લલિત (જ. 3૦ જૂન 1877, જૂનાગઢ; અ. 24 માર્ચ 1947) : ગુજરાતી કવિ. ‘લલિત’ તેમનું ઉપનામ છે. આખું નામ જન્મશંકર મહાશંકર બૂચ. માતા સાર્થકગૌરી તરફથી સંગીતના સંસ્કાર અને પિતા મહાશંકર તરફથી સાહિત્યના સંસ્કાર સાંપડ્યા હતા. પ્રાથમિક શિક્ષણ જૂનાગઢ અને રાજકોટમાં લીધું. 19૦3માં ગોંડળમાં સંગ્રામજી હાઇસ્કૂલમાં નોકરી કરી. 19૦8થી 191૦ સુધી રાજકોટમાં ‘કાઠિયાવાડ ટાઇમ્સ’નું તંત્રીપદ સંભાળ્યું. સાથે સાથે એજન્સીની સનદથી અદાલતોમાં ભાષાંતર કરી આપવાનું કાર્ય પણ કર્યું. 1913થી 192૦ સુધી વડોદરામાં લોકોપદેશક તરીકે સેવા આપી. 1921થી 1925 મુંબઈના રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાં ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યાપકનું કાર્ય કરી 1938માં નિવૃત્તિ લીધી.

1895થી ‘ચંદ્ર’ માસિકમાં કવિતા મોકલવાનું તેમણે શરૂ કરેલું. ‘લલિતનાં કાવ્યો’, ‘વડોદરાને વડલે’ (1914), ‘લલિતનાં બીજાં કાવ્યો’ (1934) તે એમના કાવ્યસંગ્રહો છે. ‘લલિતનો રણકાર’ (1951) મરણોત્તર પ્રકાશિત થયેલો કાવ્યગ્રંથ છે. તેમનું ‘સીતા-વનવાસ’ (19૦3–19૦4) નાટક તે સમયમાં પ્રખ્યાત થયેલું.

સ્વદેશભક્તિ અને પ્રભુભક્તિ, નારીહૃદય અને દામ્પત્યપ્રેમ, જીવનસૌન્દર્ય અને પ્રકૃતિપ્રેમ તેમની કવિતાના મુખ્ય વિષયો છે. તેમણે ત્રણેક ખંડકાવ્યો, બાળગીતો તેમ જ વ્યક્તિચરિત્રાત્મક કાવ્યો આપ્યાં છે. ગુજરાત–સૌરાષ્ટ્રમાં મંજીરા સાથે ભક્તિરસની લહાણ કરનાર કવિ તરીકે અને વિશેષે ‘મઢૂલી મજાની પેલે તીર’ એ કાવ્યના કવિ અને ગાયક તરીકે તેઓ જાણીતા છે.

વીણા શેઠ