લોકઅભિપ્રાય : દેશની મોટાભાગની પ્રજાનો કોઈ એક બાબત પરત્વેનો અભિપ્રાય-મત. લોકશાહીમાં અંતિમ સત્તા લોકો પાસે હોય છે. લોકો જેને ઇચ્છે તેને સત્તાનાં સૂત્રો સોંપી શકે છે. સામાન્ય ચૂંટણીમાં જે રાજકીય પક્ષ સૌથી વધુ પ્રમાણમાં લોકોના મત મેળવે છે તે સત્તાસ્થાને આવે છે. લોકોના મત વધુ ને વધુ પ્રમાણમાં મેળવવા માટે લોકઅભિપ્રાયને રાજકીય પક્ષો પોતપોતાની તરફ વાળવા માટે સતત પ્રયત્નશીલ રહે છે તેથી લોકશાહી સરકારમાં લોકઅભિપ્રાય-લોકમત કેન્દ્રસ્થાને હોય છે. તેની અગત્ય સૌથી વધુ હોય છે. લોકશાહી અને રાજકીય પક્ષો માટે તે પ્રાણવાયુ સમાન છે. આ ભૂમિકાને ધ્યાનમાં રાખીને વિચારતાં જણાય છે કે આધુનિક સમયમાં લોકઅભિપ્રાય શબ્દનો અવારનવાર ઉપયોગ કરવામાં આવે છે; જેમ કે, લોકઅભિપ્રાય સરકારની તરફેણમાં છે કે પછી વિરુદ્ધમાં છે અથવા તો અમુક મુદ્દા, બનાવ, પ્રશ્ન ઉપર લોકઅભિપ્રાય ઉગ્ર છે અથવા નરમ છે. સામાન્ય રીતે લોકઅભિપ્રાય એટલે લોકોએ વ્યક્ત કરેલ અભિપ્રાય, મત કે ઇચ્છા. આ રીતે જ્યારે કોઈ પણ બાબત, બનાવ, પ્રસંગ, કાનૂન, નીતિ વગેરે અંગે લોકો પોતાનો અભિપ્રાય-મત કે ઇચ્છાને વ્યક્ત કરે છે ત્યારે લોકઅભિપ્રાય વ્યક્ત થાય છે તેમ કહેવામાં આવે છે. જોકે લોકઅભિપ્રાય એટલે બહુ લોકોનો અભિપ્રાય એટલો સીમિત અર્થ નથી.

લૉર્ડ બ્રાઇસ લોકઅભિપ્રાયના અર્થને સમજાવતાં લખે છે : ‘સામાન્ય રીતે જે બાબતો પ્રજાને અસર કરે છે અથવા તો જેમાં લોકોને રસ પડે છે તેના વિશે જ્યારે લોકો સમાન વિચારો ધરાવે ત્યારે તેને લોકઅભિપ્રાય કહેવામાં આવે છે.’ લૉવેલ લોકઅભિપ્રાયને સમજાવતાં જણાવે છે કે ‘લોકશાહીમાં યોગ્ય પ્રવર્તક બળ ગણાવવા માટે લોકઅભિપ્રાય ખરેખર લોકોનો હોવો જોઈએ. આ માટે તે બહુમતીના અભિપ્રાય કરતાં કંઈક વિશેષ હોવો જોઈએ, પરંતુ આ માટે એ જરૂરી નથી કે તે તમામનો અભિપ્રાય હોય. અભિપ્રાયમત એવો હોવો જોઈએ કે લઘુમતી તેમાં સૂર ન પુરાવતી હોવા છતાં પણ તેનો સ્વીકાર કરવાનું માન્ય રાખે.’ આ રીતે લૉવેલ ભારપૂર્વક જણાવે છે કે લોકઅભિપ્રાયને જો ખરેખર લોકઅભિપ્રાય ગણવો હોય તો લઘુમતી પણ સ્વેચ્છાએ તેનો સ્વીકાર કરે એવું થવું જોઈએ. બીજા શબ્દોમાં તે વ્યાપક સંદર્ભમાં યોગ્ય, ઉચિત અને વાજબી હોય તે આવદૃશ્યક છે. લોકઅભિપ્રાયને અવગણી શકાય નહિ. આ રીતે જ્યારે અમુક મુદ્દા, બનાવ, પ્રશ્ન, વિચાર ઉપર લોકઅભિપ્રાય તરફેણમાં છે તેમ કહેવામાં આવે છે ત્યારે તેનો અર્થ એવો કરવામાં આવે છે કે બહુમતી અમુક વિચારની તરફેણ કરે છે અને લઘુમતી બહુમતીના નિર્ણયો સાથે અસંમત હોવા છતાં પણ સ્વેચ્છાએ તેનો સ્વીકાર કરે છે.

