લોકઅદાલત : રાજ્ય કાનૂની સેવા સત્તામંડળોના ઉપક્રમે દીવાની અદાલતોના દરજ્જાવાળી, સંબંધિત બધા પક્ષકારોને સંતોષ થાય તેવા ઉકેલ શોધવા માટે રચવામાં આવેલી અદાલતો. કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ, 1987 હેઠળ તે રચવામાં આવતી હોય છે.

પ્રચલિત ન્યાયવિતરણની પદ્ધતિની લાંબી કાર્યવાહીના કારણે અને ચુકાદાઓને પડકારવાની અપીલો-રિવિઝનો –  રિટઅરજીઓના કાનૂની પ્રબંધોના પરિણામે ન્યાયતંત્ર પર કેસોનો ખડકલો થવા માંડ્યો; કામના પ્રમાણમાં ન્યાયાધીશોની નિમણૂક તદ્દન અપૂરતી રહી; અને વિધાનગૃહોમાં ઘડાતા કાયદાઓની સંખ્યામાં પણ ધરખમ વધારો થયો; ત્યારે એકાદ કેસનો આખરી નિકાલ આવતાં એકબે દસકા પણ ઓછા પડવા માંડ્યા હતા અને આટલા લાંબા વિલંબ પછી જે ચુકાદા આવતા તેને કેટલે અંશે ન્યાયિક કહેવાય એવા પ્રશ્ર્નો ઊભા થવા માંડ્યા. અલબત્ત, ન્યાયિક કાર્યવાહીમાં સહન કરવો પડતો અસહ્ય ખર્ચનો બોજ, વકીલોની ઑફિસે અને અદાલતોમાં ધક્કા ખાવાની હાડમારી અને અદાલતોના વાતાવરણમાં સર્જાતું અનૈતિક વાતાવરણ ઉપરાંત અનેક દુર્ગુણો પણ એમાં ઉમેરો કરતા હતા. આવડા મોટા બોજા હેઠળ ન્યાયતંત્ર કચડાઈ જશે એવો ભય વારંવાર વ્યક્ત થવા માંડ્યો. તેવા ઘોર નિરાશાજનક વાતાવરણમાં લોકઅદાલતનો જન્મ થયો.

ગુજરાતમાં પ્રથમ લોકઅદાલત ભરવામાં આવી સને 1982માં ઉના (જિ. જૂનાગઢ)માં. તે વખતે એવી સામાન્ય સમજણ હતી કે કૉર્ટની બહાર લોકોની વચ્ચે અને લોકો દ્વારા ઝઘડાઓનો નિકાલ લાવે એ લોકઅદાલત. પરિણામે અદાલતોથી ત્રાસેલા પ્રજાજનો લોકઅદાલતોમાં ટોળે વળવા માંડ્યા અને પોતપોતાના ટેકેદારોને તે વખતે હાજર રાખવા માંડ્યા. અગાઉ અદાલતોમાં ન્યાયાધીશો પણ જ્યાં સમાધાનની શક્યતા હોય ત્યાં સમાધાન કરાવતા અને પક્ષકારોની સહીઓ લઈ પોતાના ચુકાદા આપતા. પણ લોક-અદાલતોનો પવન જેમ જેમ વધતો ગયો એમ મોટર-અકસ્માતના વળતર માટેના કેસો અને લગ્નજીવનમાંના વિખવાદ અંગેના કેસ લોકઅદાલતોમાં ફાળવવા માંડ્યા. જ્યાં જ્યાં કાયદાના પ્રશ્ર્નોની ચર્ચા કે ઉકેલ વિના સામાન્ય સમજથી તકરારોનો ઉકેલ આવતો ત્યાં ત્યાં એવી તકરારો લોકઅદાલતો સમક્ષ મુકાવા માંડી, અને લોકઅદાલતોમાં મૂકવામાં આવેલા નિર્ણાયકો કંઈક સામાજિક માન્યતા ખાતર અને કંઈક શોખને ખાતર તેમજ વર્ચસ્ સ્થાપવા માટે પોતાની સેવા આપવા માંડ્યા. પરિણામે ન્યાયતંત્રની બહાર સામાજિક વાતાવરણ વચ્ચે અને લોકબોલીમાં તકરારોની ચર્ચા કરીને ટૂંકા સમયમાં પ્રશ્ર્નોના વહેવારિક ઉકેલ આવવા માંડ્યા અને ઘણી મોટી સંખ્યાના કેસોનો નિકાલ થવા માંડ્યો. અને એટલે અંશે ન્યાયતંત્ર પરનો બોજો ઓછો થવા માંડ્યો. વળી, બંને પક્ષ વચ્ચે થતા સમાધાનના પરિણામે જ લોકઅદાલત દ્વારા નિર્ણય થતા હોવાથી એની સામે કોઈ અપીલ થઈ શકતી નહિ અને પછી વિલંબની કોઈ શક્યતા રહી નહિ.

