાહિત્યનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમને 15 જેટલા પ્રતિષ્ઠિત સાહિત્યિક પુરસ્કારો મળેલા છે. તેમાં સાહિત્ય કલા પરિષદ ઍવૉર્ડનો પણ સમાવેશ થાય છે. તેઓ કેટલીક સાહિત્યિક તથા સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે.

આ પુરસ્કૃત કૃતિ આત્મકથાત્મક રચના છે; તેમાં લેખકના જીવનની કથા હોવા ઉપરાંત એક વ્યક્તિના સંપૂર્ણ જીવનદર્શનનો નવો આયામ પ્રગટાવે છે. આ કૃતિમાં મૌન તથા આત્માભિવ્યક્તિ વચ્ચે ઉલ્લેખનીય સમતુલા જળવાઈ છે. લેખકની વૈચારિક પ્રૌઢતા, અભિવ્યક્તિની નિષ્ઠા તથા શૈલીની સંસ્કારિતા જેવી વિશેષતાઓને કારણે કૃતિ મહત્વનું યોગદાન બની છે.

મહેશ ચોકસી