પ્રા. રોજર એચ. સૉલ્ટો રાજકીય જીવનની વાસ્તવિક બાજુને કેન્દ્રમાં રાખીને લોકઅભિપ્રાય અંગે લખે છે : ‘રાજકારણમાં પ્રજા જે વિચારે છે અથવા તેના અમુક વિચારને જાહેરમાં વ્યક્ત કરે છે તે લોકઅભિપ્રાય નથી; પરંતુ તે જે વિચારને હકીકતમાં અસરકારક બનાવવા માગતી હોય તે લોકઅભિપ્રાય ગણાય છે. એવી ઘણી બાબતો છે જે લોકોને ગમે અને ન પણ ગમે; પરંતુ જે બાબત તેને ગમે તેની તે માગણી કરે અને જે ન ગમે તેનો વિરોધ કરે તે રાજકારણમાં અગત્યની બાબત છે. લોકઅભિપ્રાય એટલો તો ચોક્કસ હોવો જોઈએ કે જેથી તેને કાયદામાં અને નીતિવિષયક નિર્ણયમાં ફેરવી શકાય, ભલે પછી લોકોના ટેકા પર આધાર રાખતી સરકાર તેનો સ્વીકારઅમલ કરે કે ન કરે.’

જેને લોકઅભિપ્રાય કહેવામાં આવે છે તેની સામે એવી ટીકા કરવામાં આવે છે કે ‘તેમાં લોકો પણ હોતા નથી અને અભિપ્રાય પણ. આ ટીકામાં સત્યાંશ રહેલો છે. મોટાભાગની બાબતો ઉપર જે લોકઅભિપ્રાય પ્રવર્તતો હોય છે તે ખરેખર બહુમતીનો નહિ, પરંતુ લઘુમતીનો અભિપ્રાય હોય છે. સ્થાપિત હિત ધરાવતી વ્યક્તિઓ અથવા તો પ્રજાના અમુક લાડીલા નેતાઓના અભિપ્રાયો જ્યારે વ્યક્ત થાય છે ત્યારે તેને લોકઅભિપ્રાય તરીકે સ્વીકારી લેવામાં આવે છે. પ્રા. ગેટલ લોકઅભિપ્રાય કોને કહેવાય તે અંગે જણાવે છે : ‘અભિપ્રાયમતની બાબતમાં એમ કહી શકાય કે એ વિચારણા હેઠળના પ્રશ્ન પરત્વેના વ્યાપક અને ચોક્કસ જ્ઞાન ઉપર તેમજ તર્કબદ્ધ નિર્ણય ઉપર બંધાયેલ હોવો જરૂરી છે. કહેવાતા કેટલાક નિર્ણયો કાં તો પૂર્વગ્રહો, ઉતાવળા નિર્ણયો અથવા રૂઢિગત માન્યતાઓનો પરિપાક હોય છે.’