અગાઉ કરવા પડતા અસહ્ય ખર્ચના કારણે તેમજ ન્યાયની કાર્યવાહી અનેક વર્ષો પછી પૂરી થતી હોવાથી મુકાબલો અસમાન પક્ષકારો વચ્ચે થતો, ગરીબ અને શ્રીમંત વચ્ચે થતો અને પરિણામે લાંબો સમય વીતી જતાં શ્રીમંત તેમજ સમર્થ પક્ષકાર લાંબા ગાળે જીતી જતો. લોકઅદાલતો યોજાવા માંડી તે પછી એમાં ઘણો ફેરફાર થયો. વળી લોકઅદાલત ભરાય તે વખતે ગામના માણસો પણ હાજર રહેતા હોવાથી એક પ્રકારનો નૈતિક પ્રભાવ પણ કામ કરવા માંડ્યો.

કોઈ સ્થળે લોકઅદાલત યોજવાનું નક્કી થાય ત્યારે વકીલમંડળ જરૂરી ઠરાવો કરે છે. પક્ષકારોની સંમતિથી તેમના કેસ લોકઅદાલત સમક્ષ મૂકવામાં આવે તે પહેલાં પક્ષકારોને લોકઅદાલતની તારીખ, સમય અને સ્થળની જાણ કરવામાં આવે છે. આવા પક્ષકારો લોકઅદાલતમાં હાજર થાય ત્યારે તેમનો કેસ સમાધાન પંચ પાસે રજૂ થાય છે, જેમાં ઍડવોકેટ અને ગામના સામાજિક કાર્યકરો વગેરેનો સમાવેશ થાય છે. તેઓ કેસની ચર્ચા વખતે પક્ષકારોને સમજાવીને તેમની વચ્ચેનું અંતર ઘટાડવા અને તકરારનો વ્યાવહારિક ઉકેલ કરવા પ્રયત્ન કરે છે. પક્ષકારોની તકરારનું નિવારણ થાય તો તે મુજબ લેખિત સમાધાન નોંધવામાં આવે છે, જે સંબંધકર્તા ન્યાયાધીશ સમક્ષ રજૂ થાય છે અને ન્યાયાધીશ કાયદા મુજબનો આદેશ ફરમાવે છે અને કેસનો નિકાલ કરે છે. તેથી પક્ષકારોને અદાલતમાં આવવા-જવાનો, કે સાક્ષીઓ લાવવાનો ખર્ચ થતો નથી તેમજ અપીલ-રિવિઝનનો ખર્ચ પણ થતો નથી. ઉપરાંત સમયનો પણ બચાવ થાય છે. લોકઅદાલતમાં ફેંસલો થતાં કેસમાં ભરેલી કૉર્ટ-ફી કાયદા મુજબ પરત કરવામાં આવે છે અને લોકઅદાલતમાં આવેલો ચુકાદો આખરી ગણાય છે.

લોકઅદાલતની પ્રવૃત્તિને વેગ મળે કે ઉત્તેજન મળે તે માટે જુદા જુદા વિજયપદ્મો અથવા કપ વિશિષ્ટ દેખાવ કરનાર સમિતિ, અદાલત, વકીલમંડળ કે સત્તામંડળને આપવામાં આવે છે.

