લેઑકોઑન (શિલ્પ) (Laocoon)

January, 2005

લેઑકોઑન (શિલ્પ) (Laocoon): પ્રાચીન ગ્રીક આરસ-શિલ્પ. તે કૉર્ટિલ દેલ બેલવેડર, વૅટિકનમાં આવેલું છે. તેમાં એપૉલોના ટ્રોજન પાદરી લેઑકોઑન તથા તેમના 2 પુત્રો પર સર્પોના આક્રમણનો વિષય કંડારાયો છે. લેઑકોઑનના અવસાનને ટ્રોજનો તેમના શહેર માટેની એક અપશુકનરૂપ ઘટના જ નહિ, પણ દેવી એથીનાએ ફરમાવેલી એક પ્રકારની સજા પણ માનતા હતા; કેમ કે, ગ્રીકો જે લાકડાનો ઘોડો ત્યજી ગયા હતા તેના પર પાદરીએ ભાલો ફેંક્યો હતો.

લેઑકોઑન (શિલ્પ)

આ શિલ્પ 2.42 મી. ઊંચું છે અને 1506માં તે રોમમાં ફરીથી મળી આવ્યું હતું. એ શિલ્પની ભારે પ્રશંસા થવા લાગી અને તેની અનેક અનુકૃતિઓ પણ થઈ. સોળમી સદીના ઉત્તરાર્ધમાં અનિયંત્રિત ભાવાવેશના પ્રતીક તરીકે તેની ખૂબ પ્રશંસા થઈ હતી. ચિત્રકારો માઇકલૅન્જેલો, ટિશ્યોં, એલ ગ્રેકો તથા પીટર પૉલ રુબેન્સે તેનો આદર્શ નમૂના તરીકે ઉપયોગ કર્યો. ગટેએ તેના વિશે સારી રીતે લખાણ કર્યું છે. જી. ઈ. લેસિંગે સૌંદર્યશાસ્ત્ર અંગેના પોતાના પુસ્તક(1766)ને એ નામ આપ્યું હતું. પ્લિની, ધી એલ્ડરે તેમના પુસ્તક ‘હિસ્ટૉરિયા નૅચરાલિસ’(પ્રથમ સદી)માં આ શિલ્પના સર્જક તરીકે ઍજસૅન્ડર, ઍથેનોડૉરસ તથા પૉલિડૉરસનાં નામો આપ્યાં છે. શિલ્પનો સર્જનકાળ સુનિશ્ચિત નથી. જો તે ગ્રીક સમયનું હોય તો તે ઈ. પૂ. બીજીથી પહેલી સદીનું હોય અને જો તે રોમન સમયનું હોય તો ઈસવી સનની પહેલી સદીનું હોઈ શકે. ગ્રીકકાલીન શિલ્પસર્જનના તીવ્ર મનોભાવો તથા સંવેદનાઓ લેઑકોઑન શિલ્પમાં મૂર્તિમંત બન્યાં છે. આ વિશ્વખ્યાત શિલ્પકૃતિમાં મૃત્યુનો સંઘર્ષ ગતિશીલ તથા જોશીલા અંગભાવોથી આલેખાયો છે અને કોઈ પણ જાતના વિઘાતક પાશમાંથી છૂટવાની માનવીની મથામણનું તે સ્મરણીય પ્રતીક નીવડ્યું છે.

મહેશ ચોકસી