સંગીન અને અસરકારક લોકઅભિપ્રાય ઘડવા માટે કેટલીક જરૂરિયાતો રજૂ કરવામાં આવી છે. આ જરૂરિયાતો આ પ્રમાણે છે : શિક્ષિત પ્રજા, જાહેર પ્રશ્ર્નોની બાબતોમાં લોકોની જાગૃતિ, રાજકીય નેતાઓમાં પ્રામાણિકતા, લોકઅભિપ્રાય વ્યક્ત કરવાની તેમજ ચર્ચા કરવાની સ્વતંત્રતા, લઘુમતીઓના પોતાના વિચારો  અભિપ્રાયો જાળવી રાખવાના આગ્રહનો સ્વીકાર. લઘુમતી પણ બહુમતીના વિચારનો સ્વીકાર કરે તે જરૂરી છે. લોકોને જાણકારી મેળવવાનો હક હોવો જોઈએ. લોકોને પૂરતા પ્રમાણમાં યોગ્ય, સાચી અને તટસ્થ માહિતી મળવી જોઈએ. આ જરૂરિયાતો સંતોષાતી હોય ત્યારે સાચો લોકઅભિપ્રાય પેદા થાય છે.

લોકઅભિપ્રાયને આકાર આપતાંતેને ઘડનારાં કેટલાંક સાધનો છે; જેમ કે, રાજકીય પક્ષો, હિતજૂથો અને દાબજૂથો, ધારાસભા-સંસદ, વર્તમાનપત્રો, સામયિકો, પુસ્તકો, ભીંતપત્રો, ચોપાનિયાં, ફિલ્મ, રેડિયો, ટેલિવિઝન, ભવાઈ, શેરીનાટકો, દેવળ-મંદિરો, શૈક્ષણિક સંસ્થાઓ, સભા-સરઘસો વગેરે. આ તબક્કે એક બાબત ધ્યાનમાં રાખવી જરૂરી બને છે કે ઉપર જણાવેલાં સાધનોનો ઉપયોગ માત્ર લોકઅભિપ્રાયના ઘડતરનું જ કાર્ય કરવા માટે કરવામાં આવતો નથી; પરંતુ એ કાર્ય ઉપરાંત આ સાધનોનો ઉપયોગ લોકઅભિપ્રાયને વ્યક્ત કરવા માટે તેમજ લોકઅભિપ્રાયને પોતાની તરફેણમાં વાળવા-લાવવા-ખેંચવા માટે પણ કરવામાં આવે છે. આમ લોકઅભિપ્રાય લોકશાહી રાજકીય જીવનની ધરી છે.

બિનલોકશાહી રાજકીય પદ્ધતિઓમાં લોકઅભિપ્રાય પ્રવર્તતો હોય છે; પરંતુ સામાન્ય રીતે તે સક્રિય નહિ પણ સુષુપ્ત જોવા મળે છે. રાજાશાહી, સરમુખત્યારશાહી, લશ્કરી શાસનો, સામ્યવાદ વગેરે જેવી બિનલોકશાહી પદ્ધતિઓમાં અભિવ્યક્તિના માર્ગો બંધ હોય છે. આથી લોકઅભિપ્રાય પ્રવર્તતો હોવા છતાં ખુલ્લેઆમ, પ્રગટ સ્વરૂપે તે જોવા મળતો નથી. પરિણામે કોઈક વાર અણધારી ઘટના બને ત્યારે લોકઅભિપ્રાય તે ઘટનાની આસપાસ વીંટળાઈને વ્યક્ત થાય છે. વધુમાં લોકઅભિપ્રાયનું આવી પદ્ધતિઓમાં અતિશય દમન થાય ત્યારે તે રાજકીય વિસ્ફોટ કે ક્રાંતિનો માર્ગ પસંદ કરે છે. આમ નાની કે મોટી, લોકશાહી કે બિનલોકશાહી રાજકીય પદ્ધતિ ચોક્કસપણે લોકઅભિપ્રાય ધરાવતી હોય છે.

ધર્મેન્દ્રસિંહ દિલાવરસિંહ ઝાલા