લેઓપાર્દી, જાકોમો

January, 2005

લેઓપાર્દી, જાકોમો (જ. 29 જૂન 1798, રીકાનાતી, પેપલ સ્ટેટ્સ, ઇટાલી; અ. 14 જૂન 1837, નેપલ્સ) : ઇટાલિયન કવિ, તત્વજ્ઞાની અને સાક્ષર. પોતાના વિદ્વત્તાપૂર્ણ ચિંતનશીલ ગ્રંથો અને ઉત્તમ ઊર્મિકાવ્યો થકી તેઓ ઓગણીસમી સદીના એક મૂર્ધન્ય સાહિત્યકારની પ્રતિષ્ઠા પામ્યા છે. ઉંમરના પ્રમાણમાં ઘણા સમજણા અને પીઢ, પરંતુ જન્મજાત ખોડખાંપણ ધરાવતા લેઓપાર્દીનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો. તેમના ગૃહશિક્ષકો (tutors) દ્વારા શીખવા જેવું બધું જ તેઓ શીખી ગયેલા. 16 વર્ષની વયે તો જાતે ગ્રીક, લૅટિન અને કેટલીક યુરોપની આધુનિક ભાષાઓ પર પ્રભુત્વ મેળવી લીધું હતું. કેટલાક શિષ્ટ ગ્રંથોના તેમણે અનુવાદ કર્યા હતા. આ ઉપરાંત તેમણે ઇટાલિયન ભાષામાં કરુણ નાટકો, કાવ્યો અને પાંડિત્યપૂર્ણ અવલોકનો કર્યાં હતાં. તેઓ રાતદિવસ અભ્યાસમાં રચ્યાપચ્યા રહેતા. આની અસર તેમની તબિયત પર થઈ. પાછળથી તેમની દૃષ્ટિને ઝાંખપ લાગી અને એક આંખની દૃષ્ટિ હંમેશ માટે ગુમાવી. તેમનાં મગજ અને કરોડરજ્જુની ગ્રંથિ પર પણ અસર થઈ. લાંબા સમય માટે તેમને અભ્યાસથી વિમુખ થવું પડ્યું. વળી માબાપ તરફથી પણ સરિયામ ઉપેક્ષા મળી. પરંતુ આ બધાયમાં મીઠી વીરડી સમો સહોદર ભાઈબહેનનો નિર્વ્યાજ સ્નેહ તેમને સાંપડ્યો અને આના ફલસ્વરૂપે તે સમયની તેમની આશા-નિરાશાની ઉત્કટ લાગણીઓ વ્યક્ત કરતાં ઊર્મિકાવ્યો રચાયાં. ‘ઍપ્રિસામેન્તો દેલા મૉર્તે’ (1816, 1835, ‘એપ્રોચ ઑવ્ ડેથ’) તેમનો ટર્ઝા રિમા છંદમાં રચાયેલો પૅટ્રાર્ક અને દાન્તેની પરંપરાને કુશળતાપૂર્વક જાળવતો નિરાશાની લાગણીથી તરબતર કાવ્યસંગ્રહ છે.

જાકોમો લેઓપાર્દી

1917-18માં લેઓપાર્દીના જીવનનો રહ્યોસહ્યો આશાવાદ ઓગળી ગયો. પરિણીત ભત્રીજી ગર્ટ્રુડ કેસી સાથેનો તેમનો પ્રણયસંબંધ તૂટી ગયો. ‘દિઆરિયૉ દેમૉર’માં અને પ્રશસ્તિકાવ્ય ‘ઇલ પ્રાઇમો ઍમૉર’માં ગર્ટ્રુડ વિશેની એમની ઉત્કટ લાગણીઓ વ્યક્ત થઈ છે. ‘અ સિલ્વિયા’ તેમનાં ઊર્મિકાવ્યોમાં શિરમોર છે. તેમાં પોતાના પિતાના કોચવાનની પુત્રી ફૅતોરિનીના અકાળ મૃત્યુની દર્દભરી વાત છે.

1818માં પીત્રો ગિઓર્દાની જેવા મહાન દેશભક્ત અને વિદ્વાનના પરિચયે તેમને ગૃહત્યાગ કરવાની પ્રેરણા આપી. કવિ રોમમાં ભાગી ગયા અને ત્યારપછી છેક 1824માં ઘેર પરત આવ્યા. ‘કેંઝીની’ (1824) આ સમયનો કાવ્યસંગ્રહ છે. ઇટાલીમાં બૉલૉના, પીસા, ફ્લૉરેન્સ જેવાં સ્થળોએ રઝળપાટ કર્યા પછી તેમણે ‘વર્સી’ (1826) કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો. ‘ઑપરેત મૉરાલી’ (1827, માઇનર મૉરલ વર્કસ) સંવાદના રૂપમાં લખાયેલો નિરાશાપરક કાવ્યસંગ્રહ છે. પછીથી મિત્રોની આર્થિક મદદથી ‘આઇ કાન્તી’ (1831) કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ કર્યો. ફ્લૉરેન્સની એક રૂપકડી મહિલા ફેની તાર્જિયોની તોઝેતી સાથેના એક નિષ્ફળ પ્રેમના પ્રતિભાવમાંથી આ કાવ્યો લખાયાં છે. છેવટે નેપલ્સમાં સ્થાયી થઈને તેમણે ‘જિનેસ્ત્રા’ (1836) નામના દીર્ઘકાવ્યની રચના કરી. કૉલેરાથી તેમનું અકાળે અવસાન થયું હતું.

જેમ્સ ટૉમ્પસને ‘એસેઝ ડાયલૉગ્ઝ ઍન્ડ થૉટ્સ’ (1905) શીર્ષક તળે તેમનાં ગદ્યલખાણોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. જે. પી. બારિસેલીએ ‘પોએમ્સ’(1963)માં તેમનાં શ્રેષ્ઠ કાવ્યોનો અનુવાદ આપ્યો છે.

વિ. પ્ર. ત્રિવેદી