સને 1987માં પ્રવર્તમાન લોકઅદાલતની કાર્યવાહીને વૈધાનિક સ્વરૂપ મળ્યું. સમાજના નબળા વર્ગોને નિ:શુલ્ક કાયદાકીય સેવા આપવા માટે તેમજ તમામ વર્ગોને સમાન તક આપી લોકઅદાલતો યોજી શકાય એ માટે કાનૂની સેવા સત્તામંડળ ધારો રચવામાં આવ્યો અને 1994માં એમાં વિશેષ સુધારાઓ થયા. આ કાયદા પ્રમાણે રાષ્ટ્રીય કક્ષાએ, હાઇકૉર્ટ-કક્ષાએ, જિલ્લા-અદાલતની કક્ષાએ અને તાલુકા કક્ષાએ કાનૂની સેવા-સમિતિઓની રચના કરવામાં આવી અને તે બધા માટે નાણાંની જોગવાઈ કરવામાં આવી. રાષ્ટ્રીય કક્ષાએ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ, રાજ્યકક્ષાએ વડી અદાલતના વર્તમાન કે નિવૃત્ત ન્યાયાધીશ, જિલ્લા કક્ષાએ જિલ્લા-ન્યાયાધીશ અને તાલુકા-કક્ષાએ તાલુકાના ન્યાયાધીશ આવી સમિતિના અધ્યક્ષ બને છે, જે વકીલમંડળોનો, સરકારી ખાતાંનો, બિનસરકારી સામાજિક કલ્યાણ સંસ્થાઓનો તેમજ યુનિવર્સિટીઓ અને કૉલેજો જેવી શિક્ષણસંસ્થાઓનો સહકાર મેળવે છે.

આ કાયદાના પ્રકરણ 6માં લોકઅદાલતની જોગવાઈ છે. આવી દરેક લોકઅદાલતમાં વિદ્યમાન કે નિવૃત્ત ન્યાયાધીશો અને લાયકાત ધરાવતી ઇતર વ્યક્તિઓ નીમવામાં આવે છે અને તેમની સમક્ષ કૉર્ટમાંના કે કૉર્ટ બહારના કેસ મૂકવામાં આવે છે. જો બંને પક્ષકારો આ બાબતમાં કબૂલ થાય, અથવા એક પક્ષકાર પોતાનો કેસ લોકઅદાલતમાં મૂકવા વિનંતી કરે અને કૉર્ટને સમાધાન કે પતાવટ થવાની શક્યતા દેખાતી હોય તો એવો કેસ લોકઅદાલત સમક્ષ મુકાય છે. લોકઅદાલતમાં બંને પક્ષકારોને પૂરેપૂરા સાંભળીને જો સમાધાન કે પતાવટ થાય તો લોકઅદાલત તે મુજબ પોતાનો ઍવૉર્ડ (નિર્ણય) આપે છે. પણ જો સમાધાન કે પતાવટ ન થાય તો કેસનું રેકર્ડ કૉર્ટને પાછું મોકલે છે. લોકઅદાલતે જાહેર કરેલા દરેક ઍવૉર્ડ કૉર્ટના હુકમનામા જેવો ગણાય છે અને પક્ષકારોને બંધનકર્તા હોય છે. તે ચુકાદા સામે અપીલ થઈ શકતી નથી.

આમ ગુજરાતમાંથી શરૂ થયેલી લોકઅદાલતની પ્રવૃત્તિએ કાયદાનું સ્વરૂપ ધારણ કર્યું અને એ સમગ્ર દેશમાં વ્યાપી ગઈ. પણ આજેય લોકઅદાલતક્ષેત્રે ગુજરાત મોખરે છે, અને સર્વત્ર એનો દાખલો દેવાય છે. તેમજ એની પ્રવૃત્તિ નિહાળવા ભારતભરના ન્યાયાધીશો અને કાયદાના વહીવટ સાથે સંકળાયેલા અધિકારીઓ ગુજરાતમાં આવે છે.

ચિનુપ્રસાદ વૈ. જાની